વાદ પ્રતિવાદ

શું દુન્યવી દુ:ખો, કષ્ટો, આપત્તિઓ ઈન્સાન તકદીર પ્રમાણે સાથે લઈને જ જન્મે છે?: હર સવાલ કા એક હી જવાબ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

ઈસ્લામ ૭૨ ફીરકાની પાંચસોથી અધિક જમાતોમાં ફેલાયેલો છે.

  • દુનિયાનો એક પણ ખૂણો એવો નહીં હોય જ્યાં થોડી પણ સંખ્યામાં મુસલમાન વસતા નહીં હશે.
  • પરંતુ અન્ય સમાજો-કૌમોની તુલનામાં મુસ્લિમ કૌમમાં ગરીબી અને અશિક્ષિતોની સંખ્યા વધુ છે.

-અને આ માટેના કારણોમાં એક નોંધનિય કારણ એ છે કે સમાજમાં ફેલાએલી એક મોટી ગેરસમજ છે કે-

  • દુન્યવી તકલીફો, કષ્ટો, મુસીબતો, ગરીબી, દુ:ખો, યાતનાઓ માનવી તેના કિસ્મત-તકદીર પ્રમાણે સાથે લઈને જ જન્મે છે અને આ બધું પહેલેથી જ લખાયેલું હોય છે.
    -અલ્લાહ કુરાનમાં સ્પષ્ટ ફરમાવે છે કે-
  • ‘…હું જીવ માત્ર માટે કૃપાની વર્ષા કરું છું.’
  • મારા રહેમોકરમની કોઈ સીમા નથી. તે અસીમ છે.
  • માનવમાત્ર મારા પ્રિય બંદા છે.
  • તેમને તકલીફ પહોંચે તેવું હું કદી વિચારી પણ ન શકું.
  • આમાં લોકોની ગેરસમજ છે. તેઓ જે દુ:ખો અને ગરીબી ભોગવે છે તે મારી હીદાયત (સલાહ) અને હુકમોના અનાદરનું જ પરિણામ છે.

આપણી મોટી મોટી કોરપોરેટ ઑફિસો અને ઔદ્યોગિક સંકુલનોને ચલાવવા માટે એવી વ્યવસ્થા કરવી પડે છે જેથી માલિક અથવા ડિરેક્ટરને વચ્ચે દખલ કરવાની જરૂર ન પડે. ખુદાવંદે કરીમ તો એટલો મહાન સર્જનહાર છે કે આ વિશ્ર્વના સંપૂર્ણ નિઝામ (વ્યવસ્થા)ને સ્વયંસંચાલિત બનાવી દીધેલ છે. દુનિયા જે રીતે ચાલે છે એ બધું અલ્લાહ જાણતો હોય છે, પરંતુ તેની વ્યવસ્થા એટલી જડબેસલાક છે કે માનવીના વર્તમાન, ભૂત અને ભવિષ્યના કોઈપણ કામમાં વચ્ચે આવવાની જરૂર પડતી નથી.

મનુષ્ય માટે આ વ્યવસ્થામાં સૌપ્રથમ હીદાયત આવે છે. આ માટે કુરાને પાક જોવું સંપૂર્ણ બંધારણ લોકોની ભલાઈ માટે અલ્લાહતઆલાએ મોકલી આપ્યું, એટલું જ નહીં પરંતુ કુરાને કરીમના આદેશો-ઉપદેશો પ્રમાણે જીવન કેમ જીવી શકાય અને એ શકય છે કે નહીં તે બતાવવા પોતાના રસૂલ સલ્લલ્લાહો અલૈયહિવસલામને આ સરજમીન પર મોકલ્યા અને સાબિત કરી આપ્યું કે ઈસ્લામિક હુકમો પ્રમાણે જીવન જીવી શકાય છે.

આવા મહાન દયાળુ અલ્લાહ પાકે માનવીના સુખચેન માટે કઈ વ્યવસ્થા નથી કરી તે વિચારો અને છતાં આપણે અલ્લાહના હુકમનો અનાદર કરીને આપણી મનઘડત કલ્પનાઓ પ્રમાણે અમન-ચમન સાથે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે આપણા જ હાથે દુ:ખ, યાતના, ગરીબી જેવી બાબતો પેદા કરીએ તેમાં જવાબદારી આપણી પોતાની જ છે જેમાં શંકાને કોઈ સ્થાન નથી. હોવી પણ ન જોઈએ.

દુનિયામાંથી ગરીબી દૂર કરવાના આસાન ઉપાય માટે અલ્લાહતઆલાએ કુરાને મજિદમાં વારંવાર તાકીદ કરી છે કે મોમીન પોતાની ઊપજ અને આવકમાંથી ગરીબો-હાજતમંદો માટે જકાત કાઢતા રહે અને આ જકાત એટલે મોમીનની બચતના માત્ર અઢી ટકા. આ વાજીબ હુકમ હોવા છતાં આપણે કેટલા બેદરકાર છીએ. જો પ્રત્યેક મુસ્લિમ મોમીન આ હુકમનો એકસો ટકા અમલ કરે તો મુસલમાન સમાજમાંથી ગરીબી નાબૂદ થઈ જાય. ભલે લોકો માલદાર ન બને, પરંતુ જીવનની પ્રાથમિક જરૂરિયાતો તે જરૂર મેળવી શકે.

અલ્લાહતઆલાએ દૌલતમંદોને માત્ર હીદાયત નથી આપી. ગરીબોને-હાજતમંદોને પણ એવી જ સખત તાકીદ કરી છે. તમે કોઈ જ સામે હાથ લાંબો ન કરો. મહેનત, મજૂરી અને ખેતી કરીને જે મળે તેજ હલાલ રોજી છે. વગર મહેનતની કોઈપણ આવક હરામ છે. માલદારો પાસેથી જકાત મળશે તેની વાટ જોઈને બેસી ન રહો. માલદારો અને ગરીબો બંને જો અલ્લાહની આ હીદાયત પર અમલ કરે તો ગરીબી અને દુ:ખો જરૂર નાબૂદ થઈ શકે. આવી રીતે અલ્લાહ પાકે માનવીને જીવન જીવવાની કળા કુરાને મજીદ અને શરીઅત દ્વારા શીખવી છે. આ પ્રમાણે અલ્લાહના હુકમનો અમલ કરતા રહીએ તો સુખ, શાંતિ અને કામિયાબી આપવાનો તેણે વાયદો કર્યો છે. આનો અર્થ એવો પણ નથી કે આપણો સર્જનહાર આપણી અજમાયેશ યાને પરીક્ષા નહીં કરે. આખેરતનો હિસાબ તો અલગ છે, પરંતુ દુનિયામાં પણ થોડા માલ, ભૂખ અને ઔલાદ દ્વારા આપણી અજમાયેશ તે કરતો
રહે છે.

શેઠનો હુકમ ન માનીએ, મનફાવે તેવો અમલ કરીએ અને છતાં પગાર વધારવા માટે રોજેરોજ માગણી કરતા રહીએ તો શેઠનો શો જવાબ મળે છે તેનો આપણને અનુભવ છે. ત્યારે અલ્લાહતઆલા પાસે આનાથી જુદા પ્રકારની ઉમ્મીદ કેમ રાખી શકાય? તેના હુકમનો અમલ ન કરીએ એટલે દુ:ખ, યાતના અને ગરીબીને સામે ચાલીને નોતરતા રહેવાના. પ્રામાણિકપણે સાચા મનથી વિચારીએ તો સોટકા દોષ આપણો પોતાનો જ છે, એ સત્યને સ્વીકારી લેવો હિતમાં છે.

-શમીમ એમ. પટેલ
(ભરૂચ, ગુજરાત)


દુઆ બેડો પાર કરે
અરબી ભાષામાં એક શબ્દ છે ‘રહમતુલિલ્ત
આલમિન’. જેનો સરળ ગુજરાતીમાં અર્થ થાય છે.-

  • ‘…હે અલ્લાહ! હું તારી પનાહ ચાહું છું. આ વાતથી કે મારી ઉપર કોઈ વસ્તુ ગબડી પડે (એટલે માથા પર કોઈ ચીજ પડે અને ઝખ્મી (ઈજાગ્રસ્ત) થઈ જાય) અથવા તો હું કોઈ વસ્તુ પરથી ગબડી પડું અને હું તારી પનાહ લઉં છું ડૂબવાથી, સળગી જવાથી અને સખત બુઢાપાથી અને હું તારી પનાહ (શરણ) લઉં છું આ વાતથી કે મૃત્યુ વખતે સેતાન મન બહેકાવે (ગેરમાર્ગે અસમંજસમાં નાખે) અને હું તારી પનાહ લઉં છું આ વાતથી કે ઝેરીલા જંતુઓનાં ડંખવાથી મૃત્યુ પામું.
  • ‘હે અલ્લાહ! હું તારી પનાહ લઉં છું. નાપસંદિત અખ્લાક (ચારિત્ર્ય)થી, ખરાબ આમાલ (અપકૃત્યો)થી નફસ (મનેચ્છાની) ઈચ્છાઓથી અને તમામ પ્રકારની બીમારીઓથી.’
  • ‘હે અલ્લાહ! હું તારાથી તે બધી સારી વાતો માગું છું, જે તારા નબી મુહંમદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ તારાથી માગી છે અને એ તમામ ખરાબ વાતોની બુરાઈથી.’
  • ‘હે અલ્લાહ! હું તારી પનાહ ચાહું છું, રહેણાકનાં ઘરમાં ખરાબ પાડોશીથી, કારણ કે જંગલ (સફર)નો પાડોશી ચાલ્યો પણ જાય છે, અને સખત ભૂખથી કારણ કે તે પથારીની ખરાબ સાથી છે અને ખયાનતથી કારણ કે તે માનવ અંતરની ખરાબ ટેવ છે.’
  • ‘હે અલ્લાહ! હું તારાથી પનાહ ચાહું છું એવા ઈલ્મ (જ્ઞાન)થી જે નફો (લાભ)ન પહોંચાડે અને એવા દિલથી જે તારાથી ડરે નહીં અને એવી દુઆથી જે કબૂલ ન થાય અને એવા નફસ (મન)થી જે ધરાય નહીં.’
  • ‘હે અલ્લાહ! હું તારી પનાહ ચાહું છું જીદ, નિફાક (વિરોધ, વેર) અને તમામ ખરાબ અખ્લાક (ચારિત્ર્ય)થી.’
  • ‘હે અલ્લાહ મારા તમામ ગુનાહ માફ કરી દે. ચાહે તે મેં ઈરાદપૂર્વક કર્યા હોય યા મઝાક-મશ્કરીમાં યા ભૂલથી યા જાણીબુઝીને અને આવા તમામ પ્રકારના ગુનાહ મારી ગરદન પર છે. યા અલ્લાહ! આ સર્વે ગુનાહ માફ ફરમાવી દે. આમીન (તથાસ્તુ).

-સુજ્ઞ વાચકો! આ દુઆઓ ઉમ્મતિઓને તાલીમ (ઈલ્મો જ્ઞાન) માટે પયગંબરે ઈસ્લામ, નબીએ કરીમ (સ.અ.વ.) શિખવાડી છે તેની નોંધ લેશો તેમજ દુઆ કરતી વખતે શરૂમાં અને છેવટમાં દરૂદશરીફ બિસ્મિલ્લાહહિર્ર ર્રહમાન નિર્રહિમ… અલ્લાહુમ્મા સલ્લેરઅલામુહમ્મદિવ… પઢવું ઘણું જ ફાયદાકારક છે. આનાથી દુઆ જલદી કબૂલ થાય છે અને સેતાનની ભ્રમ જાળમાં ફસાવવાનો ડર રહેતો નથી.

-યાદ રહે! સાચા માર્ગે માગેલી દુઆ જરૂર કબૂલ થાય છે. બારગાહે ઈલાહીમાં દુઆ કબૂલ થવામાં ક્યારેક દેર હોય છે પણ અંધેર નહીં.
નેકી તેરે સાથ ચલેગી બાબા,
સાથ યેહી એક બાત ચલેગી…


સાપ્તાહિક સંદેશ:
-નિષ્ફળતામાં સફળતા
નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, ગબડ્યા પછી ત્યાં પડ્યા રહેવામાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button