ઉત્સવ

નહીં કાને નહીં કોટે વાલ સોનું હોઠે

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી

ભાષાના બંધારણ અનુસાર વિદ્વાનોએ કવિતાના શબ્દપ્રધાન, અર્થપ્રધાન અને ધ્વનિપ્રધાન એમ ત્રણ પ્રકાર જણાવ્યા છે. આ ત્રણેયના સરવાળો એટલે કવિતાનો સમજણપ્રધાન પ્રકાર ગણવો જોઈએ એવો અંગત અભિપ્રાય છે. કવિતાની પંક્તિઓ કેટલાક શબ્દોમાં 200 લાઈનના નિબંધ કરતા વિશેષ અને વધુ સમર્થપણે કહેવાનું સામર્થ્ય ધરાવે છે. વધુ વ્યાખ્યા વિસ્તાર કર્યા વિના ઉદાહરણથી જ જાણીએ અને સમજીએ. આંબે મોર ને કલાલે લેખાં, છેલ્લે સરવાળે કંઈ ન દેખાં. હોળી – ધૂળેટીને પખવાડિયાની વાર છે. હોળી જાય એટલે આંબે મોર (ફૂલ – મંજરી) બેસવાની મોસમનો પ્રારંભ થાય. જોકે, મોરમાંથી ફળ તૈયાર થાય એ સમય દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

પક્ષીઓ ફળ બગાડે, વાંદરા તોડીને ફેંકી દે કે કિશોરો ગોફણથી કેરી પાડી ઉઠાવી જાય. સિવાય કેરીના મરવાને પ્રાકૃતિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે. એટલે કેટલી કેરી આવી ને કેટલી વેચાણી એવા હિસાબનો અર્થ નથી રહેતો. કલાલ એટલે દારૂનો દુકાનદાર, પીઠાનો માલિક. એની પાસે ઉધારી કરવાવાળા અનેક દારૂડિયાઓ હોય. હિસાબ તો થાય ત્યારે સાચો અને પૈસા હાથમાં આવે ત્યારે ખરા. એવુંય બને કે ચોપડે એકડા પર બે મીંડાની ઉધારી બોલતી હોય પણ એકડો ઉડી જાય અને બે મીંડાં રહી જાય.

નહીં કાને નહીં કોટે ને વાલ સોનું હોઠે કહેવત મનુષ્ય સ્વભાવનું જાણે કે પ્રતિબિંબ જ છે. અહીં વપરાયેલા વાલ શબ્દને વ્હાલ સાથે કોઈ નિસ્બત નથી. અહીં વાલ એટલે ત્રણ રતિનું વજન, તોલાનો 32મો ભાગ. સોનું એવી ચીજ છે જે પોતાની પાસે હોય તો એનું પ્રદર્શન કરવાની ઉત્સુકતા અપાર હોય છે. આટલા મામૂલી વજનનું સોનું કાનમાં પહેરીએ કે કોટના બટનમાં લગાડીએ તો કોઈની નજરમાં આવે નહીં, પણ એ સોનું જો દાંતમાં જડેલું હોય તો વાત કરતા કરતા કે હસી પડાય ત્યારે સામી વ્યક્તિની નજરમાં અચૂક આવે. કોઈ વળી `અરે વાહ, દાંતે સોનું જડ્યું છે’ એમ કહે તો શેર લોહી ચડે એ છોગામાં.

જે જાય બંદર તે લાવે સોના પંદર. સૌથી પહેલા એક સ્પષ્ટતા કે અહીં સોના (100ના) પંદર (15) થયા એવા નુકસાનીના સોદાની કોઈ જ વાત નથી. અહીં સોના એટલે સોનામહોર. રહેણાંક સ્થળે કમાણી કરવાની તક જૂજ હતી એ સમયમાં સાહસિક વૃત્તિ ધરાવતા લોકો બે પાંદડે થવા વહાણવટું કરતા. મતલબ કે વહાણમાં બેસીને પરદેશ જતા. આવા લોકો સાં રળી લેતા અને સોનામહોર ભેગી કરતા. એના પરથી આ પંક્તિ કહેવત બની ગઈ.

ધણી ધણિયાણી દે રાડ ને જવાંસા તો વાડ મજેદાર પંક્તિ છે. જવાંસા એટલે કાંટાવાળો એક જાતનો સુગંધી છોડ. આવા સુગંધી છોડની વાડ ભલે કાંટાળી હોય પણ એની સુવાસ તો પ્રસરે જ ને. અને આવી વાડ ધરાવતા ઘરમાં રહેતા પતિ – પત્ની વચ્ચે જો ઝઘડો થાય તો એ વાત ફેલાઈ જતા વાર ન લાગે.

જ્યાં મળ્યું જંબા ત્યાં મારો સંભા કહેવત પંક્તિ વાંચી `શોલે’ના સાંભાને યાદ કરી કોઈ મેળ બેસાડવાની કોશિશ નહીં કરતા. અહીં જંબા જમવાનો અને સંભા સમુદાય, પંગત માટેના તળપદી ભાષાના પ્રયોગો છે. ગામડામાં લોકોને કહેતા સાંભળ્યા હશે કે ‘કાલે અમારે ત્યાં જંબા આવજો’. જે સ્થળે ભોજનની સગવડ હોય ત્યાં જ જમવા બેસી જવું એવો નિર્ધાર આ પંક્તિમાં વ્યક્ત થયો છે. એને સમાનાર્થી પંક્તિ પણ છે કે જ્યાં ચાવલ કા દાણા વહાં બંદે કા જાણા. મતલબ કે જ્યાં પેટનો ખાડો પૂરી શકાય ત્યાં પહોંચી જવું.

ઓડ – ઉમરેઠના ઊંડા કૂવા દીકરી દે તેના માબાપ મૂઆ. એક સમયે આણંદ તાલુકાના ઓડ-ઉમરેઠ ગામોના ઊંડા કૂવાને લીધે તે ગામોની સ્ત્રીઓને ઊંડા કૂવામાંથી ઘડા ખેંચવાનું ભારે મોટું દુ:ખ હતું, તેથી તે ગામમાં પરણાવેલી સ્ત્રીઓ તેમના આવા દુર્ભાગ્ય માટે પોતાનાં મા-બાપને દોષ દેતી સ્વાભાવિક હતું. તેને અનુલક્ષીને ઓડ – ઉમરેઠના ઊંડા કૂવા, દીકરી દે પછી એને મન મા-બાપ મૂઆ એટલે કે દીકરીઓ

એમના માટે અભાવ રાખતી થાય એ મનોદશામાંથી આ કહેવત પંક્તિએ જન્મ લીધો છે.

ENGLISH વિંગ્લિશ
SEMORDNILAP
કડક, કનક, નમન કે નયન અથવા મલયાલમ શબ્દને ડાબેથી જમણે વાંચો કે જમણેથી ડાબે, એક સરખા વંચાય અને દેખીતું છે કે અર્થ પણ સરખા જ હોય. જોકે, કેટલાક શબ્દો એવા છે જેમને ડાબેથી વાંચ્યા પછી જમણેથી ડાબે વાંચો તો નવો જ શબ્દ મળે એ પણ નવા અર્થ સાથે. જેમકે મકર અને કરમ, કલપ અને પ્લાક વગેરે. અંગ્રેજીમાં આ પ્રયોગ SEMORDNILAP તરીકે ઓળખાય છે જેના કેટલાક ઉદાહરણ આપણે ગયા હપ્તામાં જોયા. Use of semordnilap and palindromes can enrich our communication in surprising and delightful ways. The world of semordnilap and palindromes offers endless fascination. આ પ્રકારના પ્રયોગ ભાષાકીય વ્યવહાર આનંદવર્ધક અને જ્ઞાનવર્ધક બનાવવાની સાથે સાથે હેરત પણ પમાડે છે. I enjoy playing with semordnilap. Now I think I’ll kick back and enjoy a regal lager. શબ્દોની રમત મોજ કરાવે છે અને હવે શાહી બિયરનો આનંદ લેવા માગું છું. અહીં Regal – Lager are semordnilap. રીગલ એટલે શાહી અને અને લાગર એટલે બિયર. There’s a salon down the road from my house called Nevaeh Salon, which is heaven spelled backward. સૅલોં એટલે આપણે જેને સલૂન કે કેશ કર્તનાલય કહીએ છીએ એ નહીં, પણ એવી જગ્યા જ્યાં વાળ કાપવા ઉપરાંત વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે Nevaeh – Heaven are semordnilap. અમારા સૅલોંમાં આવશો તો સ્વર્ગ જેવું મહેસૂસ કરશો એવો દાવો કરવામાં આવ્યો છે. Former pacer Dennis Lillee gave a recap of the cricket game. આ વાક્યમાં જોઈ શકાય છે કે pacer – recap are semordnilap. પેસર એટલે ફાસ્ટ બોલર અને રિકેપ એટલે વર્ણન. Your reward is kept in the drawer. Reward – Drawer are semordnilap. રિવોર્ડ એટલે પારિતોષિક – બક્ષિસ કે ઈનામ અને અને ડ્રોઅર એટલે ખાનું. પારિતોષિક સલામત રીતે ખાનામાં મૂકી દેવામાં આવ્યું છે. આમને સામને વાંચવાથી શબ્દોના અર્થમાં કેટલો બદલાવ આવે છે અને ભાષાનું સૌંદર્ય કેવું નીરખે છે એ જોઈ શકાય છે.

સગ્ગી बहिण
पळसाला पानं तीनच
દરેક ભાષાના મૂળમાં અક્ષર અને શબ્દ હોય છે. અક્ષરો એકત્ર આવવાથી શબ્દ તૈયાર થાય છે અને શબ્દોના સમૂહથી વાક્ય તૈયાર થાય છે. શબ્દ વજ્રથી પણ વધુ કઠણ હોઈ શકે છે અને ફૂલથી પણ વધુ કોમળ હોઈ શકે છે. આવા શબ્દોમાંથી તૈયાર થતી કહેવત ભાષા વૈભવ વધારે છે અને વાતને વધુ પ્રભાવીપણે રજૂ કરે છે. पळसाला पानं तीनच म्हणजे कुठेही गेले तरी मनुष्य स्वाभाव बदलत नाही। પળસ એટલે આપણે જેને ખાખરો કહીએ છીએ. પળસના પણ એટલે ખાખરાના પણ જેનો ઉપયોગ પતરાવળી બનાવવા માટે વિશેષરૂપે થાય છે. મનુષ્ય ક્યાંય પણ જાય, એના સ્વભાવ કે લક્ષણ બદલાતા નથી એ આ કહેવતનો ભાવાર્થ છે. कोंकणांत पाऊस जास्त पडतो तेव्हां चवथें पान फुटेल म्हणून पळस कोंकणांत गेला पण तिथे सुद्धा तीन पानेंच फुटलीं. यावरुन कोठें गेलें तरी कर्मदशा बरोबर असती ती सोडीत नाहीं असा अर्थ. મહારાષ્ટ્રનો કોંકણ વિસ્તાર મૂશળધાર વરસાદ માટે પ્રખ્યાત છે. ખાખરાના વૃક્ષની એક ડાળી પર મોટેભાગે ત્રણ જ પાન આવતા હોય છે. કોંકણમાં વરસાદ સારો થતો હોવાથી ત્યાં ચોથું પાન ફૂટશે એ આશાએ કોઈ ‘હોશિયાર – ચતુર’ માણસએ કોંકણમાં ખાખરાનું વૃક્ષ ઉગાડયું. જોકે, મૂશળધાર વરસાદ પછી કોંકણમાં પણ ત્રણ જ પાન ઉગ્યા અને એના પરથી કોઈપણ સ્થળે કર્મદશા બદલાતી નથી એ દર્શાવતી કહેવત પડી ગઈ. આને મળતી કહેવત છે કે पळसाला पानें तीन आणि घाटांवर गेला तर अडीच. જે માણસનું નસીબ જ વાંકું હોય એ ગમે ત્યાં જાય પરિસ્થિતિ તો બદલવાનું દૂર રહ્યું, સ્થાન ત્યાગ કરવાથી ઉન્નતિ થવાને બદલે અવનતિ થવાની સંભાવના વધારે હોય છે.

રાષ્ટ્ર भाषा
गुजराती कहावत हिंदी में
અનુવાદ એટલે ઊંધી જાજમ એવું વિદ્વાનો કહે છે. કવિતાનો અનુવાદ બહુ મુશ્કેલ છે અને એટલે ભાવાનુવાદના અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. રુઢિપ્રયોગો અને કહેવતોનો અનુવાદ કરતી વખતે ઘણી વખત ભાવ જાળવી સાવ જુદી શબ્દ રચના જોવા મળે છે. ગુજરાતી કહેવત ગધેડા ઉપર અંબાડી छछूँदरी के सर में चमेली का तेल બની જાય છે. ગુજરાતીમાં ગધેડો, હિન્દીમાં છછૂંદરી – બંને ઊંચી લાયકાત નહીં ધરાવતા પ્રતીક. અંબાડી અને ચમેલીનું તેલ ઉત્તમ ગુણવત્તાના પ્રતીક છે. આમ સાવ અલગ શબ્દોના વપરાશથી પણ કહેવતનો ભાવાર્થ અકબંધ રહ્યો છે. બીજી કહેવત છે અલા ગઈ ને બલા આવી कढ़ाई से गिरा चूल्हे में पड़ा બની જાય છે જે आसमां से गिरा खजूर में अटका તરીકે પણ ઓળખાય છે. માનવ વ્યવહાર ઉપર પ્રકાશ ફેંકતી કહેવત આપ્યું ને તાપ્યું રહે નહીં उधार का खाना और फूस का तापना बराबर है સ્વરૂપ ધારણ કરે છે. કોઈને આપેલી વસ્તુ કે આપેલા ઉધાર પૈસા એક દિવસ તો ખલાસ થઈ જ જાય. ભાવાર્થ જાળવી હિન્દી કહેવતમાં ફૂસ એટલે કે સૂકું ઘાસ, તૃણની મદદ લેવામાં આવી છે. એક જાણીતી ગુજરાતી કહેવત આંખ મીંચાણી ને નગરી લૂંટાણીમાં મૃત્યુ પછી સર્વસ્વ લૂંટાઈ જાય તો કશો ફરક નથી પડતો એ ભાવાર્થ છે. હિન્દીમાં આ કહેવત ભાવાર્થ જાળવી आप मुए पीछे डूब गई दुनिया બની જાય છે. ભાષા યુગ્મની આજની અંતિમ કહેવત છે ઊંટ મરવાનું થાય ત્યારે મારવાડ સામું જુએ જેનો ભાવાર્થ છે વતન માટે સોને બહુ પ્રેમ હોય. એને સમકક્ષ બીજી કહેવત છે કે ભૂવો ધૂણે ત્યારે ઘર તરફ નાળિયેર નાખે. મતલબ કે બધાની નજર પોતાના લાભ તરફ હોય. આ કહેવત હિન્દીમાં गीदड़ की शामत आवे तो गाँव की ओर भागे સ્વરૂપ ધરાવે છે. હિન્દીમાં જોકે, મુશ્કેલીમાં બુદ્ધિ કામ નથી કરતી એવો ભાવાર્થ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?