વાદ પ્રતિવાદ
બેટી બચાવ-બેટી પઢાવ- બેટી વસાવ: શિક્ષા ઈસ્લામિક બંધારણમાં મહત્ત્વનો સિદ્ધાંત
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
હઝરત મહંમદ સાહેબ કહે છે કે, ‘પ્રત્યેક મુસલમાન પર શિક્ષિત થવું બંધનકર્તા છે. યોગ્ય શિક્ષકોથી તે પ્રાપ્ત કરી ઈચ્છીતીઓને પ્રદાન કરો. અલ્લાહના આદેશથી જ્ઞાન-પ્રકાશ પ્રસારવો, આદર્શ કર્મ છે. જ્ઞાનની શોધ સ્તુતિ છે. તેની ચર્ચા અલ્લાહની પ્રશંસા છે. તેનો સદોપયોગ જેહાદ (અલ્લાહના માર્ગમાં કોશિશ છે.)
- ‘નિરીકક્ષકને શિક્ષિત કરવો દાન છે.’
- ‘જ્ઞાન વૃદ્ધિ અલ્લાહ સમીપ જવાનો માર્ગ છે.’
- આ સંદેશમાં ‘મુસ્લિમ’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
- જે મોમીન છે અર્થાત્ સાચો ઈમાની મુસલમાન છે- જેણે ઈસ્લામને સ્વીકાર્યો છે તે સર્વે સ્ત્રી-પુરુષ, આબાલ-વૃદ્ધ મુસ્લિમ છે અને તેમના પર જ્ઞાન પ્રાપ્તિ ફરજિયાત છે.
- મુસ્લિમ પુરુષની તુલનામાં મહિલા શિક્ષણને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે તેવો આક્ષેપ સામાન્યત્ કરવામાં આવે છે. આ નિવેદનમાં તથ્ય છે.
- મુસ્લિમ (ઈસ્લામિક નહીં) રાષ્ટ્રોમાં બંને જાતિઓ વચ્ચે શિક્ષણની અસમાનતા ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે.
- કોઈપણ સમાજના આર્થિક, સામાજિક અને રાજદ્વારી વિકાસમાં શિક્ષણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
- મુસ્લિમોની અર્ધી વસ્તી- મહિલાઓને ઈસ્લામે પ્રતિપાદન કરેલા મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે તો સ્પષ્ટ છે કે માનવ અધિકાર સક્રિઓ (હ્યુમન રાઈટ્સ ક્રરીટકો)ને આલોચના કરવાનું કારણ મળી જાય.
- તાજેતરમાં એક મુસ્લિમ રાષ્ટ્રે મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થિનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
- મુસ્લિમ સમાજ માટે આ પરિસ્થિતિ શોભાસ્પદ નથી.
- શિક્ષા ઈસ્લામિક બંધારણમાં મહત્ત્વનો સિદ્ધાંત છે.
- પયગંબર સાહેબને પ્રથમ સંદેશ ‘ઈક્રા’નો પ્રાપ્ત થયો. તેનો અર્થ છે વાંચન. શિક્ષાના મહત્ત્વ વિશે આ પયગામ ઘણું કહી જાય છે.
- મુસ્લિમો પર શિક્ષા ગ્રહણ કર્તવ્ય, અનિવાર્ય અને બંધનકર્તા છે.
પવિત્ર કુરાનમાં જ્ઞાનની મહત્તા અને ભવ્યતાનું વર્ણન ૫૦૦થી વધુ વાર કરવામાં આવ્યું છે. - ખરેખર અલ્લાહના સંદેશ વાહકોની ફરજ અને જવાબદારી ઉમ્મત (પ્રજા- અનુયાયી)ને શિક્ષિત અને સમજદાર કરવાની હતી.
- સામાન્યત્ ઈસ્લામિક આદેશો પુરુષોને સંબોધી પ્રગટ કરવામાં આવે છે, પરંતુ તે મહિલાઓને પણ લાગુ પડે છે. આ સિદ્ધાંત રદ કરવામાં આવે તો ઈસ્લામના પાયાના ક્રિયાકાંડો જેવા કે નમાઝ, રોજા (અપવાસ) વગેરેમાંથી ખાતુઓને મુક્તિ મળી જાય.
જાણવા જેવું:
- યુદ્ધમાં પકડાયેલા શિક્ષિત યુદ્ધકેદીઓને પયગંબરે ઈસ્લામ હઝરત મહંમદ સાહેબ રોકી રાખતા. સ્પષ્ટ છે કે તેઓ ઈસ્લામિક જ્ઞાન ધરાવતા નહીં હતાં. પરંતુ રોજિંદા જીવનના વ્યવહારુ જ્ઞાનમાં પ્રવીણ હતા. તેમનો શિક્ષક તરીકે ઉપયોગ કરી મુસ્લિમ યુવકો- યુવતીઓને આધુનિક જ્ઞાનથી પરિચિત કરતા.
આથી ફલિત થાય છે કે ઈસ્લામ માત્ર ધાર્મિક જ્ઞાન પર્યંત સીમિત ન રહી વ્યવહારુ જ્ઞાનનો પણ આગ્રહી છે.
ધર્મસંદેશ:
- દિવ્ય કુરાન ઘોષણા કરે છે કે, કહો શું શિક્ષિત અને અશિક્ષિત સમાન છે? તેથી શિક્ષિત જ સલાહ- સૂચનો પ્રાપ્ત કરી શકે છે. અલ્લાહના બંદાઓમાંથી માત્ર શિક્ષિતો જ તેનાથી ડરે છે. નિ:શક અલ્લાહ પ્રભુત્વશાળી અને ક્ષમાશીલ છે. (પ્રકરણ ૩૫: આયત- શ્ર્લોક ૨૮)
અંતિમ સંદેશવાહક હઝરત મહંમદ સાહેબ કહે છે, સ્ત્રી અને પુરુષના ભેદભાવ વગર પ્રત્યેક શિક્ષિત થવા કર્તવ્યનિષ્ઠ છે. - આપ હુઝૂર અન્ય સ્થળે કહે છે કે શિક્ષિત થવા ચીન જવું પડે તો જાવ (તે સમયમાં ચીન જવું ઘણું જ કષ્ટદાયી હતું) અર્થાત્ શિક્ષિત થવા જે કંઈ પણ શક્ય હોય તે કરી છૂટો.
- આબિદ લાખાણી
સનાતન સત્ય:
મહિલાઓએ પયગંબર સાહેબને રાવ કરી કે પુરુષો શિક્ષા પ્રાપ્તિમાં અમારાથી આગળ છે. અમારા માટે પણ શિક્ષણનો એક દિવસ નિર્ધારિત કરો.
આપ હુઝૂરે અનવર (સલ.)એ તેમની વિનંતી માન્ય રાખી.
- આપ તે દિવસે ખાતુઓને જાતે જ મળતા અને પાઠ ભણાવતા.
સાપ્તાહિક સંદેશ:
‘ભ્રષ્ટાચારમુક્ત અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં માતા અને શિક્ષકની નિર્ણાયક ભૂમિકા છે.’
- પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ