ઉત્સવ

ઝબાન સંભાલ કે

હેન્રી શાસ્ત્રી

મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ,મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ!

તહેવાર પ્રિય ગુજરાતી પ્રજાના આનંદ-ઉત્સવનું પ્રતીક ગણાતા નવરાત્રી ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. આ પર્વ ભક્તિ અને આશાનું તો ખરું જ, સાથે સાથે રાસ-ગરબાના આયોજનના આનંદનું પણ આ પર્વ છે. શારદીય નવરાત્રી તરીકે ઓળખાતા આ ઉત્સવમાં ભક્તગણ અને ખેલૈયા એમ બંને સહભાગી થતા હોય છે. ગરબો-ગરબી એટલે સમૂહનૃત્યમાં ગાવા માટેની માતાજી વગેરેની ઉદ્દેશી રચવામાં આવેલી, સ્તુતિ તેમજ નિરૂપણ કરતી કાવ્ય રચના એવી પણ એક વ્યાખ્યા છે. ઈતિહાસની નોંધ અનુસાર અખાની પરંપરાના કવિ સત્તરમા શતકના ભાણદાસે ’ગરબી’ શબ્દથી પોતાનાં ઘણાં કાવ્યોને ઓળખાવ્યાં. આ શબ્દનો પ્રથમ પ્રયોગ ભાણદાસે કર્યો એટલે તે સમયની આસપાસથી ‘ગરબી-ગરબો’ શબ્દનો વપરાશ શરૂ થયો હશે એમ માનવામાં આવે છે. તેમની પ્રખ્યાત રચના છે ‘ગગનમંડળની ગાગરડી ગુણ ગરબી રે, તેણી રમે ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે.’ જોકે, ત્યારબાદ અનેક લોકગીત પણ ગરબા-ગરબી તરીકે ગવાતા થયા. ‘દાદા હો દીકરી’, ‘દેર મારી અંગૂઠડીનો ચોર’, ‘હો રાજ રે વાવડીના પાણી ભરવા ગ્યા’તા’ જેવા અનેક ઉદાહરણ મળી આવે. આ ગરબા-ગરબીની એક ખાસિયત એ પણ છે કે એના દ્વારા સ્ત્રીઓ પોતાની આપવીતી-દુ:ખડા કે આનંદનું વર્ણન તો ક્યારેક સંબંધોમાં મીઠી મજાક વ્યક્ત કરતી જોવા મળે છે. સાસુ-વહુના અનેક ગીત ગરબા સ્વરૂપે રજૂ થતા આવ્યા છે. એ ગરબામાં મજાક-કટાક્ષ-બળાપો જે રીતે વ્યક્ત થયા છે એના ભાષા સૌંદર્યને સલામ મારવી પડે. કોઈ ભણતર વિના ભાષાની સમૃદ્ધિ અચરજ પમાડે છે. ગરબા રૂપે પણ ગવાતા ‘સૈયર મેંદી લેશું’ લોકગીતની મીઠાશ, એનો ભાષા વૈભવ અને એના કટાક્ષના ત્રિવેણી સંગમમાં તરબોળ થવાની મજા માણવા જેવી છે. ગીત-ગરબાની શરૂઆત આ રીતે થાય છે ‘મેંદી લેશું મેંદી લેશું મેંદી મોટા ઝાડ, એક હલાવું ડાળ ત્યારે ડાળા હલે ચાર.’ આ સહજભાવની પંક્તિઓ પૂરી થતા વહુ મીઠા ઝઘડાની શરૂઆત કરે છે: ‘મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ, મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ’. વહુની કામ કરવાની અનિચ્છા અહીં હળવી રીતે વ્યક્ત થાય છે તો સાસુમા આ ઉદાહરણ આપી ‘મારી વહુ કામમાં કાચી અને કાનની પણ કાચી’ એવી મીઠી હૈયાવરાળ કાઢે છે. ગરબો આગળ વધે છે અને એનો ક્લાઈમેક્સ આવે છે ‘મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ, મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ’. સાસુ માટેનો ‘રોષ’ કઈ સપાટીએ જઈ પહોંચે છે. જોકે, અહીં કોની સોડમાં દીવો મુકવાની વાત છે એની સ્પષ્ટતા નથી કરવામાં આવી. એક મિનિટ, આ ‘મીઠા ઝઘડા’ની માત્ર મજા લેવાની હોય. એના અર્થનું પીંજણ ન કરવાનું હોય. અનોખો ભાષા વૈભવ સાસુ-વહુના સંબંધોની કહેવાતી ક્ડવાશમાં કેવી મીઠાશ ઘોળી દે છે.

નવ આંકડા જેવી મિત્રતા રાખવી

નવરાત્રિ એ નવ અને રાત્રિ એ બે શબ્દના સંયોજનથી બનતો અત્યંત તેજસ્વી શબ્દ છે. નવની સંખ્યા પ્રાચીન કાળથી ધર્મની ગૂઢ સંખ્યા મનાય છે એમ પાશ્ર્ચત્ય પ્રજા માને છે. હિંદુમાં પણ એ સંખ્યા બહુ માન્ય છે. નવ પરથી બધા અંક નીકળ્યા છે. નવ આંકડા જેવી મિત્રતા રાખવી એમ એક ઠેકાણે કહેલું છે. ૯x ૨ = ૧૮ ( ૧ + ૮ = ૯). ૯x ૩ = ૨૭ (૨ + ૭ = ૯) ૯ x ૪ = ૩૬ (૩ + ૬ = ૯). એ પ્રમાણે આખા આંકમાં નવનો અંક ફરતો નથી. તેમ સજ્જન મિત્ર પણ વિચારમાં ફરતો નથી. અગાઉ ગ્રહ પણ નવ હતા, ખંડ નવ છે, નદીઓ પણ નવસો નવાણું કહેવાય છે. ગુજરાતી વેપારીઓ નવની સંખ્યાને નસીબવંતી-લકી ગણતા હોય છે અને આ સંખ્યા વેપારી વર્ગમાં ‘નવડી’ તરીકે પ્રચલિત છે. જોકે, આસો માસમાં નવરાત્રિના તહેવારો દરમિયાન કુંવારી છોડીઓ કાદવની દેવી બનાવી તેની પૂજા કરે છે એ દેવીને નવડી કહે છે. કહેવતોમાં પણ નવના ખેલ છે. નવ કુળ નાગનું ઉચ્છેદ ગયું, ત્યારે અળસિયાનું રાજ થયું એ કહેવત બદલાતા સમયની વાત કરે છે. ઉચ્છેદ એટલે સમૂળગો નાશ અથવા નિકંદન. વિરાટના અસ્ત પછી વામણાઓની સત્તા આવે એવો એનો ભાવાર્થ છે. કોઈ વ્યવસ્થા, પરિસ્થિતિ કે વ્યક્તિથી ત્રાસી ગયા હોઈએ અને એનાથી છુટકારો મેળવી આનંદ થયો હોય અને ફરી એ ક્યારેય ન જોઈએ એવી લાગણી નવ ગજના નમસ્કાર કહેવતથી આબેહૂબ વ્યક્ત થાય છે. શરીરમાં જીભ એક એવું અંગ છે કે જો એ સખણી ના રહે તો એને બોલ બોલ કરવાની આદત પડી જાય છે અને વગર વિચાર્યું બોલી આફતને નોતરું આપી દે છે. એના માટે નવ ગજની જીભ એવો ભાષા પ્રયોગ જાણીતો છે. કોઈ કાર્ય સિદ્ધ કરવામાં બહુ મુશ્કેલી પડી હોય ત્યારે એ નવ નેજાં પાણી ઊતરવું કહેવત દ્વારા પ્રભાવીપણે વ્યક્ત થાય છે.

રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી…
રાત માટે રજની, નિશા, શર્વરી, વિભાવરી જેવા મધુર ધ્વનિ ધરાવતા પર્યાયવાચી શબ્દો છે. શબ્દકોશમાં તો રાતને સૂર્ય આથમીને ફરી ઊગે તેની વચ્ચેનો વખત કે પછી અંધારાના આરામનો સમય અને સંધ્યાથી પ્રાત:કાળ સુધીના સમય તરીકે પણ રાત્રિનું વર્ણન છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ અને દારુણરાત્રિ એ ચાર મુખ્ય રાત્રિઓ ગણાય છે. કાલરાત્રિ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ ગણાય છે. દિવાળીની રાત કે આસો વદ ચૌદસની રાત તરીકે પણ ઓળખાય છે. પ્રલયની રાત કે મૃત્યુની રાત તરીકે પણ ઓળખ ધરાવે છે. મહારાત્રિ એટલે મોટી રાત જ્યારે મોહરાત્રિ એટલે શ્રાવણ વદ આઠમ, જન્માષ્ટમી. કૃષ્ણનું સ્વરૂપ મોહક હોવાથી તેમના જન્મની રાતને મોહરાત્રિ કહેવામાં આવી હશે? દારુણરાત્રિમાં દારુણ એટલે ભયંકર, ભયાનક, વિકરાળ, બિહામણું, રૌદ્ર. આવો અનુભવ થાય એ રાત્રિ દારૂણરાત્રિ કહેવાય, હેં ને.

નરસિંહ મહેતાએ રાતને જીવનશૈલી સાથે સરખાવતા લખ્યું છે કે રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવું. રાત કહેવાય અંધારી, પણ કહેવતોની દુનિયામાં ઉજાસ ફેલાવે છે. રાત માથે લેવી કે રાત આપણા બાપની છે. દિવસે પૂરું ન થયેલું કામ રાત્રે જાગીને પણ પૂરું કરી આપવાની હૈયાધારણ આ ભાષા પ્રયોગમાં વ્યક્ત થાય છે. રાત દહાડો એક કરવા એટલે આકરી મહેનત કરવી. અનેક માતા પિતા સંતાનોને ભણાવવા, સેટલ કરવા અને પરણાવવા રાત દહાડો એક કરતા હોય છે. આ કહેવત દિવસ રાત એક કરવા તરીકે પણ જાણીતી છે. રાત થોડી ને વેશ ઝાઝા એટલે મર્યાદિત સમયમાં ઘણું બધું કામ પૂરું કરવું. રાત લઈને ભાગવું એટલે ચોરીછૂપીથી નાસી જવું.

રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
નવરાત્રી એટલે દેવીમાની આરાધના તો ખરી જ પણ સાથે રાસ ગરબા સંગાથે ઉત્સવની ઉજવણી સુધ્ધાં ખરી. રાસ ગરબા હવે તો આધુનિક બન્યા છે, ખેલૈયાઓ ખેલે ત્યારે એમની સાજ સજાવટ અને એમના સ્ટેપ્સમાં આધુનિકતા ડોકિયાં કરે છે. જોકે, કેટલીક પરંપરાઓ અકબંધ સચવાઈ છે. એવી જ એક પરંપરા એટલે ત્રણ તાળીના ગરબા અને એના ઉલ્લેખ સાથે દરેકના મોઢે રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી, મા ગબ્બરના ગોખવાળી રે રંગમાં રંગતાળી પંક્તિઓ અચૂક રમતી થઈ જાય. અફાટ લોકપ્રિયતાને વરેલી આ ગરીબીની અંતિમ પંક્તિઓ છે, ‘માની ઓઢણીમાં વિવિધ ભાત્યું રે રંગમાં રંગતાળી. ભટ્ટ વલ્લભને જોયાની ખાંત્યુ રે રંગમાં રંગતાળી. આ ઉપરાંત ‘રંગે રમે, આનંદે રમે’, ‘ચાલોને ચાચર જઈએ’ જેવી લોકપ્રિય ગરબીઓના રચયિતા વલ્લભ ભટ્ટે જ સહુપ્રથમ માતાજીની લાવણી લખી હતી. અમદાવાદના વતની વલ્લભ ભટ્ટ વૈષ્ણવધર્મી હતા, પણ પછી દેવી ભક્ત બન્યા હતા. આમ કેમ બન્યું એ વિશે નર્મગદ્યમાં એક દંતકથા છે. વલ્લભ ભટ્ટ શ્રીનાથજીની જાત્રાએ ગયા હતા, ત્યારે ભૂલથી તેમનાથી મંદિરના પરિસરમાં થૂંકાઇ ગયું. આથી લોકો રોષે ભરાયા. વલ્લભ ભટ્ટનું કહેવું હતું કે, હું જાણીજોઇને થૂંક્યો નથી અને માબાપના ખોળામાં છોકરા થૂંકે તેથી માતા પિતા ગુસ્સે ભરાતાં નથી.’ ત્યારે મંદિરવાળા બોલ્યાં કે, ‘મા સહન કરે, પણ બાપ સહન ન કરે અને આ તો બાપનું ધામ છે.’ ત્યારે વલ્લભ ભટ્ટે વિચાર્યુ કે ‘બાપ કરતાં માનું વ્હાલ વધુ છે, આથી હું માને જ ભજીશ.’ આમ તેઓ દેવી ભક્ત બન્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button