ઉત્સવ

તારી બહેનને છોકરો થયો છે એ તારા પતિનો છે

મહેશ્ર્વરી

ભદ્રેસરથી શરૂ થયેલા ગુજરાત પ્રવાસમાં આ વખતે નાટકો ભજવતી વખતે નવો નિયમ દાખલ કરવામાં આવ્યો હતો. નાટક શરૂ થાય એ પહેલા તેમજ ઈન્ટરવલ પડે ત્યારે પ્રેક્ષકોના મનોરંજન માટે બે – ત્રણ ડાન્સ આઈટમ રાખવાની પરંપરા શરૂ કરવામાં આવી. કંપનીમાં જ કામ કરતી નર્તકી હિન્દી ફિલ્મના એ સમયના લોકપ્રિય ગીત જેમ કે ‘ઝુમકા ગીરા રે’ કે પછી હેલનના ગીત પર ડાન્સ કરવામાં આવે. એક જ નર્તકી એક જ કોસ્ચ્યુમ પહેરી નૃત્ય કરે અને એ કોસ્ચ્યુમમાં બંધબેસતા ગીત જ પસંદ કરવામાં આવે. આ નવા નિયમથી અમે ટેવાઈ રહ્યા હતા ત્યાં મને ખ્યાલ આવી ગયો કે હું પ્રેગ્નન્ટ છું. જોકે, મેં હિરોઈનના રોલ ભજવી નાટકો કરવાનું ચાલુ રાખ્યું હતું. પ્રેક્ષકોનો રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો હતો. કોઈ પણ કલાકાર માટે આનાથી વધુ આનંદ આપતી બીજી કોઈ વાત શું હોઈ શકે? પણ અજવાળાનો આનંદ માણતી હોઉં ત્યાં જ અંધારુ ઘેરી વળે એવું જાણે કે હું લખાવીને આવી હોઉં એમ મને પાંચમો મહિનો જઈ રહ્યો હતો ત્યાં કાઠિયાવાડથી પપ્પાની ચિઠ્ઠી આવી.
ટેલિફોનની સગવડ નહોતી એ સમયમાં ઘરે તાર – ટેલિગ્રામ આવતા તો લોકો ધ્રૂજતા હાથે લેતા અને ખોલતા. કારણ કે એમાં મોટેભાગે ધ્રૂજાવી દેતા સમાચાર જ રહેતા. ‘તું અમારા માટે મરી ગઈ છો’ એવું ધગધગતું સીસું કાનમાં રેડી મને ઘરમાંથી કાઢી મૂકનાર પપ્પાની ચિઠ્ઠી આવે તો લેતી વખતે હાથ કાંપે એ સ્વાભાવિક હતું. જોકે, કોઈ પણ પરિસ્થિતિમાં કઠણ રહેવાની મને હવે આદત પડી ગઈ હતી અને એ જ મારો સ્વભાવ બની ગયો હતો. પપ્પાની ચિઠ્ઠી ખોલી જેમાં લખ્યું હતું કે ‘જયશ્રી, તારી બહેનને જે છોકરો થયો છે એ ચંદ્રકાન્ત માસ્તરનો છે. અહીં આવી એ છોકરાને તાબડતોબ લઈ જા, નહીં તો એ છોકરાને વેચી નાખશે અથવા અનાથ આશ્રમમાં મૂકી આવશે.’ લગ્નના બે દિવસ પછી ‘હું તારી બહેનને પ્રેમ કરું છું’ એવું મને કહેનારા મારા પતિ (ચંદ્રકાન્ત માસ્તર) જ મારી બહેને જન્મ આપ્યો હતો એ બાળકના પિતા છે એ વાત સામાન્ય સંજોગોમાં કોઈ પણ સ્ત્રી માટે આઘાતજનક હોય, ભાંગી નાખનારા હોય, પણ એ ચિઠ્ઠી વાંચી મને નહોતો આઘાત લાગ્યો કે ન હું એ સમયે રડી પડી. મારા જીવનમાં શોકની લાગણી શૂન્ય થઈ ગઈ હતી. પથ્થર પર ગમે એટલું પાણી ગમે એટલી તીવ્રતાથી ફરી વળે, પથ્થરને કંઈ નથી થતું. બસ એવો જ કંઈક નાતો આવી પડતા દુ:ખ અને મારા દિલ વચ્ચે જાણે કે બંધાઈ ગયો હતો. વાંચીને મેં એ ચિઠ્ઠી નિર્લેપભાવે માસ્તરને આપી દીધી. માસ્તર ત્યારે તો કંઈ બોલ્યા નહીં. બોલે પણ શું?

ભદ્રેસરમાં નાટકોની ભજવણી બહુ સરસ રીતે થઈ રહી હતી અને ત્યાંથી નીકળી અમે ગાંભોઈ ગામ પહોંચ્યા. આ નાનકડા ગામમાં એક મોટી ઘટના એ બની કે કંપનીમાં અમને મનદુ:ખ થયું અને પગાર લઈ હું ને માસ્તર કંપનીમાંથી છૂટા થયા. બેગ બિસ્તરા બાંધી અમે હિંમતનગર પહોંચી ધરમશાળામાં ઉતર્યા. અહીં પહેલે જ દિવસે એક મજેદાર પ્રસંગ (જુઓ બોક્સ) બન્યો. કંપનીમાંથી છૂટા થઈ ગયા હતા એટલે બેઠી આવક બંધ થઈ ગઈ હતી અને હવે આગળ શું કરવું એ વિશે વિચારતા વિચારતા અમે જાદર આવ્યા. ત્યાંના એક દરજી સાથે ઘરોબો થઈ ગયો હતો એટલે એમની દુકાને મળવા ગયા. એ સમયે નાટકના કલાકારોને માનપાન બહુ મળતા. અમારી વચ્ચે ઔપચારિક વાતચીત ચાલી રહી હતી ત્યાં અમને શોધતા શોધતા નાટક મંડળી સાથે કામ કરતા સોમાભાઈ નાયક નામના એક ભાઈ પણ એ જ દરજીની દુકાને આવી પહોંચ્યા અને બોલ્યા કે ‘હાશ! છેવટે તમારો ભેટો થઈ ગયો. તમને ક્યારનો શોધી રહ્યો છું.’ એમની વાત સાંભળી હું ને માસ્તર એકબીજા સામે વિસ્મયથી જોવા લાગ્યા. અમારા ચહેરા પર ડોકિયાં કરી રહેલો સવાલ સોમાભાઈને સમજાઈ ગયો અને બોલ્યા કે ‘કહું, બધું કહું. જરા શ્ર્વાસ તો હેઠો બેસવા દો.’ અને અમે ચારેય હસી પડ્યા.
વાત એમ હતી કે અમદાવાદમાં પેઈન્ટિંગનો બિઝનેસ કરતા ધીરુભાઈ પેન્ટર તરીકે જાણીતી વ્યક્તિ નાટક કંપની ખોલવા ઉત્સુક હતી. સોમાભાઈ અમને એમની પાસે લઈ ગયા. એ સમયે હિન્દી ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી અરુણા ઈરાનીના પિતાશ્રી ફરેદૂન ઈરાની એક નાટક કંપની ચલાવી રહ્યા હતા જે બંધ પડી ગઈ હતી. પેઇન્ટિંગની સાથે નાટ્ય નિર્માણમાં પણ ઝંપલાવવા માગતા ધીરુભાઈએ શ્રીમાન ઈરાનીની બધી સ્ક્રિપ્ટના રાઇટ્સ લઈ લીધા અને એ કંપનીના બધા કલાકારોને રાખી લીધા હતા. નાટકોમાં વધુ તો દામુભાઈ સાંગાણીના હતા. પ્રહસન તરીકે ઓળખાતા હાસ્ય નિપજાવતા નાટકો લખવામાં દામુભાઈનું નામ અદબથી લેવાતું હતું. કલાકારો પણ એક એકથી ચડિયાતા હતા. બબલદાસ કાકા, અમૃતલાલ મારવાડી, બચુ નાદાર, છગનલાલ વગેરે હવે ધીરુભાઈ સાથે કામ કરવાના હતા. કલાકારોના કાફલામાં એક ચંદ્રિકા નામની નેપાળી અભિનેત્રી પણ હતી. આજે તો કોઈને એનું નામ સુધ્ધાં યાદ નહીં હોય પણ મશહૂર અભિનેત્રી માલાસિંહાની બહેનપણી હતી. નેપાળથી બંને જણ સાથે આવી હતી અને ઈરાનીની કંપનીમાં નાટકોમાં કામ કરતી હતી. માલાસિંહાનું નસીબ ચમકી ગયું અને એ શિખર પર પહોંચી ગઈ જ્યારે ચંદ્રિકા તળેટીમાં જ આંટા મારતી રહી ગઈ. બેશક, માલાસિંહા અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રી હતી, પણ આગળ વધારવામાં નસીબનો સાથ એક્સિલરેટરનું કામ કરે છે. ખેર. ધીરુભાઈએ ખંભાતમાં નાટક કંપની શરૂ કરી. કંપનીમાં જોડાયા પછી મેં ‘મારે નથી પરણવું’, ‘માથે પડેલા મુરતિયા’,‘મોંઘેરો મુરતિયો’, ‘જામી પડેલા જમાઈરાજ’ વગેરે દામુ સાંગાણીના નાટકોમાં હિરોઈનના રોલ કર્યા. જોકે, ડિલિવરીનો સમય નજીક આવતો હોવાથી હું શારીરિક કષ્ટ વધુ ન પડે એ માટે નાના નાના રોલ કરવા લાગી.

અને ડિલિવરીનો દિવસ નજીક આવી ગયો. મારી ડિલિવરી ખંભાતમાં જ થઈ. જોગાનુજોગ એવું બન્યું કે દીકરીની છઠ્ઠી પહેલા જ કંપની ખંભાત છોડી પેટલાદ જવા નીકળવાની હતી ત્યારે હું હૉસ્પિટલમાં હતી. ડૉક્ટરે ૧૦ દિવસ પહેલા રજા નહીં આપે એમ મને કહી દીધું હતું. મેં લેડી ડૉક્ટરને જૂની વાત કરી છઠ્ઠી હૉસ્પિટલમાં જ ઉજવી અને અગિયારમો દિવસ આવ્યો એટલે મેનેજર

સોમાભાઈ અમને લેવા આવ્યા. એસટીમાં બેસી અમે પેટલાદ પહોંચ્યા ત્યારે એક નવો અનુભવ થયો. અહીં મંડપ વગેરે બાંધવામાં આવ્યો હતો. પ્રેક્ષકોને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા પણ હતી. મનોમન હું હસી પડી કે હાશ! ખાડાના થિયેટરમાંથી આખરે બહાર તો નીકળ્યા. પહોંચ્યા એ જ દિવસે મારે ‘મોટા ઘરની વહુ’ નાટકમાં હિરોઈનનો રોલ કરવાનો હતો. નાટક શરૂ થાય એ પહેલા કલાકારે પાત્ર અનુસાર મેકઅપ કરાવવો પડે, એના વસ્ત્રો પહેરવા પડે. મને મેકઅપ કરવા બોલાવી ત્યારે સ્ટેજના પાછળના ભાગમાં ૧૧ દિવસની મારી દીકરીને ગોદડીમાં વીંટી રેતી પર સુવડાવી હું ગ્રીન રૂમમાં ગઈ. વહુનો રોલ કરવા માતાનો રોલ થોડીવાર માટે ભૂલી જવો પડે એમ હતો. જીવનના રંગમંચ પણ કેવા કેવા ખેલ કરાવે છે. જોકે, નાટક કંપનીના માણસોએ ‘ચિંતા નહીં કરતા, અમે ધ્યાન રાખીશું’ એવી હૈયાધારણ આપી હતી. ધીરે ધીરે હું ટેવાઈ ગઈ અને નાટકોના કેટલાક શૉ થયા પછી વરસાદ શરૂ થયો અને એવી ઘટના બની કે…

આખા થિયેટરમાં અમે બે જ પ્રેક્ષક
ગાંભોઈ ગામથી હિંમતનગર પહોંચી ધરમશાળામાં ઉતર્યા. રાત પડી એટલે નાટકના શૉ યાદ આવ્યા, પણ અમે તો નાટક કંપની છોડી દીધી હતી. હવે અહીં કરવું શું એવું વિચારી રહ્યા હતા ત્યાં મેં કહ્યું કે ચાલો પિક્ચર જોવા જઈએ. ત્યારે હિંમતનગરમાં એક જ થિયેટર હતું. થિયેટર પહોંચ્યા અને કઈ ફિલ્મ છે એ વિગતે જાણવાની તસ્દી લીધા વિના ટિકિટ લઈ લીધી. જોકે, ટિકિટ લેતી વખતે માસ્તરને મેં કહ્યું કે ‘હું તો નાટકની હિરોઈન છું, બાલકનીમાં બેસીને જ ફિલ્લમ જોઈશ.’ બાલકનીની બે ટિકિટ લઈ અમે થિયેટરમાં દાખલ થયા તો શું જોઈએ છીએ? આખું થિયેટર ખાલીખમ. માત્ર અમે બે જ પ્રેક્ષક. મને તરત મોડાસા યાદ આવી ગયું જ્યાં એક શૉમાં હું અન્ય કલાકારો સાથે સ્ટેજ પર હતી અને આખા થિયેટરમાં એક જ પ્રેક્ષક હતો. અચાનક લાઈટ ગઈ હતી અમે ભાગી નીકળ્યા હતા. દુનિયા ગોળ હોય છે ને. હિંમતનગરના થિયેટરમાં ટાઈટલ શરૂ થયા ત્યારે ખબર પડી કે અમે જોવા આવ્યા એ ફિલ્મનું નામ ‘કોહરા’ હતું. એ પિક્ચર વિશે કશું જ નહોતી જાણતી. જોકે, વહિદા રેહમાન અને ગીત – સંગીતને બાદ કરતા પિક્ચર બહુ ડરાવણું હતું. અહીં ક્યાં આવ્યા એવો વિચાર મને સતાવી રહ્યો હતો અને મેં માસ્તરને કહી દીધું કે ‘મારે આવું ભયાનક પિક્ચર નથી જોવું.’ અને ઈન્ટરવલ પડે એ પહેલા તો અમે ઊઠી ગયા અને થિયેટરમાંથી બહાર નીકળી ચાલતી પકડી. મોડાસામાં પ્રેક્ષકને કારણે નાટકની અભિનેત્રી ભાગી હતી અને હિંમતનગરમાં ફિલ્મ જોઈ પ્રેક્ષક બનેલી અભિનેત્રી ભાગી હતી. કલાકારના જીવનમાં પણ પ્રેક્ષક બની અનુભવ લેવાનો વારો આવતો હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress