ઉત્સવ

કંઠી બાંધી છે તારા નામની

વલો કચ્છ -ડો પૂર્વી ગોસ્વામી

કંઠી અથવા માળા; ગળામાં ધારણ કરવામાં આવતું કોઈ પણ પ્રકારનું ઘરેણું. ધાર્મિક અને શૃંગારિક આભૂષણ તરીકે પહેરાતી આ માળાઓ આસ્થા અને આત્મવિશ્ર્વાસને પણ રજૂ કરે છે. કંઠી એટલે શ્રદ્ધાનું બંધન. અશરફ ડબાવાલાની પંક્તિઓ છેને, કંઠી બાંધી છે તારા નામની અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.’ હમણાં થોડા દિવસ પહેલા એક વિક્રેતાને ત્યાં પૂજાનો સામાન ખરીદતી વખતે અલગ અલગ પ્રકારના મણકાઓની બનેલી રંગબેરંગી માળાઓ પરથી વિચાર આવ્યો કે આ માળાઓ જો કચ્છમાં બનતી હોય તો એ વિષે માહિતી મેળવવી. એક તો કચ્છની સૌથી જૂની કળા મોતીકામ કરીને સુંદર માળાઓ બનાવવામાં આવે છે, જેનો મુખ્ય શૃંગારનો હેતુ છે. આ સાથે તુલસી તથા સુખડમાંથી બનાવેલી માળાઓ ધાર્મિક મહત્તત્ત્વ સાથે ઉપલબ્ધ છે. બસ મુદ્દો મળી ગયો. તપાસ આદરી, અને માલૂમ પડ્યું કે ભુજના નૂતન સ્વામીનારાયણ મંદિરના સંતો ઉપરાંત સુખપરની અમુક બહેનોએ ઘરબેઠા માળા બનાવવાનું સાહસ આદર્યું છે.

વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય
તુલસી વંદના રજૂ કરતી આ પંક્તિઓ આપણે સાંભળી હશે. તુલસી, જેનો સંસ્કૃત અર્થ થાય છે ‘અદ્વિતીય’, તેની સંપૂર્ણ ભારતવર્ષમાં પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને તેને એક પવિત્ર છોડ તરીકે ગણવામાં આવે છે. આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. વર્ષમાં એક વાર શાલિગ્રામ અને તુલસીનાં લગ્ન પણ થાય છે. ઘરમાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. હિંદુ ધર્મમાં બે પ્રકારની તુલસી પુજાય છે – “રામ તુલસી જેને આછા લીલા પાંદડાં આવે છે જે કદમાં મોટા હોય છે; અને “કૃષ્ણ તુલસી જેને ઘેરા રંગના પાંદડા આવે છે આ પાંદડા વિષ્ણુની પૂજા માટે મહત્ત્વના છે. તુલસીના ઔષધિય ગુણો પણ સવિશેષ છે જે દરેક રીતે ઉપયોગમાં લેવાય. તુલસીના પાંદડા, અર્ક, મોગરા અને તેની ડાળીઓમાંથી બનાવવામાં આવતી માળાઓ પણ.

વડીલો અને સંતો કહે છે; તુલસીની માળા પહેરવાના અનેક લાભ છે. તુલસીની માળા પહેરનાર વ્યક્તિમાં સાત્વિક ભાવનાઓ જાગે છે અને તેનાથી આત્મવિશ્ર્વાસ ડગમગતો નથી. તેનાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ ભૌતિક અને આર્થિક લાભ પણ મળે છે. તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.

વનિતાબેન વરસાણી અને સુશીલાબેન ધૂવા છેલ્લાં પાંચ – સાત વર્ષથી ઘરબેઠા માળા બનાવવાનું કામ કરે છે. બંને બહેનોના પતિ સુથારીકામના વ્યવસાય સાથે જોડાયેલા છે અને આ બહેનોએ માળા બનાવવાની તાલીમ એમના પતિ પાસેથી મેળવી છે. શરૂઆતમાં તો તુલસીની કાંઠીઓ કટર મશીનમાં કાપતા જોર પડતો અને ક્યાંક કોઈ સામાન્ય ઇજાઓ પણ થઈ હશે પરંતુ નવું કામ, નવી તાલીમનો ઉત્સાહ મગજ પર હાવી હોવાથી કામ આગળ વધ્યું અને સાહસ સ્વરૂપે પરિણમ્યું. માળાની માગ પણ વધતાં જુસ્સામાં વધારો થતો રહ્યો અને હવે તો નોકરીના કલાકોની જેમ બંને બહેનો આ કામને માટે સમય ફાળવે છે.

સુશીલાબેન સાથે બીજી ત્રણ – ચાર બહેનો પણ આ કામમાં પાછળથી જોડાઈ છે. સહકારના ભાગે જોડાયેલ આ તમામ બહેનો આજે સ્વરોજગારીના પંથે આગળ વધી શકી છે.

તેઓ અલગ અલગ માપના મણકા તૈયાર કરીને તેમાંથી કંઠી, બેરખા કે બ્રેસલેટ અને રક્ષાબંધન માટે રાખડી તૈયાર કરે છે. ધાર્મિક દ્રષ્ટિએ તો કંઠી અબાલવૃદ્ધ સૌ ધારણ કરે જ છે, પરંતુ આજકાલ તો માળા કે બ્રેસલેટ તરીકે ફેશનમાં આની માગ વધી ગઈ છે. સામાન્ય રીતે ઓર્ડર પર જ કામ થતું હોય છે જે તેમને માહિનામાં ઓછામાં ઓછી દસેક હજાર જેટલી કમાણી કરાવી આપે છે. તુલસી અથવા સુખડનું લાકડું પણ જેના ઘરે ઝાડ હોય એ લોકો પ્રસાદી તરીકે અથવા મંદિરની સાંખ્યયોગી બહેનો દ્વારા પ્રાપ્ત થઈ જાય છે.

વનિતાબેન અને સુશીલાબેન પોતાના અભિપ્રાયમાં જણાવે છે કે શરૂઆતમાં તો પતિને મદદ કરશું એવી આશા સાથે જોડાયાં હતાં, પરંતુ હવે સ્વતંત્રતાથી આ કામ સંભાળી લઈએ છીએ અને અમને મજા પણ આવે છે. બંને બહેનોને આ આગવા સાહસ માટે શુભેચ્છા પાઠવીએ અને આશા સેવીએ કે જો આ જ કામને વધુ રચનાત્મક્તાથી આગળ વધારવામાં આવે તો નાનુંમોટું સ્ટાર્ટ અપ વધુ સફળતા અપાવે તેમ છે. વર્તમાનમાં ધાર્મિક દ્રષ્ટિએ કંઠી કે બેરખા બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે પરંતુ ઘરેણાં તરીકે માંગટીકા, બુટી, કંદોરો વગેરે જેવી વસ્તુઓ બનાવવામાં આવે તો માગમાં ખૂબ વધારો આવી શકે.

ભાવાનુવાદ: કંઠી ક મારા; નડ઼ીમેં પેરેમેં અચીંધલ હિકડ઼ે પ્રિકારજો ધાગીનું. ધાર્મિક ભેરો શૃંગારિક આભરણ તરીકેં પેરાઇંધલ હી મારાઉં આસ્થા નેં આત્મવિશ્ર્વાસકે પ રજૂ કરેત્યું. કંઠી ઇતરે શ્રદ્ધાજો બંધન. હેવર બો- ચારોક ડીં પેલા હિકડ઼ે વેપારી વટ પૂજાજો સમાન ગિનંધી વેરા નિડારે નિડારે મણકે સે ભનલ રઙીન મારાઉં ન્યારીને ખ્યાલ આયો ક હી મારાઉં જ કચ્છમેં ભનંધી વે ત હિન વિષે માહિતી ગિનંણી ખપે. હિકડ઼ી ત કચ્છજી જૂની કલા મોતીકમ કરેનેં લાટ મારાઉં ભનાયમેં અચેત્યું, જેંજો મેન હેતુ શિણગારજો આય. હિન ભેરો તુલસી તીં સુખડ નેં કિતક વેજ્યંતિ મિંજાનું ભનલ મારાઉં ધાર્મિક મહત્ત્વ ભેરી મિલી રેત્યું.

બસ મુધો મિલી વ્યો. તપાસ કિઇ, નેં ખિબર પિઇ ક ભુજજે નવે સ્વામિનારાયણ મિંધરજા સંત સિવા સુખપરજી ભેંણૂં ઘરવિઠે મારા ભનાયજો કમ કરીયેત્યું.

વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય તુલસી વંદના રજૂ કરીંધલ હી પંક્તિયું પાં સુણઇ આય. તુલસી, જેંજો સંસ્કૃત અર્થ થિએતો ‘અદ્વિતીય’, જેંજી સજે ભારતમેં પૂજા કરેમેં અચેતિ. હિન્દુ ધરમમેં તુલસીજો ગચ જ માન આય નેં ઇ હિકડ઼ે પવિતર છોડ઼ તરીકેં લેખેમેં અચેતિ. હી છોડ઼વેમેં મા લક્ષ્મીજો વાસ હોયતો. વરેમેં હિકડ઼ી વાર શાલિગ્રામ નેં તુલસીજા વીંયા પ કરેમેં અચેતા. ઘરમેં તુલસીજો જાડ વાવધે નકારાત્મક ઉર્જાજો નાશ થિએતો. હિંદુ ધરમમેં બો પ્રિકારજી તુલસી પુજાજેતિ – “રામ તુલસી જેંજા આછા લીલા પાંદડા વેતા ને “કૃષ્ણ તુલસી જુકો ગાટે કલરજી હોયતિ, હી પન વિષ્ણુકે પુજામેં ચઢાયમેં અચેતા. તુલસીજા ઔષધિય ગુણ પ સવિશેષ ઐં. તુલસીજા પન, અક, મોગરા નેં ડારીયું મિંજાનું ભનાયમેં અચીંધલ મારાઉં પ વિસેસ આય.

વડીલ ને સંત ચેંતા ક; તુલસીજી મારા પેરેજા કિઇક લાભ ઐં. તુલસીજી મારા પેરીંધલ વ્યક્તિજે મનમેં સાત્વિક ભાવના જાગેતિ ને હિનસે આત્મવિશ્ર્વાસ ડગે નતો. હી ખાલી આધ્યાત્મિક જ ન પ ભૌતિક ને આર્થિક લાભ ડેતિ. ઇ રોગકે મટાયમેં પ મધધ કરેતિ.

વનિતાભેંણ વરસાણી ને સુશીલાભેંણ ધૂવા છેલા પંજ – સત વરેનું ઘરવિઠે મારા ભનાયજો કમ કરેત્યું. બોંયજા પતિ સુથારીકમમેં જોડલ ઐં નેં હી ભેંણૂં મારા ભનાયજી તાલીમ ઇનીજે ઘરવારે વટાં જ ગિડ઼ી આય. સરુ સરુમેં ત તુલસીજી કાંઠીયું કટર મશીનમેં કપીંધે જોર પોંધો વો નેં કિતક કોક નિંઢી ઇજાઉં પ થિઇ હૂન્યું પ નવો કમ, નઇ તાલીમજો જોશ મગજતે હાવી હૂંધેજે કમ અગ઼િયા વધ્યો ને સાહસ રૂપે પરિણમ્યોં આય. મારાજી માંગ પ વધધે ખુસિમેં પ વધારો થીંધો રયો નેં હાંણે ત નોકરી વાંકે બોય ભેંણૂં હી પિંઢજો સમય ડિઇનેં અગ઼ીયા વધઇયું ઐં. સુશીલાભેંણ ભેરી બિઇ ત્રે – ચાર ભેંણૂ પ હી કમમેં પૂંઠીયાનું જોડાણી ઐં. સહકારજે ભાગે જુડલ હી બાઇયું આજ સ્વરોજગારીજા મારગતે અગ઼િયા વધી સગ઼િયું ઐં.

હિણી નિડારે નિડારે માપજા મણકા તૈયાર કરેને મિંજાનું કંઠી, બેરખા ક બ્રેસલેટ ને રક્ષાબંધન વે તેર રાખડ઼ી તૈયાર કરેત્યું. ધાર્મિક દ્રષ્ટિસે ત કંઠી અબાલવૃદ્ધ મિડ઼ે ધારણ કરેંતા, પ આજકાલ ત મારા ક બ્રેસલેટ ફેશનમેં પ પેરેમેં અચેંતા. જનરલી ઓર્ડર તે જ કમ થીંધો વેતો નેં મેંણેમેં ઓછેમેં ઓછી ડોયારોક હજાર જિતરી કમાણી થિઇ વિઞેતિ. તુલસી ક સુખડ઼જો લકડ઼ો પ જેંજે ઘરે જાડ વે ઉ પ્રિસાદી તરીકે ક મિંધરજી સાંખ્યયોગી બાઇયું ભરાં મિલી રેતો.

વનિતાભેંણ ને સુશીલાભેંણ પિંઢજે અભિપ્રાયમેં ચેંતા ક સરુમેં ત પતિકે મધધ કરીધાસું ઍડ઼ી ભાવના હૂઇ પ કમ વધંધે પતિ અસાંકે જ સોંપે ડિનોં ત હાંણે અસિં સંભારીયુંતાનેં અસાઅંકે મજા પ અચેતિ. બોય ભેનરુંકે હી આઉગે સાહસજે માટે શુભેચ્છા પાઠવીયુંતા નેં આશા કરીયું ક જ હી જ કમકે અનાં વધુ નવે આઇડિયા સાથે અગ઼િયા વધારેમેં અચે ત નિંઢો-વડો સ્ટાર્ટ અપ ભની સગ઼ે તીં આય. હાલ ત ધાર્મિક દ્રષ્ટિસેં કંઠી ક બેરખા ગચ વપરાજેતા પ આભરણેંમેં માંગટીકા, બુટી, કંધોરો વિગેરે જેડ઼ી વસ્તુ ભનાયમેં અચે ત માંગમેં ગ઼ચ વધારો અચી સગ઼ે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button