‘યસ, આય કેન, આય વીલ’
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે
‘સર. પ્લીઝ આય વોન્ટ ટુ રીઝાઈન-’ આટલું બોલતાં તો રૂપલનો અવાજ રુંધાઈ ગયો. ‘સર, મારા અંગત કારણોને લીધે હું મારી જોબ કરી શકું તેમ નથી, મારું રાજીનામું સ્વીકારી લો. આપના સહકાર બદલ આભાર.’ મુંબઈની જાણીતી હાઈટેક કંપનીના સી.ઈ.ઓ. રાજેશ માથુર વિચારમાં પડી ગયા.
થોડીવાર પછી રાજેશસરે કહ્યું- આવી પ્રોડેકશન ઈનચાર્જની હાય પ્રોફાઈલ જોબ શા માટે છોડો છો ?
‘સર, પર્સનલ પ્રોબ્લેમ. લગ્ન પછી ઘરની જવાબદારી, ઓફિસવર્ક, સોશિયલ રીલેશન આ બધું એક સાથે મેનેજ નથી કરી શકતી. મને ટેન્શન થાય છે.’ રૂપલે ગંભીરતાથી કહ્યું.
‘મિસ રૂપલ, આપણા કોર્પોરેટ વર્લ્ડનો પ્રથમ સિદ્ધાંત છે- ટાઈમ મેનેજમેન્ટ અને હાર્ડવર્ક. મેં જોયું છે, તમે તમારા કામમાં એફિશિયન્ટ છો, તમારું પરફોરમન્સ પણ બેસ્ટ છે. તમને રિકવેસ્ટ કરું છું, ફરી એક વાર વિચાર કરો.’ રાજેશસરે કહ્યું.
‘સર, થેન્ક્સ ફોર યોર કાઈન્ડ વર્ડસ બટ…’ રૂપલે આંખમાં ઝળઝળિયાં સાથે નીચું જોતાં કહ્યું.
રૂપલ, તમને ઑફિસમાં કોઈ પ્રોબ્લેમ, કોઈની સાથે તકલીફ, હું તમારી અંગત વાતો જાણવા નથી માગતો, પણ યોગ્ય નિર્ણય લેવાનું કહું છું. આવી બેસ્ટ કંપની અને હાઈ સેલેરીનો જોબ છોડાય નહીં.’ રાજેશસરે રૂપલને કહ્યું.
‘સર, મેં આપણી કંપનીમાં જોબ લીધી ત્યારે નિશ્ચય કર્યો હતો કે હું એટલી મહેનત કરીશ કે એક દિવસ તમારી કૅબિનની બાજુમાં મારી પણ કૅબિન હશે. આ કંપનીએ મને આકાંક્ષાઓનું નવું આકાશ આપ્યું છે, પણ ત્યારે મને ખબર ન હતી કે લગ્ન પછી સ્ત્રીઓની પાંખ કપાઈ જાય છે.’ રૂપલે હતાશ થતાં કહ્યું.
‘એટલે વોટ ડુ યુ મીન? તમારા પતિ કે ઈનલોઝ તમને જોબ છોડવાનું કહે છે ? જુઓ, તમારા સિનિયર અને હિતેચ્છુ તરીકે કહું છું, કોઈના દબાણમાં રહીને ખોટો નિર્ણય લેતા નહીં. આ લેટર પાછો લઈ જાઓ. રીથીન્ક યોર ડિસિસન.’ રાજેશસરે પત્ર પાછો આપતા કહ્યું.
‘ઓકે સર. આય વીલ ગીવ સેક્ધડ થોટ.’ પત્રને પર્સમાં મૂકતાં રૂપલે કહ્યું.
‘રૂપલ, હું માનું છું કે પ્રત્યેક સ્ત્રીએ સ્વમાનપૂર્વક જીવવા આર્થિક રીતે સ્વતંત્ર રહેવું જોઈએ.’ મીઠું સ્મિત આપતાં રાજેશસર બોલ્યા.
રૂપલ સાંજે ઘર તરફ જતાં બસમાં બેઠા બેઠા ઊંડા વિચારમાં ડૂબી ગઈ. ‘રાજેશસરની વાત સાચી છે. જો હું નોકરી છોડી દઉં તો હાઉસવાઈફ બની જાઉ, એટલે કે ડિપેન્ડન્ટ. કંઈ પણ જોઈતું હોય તો મનોજ પાસે માગવું પડે.’
પણ, એના ટ્રેડિશનલ માતા-પિતાને કોણ સમજાવે, ધે વોન્ટ ટિપિકલ ટ્રેડિશનલ વહુ, ધેટ આય કાન્ટ બી- પણ, વોટ ઈઝ ધ સોલ્યુશન. હું ઑફિસના ડયૂટી અવર્સ બદલી ન શકું કે ન આ લોકોની વિચારપદ્ધતિ બદલી શકું. મનોજ આ બેની વચ્ચે, પણ એ તો મગનું નામ મરી ના પાડે. હું કંઈ કહું તો એક જ જવાબ યુ હેવ ટુ મેનેજ ઈટ.
ત્યાં જ કંડકટર આવ્યો, રૂપલે બસનો પાસ બતાવ્યો. એટલામાં સાસુમાનો ફોન આવ્યો. એ બોલ્યાં- રૂપલ, કેટલે પહોંચી? હજુ કેટલી વાર લાગશે? તું જાણે છે ને ફોઈ-ફુવા જમવા આવવાના છે.’
‘મમ્મી, હું બસમાં જ છું, અડધો કલાક લાગશે.’ રૂપલે દબાતા અવાજે કહ્યું.
‘ભલે, આવે ત્યારે કાકડી, ટમેટા, વટાણા લેતી આવજે અને અમુલ ડેરીમાંથી એક કિલો કેસર શ્રીખંડ લાવજે.’
રૂપલનું મન ચકડોળે ચઢયું. લો હવે બજારમાં આ બધું ખરીદો, થાકીને લોથપોથ થઈને ઘરે જાઓ, બધાને એટેન્ડ કરો.
ત્યાં જ મનોજનો ફોન આવ્યો.
રૂપલ, આજે મને આવતા મોડું થશે. કાલે સવારે નવ વાગે ખાસ મિટિંગ માટે નીકળીશ. મારો કોટ, બ્લ્યુ શર્ટ તથા પેલી ડાર્ક બ્લ્યુ ટાઈને ઈસ્ત્રી કરી રાખજે. ઓ.કે. બાય. લવ યુ ડાર્લિંગ.’
‘ઓકે, સી યુ.’ કહેતાં રૂપલે ફોન કટ કર્યો. તેના મનમાં શબ્દ પડઘાયા- મનોજ, આય લવ યુ કહેવાનો શો અર્થ, મારા પ્રોબ્લેમ દૂર કરવામાં મદદ કર. મને યાદ છે લગ્ન પહેલાં તેં કહ્યું હતું કે રૂપલ નોકરી ચાલુ રાખવી કે નહીં એ નિર્ણય તારે જ લેવાનો છે, પણ યુ હેવ ટુ ટેક કેર ઓફ ફેમિલી. આમ તો મારો બિઝનેસ સરસ ચાલે છે, તારે નોકરી કરવાની જરૂર નથી.
ત્યારે રૂપલે કહ્યું હતું, આય વોન્ટ ટુ બી સકસેસફુલ કરિયર વુમન.’
પણ લગ્નના પાંચ મહિનામાં જ રૂપલને ખરી વાસ્તવિકતા સમજાઈ ગઈ. સાસુમાએ તેમના મહિલામંડળ સાથે ચારધામની યાત્રા જવાનું નક્કી કર્યું એટલે રૂપલને ૧૦ દિવસની રજા મૂકવી પડી. મનોજે ૪૦ હજાર મમ્મીની યાત્રા માટે આપ્યા એ વાતે રૂપલ ખુશ હતી, પણ ઘરકામ માટે ૧૦ દિવસની રજા લેવી પડી જાણે કોઈએ તેની સ્વતંત્રતા છીનવી લીધી ન હોય એવું લાગી આવ્યું.
માનસિક તાણ અને શારીરિક શ્રમની અસર રૂપલના શરીર પર વરતાવા લાગી. લેડી ડૉકટરની સલાહ મુજબ તેના ડાયેટનું તથા સ્વાસ્થ્યની કાળજી પણ લઈ શકતી ન હતી.
ઑફિસમાં મન લગાવીને કામ કરો અને ઘરના પણ બધા ઘસરડા કરો, આ બધું એક સાથે કેવી રીતે કરવું? રૂપલ ખૂબ થાકી જતી, પણ કર્યા વગર છૂટકો ન હતો. આખરે કંટાળીને રાજીનામું આપવા તૈયાર થઈ ગઈ હતી.
ખરી વાત તો એ હતી કે રૂપલને જરૂર હતી હૂંફની, એને કોઈ સમજે, એની બુદ્ધિપ્રતિભાને બિરદાવે! જેવા લાડકોડ મમ્મી કરતી એવું સાસુમા પણ કરે! આ હતાશામાં જ એણે રાજીનામાનો પત્ર લખ્યો હતો.
કંડકટરે ઘંટડી મારતા બૂમમારી- લાસ્ટ સ્ટોપ, મેડમ ચારકોપ આ ગયા.
બજારનું કામ પતાવી હાંફળી-ફાંફળી રૂપલ ઘરે પહોંચી. ફોઈજીને પગે લાગી, ત્યાં જ મમ્મીજી બોલ્યાં-‘મારી રૂપલ ખૂબ ભણેલી અને ગુણિયલ છે. એ બધું સંભાળે છે, ઘર, ઑફિસ અને અમને પણ. મારી રૂપલ આજકાલની છોકરીઓ જેવી નથી. એક કામ કહું, તમારી આજુબાજુ આખો દિવસ કામ કરે એવી કોઈ બાઈ હોય તો મોકલજો ને. મારી રૂપલ, એકલી કેટલું કરે? પૈસા તો માગે તેટલા આપીશ પણ કામકાજમાં ચોખ્ખી હોવી જોઈએ.
રૂપલે વિવેક ખાતર કહ્યું, ના, મમ્મી, એમ ખોટા ખર્ચા શા માટે?’
‘ના, બેટા! ઘરકામ અને રસોઈ માટે બાઈ તો રાખવી જ છે, તું થાકી જાય છે, તે હું નથી જોતી?’
મમ્મીના પ્રેમાળ શબ્દોએ રૂપલને નવું બળ આપ્યું. એણે નક્કી કર્યુ, હું રાજીનામું નહીં આપું. યસ, આય કેન, એન્ડ આય વીલ.