ઉત્સવ

યે બેચારા, એક્ઝામ કે બોજ કા મારા…

‘નીટ’ જેવી જાતભાતની પ્રવેશ-પરીક્ષાઓને લીધે માર્કશીટ વિદ્યાર્થી માટે પ્રેશરશીટ અને પરિવાર માટે પ્રેસ્ટિજશીટ બની ગઈ છે ત્યારે ભ્રષ્ટાચાર આભડી ગયો છે એવી બધી પરીક્ષાનું પડીકું વાળીને દૂર દૂર ફગાવી દો…

કવર સ્ટોરી -વિજય વ્યાસ

દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટNEET)નાં પેપર ફૂટી ગયાં તેની મોંકાણ ચાલુ જ છે ત્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ NEETઝસહિતની પરીક્ષાઓ જ રદ કરી દેવાની માગણી કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં મમતાજીએ વિનંતી કરી છે કે,NEETનું પડીકું કરીને પહેલાં રાજ્ય સરકારો એડમિશન માટે પોતાની મેડિકલ ટેસ્ટ લેતી હતી એ સિસ્ટમ ફરી અમલી બનાવવી જોઈએ. મમતાની માગણીને તમિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે.સ્ટાલિન સહિતના બીજા બિન-ભાજપ મુખ્ય મંત્રીઓએ પણ ટેકો આપ્યો છે.

મમતા કોઈ પણ વાત કરે એટલે તેનો વિરોધ કરવા કૂદી પડવું એ ભાજપનો મંત્ર છે તેથી આ મુદ્દે પણ ભાજપના નેતાઓ મમતાની વાત વાહિયાત હોવાના દેકારા સાથે મચી પડ્યા છે , પણ મમતાએ એક વ્યાજબી મુદ્દો ઉઠાવ્યો છે.NEETમાં પેપર ફૂટ્યાં, સેન્ટરોમાં બેસીને નિષ્ણાતોએ જવાબ લખાવ્યા, ડમી ઉમેદવારો બેસાડાયા, ચોક્કસ વિદ્યાર્થીઓને ફાયદો કરાવવા માટે ગ્રેસ માર્ક્સ અપાયા, અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો સહિતની પોલ ખૂલી પછીNEETની પરીક્ષાની વિશ્ર્વસનિયતાના ધજાગરા ઊડી ગયા છે. કેન્દ્ર સરકાર જ્યારે NEET લાવી ત્યારે દાવો કરાયેલો કે, આખા દેશમાં મેડિકલ કોલેજોમાં એડમિશન માટે એક જ પરીક્ષા હશે તો વિદ્યાર્થીઓને સમાન તક મળશે અને અન્યાય નહીં થાય. એડમિશન લેવાની પ્રક્રિયા પણ સરળ બનશે.

જો કે અત્યારે જે સ્થિતિ છે તેમાં તો NEETના કારણે હોશિયાર વિદ્યાર્થીઓ હતાશામાં સરી પડ્યા છે. મેરિટ વિનાના વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપીને જે બીજી રીતે ફાયદો કરાવવામાં આવી રહ્યો છે એ જોતાં બીજું થાય પણ શું? NEET જે ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી એ ઉદ્દેશ તો બાજુ પર જ રહી ગયો છે પણ ઊલટાનું ભ્રષ્ટ તંત્રના કારણે વિદ્યાર્થીઓને તણાવ આપીને હતાશા તરફ ધકેલાઈ રહ્યા છે. આ જોઈને વિદ્યાર્થીઓની દયા આવે છે ને આપણા તંત્ર પર ગુસ્સો આવે છે. દેશનું ભાવિ મનાતા વિદ્યાર્થીઓના જીવન સાથે કઈ રીતે ચેડાં કરી શકાય? NEETનું તંત્ર સાવ ખાડે ગયું છે એ જોતાં મમતાની વાત સાચી છે. NEETને અભરાઈ પર જ ચડાવી દેવી જોઈએ.

મમતાએ તો માત્ર NEETની વાત કરી છે પણ વાસ્તવમાં આપણે ત્યાં અંડર ગ્રેજ્યુએશન માટે એડમિશનની આખી જે પ્રક્રિયા છે એ જ શંકાસ્પદ છે અને તેને જ બદલવાની જ રૂર છે. અત્યારે જે સિસ્ટમ છે તેમાં બારમા ધોરણના વિદ્યાર્થીઓ બિચારા જાત જાતની પરીક્ષાઓના ભાર નીચે જ દબાઈને મરી જાય છે. પહેલાં જે સિસ્ટમ હતી તેમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં જે માર્ક્સ આવે તેના આધારે વિદ્યાર્થીને મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ મળતો હતો તેના કારણે વિદ્યાર્થી બારમાની બોર્ડની પરીક્ષામાં પૂરી તાકાત લગાવીને મચી પડતો.

અત્યારે બોર્ડની પરીક્ષાનું ભારણ તો છે જ પણ મેડિકલ અને એન્જિનિયરિંગમાં એડમિશન માટેNEETઅને JEE-MAINજેવી પરીક્ષાનું ભારણ અલગ અને વધારાનું હોય છે. આ સિવાય ગુજરાતમાં એન્જીનિયરિંગ ફાર્મસી વગેરેમાં એડમિશન માટે GUJCEઝલેવાય છે એ રીતે બીજાં રાજ્યોમાં લેવાતી પરીક્ષાનો બોજ અલગ છે. આર્કિટેક્ચર, પ્લાનિંગ, ડિઝાઈનમાં એડમિશન લેવું હોય તો તેમાં પાછી આ બધી પરીક્ષામાંથી કોઈ ના ચાલે. તેના માટે NATA, UCEED જેવી પરીક્ષાઓ પાછી અલગથી આપવી પડે….! પાછાં પોતાને ટોચનાં માનતાં ઈન્સ્ટિટ્યૂટ પાછાં આ કોઈ પરીક્ષાને ગણકારતાં નથી ને પોતાની પરીક્ષા અલગ લે છે તેથી તેમાં એડમિશન લેવું હોય તો એ માટેની પરીક્ષા અલગથી આપવી પડે. દેશભરમાં એકસરખી સિસ્ટમ લાવવાની વાતો કરતા નેતાઓ આ સંસ્થાઓને કોમન ટેસ્ટના નિયમો કેમ લાગુ નથી પાડતા એ સમજવા જેવું છે.

આ બધી પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીની હાલત અભિમન્યુ જેવી થઈ ગઈ છે કે જેણે એક પછી એક કોઠા વીંધવા પડે ને તેમાંથી કોઈ કોઠામાં તો બિચારો ઢળી જ પડે.

આ સ્થિતિ માટે આપણા રાજકારણીઓ જવાબદાર છે કે જેમણે ભ્રષ્ટાચાર કરી શકાય એ માટે આખી સિસ્ટમને જ વેરવિખેર કરી નાખી. ખરી જરૂર
શિક્ષણને વધારે સ્પર્ધાત્મક અને અઘરું બનાવવાની છે ત્યારે તેમણે પ્રવેશની પ્રક્રિયાને અઘરી કરી નાખી છે જ્યારે શિક્ષણને સાવ હલકું કરી નાખ્યું છે. શિક્ષણનું સ્તર નીચું જતાં બોર્ડનાં તોતિંગ પરિણામ આવે છે, બલ્કે ધડાધડ ખોલી દેવાયેલી મેડિકલ ને એન્જિનિયરિંગ કોલેજોને બકરા મળી રહે એ માટે બોર્ડની પરીક્ષાનાં પરિણામ ઊંચાં અપાય છે. તેના કારણે સ્થિતિ એ પેદા થઈ રહી છે કે શિક્ષણનું સ્તર ખાડે ગયું છે અને શિક્ષણ પાછળના ખર્ચનું સ્તર ઉંચું ને ઉંચું જતું જાય છે.

આ સ્થિતિ બદલવી જરૂરી છે ને તેના માટે એડમિશન પ્રક્રિયાને સરળ બનાવવી પડે. તેની શરૂઆત પાયાના શિક્ષણથી કરવી પડે , પણ કમનસીબે આપણી સરકારો પણ વિદ્યાર્થીઓ પરથી બોજ ઘટાડવાના બદલે વધાર્યા કરે છે.મોદી સરકારે ૨૦૨૧માં જાહેર કરેલી નવી શિક્ષણ નીતિ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મોદી સાહેબે કહેલું કે,માર્કશીટ વિદ્યાર્થી માટે પ્રેશરશીટ અને પરિવાર માટે પ્રેસ્ટિજશીટ બની ગઈ છે તેથી નવીશિક્ષણનીતિ વિદ્યાર્થીઓના મગજ પરથી માર્કશીટનું દબાણ દૂર કરવા માટે છે. મોદી સાહેબે ક્લાસરૂમને દીવાલોની વચ્ચે કેદ નહીં કરવાનો દાવો કરીને શિક્ષણ માટે ફાઈવ ‘સી’નો મંત્ર પણ આપેલો.

મોદી સાહેબના કહેવા પ્રમાણે,એકવીસમી સદીમાં શિક્ષકોએ ક્રિટિકલ થિંકિંગ, ક્રિયેટિવિટી, કોલાબરેશન, ક્યુરિયોસિટી અને કોમ્યુનિકેશન એ પાંચ કૌશલ્ય કેળવવાં પડશે. વિદ્યાર્થીઓએ આ ગુણોને આત્મસાત કરીને તેના આધારે આગળ વધવું પડશે.

કમનસીબે,મોદી સરકારની નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓનો બોજ ઘટાડવાના બદલે વધારે છે. નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ શિક્ષણનું નવું ફોર્મેટ બાળકોને અધમૂઆ કરી નાખે એવું છે. ભારતમાં વરસોથી ૧૦+ ૨એટલે કે ધોરણ ૧થી ધોરણ ૧૦ સુધીનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અને પછી ધોરણ ૧૧ અને ધોરણ ૧૨નું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણએ ફોર્મેટ પ્રમાણે શિક્ષણ અપાય છે. તેના બદલે નવી શિક્ષણ નીતિમાં શાળાના અભ્યાસક્રમમાં સુધારા સાથે ૫+૩+૩+૪ના નવા ફોર્મેટની ભલામણ કરવામાં આવી છે. મતલબ કે,મોદી સરકાર ૧૦+ ૨ ફોર્મેટને અભરાઈ પર ચડાવી દેશે. તેના બદલે શાળાકીય શિક્ષણ૧૫ વર્ષનું થઈ જશે.

અત્યારે બાળકને ૫ વર્ષની વય પછી સ્કૂલમાં મોકલવાનો નિયમ છે તે પણ જતો રહેશે ને તેના બદલે ૩ વર્ષની વયથી બાળકને ભણવા મોકલવાની પદ્ધતિ અમલી બનશે.બાળકો પર નાની વયે શિક્ષણનો બોજ નાંખીને એમનું બાળપણ ના છિનવી લેવું જોઈએ એવી વાતો આપણે સાંભળીએ છીએ. મોદી સરકાર બાળકો પર ત્રણ વર્ષની ઉંમરથી જ શિક્ષણનો બોજ નાખી દેવાની છે. બાળકોને આ ઉંમરથી શિક્ષણ આપવા પાછળનો તર્ક શું છે એ સમજવું અઘરું છે.

આ સ્થિતિ ક્યારે બદલાશે એ ખબર નથી. બાળકોને નાની વયે જ શિક્ષણના બોજ નીચે નાખી દેવાથી તેમનું બાળપણ તો છિનવાઈ જ જશે પણ મોટા થયા પછી પણ એ આ બોજમાંથી બહાર નહીં આવી શકે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ