ઝબાન સંભાલ કેઃ અધોવહિયા, કિરમજવાળા ને ખમાર…
-હેન્રી શાસ્ત્રી
ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)એ ગુજરાતી ભાષા માટે નોંધપાત્ર કામ કર્યું છે. ભાષા સંશોધનમાં આદરેલી વિવિધ પ્રવૃત્તિમાં એક હતી ગુજરાતી અટકો વિશે સંશોધન. વિદ્વાન રસિકલાલ છોટાલાલ પરીખ સંસ્થાના સંશોધન વિભાગના અધ્યક્ષપદ પર નિમાયા ત્યારે તેમણે વિવિધ અટકો અંગે ખાંખાંખોળાં કરી ઘણી માહિતી એકઠી કરી હતી.
આ પણ વાંચો : સ્પોટ લાઈટ : બાળકોએ મનોબળ વધુ મજબૂત બનાવ્યું
એમની જહેમત વધુ લોકો સુધી પહોંચાડવાના આશય સાથે ઓછી જાણીતી અને અસામાન્ય અટકો અંગેની રસપ્રદ જાણકારી પ્રસ્તુત છે.
અધોવહિયા અટક મુખ્યત્વે પાટીદાર કોમમાં જોવા મળે છે. જવલ્લે જ સાંભળવા મળતી આ અટક વ્યવસાયલક્ષી છે. આ અટક અધવાયું શબ્દ પરથી અસ્તિત્વમાં આવી છે.
અધવાયો એટલે ઢોરનો વેપાર કરનારો કે ભાડે ગાડાં ફેરવનારો માણસ. કાળક્રમે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો અધોવહિયા તરીકે ઓળખાવા લાગ્યા. કિરમજવાળા પણ ઓછી પ્રચલિત અટક છે.
આ અટકનું મૂળ કિરમજ શબ્દ સાથે જોડાયેલું છે. કિરમજ કીડાની એક જાત છે. આ કીડાઓને વાસણમાં એકઠા કરી નીચેથી ગરમી આપવાથી બધા મરી જાય છે. કીડાની માદાના મૃત શરીરના ખોખામાંથી રંગ નીકળે છે. આ કીડાનાં ખોખાં કિરમજ કહેવાય છે અને એમાંથી કિરમજી રંગ (ઘેરો લાલ રંગ) તૈયાર થાય છે.
આ રંગ વેચવાવાળા કીરમજવાળા કહેવાયા. આવી જ એક અસામાન્ય અટક છે, સોના-રૂપાની પરીક્ષા કરી તેનું મૂલ્ય આંકનારા રેસોટિયા કહેવાય છે. એટલે એ વ્યવસાય અપનાવનારા પછી રેસોટિયા તરીકે ઓળખાવા લાગ્યા.
આપણી ભાષાનો ઓછો જાણીતો શબ્દ છે કંપાણ. આનો એક અર્થ થાય છે મોટી અને ભારેખમ વસ્તુ જોખવા માટે ધાતુનો બનેલો કાંટો, તુલા અથવા ત્રાજવું. કંપાણથી જોખવાનું કામ કે ધંધો કરતો માણસ કંપાણવાળા તરીકે ઓળખાવા લાગ્યો. આ અટક કાળક્રમે કંપાણી બની ગઈ.
ખમાર અટક પણ વ્યવસાયલક્ષી છે. ગુજરાતી ભાષાના કવિ પદ્મનાભે રાજસ્થાનના જાલોર જિલ્લામાં સોમગિરા કાન્હડદે ચૌહાણે અલાઉદ્દીન ખિલજીનો જે રીતે પ્રબળ સામનો કર્યો એનું યશોદાયી રસમય વર્ણન કર્યું છે. લશ્કરના વર્ણનમાં ખમાર શબ્દ વપરાયો છે.
કવિએ વર્ણન કરતાં લખ્યું છે કે ‘કાવડિયા દારૂ લઈ ચાલે, ભાઠી વહે ખમાર, સહસ્ર પાંચ ચાલે ભઠિયારા, ઘાટઘડા લોહાર.’ ભાઠી એટલે દારૂની ભઠ્ઠી કે દારૂ ગાળવાનું વાસણ. ખમાર એટલે દારૂ ગાળવાનું કામ કરતી વ્યક્તિ. એના પરથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની અટક ખમાર પડી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : વિશેષ : તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે આ સુવર્ણ શબ્દો
NAME – SURNAME IDIOMS
ગયા હપ્તામાં આપણે ઍશિયાના બે દેશ ચીન અને કોરિયાના લોકોની અટકની લાક્ષણિકતાથી પરિચિત થયા. દુનિયાના એક કરોડથી વધુ લોકોની અટક વાંગ છે એ જાણ્યું. આજે આપણે ૪૪ દેશનો સમૂહ એવા યુરોપ ખંડના રહેવાસીઓમાં કઈ અટક (સરનેમ) વધુ જાણીતી છે એનાથી વાકેફ થઈએ.
5 Most Common Last Names in Europe are Garcia, Martin, Muller, Rodrigues and Fernandez.
યુરોપિયન લોકોમાં જોવા મળતી સૌથી વધુ પ્રચલિત પાંચ અટક છે ગાર્શિયા, માર્ટિન, મુલર, રોડ્રિગ્સ અને ફર્નાન્ડિઝ. આ પાંચમાં પહેલે નંબરે બિરાજે છે ગાર્શિયા. ૧૭ લાખ યુરોપિયન લોકો આ અટક ધરાવે છે અને આ અટકધારી સૌથી વધુ લોકો સ્પેનમાં જોવા મળે છે. યુરોપની બીજા નંબરની લોકપ્રિય અટક છે મુલર.
Muller (a German occupational surname similar to the English version, Miller) is the most popular surname in many Germanspeaking countries
મુલર અટક મુખ્યત્વે જર્મનીમાં જોવા મળે છે. અંગ્રેજી અટક મિલરનું જર્મન સ્વરૂપ છે. મકાઈ અથવા ઘઉં જેવા અનાજને દળીને લોટ બનાવવા માટે મિલ ચલાવતા લોકોએ મિલર તરીકે ઓળખ મેળવી હતી. મિલરો કૃષિ વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન ધરાવતા હતા.
In Spain Muller becomes Molina and in Ukraine it becomes Melnik
આ બંને દેશમાં મિલર-મુલર અટક અન્ય સ્વરૂપમાં પ્રચલિત થવાનું કારણ એ છે કે અહીં અનાજ ઉત્પાદન મોટે પાયે થાય છે અને અનાજ દળવાનો વ્યવસાય કરતા લોકોની સંખ્યા ખાસ્સી હોવાથી આ અટકધારી મોટી સંખ્યામાં જોવા મળે છે.
The Martin surname is the most common last name in France and one of the most common in Spain.
માર્ટિન અટક સૌથી વધુ ફ્રાન્સમાં જોવા મળે છે અને સ્પેનમાં પણ આ અટક ધરાવતા લોકોની સંખ્યા ખાસ્સી છે. આ અટક માર્ટિન નામ પરથી પડી છે.
Rodrigues surname is common in Portugal, Spain and also seen in India.
રોડ્રિગ્સ અટક પોર્ટુગલ, સ્પેન ઉપરાંત ભારતમાં વિશેષ કરી ગોવાના કેથલિક લોકોમાં જોવા મળે છે. ૧૫૧૦થી ૧૯૬૧ સુધી ગોવા પોર્ટુગીઝ સંસ્થાન હોવાથી આ અટક જોવા મળે છે.
The surname Fernandez is common in Spanish-speaking countries and is also found in southern Italy and Portuga
ફર્નાન્ડિસ અટક સ્પેનિશ ભાષા બોલાતા દેશો ઉપરાંત દક્ષિણ ઈટલી, પોર્ટુગલ અને આપણે ત્યાં ગોવામાં જોવા મળે છે. ગોવામાં રોડ્રિગ્સ અટકની હાજરીનું કારણ ફર્નાન્ડિસને પણ લાગુ પડે છે.