ઈન્સાનના આગમન પાછળ કુદરતનો એક ચોક્કસ હેતુ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
હઝરત ઈમામ જાફરે સાદિક રદ્યિતઆલા અન્હો પાસે એક શખસે ખજૂર ભરેલો થાળ મૂકયો અને અરજ ગુજારી કે આ ઘણા ઉમદા ખજૂર છે.
આપ ઈમામે ફરમાવ્યું કે બેશક! ખજૂર ઘણા દર્દોની દવા છે. ખજૂર ઝેરી અસરને દૂર કરે છે. ઉપરાંત ઘણી બીમારીને સાજા કરવા મદદરૂપ નિવડે છે. જો કોઈ શખસ રાતે સૂતા પહેલાં ખજૂરની સાત પેશી (દાણા) આરોગે તો પેટમાંના કીડાઓ અને એ કારણે થતા રોગથી મુક્તિ મળવા પામે છે. ખજૂર શરીરને ગરમી પ્રદાન કરી કાર્યશીલ બનાવે છે. લોહીના વિકાર દૂર કરે છે. શુદ્ધ લોહી પેદા કરે છે. ખજૂરને દૂધમાં પકાવીને તેનું શરબત (જ્યુસ) બનાવી પીવામાં આવે તો તેનાથી જાતીય શક્તિ વધે છે. આંતરડાની બીમારી, સૂકી ખાંસી વગેરે જેવી ઘણી બીમારીમાં ખજૂર એક અકસીર ઔષધની ગરજ પણ સારે છે.
આ તો થઈ પાકા ખજૂરની વાત પણ કાચા ખજૂર પણ અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. એવા રોગ જેમાં પેશાબ સાથે વિર્ય વહી જતું હોય તો તેમાં કાચા ખજૂરનું સેવન અકસીર બનવા પામે છે. ઉપરાંત લોહી અને દસ્ત (કબજિયાત)ની બીમારીમાં, દાંત અને પેઢાની તકલીફમાં કાચા ખજૂર અત્યંત ફાયદેમંદ (લાભકર્તા) છે. ખજૂરથી કેન્સર જેવી બીમારીમાં દર્દીને ઘણી રાહત મળે છે.
અંજીરના ગુણ વિશે આપ હઝરત ઈમામ જાફરે સાદિક (અ.સ.) ઉમ્મતિઓને જાણકારી આપે છે કે, અંજીર મોઢમાં આવતી દુર્ગંધને દૂર કરે છે. હોજરી અને આંતરડામાંથી ઉત્પન્ન થતા તાવને રોકે છે – મટાડે છે, હાડકાને મજબૂત બનાવે છે. ખરતા વાળ રોકે છે, નવા વાળ ઉગાડે છે, શરીરના દર્દને દૂર કરે છે. અંજીરથી પાચનશક્તિ વધે છે. આરોગેલો ખોરાક શરીરને ફાયદો પહોંચાડવા અંજીર સક્ષમ બની રહે છે. શરીરનો બાંધો મજબૂત અને ચહેરો સૌંદર્યવાન બનાવે છે. સાંજના સમયે અંજીર આરોગવાથી પાચનક્રિયા સુધરે છે. હોજરી મજબૂત બને છે. શરીરમાં નવી તાજગી – સ્ફૂર્તિનો સંચાર થાય છે. આ ઉપરાંત તે એક અતિ સ્વાદિષ્ટ ફળ પણ છે. અંજીર શરીરના નકામા પદાર્થને બહાર કાઢવામાં સહાયરૂપ બને છે. અંજીર યકૃત અને લોહીને શુદ્ધ બનાવે છે. પણ યાદ રહે કે અંજીરને સપ્રમાણ આરોગવામાં આવે કારણ કે તે વધારે પ્રમાણમાં તે ખાવાથી આંખ અને હોજરીને નુકસાન થાય છે. લીલા કે સૂકા! બંને પ્રકારના અંજીર આરોગ્યવર્ધક છે.
એજ પ્રમાણે આ દ્રાક્ષ સંબંધી ફરમાવો છો કે, દ્રાક્ષ સ્નાયુઓને મજબૂત કરે છે, દર્દને દૂર કરે છે. રૂહને શાંતિ આપે છે.
યાદ રહેવું ઘટે કે દીને ઈસ્લામમાં ઉમ્મતિઓને દીન અને દુનિયા સંબંધી માર્ગદર્શન આપવા અલ્લાહતઆલાએ આ ધરતી પર એક લાખ અને ચોવીસ હજાર જેલા પયગંબરો મોકલ્યા. તે તમામ નબીએ અંબિયાઓએ શરીરની પવિત્રતા અને રૂહની પાકિઝગી સાથે ઈન્સાનનું આગમન એક ચોક્કસ હેતુસર કરવામાં આવ્યું હોવાનો પરવરદિગારે આલમનો પયગામ લોકોને આપ્યો. હઝરત લુકમાન અલયહિસલ્લામ જ્યારે જંગલમાં જતા ત્યારે વનસ્પતિઓ સ્વયં પોતે આપ નબીને કહેતી કે તે આ બીમારી પર અક્સિર ઈલાજ છે. પવિત્ર કુરાનમાં ધરતી અને બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવામાં આવ્યા છે. આજનું વિજ્ઞાન જે શોધો કરી તારણ કાઢે છે તે ૧૪૦૦ વર્ષ પૂર્વે આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ દ્વારા અલ્લાહની દિવ્ય વાણી સ્વરૂપે નાઝિલ થયેલ કુરાને પાકમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. આપ હુઝુરે અનવર (સ.અ.વ.)મે ઉમ્મતિઓને પોતાના પેટને જનાવરોનું કબ્રસ્તાન ન બનાવવા હિદાયત આપી છે, તે શું સૂચવે છે:
આટલી સ્પષ્ટતા પછી આપણે દ્રાક્ષ વિશે એના ગુણ વિશે આગળ જાણીએ:
પયગંબર હઝરત નુહ અલૈયહિસ્સલામે પરવરદિગારે આલમ (સૃષ્ટિના મહાન સર્જક) પાસે ગમ અને બેચેનીની ફરિયાદ કરી હતી, ત્યારે અલ્લાહતઆલાનો હુકમ થયો હતો કે દ્રાક્ષ ખાવ.
દ્રાક્ષના અનેક ગુણો પૈકી થોડા ગુણો જોઈએ: દ્રાક્ષ કબજિયાતને દૂર કરનાર, લોહીના વિકારો મટાડી, શુદ્ધ કરનાર, શક્તિદાયક ફળ છે. દ્રાક્ષનો રસ શક્તિવર્ધક હોવા ઉપરાંત લોહીને ગતિ (વેગ) આપનારું, વજન વધારનારું, પેટની સમસ્યાને દૂર કરનારું છે. દ્રાક્ષથી વિવિધ પ્રકારના તાવ અને બદહજમી (અપચો) દૂર થાય છે. આ ઉપરાંત હૃદયરોગ, હેમોગ્લોબિન (લોહી)ની કમીને દૂર કરનાર એક અતિ ઉત્તમ ફળ છે. જાણકારો દ્રાક્ષનો ઉપયોગ કોઠાની ગરમી દૂર કરવા ઉપરાંત જુદી જુદી બીમારીઓમાં વિવિધ રીતે કરતા હોય છે.
ડૉકટરો અને વૈદો પોતાના અનુભવો અને પ્રયોગો પછી જુદી જુદી દવાઓ – ઔષધો, જુદા જુદા ફળો, શાકભાજી વગેરેના લાભ અને નુકસાનો બતાવે છે, જ્યારે પરવરદિગારે આલમ (જગતકર્તા) તરફથી આવેલા પ્રતિનિધિઓ, તેઓને મળેલા ઈલ્મોજ્ઞાનના આધારે ઉમ્મતિઓને તેના લાભ – ગેરલાભની માહિતી કુરાન કરીમ તેમજ હદીસ શરીફની રોશનીમાં આપે છે. તેઓને પ્રયોગો – સંશોધનો કરવાની જરૂર નથી.
- અમર અલ્લાહવાલા
હિદાયતની મશાલ
વિચારતાં શરમ ન આવતી હોય એ વાત બીજાને કહેતા શરમાવું જોઈએ નહીં અને જે વાત બીજાને કહેતા સંકોચ થાય એ વાત વિચારતા પણ સંકોચ થવો જોઈએ.
- જેઓ કંઈ કરી શકતા નથી તેઓ નિંદા કરે છે.
- છરીનો ઘા રૂઝાઈ જતો હોય છે, જીભનો નહિ.
- સંજોગો પર કાબૂ મેળવવો શકય નથી પરંતુ વિચારો પર અવશ્ય છે.
- મોટી સમસ્યાઓમાં મોટી તક છુપાયેલી છે.
- દુનિયામાંથી તમને જે કાંઈ મળે તે લો અને જે કાંઈ જતું રહે તેનાથી મોઢું ફેરવો અને જો તમે એમ કરી શકતા ન હો તો તેને પામવામાં સારા સાધનો ધારણ કરો એટલે કોઈ નાજાએઝ (હરામ) સાધન વડે દુનિયાને ન મેળવો.
- દુનિયાના ફેરફારો અને તેના અકસ્માતોને જોવા છતાં તેના – દુનિયા ઉપર વિશ્ર્વાસ રાખી બેસવું મુર્ખાઈ છે અને નેક (ભલા) કામો માટે સવાબ (પૂણ્ય) મળવાની ખાતરી હોવા છતાં તેનાથી ગફલત કરવી, એ ચોખ્ખું નુકસાન છે અને કોઈની પરીક્ષા – અજમાયશ કરી લીધા પહેલાં તેનો ભરોસો કરવો કમ અક્કલી – બેવકૂફી – નાદાનિયત છે. – અમિરૂલ મુઅમિન