ઉત્સવ

પચાસની ઉંમરે પણ કરી શકાય છે કરિયરની શરૂઆત સિલાઈ મશીને સર્જી મંજુશાની સફળ ગાથા

વિશેષ -પ્રથમેશ મહેતા

મંજુશા જેવિયર અને નજૂકા જેવિયર કહેવાય છે કે નવી શરૂઆત કરવા માટે કોઈ સમય કે ઉંમરનું નડતર નથી હોતું. જીવનમાં આવતા વળાંકો પ્રગતિ અને તકોના દ્વાર ઉઘાડતાં હોય છે. આવું જ કાંઈક થયું મુંબઈમાં રહેતાં મંજુશા જેવિયર સાથે. 2016માં જ્યારે તેમની નોકરી છૂટી ગઈ તો તેમણે ઘરે બેસી રહેવાને બદલે પોતાની સીવણકળાની રુચિને આગળ વધારીને બિઝનેસ શરૂ કર્યો. બે હજાર રૂપિયાથી શરૂ કરેલો આ બિઝનેસ આજે તેમને લાખોની આવક રળી આપે છે. એ વિશે મંજુશાએ કહ્યું કે, `2016માં મારી નોકરી છૂટી ગઈ હતી. મારે કામની જરૂર હતી. મારી દીકરીના શિક્ષણ માટે અને ઘર ચલાવવા પૈસાની જરૂર હતી. બાવનની ઉંમરે શું મને કોઈ નોકરી આપશે? જો નોકરી ઘરથી દૂર હશે તો ટ્રાવેલ કરવું શક્ય હશે? શું હું યુવાનોની જેમ જલ્દીથી કોઈ નવી વસ્તુ શીખી અને ગ્રહણ કરી શકીશ?’

આ બધી ગડમથલ તેના દિમાગમાં ચાલી રહી હતી. એ જ વખતે તેની દીકરી નજૂકા જેવિયર જે એક માર્કેટિંગ પ્રોફેશનલ છે તેણે તેને બિઝનેસ શરૂ કરવાની સલાહ આપી હતી. તેની આ આઇડિયા કામ કરી ગઈ અને આજે તે `તોહફા’ નામની બ્રૅન્ડ ચલાવે છે. એના માધ્યમથી ઘરમાં ઉપયોગી એવી અનેક ચીજ-વસ્તુઓ તેઓ બનાવે છે.

આવી રીતે તેમના ઘરના એક ખૂણામાં ઉપયોગ કર્યા વગરનું પડી રહેલું સો વર્ષ જૂનું સિલાઈ મશીન કામમાં આવી ગયું. મંજુશા આ મશીન પર વિવિધ વસ્તુઓને નવો આકાર આપે છે અને એ લોકોના ઘરને સુશોભિત કરી દે છે. મંજુશા પોતાની કળાથી ફેબ્રિક દ્વારા ટ્રાવેલ ર્ગેનાઇઝર્સ, પર્સીસ, મેકઅપ પાઉચ, લેપટૉપ સ્લીવ્સ, તકિયાના કવર અને ફેબ્રિક ટે્ર બનાવે છે. મંજુશાનું કહેવું છે કે જો દિલમાં હામ હોય તો કોઈ કામ અશક્ય નથી. જોકે આ નવી શરૂઆત કરવા માટે પણ તેને થોડી તકલીફ વેઠવી પડી હતી. મંજુશાની દીકરી નજૂકાએ કહ્યું, `શરૂઆતમાં અમે એકબીજાને આર્થિક રીતે સપોર્ટ કરતા હતાં. અમે મમ્મીની સેવિંગ્સ અને તેના ટૅલન્ટ પર ટકી રહ્યાં. મને યાદ નથી આવતું હોય કે બાળપણમાં મને દુકાને જઈને કપડાં ખરીદવા પડ્યા હોય. મારી મમ્મી મારા માટે એ સીવતી હતી. પોતાની સાડી અને ડે્રસના સુંદર કોમ્બિનેશનથી એને બનાવતી હતી.’

પોતાના બિઝનેસને પ્લાસ્ટિક-ફ્રી રાખવાની વાત કરતાં મંજુશાએ કહ્યું, `યુવાપેઢી સાથે જોડાઈ રહેવાની મને મજા આવે છે. ઉદાહરણ તરીકે મને ટકાઉ ફેશન અને એની અગત્યતા વિશે જાણ નહોતી. જોકે મારી દીકરીએ મને એની માહિતી આપી. આજે અમારા બિઝનેસમાં અમે પ્લાસ્ટિકનો જરાપણ ઉપયોગ નથી કરતાં. હું હંમેશાંથી કાંઈક પોતાનું કરવા માગતી હતી, પરંતુ નાણાં ન હોવાથી આગળ નહોતી વધી રહી.’

લાઇફમાં સકારાત્મક અભિગમ રાખવાની સલાહ આપતાં મંજુશા વધુમાં કહે છે કે, `મારું એવું માનવું છે કે કોઈપણ કામ કરીએ એમાં પડકારો તો આવશે જ. જોકે તમને જે કામ કરવાની ઇચ્છા છે એ કરવામાં આવે તો એ વધુ સરળ બની જાય છે. પરિવર્તનનું સ્વાગત કરો. એ નક્કી તમને સફળતા અપાવશે. મને એ શંકા પણ રહેતી કે જો હું આ બિઝનેસમાં સફળ ન થઈ તો શું થશે? મારી ઉંમર પણ વધી રહી છે. શું મને કોર્પોરેટ જોબ મળશે? હું મારી દીકરીને સતત એમ પૂછ્યા કરતી કે શું મારે આ બિઝનેસ છોડીને નોકરી શોધવી જોઈએ?’

આટલું જ નહીં મંજુશા પોતાની સાથે અન્ય મહિલાઓને પણ પગભર કરી રહી છે. તેના તોહફાના આ બિઝનેસમાં આઠ મહિલાઓ જોડાયેલી છે. એથી આપણી પારંપરિક સિવણકળા ટકી રહે છે અને તેને પ્રોત્સાહન પણ મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button