વાદ પ્રતિવાદ

કુરાને પાકમાં અલ્લાહનો વાયદો: તમે મને યાદ કરશો તો હું તમને યાદ કરીશ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

જેની કોઈ સીમા નથી અને જે અનંત – અસીમ છે તે એક માત્ર અને માત્ર અલ્લાહ જ છે. અલ્લાહ અલ્લાહ છે અને બંદો બંદો છે.

  • અલ્લાહ બંદામાં દાખલ થતો નથી કે આવતો જતો નથી કે સમાતો નથી. કારણ કે શરૂમાં કહ્યું તેમ અલ્લાહની કોઈ સીમા નથી, જ્યારે બંદાની તો એક સીમાં છે, એક લક્ષ્મણ રેખા છે – ચોક્કસ મર્યાદા છે.
  • અલ્લાતઆલા ફકત એક અને એક છે.
  • તેનો કોઈ ઈબાદતમાં સાથીદાર, ભાગીદાર નથી.
  • હંમેશાથી છે અને હંમેશા રહેનાર છે.
  • તેનો કોઈ ભાગીદાર નથી.
  • તેના જેવો બીજો કોઈ નથી.
  • તેનો કોઈ પોષક નથી.
  • તેની ભલામણ કરનાર કોઈ નથી.
  • તેના કામમાં દખલ અંદાજી કરનાર કોઈ નથી.
  • તે નિરાકાર છે.
  • તેનો કોઈ આકાર, પ્રકાર નથી.
  • ન તે કોઈની કૂખે જન્મ્યો છે ન તેની કૂખે કોઈએ જન્મ લીધો છે. કણ કણ મેં ભગવાન.
  • તે હાઝિર (ઉપસ્થિત) છે અને નાઝિર અદૃષ્ય પણ છે.
  • એવો આ વણદેખ્યો અલ્લાહ છે જે
  • અક્કલમાં આવતો નથી.
  • બુદ્ધિમાં સમાતો નથી.
  • સમજમાં આવતો નથી.
  • ન વજન કરી શકાય છે.
  • ન માપી શકાય છે.
  • ન તેની કોઈ સીમા છે.
  • ન તે કોઈ દિશામાં છે.
  • ન તે કોઈ એક બાજુ છે.
  • ન તો કોઈ બીજી બાજુ છે.
  • એવો આ આસમાન અને સૃષ્ટિનો સર્જક કે જે
  • બદનથી પોતે પાક છે, પવિત્ર છે.
  • ન તેનું કોઈ શરીર છે.
  • ન શરીરનો કોઈ ભાગ.
  • ન તેની કોઈ લિમિટ છે.
  • ન તેનો કોઈ પ્રતિસ્પર્ધી છે.
  • ઊંઘ – નિંદથી પાક છે.
  • પત્ની-બાળકોથી પાક છે.
  • તેને સાંભળનાર કોઈ નથી.
  • શક્તિ કે તાકતમાં તેના મુકાબલે કોઈ નથી.
  • જાતપાતથી પાક છે.
  • ઝબાન (જીભ)થી પાક છે.
  • સ્થળ – રહેઠાણથી પાક છે.
  • પણ સાંભળો, સાંભળો અય મોમિનો! ધ્યાનથી સાંભળો અય મોમિન બંધુઓ! તેનો વજુદ (હસ્તી) છે અને જરૂર છે, નિર્વિવાદ છે, નિ:સંકોચ છે.
  • કણકણમાં તે છે.
  • બૂંદબૂંદમાં તે છે.
  • રોમેરોમમાં તે છે.
  • અમારી જાન, માલ, મિલકત, આલ, ઔલાદનો તે
    માલિક છે.
  • તે જે ઈચ્છે છે, જ્યારે ઈચ્છે તે થઈ જાય છે.
  • યાદ કરો એ મેઅરાજની રાત્રિનો પ્રસંગ! જ્યારે અલ્લાહના મહબૂબ, તાજદારે મદીના પયગંબરે ખુદા હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વઆલેહી સલ્લમ (સલ.)એ ઉચ્ચ મકામ સુધી પહોંચ્યા હતા જ્યાં એકાંતમાં અલ્લાહતઆલાએ પોતાના મહબૂબથી મુખાતિબ (રૂબરૂ) થઈને પૂછયું હતું કે –
  • હે મારા મહબૂબ! આજે હું તમને કઈ કઈ ફઝિલત (મહાનતા) અતા ફરમાવું?
  • કયો મર્તબો (પ્રતિષ્ઠા) અર્પણ કરું?
  • કઈ મંઝિલ ઉપર તમને બેસાડું?
  • મારા મહબૂબ! તમે શું ઈચ્છો છો?
  • જે ઈચ્છશો હું તમને તેજ આપીશ…!
  • આટલી બૂલંદી પર જઈને હુઝૂરે અનવર (સલ.)થી રબ તબારક વ તઆલા પૂછી રહ્યો છે, મહબૂબ તમારી પાસે બધું જ છે – બધા જ મર્તબા અને બધી જ ફઝિલતો (કૃપાઓ, પ્રતિષ્ઠા, બરકતો) તમારા કદમોની નીચે છે; બતાઓ તમને કયા શર્ફ (સન્માન)થી નવાઝું?

ત્યારે નબીએ પાક, હુઝૂરે કરીમે (સલ.) અરજ કરી, ‘હે મારા અલ્લાહ! તું આપવાવાળો, હું લેવાવાળો! તારા કરમથી બધું જ મળી ગયું છે. હવે શું માગુ! તો પણ આજે મેઅરાજની રાત્રે તું મારાથી કહી રહ્યો છે કે બીજું કઈ માગી લો. તો મારી એક ઈલ્તિજા (વિનંતી, આરઝૂ, ઈચ્છા) છે કે એક વખત તું મને તારો બંદો કહીને પોકાર!

‘હે અલ્લાહ! સમગ્ર જીવન હું તને કહેતો રહ્યો અલ્લાહ… અલ્લાહ… અલ્લાહ… એકાંતમાં, બધા સમક્ષ, સવારે પણ, સાંજે પણ, દિવસે, રાતે મને તો કહેવું જ પડતું હતું અલ્લાહ… અલ્લાહ… અલ્લાહ… આ મજા તો છે પણ કમાલ નથી.

‘કમાલ આ છે કે, આજ પછી તું પણ કહ્યા કરે તું મારો બંદો, તું મારો બંદો, તું મારો બંદો.’

મહબૂબ (સલ.)નો આ તકાજો રબ તબારક વ તઆલાએ કુરાને પાકમાં વાયદો ફરમાવી દીધો અને કહ્યું, ‘મહબૂબ! જઈને પોતાની ઉમ્મતને મારો આ પૈયામ સંભળાવી દો: ફઝકુરુની અઝકુરકુમ.’
અર્થાત્: ‘તમે મન યાદ કરશો તો હું તમને યાદ કરીશ. તમે મને એક વખત કહેશો યા અલ્લાહ, હું તમને સિત્તેર વખત કહીશ લબ્બેક યા અબ્દી… યા અબ્દી… યા અબ્દી… તમે મારી તરફ એક આંગળી આવશો તો હું તમારી તરફ એક ગજ આવીશ, તે મારી તરફ ચાલીને આવશો તો હું તમારી તરફ દોડીને આવીશ!’ (અઘરા શબ્દનો અર્થ: ‘લબ્બેક’: હું હાજર છું. ‘અબ્દી-અબદિયત: ખુદાની ખુદાઈમાં ખુદાના પછી જો કોઈ મર્તબો – ઊંચાઈ, પ્રતિષ્ઠિત છે તો એ મકામે અબદિયત છે. આજ એ મકામ (સ્થાન) છે જ્યાં પહોંચીને બંદાને પોતાની સચ્ચાઈ હાસિલ થાય છે અને પછી કહી ઊઠે છે કે,

  • યા અલ્લાહ, તારી મહાનતાની કોઈ સીમા નથી.
  • તુ યવમે દીન-ન્યાયના દિવસનો માલિક છે.
  • તુ અમને સિરાતે મુસ્તકીમ – સીધો માર્ગ, સન્માર્ગ પર કાયમ રાખ.
  • સેતાન ઈબ્લીસના બહેકાવાથી – માર્ગ ભટકાવવાથી બચાવ.
  • અમે ફકત તારી જ ઈબાદત – પ્રાર્થના કરીએ છીએ અને
  • અમે એક માત્ર તને જ સિજદો – નમન કરીએ છીએ.
  • વસીલો – માધ્યમ, મહાન વલીઅલ્લાહ, પીરો, પયગંબરો, નબીઓ, રસૂલો, સયૈદો, અંબિયાઓ, ઈમામોનો.
  • યા રબ – પાલનહાર ઈશ્ર્વર! અમારી મુશ્કેલીઓને આસાન કરી દે, બીમારી, બલા, આફતોથી તુ અમને બચાવ, અમારી આખેરત – પરલોકને તું સુધારી દે, સંવારી દે… આમીન – તથાસ્તુ. ઈશ્ર્વર – અલ્લાહ સૌનું ભલું કરે.
  • * * *
    સાપ્તાહિક સંદેશ:
  • હે ઈન્સાન! આ દુનિયામાં અંધકાર ભર્યા રસ્તાઓ પાર કરવા અલ્લાહને આગળ રાખ. અલ્લાહ સર્વે રસ્તાઓ સુજાડનાર છે.
  • ખરેખર અલ્લાહ સર્વે રસ્તાઓનો ભોમીયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button