વાદ પ્રતિવાદ

બુદ્ધિશાળી – શક્તિશાળી લેખાતો ઈન્સાન એટલો જ કમજોર

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

હઝરત ઉમર રદ્યિલ્લાહો અન્હો (અલ્લાહ આપના પર રાજી અને ખુશ રહે)ની ખિલાફત (સત્તા) સ્થાનનો યુગ ચાલી રહ્યો હતો અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તે વખતે સરસેનાપતિ ખાલીદ બિનવલીદ હતા અને ચોતરફ તેમનો ડંકો વાગી રહ્યો હતો. તેઓ વિજયના બેતાજ બાદશાહ હતા. બળવાન, કુનેહબાજ, સફળ સિપેહસાલાર તરીકે તેઓ પંકાતા હતા.

કિસરા સામેની લડાઈમાં યુદ્ધના મેદાનમાં મોરચા ગોઠવાઈ ગયા હતા. એક તરફ ઈસ્લામી ફૌજની હરોળ હતી તો સામે તરફનું લશ્કર ગોઠવાયેલું હતું. પહેલાના સમયમાં યુદ્ધની શરૂઆત એક એક વ્યક્તિથી થતી હતી. બંને લશ્કરની હરોળમાંથી એક એક વ્યક્તિ મેદાનમાં હાજર થતી હતી અને બંને વચ્ચે કુશ્તી – દંગલ થતું. આ શરૂઆત પછી બંને લશ્કરો એકબીજા પર તૂટી પડતા.

હવે આ લડાઈમાં ઈરાનીઓના લશ્કરમાંથી રૂસ્તમે ઈરાન નામનો નામાંકિત પહેલવાન મેદાનમાં વચ્ચે આવ્યો. આ બાજુથી સિપેહસાલારે એક ખૂબ જ દુબળા-પાતળા લાગતા સિપાઈને મેદાનમાં મોકલ્યો. બુદ્ધિશાળી પહેલવાન સામે તે ખૂબ જ નબળો અને નાનો લાગતો હતો. છતાં પણ સેનાપતિના હુકમથી તે મેદાનમાં આવી ગયો. આ મંજર (દૃશ્ય) જોઈ સૌ કોઈ આશ્ર્ચર્યચકિત થઈ ગયા. કેટલાક મજાક ઉડાવવા લાગ્યા. આમ છતાં પણ ગ્રીન સિગ્નલ મળતા બંને લડવૈયા વચ્ચે દંગલ ચાલુ થયું. રૂસ્તમ પહેલવાને તે દુબળાપાતળા ‘પહેલવાન’ને બેથી ત્રણ વખત જમીન પર પટકી દીધો. પણ કુદરતની શાન તો જુઓ કે આ ઉછાળપછાળમાં અચાનક જ પહેલવાનના જમણા હાથનો અંગૂઠો દુબળા-પાતળા પહેલવાન (સૈનિક)ના મોઢામાં આવી ગયો. તેણે રૂસ્તમ પહેલવાનનો અંગૂઠો કચકચાવીને દાંતો વચ્ચે દબાવી દીધો. આ માટે પોતાની સંપૂર્ણ શક્તિ કામે લગાડી દીધી. આ અચાનક ઘટનાથી મજબૂત બાંધાના રૂસ્તમ પહેલવાનના હોશકોશ ઊડી ગયા અને જોતજોતામાં તે ભોંયભેગો પછડાયો, પટકાયો.

લડાઈ હોય કે યુદ્ધ! સામાન્ય લાગતી આ ઘટનામાંથી એક અસામાન્ય બોધ એ મળવા પામે છે કે રૂહની મજબૂતી સામે શરીરની શક્તિ કેટલી અસહાય બની જાય છે. (હવાલો: તવારીખે ખુલફા).
વ્હાલા વાચક મિત્રો! અલ્લાહતઆલાએ મનુષ્યને ઘણો જ શક્તિમાન બનાવ્યો છે અને નબળો-કમજોર પણ એટલો જ સર્જ્યો છે. આ નબળાઈ તેની દુ:ખતી નસોને આભારી છે. શરીરના અંગોના જ્ઞાનતંતુઓની સંવેદનાને લીધે માણસને દર્દ થાય છે, પરંતુ જગતકર્તા જે કરે છે તે સારા માટે જ કરે છે. આ દુ:ખાવો પણ ઈન્સાન માટે આશીર્વાદરૂપ છે. એક સમયમાં લાખો વર્ષ પૂર્વે પૃથ્વી પર ડાયનોસોર નામનું અતિ મહાકાય ચોપગું પ્રાણી હતું. આ જાનવર હાથી કરતાં પણ મોટું અને જંગી હતું, પણ કુદરતે તેના જ્ઞાનતંતુઓમાં દર્દની સંવેદના નહોતી મૂકી. આ અભાવને લીધે તે ઊંઘી જતું તો તેનો પગ કોઈ બીજું પ્રાણી ખાઈ જતું તો તેને ખબર પણ પડતી નહોતી. આ ખામી – કમજોરીને લીધે પૃથ્વી પરથી આ જાતિ લુપ્ત થઈ ગઈ. હજારો વર્ષ થયા તેના અવશેષ અને હાડકાં મળે છે, પણ તે મહાકાય જાનવર – પ્રાણીનો કોઈ અતોપતો નથી. કોઈ ખબરઅંતર નથી.

બોધ: સૃષ્ટિના મહાન સર્જનહાર અલ્લાહ (ઈશ્ર્વર, પ્રભુ ગૉડ…)ની હિકમત (વિદ્યા, કળા, કારીગરી, ચાતુર્ય, ઈલ્મોજ્ઞાન – વિજ્ઞાન) તો જુઓ! તેણે માનવજાત માટે એક જીવંત દાખલો મૂક્યો કે દર્દની સંવેદના સજીવો માટે કેટલી બધી આવશ્યક અને જરૂરી છે. આ સંવેદનાને લીધે, માણસ પોતાના શરીર માટે પૂરેપૂરો જાગૃત રહેતો હોય છે. પગમાં કે કોઈ અંગૂઠા – આંગળીમાં ઈજા થાય તો દર્દને લીધે માણસને તરત જ તેની અનુભૂતિ થાય છે. તેનો ઈલાજ કરાવીને તે સાજોનરવો થઈ જાય છે. એ જ પ્રમાણે શરીરના દરેકે દરેક અવયવોનું પણ હોય છે.

અલ્લાહના અસ્તિત્વને મહસૂસ કરો. રૂહ આત્માની શક્તિ બીજી બધી શક્તિઓથી અનેકગણી વધુ હોવાનો એહસાસ કરો અને તે દ્વારા અલ્લાહને ઓળખો. જે રબ – પાલનહાર ઈશ્ર્વર – અલ્લાહને પિછાણી ગયો તે બંને જહાંને સુધારવા ભાગ્યશાળી બની ગયો.

બોધ:
મૂરખ આત્માને છેતરે અને મનોમન માનતો હોય છે કે તે જગતને છેતરે છે.


સમયનો સદુપયોગ
બુદ્ધિ – ચાતુર્યનો ઈસ્લામ ધર્મ ચિંતન – મનનની બુનિયાદ (પાયા; સ્તંભો) પર રચાયો છે. આની સાબિતી અને દલીલો ઈસ્લામના આખરી પયગંબર, અલ્લાહના રસૂલ (ઈશ્ર્વરના દૂત) હઝરત મુહમ્મદ (જેની ખૂબ પ્રશંસા થતી હોય) સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (અલ્લાહ આપને તથા આપના કુટુંબી-વંશજો પર પોતાની શુભેચ્છા મોકલે; શાંતિ અર્પે) તથા આપ હુઝૂરે અનવર (સલ.)ના પિતરાઈ ભાઈ તથા દામાદ (જમાઈ)ની હદીસો (વાક્યો, કથનો, આચરણો)માંથી મળી રહેવા પામે છે.

અત્રે આપણે અમિરૂલ મુઅમિનીન (ઈમાનવાળાઓના સરદાર) હઝરત અલી અલયહિ સલ્લામ (આપના પર અલ્લાહ તરફથી શાંતિ રહે – સલામ: સલામતી રહે)ની ફઝીલતો (મહાનતા) વિશેની ત્રણ યાદને જાણવાની કોશિશ કરીએ:
૧- આપ અલી (અ. સ.)નું ખુદાના ઘર કા’બામાં પેદા થવું. આ એ અલ્લાહનું ઘર છે, જે સઉદીમાં મક્કા ખાતે આવેલ છે અને જ્યાં દર વર્ષે દુનિયાભરમાંથી લાખો લોકો હજ (ધાર્મિક યાત્રા) કરવા આવે છે.

૨ – (આપ) (અ.સ.)ની શુજાઅત (જંગમાં કરવામાં આવતી સબ્ર; ધીરજ; બહાદુરી) અને
૩ – આપ (અ. સ.)ની બુદ્ધિ પ્રતિભા તથા અમર્યાદિત જ્ઞાન (નોલેજ).

  • ઉપરોક્ત ત્રણ આગવી ફઝીલતો (કૃપા; બરકતો)એ મૌલા (અ.સ.)ના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાડી દીધા. આને સહારે આપે ઈન્સાન જાતને જે હિદાયત (ધર્મની સાચી સમજ; માર્ગદર્શન) અને સબક આપ્યા તેનાથી ઈસ્લામ બુદ્ધિનો મઝહબ હોવાનું પુરવાર કર્યું.
  • લોકોને આપના ન્યાય અને ફેસલા (નિર્ણય) પર સંપૂર્ણ વિશ્ર્વાસ રહેતો.
  • આપે આપના જીવન દરમિયાન ઉમ્મતને ઈલ્મોજ્ઞાન અને પોતાના અંગત અનુભવો વિશે મિમ્બર (વ્યાસપીઠ) પરથી લગભગ અઢીસોથી અધિક ખુત્બા (બોધ; ઉપદેશ) આપ્યા હતા. આ નસીહતનો સંગહ કરીને ‘નેહજૂલ બલાગાહ’ નામની એક દળદાર કિતાબ (ગ્રંથ) બની જે આજે દુનિયાભરમાં લગભગ ભાષાઓમાં પ્રસિદ્ધ થઈ છે અને ઉમ્મતે મુહમ્મદીનું – મૌલાઅલી (અ.સ.)નું માર્ગદર્શન હાંસલ કરી લાભ મેળવી રહ્યું છે.
  • આપ અલૈયહિ સલ્લામ એક ખુત્બામાં લોકોને હિદાયત આપતા ફરમાવો છો કે, પોતાના સમયનો લાભદાયી ઉપયોગ કેવી રીતે કરવો? આપે સમયના ત્રણ ભાગ ગણાવ્યા:
    ૧ – જ્યારે તમે ઈબાદતમાં હોવ
    ૨ – રોજી-રોટી કમાવવાનો સમય અને
    ૩ – જાએઝ (માન્ય) આનંદ મેળવવાનો સમય – અર્થાત્:
  • એક આખેરત (મૃત્યુલોકનું અમરજીવન)ને સંવારવા (ખૂબસૂરત બનાવવા)
  • બીજો રોજી-રોટી કમાવવા અને
  • ત્રીજો સમય જાએઝ મનોરંજન માટે.

વ્હાલા સુજ્ઞ વાચક મિત્રો! આ ત્રણ કામ સિવાય શાણા, સમજુ સમજદાર મોમિનો એટલે કે જે સાચા, ઈમાનદાર અલ્લાહના બંદા છે તેમણે ઘરની બહાર પગ મૂકવો જોઈએ નહીં.
સાપ્તાહિક સંદેશ:
અત્રે દર્શાવેલ ચાર કામ એવા છે કે જેનાથી દિલ મરી
પરવારે છે.

૧ – વારંવાર ગુનાહ કરવાથી
૨ – સ્ત્રીઓ સાથે વધુ પડતા બેસવાથી
૩ – કમઅક્કલ (મૂર્ખ) લોકો સાથે ઝઘડવાથી અને
૪ – ખુદાને ભૂલી ગયેલા ધનવાનો પાસે બેસવાથી.

  • હુઝૂરે અનવર (સલ.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button