શૂન્ય અને ખય્યામ – રુબાઈનું આ કામ – સલામ
આજે આટલું જ -શોભિત દેસાઈ
શૂન્ય પાલનપુરી, ઉમર ખય્યામ
એક અઠવાડિયાનો વિરહ નથી જ વેઠાયો, જે હતો મારે જ કારણે, માટે એનું મિચ્છામિ દુક્કડમ…
તાજા કલમમાં એટલું જ કે અમેરિકામાં જલસા કરું છું. કાર્યક્રમ સરસ જાય છે એટલું જ કહું. વધારે કહું તો સ્વપ્રશસ્તિ થઇ જાય…
મૂક રહી સૌ ક્ષણો ઝીલતાં સુંદર સમય પ્રમાણું છું…
વધુ બોલવું ભંગ થશે ઔચિત્યનો એ હું જાણું છું
પરમ દિવસે કાઢ્યું હાર્મોનિયમ વિજય ભટ્ટ નામના અતિપ્રિય દોસ્તે અને ઉમર ખય્યામની શૂન્ય પાલનપુરી દ્વારા અનુસર્જિત રુબાઈઓનું જે રસપાન કરાવ્યું છે (ત્રણ વખત) !!! સાચું કહું? ઉમર ખય્યામ અને શૂન્ય પાલનપુરી પણ ત્યાં હાજર હતા.
આ રહી તમારી ખિદમતમાં એ રુબાઈઓ… ખય્યામ પાલનપુરીની જય હો…
દિલના જખ્મોને જગત આગળ કદી ખોલું નહીં,
પ્રેમનાં એ રત્ન મોંઘાં પથ્થરે તોલું નહીં;
એમ લાગે તુજ વિના પણ અન્ય સાંભળનાર છે,
તો મરી જાઉં પરંતુ શબ્દ પણ બોલું નહીં.
*
સ્ત્રી કહે છે, ‘સ્વર્ગમાં છે અપ્સરાઓનું મિલન,
જ્યાં જુઓ ત્યાં મધ અને મદિરાનાં ઝરણાંનું વહન;
પામવાનું છે અગર મૃત્યુ પછી પણ એ જ ફળ,
તો પછી કાં રાખીએ ના આજથી એનું વ્યસન?
*
તુજથી ઓ ધર્મી! છીએ હર વાતમાં બાહોશતર,
છે નશામાં પણ વધુ અમને જમાનાની ખબર,
તું પીએ છે લોહી માનવનું, અમે અંગૂરનું,
છે ભંયકર કોણ જગમાં? તું જ ખુદ ઇન્સાફ કર.
*
જો ખરું પૂછે તો આ દુનિયા છે કેવળ એક ભરમ,
એ મહા જંજાળનો દિલમાં કદી ના રાખ ગમ;
ભાગ્ય કેરી દેણ સમજી દર્દને અપનાવ તું,
કોઈ દી પાછી નથી ફરતી વિધાતાની કલમ.
*
દિલ હતું, દુનિયા હતી ને પોથીઓનો સાર પણ,
ગેબના ભેદો સમજવાનો હતો હુંકાર પણ;
કિંતુ જ્યારે બુદ્ધિને સાચી સમજદારી મળી,
એટલી તઈ જાણ કે જાણ્યું ન કૈં તલભાર પણ.
*
ઓ પ્રિયે, કઠપૂતળીઓનો છે તમાશો જિંદગી,
ભવના તખ્તા પર નચાવે છે વિધિની આંગળી;
અંક ચાલે ત્યાં લગીનો છે અભિનય આપણો,
શૂન્યની સંદૂકમાં ખડકાઈ જાશું એ પછી.
*
ઓ પ્રિયે! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું;
વર્તુલો રચવા લગીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.
*
કોણ છે નિષ્પાપ જગમાં? જોઉં! જા લઈ આવ તું!
પાપ વિના જીવાય શી રીતે, મને સમજાવ તું!
હું બૂરાં કામો કરું, આપે સજા ું પણ બૂરી,
તો પછી મુજમાં ને તુજમાં ફેર શો? બતલાવ તું!
*
ડંખ દિલ પર કાળકંટકના સહન કીધા વગર
પ્રેમ કેરાં પુષ્પને ચૂમી શકે ના કો અધર
કાંસકીને જો ! કે એનાં તનનાં સો ચીરા થયાં
ત્યારે પામી સ્થાન જઇને એ પ્રિયાની ઝુલ્ફ પર
*
જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીઓ
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીઓ
ખૂબ પી, ચકચૂર થઇ જગનો તમાશો ના બનો
કમ પીઓ, છાની પીઓ પણ ભાનની સાથે પીઓ
*
જય હો ઉમર ખૈયામ અને શૂન્ય પાલનપુરી… ગુજરાતી ભાષાનાં મોટાં પર્વ જેવડું આ કામ સલામ.
આજે આટલું જ