વાદ પ્રતિવાદ
અલ્લાહ ખુદ મુખ્તાર ઈન્સાન માત્ર અપૂર્ણ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
દીને ઈસ્લામના બારે મહિનાના ૩૬૫ દિવસ કંઈને કંઈ મસ્લેહત (ભેદ) ધરાવે છે. દાખલા તરીકે રોજેરોજ દિવસના નક્કી કરેલ સમયે પાંચ વખત નમાઝ અદા કરવાની ફર્ઝ છે. તેમ રમઝાન મહિનામાં વહેલી પરોઢથી લઈ સંધ્યા સુધી એક બુંદ પણ પાણી પીધા વગર રોજા-અપવાસ રાખવા ફરમાન છે.
- અલ્લાહે વહેદાનિયત (એકેશ્ર્વરવાદ)નો પયગામ (સંદેશ) લઈને ઈસ્લામ ધર્મને આ ધરતી પર ઉતાર્યો.
- એક અભ્યાસ મુજબ અલ્લાહે એક લાખ ચોવીસ હજાર જેટલા પયગંબરો (સંદેશ વાહકો)ને પોતે એકલો છે અને એકમાત્ર તે છે જે જગતકર્તા છે તે જણાવવા આ ધરતી પર મોકલ્યા: જેમાં હઝરત મહંમદ સાહેબ આખરી પયંગબર છે.
- ઈસ્લામ વિશે જાણનારા અભ્યાસુઓને વિદિત હશે કે ઈસ્લામ ૧૪૪૫-૪૬ વર્ષ પૂર્વે આ ધરતી પર ઉદય પામ્યો. અને ઈન્સાન જાતના માર્ગદર્શન માટે એક લાખ ચોવીસ હજાર જેટલા સંદેશવાહકોને મોકલ્યા. તેમાંથી કેટલાક જાણીતા પયગંબરોના મુબારક નામ અને જિસ્માની (દેહ) રૂપે તેઓ કેટલા વર્ષ રહ્યા તેની ટૂંકમાં વિગત અમે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જેને નવી-જૂની પેઢીના વાચકોને ઉપયોગી નીવડી રહેવા પામશે.
નામ આયુષ્ય:
- હઝરત આદમ (અલૈયહિસલ્લામ) ૯૪૦ વર્ષ
- હઝરત શિશ (અલૈયહિસલ્લામ) ૯૮૨ વર્ષ
- હઝરત નૂહ (અલૈયહિસલ્લામ) ૯૫૦ વર્ષ થી વધુ
- હઝરત ઈદરીશ (અલૈયહિસલ્લામ) ૩૬૫ વર્ષ
- હઝરત હુદ (અલૈયહિસલ્લામ) ૨૬૫ વર્ષ
- હઝરત સાલેહ (અલૈયહિસલ્લામ) ૫૮૫ વર્ષ
- હઝરત ઈબ્રાહિમ (અલૈયહિસલ્લામ) ૧૩૭ વર્ષ
- હઝરત ઈસ્માઈલ (અલૈયહિસલ્લામ) ૧૩૭ વર્ષ
- હઝરત યાકુબ (અલૈયહિસલ્લામ) ૧૩૭ વર્ષ
- હઝરત ઈસહક (અલૈયહિસલ્લામ) ૧૩૦ વર્ષ
- હઝરત યુસુફ (અલૈયહિસલ્લામ) ૧૧૦ વર્ષ
- હઝરત મુસા (અલૈયહિસલ્લામ) ૧૨૫ વર્ષ
- હઝરત હારૂન (અલૈયહિસલ્લામ) ૧૧૯ વર્ષ
- હઝરત દાઉદ (અલૈયહિસલ્લામ) ૧૨૩ વર્ષ
- હઝરત સુલૈમાન (અલૈયહિસલ્લામ) ૧૫૦ વર્ષ
- હઝરત ઝકરીઆ (અલૈયહિસલ્લામ) ૩૦૦ વર્ષ
- હઝરત શૌયબ (અલૈયહિસલ્લામ) ૨૨૫ વર્ષ
- હઝરત યાહ્યા (અલૈયહિસલ્લામ) ૧૦૦ વર્ષ
- હઝરત લુકમાન (અલૈયહિસલ્લામ) ૩૫૦ વર્ષ
- હઝરત ઈસા (અલૈયહિસલ્લામ) ૩૮ વર્ષ
- અને સૌથી છેલ્લે પધારેલા આખરી પયગંબર હઝરત અહંમદ (સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમ) ૬૩ વર્ષનું આયુષ્ય વિતાવી આ દુનિયાને પોતાની રહેમતથી હિદાયતના ચિરાગ રોશન-પ્રકાશિત કરી પર્દો ફરમાવી ગયા.
દુનિયાનો એવો કોઈ પ્રદેશ નહીં હોય જ્યાં દિવસના પાંચે વખત ‘અલ્લાહો અકબર’ (અલ્લાહ મહાન છે)નો સાદ મસ્જિદના મિનારા પરથી ગુંજતો નહીં હશે.
ઈસ્લામના મહાન ઈતિહાસકારોમાં શક્ય છે કે ક્યારેક કોઈ મતભેદ હોઈ શકે પણ એકંદરે રિવાયતો (કથનો)ના આધારે ઉપરોક્ત હકીકતની નોંધ દરેકે લીધી છે. છતાંય એટલું જરૂર છે કે ‘વલ્લાહો અસલમ’ (અલ્લાહ જ બેહતર જાણનાર) છે અને તેજ સંપૂર્ણ છે. મનુષ્ય માત્ર અપૂર્ણ છે. અલ્લાહ ખુદમુખ્તાર (સ્વતંત્ર) છે જ્યારે ઈન્સાન માત્ર અપૂર્ણ છે. - જાફરઅલી ઈ. વિરાણી
વિચાર કરું છું - વિચાર કરું છું મનમાં હું શું કરી રહ્યો છું,
- આવ્યો છું શાને માટે અને ક્યાં જઈ રહ્યો છું?
- પેદા કર્યો છે જેણે એને ભૂલી રહ્યો છું,
- દુનિયાની દોલત માટે દીનને ભૂલી ગયો છું,
- રમતગમતમાં બચપન ચાલીસે ગઈ જુવાની
- હવે આવશે બુઢાપો હાલત શું થવાની?
- વિચાર કરું છું જ્યારે સમજ નહીં કે પડતી
- દિલમાં ધડક વધે છે આંખો રહે છે રડતી
- ક્યાંથી જ આવ્યો હતો વળી હાલમાં હું ક્યાં છું?
- વળી જઈશ પાછો ક્યાં હું એટલું વિચારી લઉં છું.
- જે કોઈ અસલ વતનથી જુદો પડે છે જ્યારે
- દિલમાં ઉમેદ કરે છે પાછા જઈશું ક્યારે?
- મુસાફરીને વખતે સંગાથ સૌ જુએ છે.
- તેવા સંગાથી માટે દિલ મારું રુએ છે.
- અલ્લાહની મહેરબાની સંગાથી મુજને મળીઆ
‘લબ્બેક’ તેના વચન તો ફેરા અમારા ટળીઆ
સાપ્તાહિક સંદેશ: - સજ્જનતા ઐશ્ર્વર્યનું ઘરેણું છે
- વાણી-સયંમ શુરતાનું ઘરેણું છે
- ચિત્તની શાંતિ જ્ઞાનનું ઘરેણું છે
- વિનય-વિવેક વિદ્યાનું ઘરેણું છે
- ક્ષમા એ ધર્મનું ઘરેણું છે
- સર્વ ગુણોનું મૂળ સદાચાર છે