ઉત્સવ

સ્પોટ લાઈટ : નાટક ને ચેટક બનાવનારથી ચેતીને ચાલવું

-મહેશ્વરી

તખ્તો છે તો નાટક છે એ ખરું. લેખક-નટમંડળી હોય તો નાટક ભજવાય એ સુધ્ધાં સાચું, પણ…પણ પ્રેક્ષક છે તો નાટક છે એ સર્વોત્તમ સત્ય છે. નાટક જ નહીં, ફિલ્મ કે ભજવણીના કોઈ પણ પ્રકાર માટે આ નિર્વિવાદ સત્ય છે. એટલે જ પ્રેક્ષકને ‘પ્રેક્ષક માઈબાપ’નું સંબોધન કરવામાં આવે છે. પ્રેક્ષકનો પ્રેમ, એની દાદ કલાકારને વહાલસોઈ હોય છે.

કલાકારને પ્રેક્ષકોની તાળીઓનો ગડગડાટ પ્રિય હોય છે એમ પ્રેક્ષકને કલાકારની નિકટ જવામાં દિલચસ્પી હોય છે. કલાકારનો અભિનય કે તેણે ભજવેલું પાત્ર ગમીજાય તો એની સાથે હાથ મિલાવવા કે ફોટો પડાવી આલબમમાં સાચવી રાખવો (આજના જમાનામાં સેલ્ફી લેવામાં) એને મનગમતી વાત હોય છે. જોકે, છાયાભાઈ જેવા પ્રેક્ષક કલાકાર સાથે પરિચય કેળવી અંગત સંબંધ બાંધવામાં વિશેષ રુચિ ધરાવતા હોય છે.

ગયા હપ્તામાં મેં એમનો ઉલ્લેખ કર્યો હતો.
મુંબઈમાં ધીરે ધીરે અમારા સંબંધ ઘનિષ્ઠ બની ગયા હતા. ગુજરાતની ટૂરમાં રાજકોટમાં પણ અમારા શો હતા. છાયાભાઈ મૂળ રાજકોટના અને એટલે અમને મળવા આવે એ સ્વાભાવિક હતું. નાટકની સ્તુતિ કરી મને અને માસ્તરને કહેવા લાગ્યા કે ‘રાજકોટ નજીક રહેતા એક નામાંકિત ભાઈની (નામ અત્યારેભૂલી ગઈ છું) ઈચ્છા છે તમને સાંભળવાની. તમે એમના ઘરે આવી ગીત-સંગીતનો કાર્યક્રમ રાખશો?’ આ પ્રકારના કાર્યક્રમ કરવાથી ઓળખાણ વધે જે ભવિષ્યમાં નાટ્ય નિર્માણમાં કામ આવતી હોય છે અને હા, થોડી સાઈડ ઈનકમ પણ થાય. એટલે અમે તો હા પાડી દીધી.

એ ભાઈ કોણ છે, શું પ્રવૃત્તિ કરે છે વગેરે બાબતની અમને કશી જ ખબર નહોતી. જાણવાની ઉત્કંઠા પણ નહોતી. સારા મિત્ર બની ગયેલા છાયાભાઈના આગ્રહને માન આપી અને એક નવી ઓળખાણ કરવા, એક નવો સંપર્ક કેળવવાના આશય સાથે અમે રાજકોટ શહેરથી થોડે દૂર આવેલા એક ગામમાં એ નામાંકિત ભાઈના ઘરે ગયા. સરસ મજાનું ઘર હતું.

તેમણે અમને મીઠો આવકાર આપ્યો. પત્ની અને બાળકો સાથે ઓળખાણ કરાવી અને મને કહ્યું ‘મહેશ્ર્વરી, સરસ મજાનું ગીત સંભળાવો.’ ત્રણ – ચાર ગીત ગાયા અને એમને આનંદ આવ્યો. અમારા માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા પણ કરી હતી અને એક સારો અનુભવ ગાંઠે બાંધી અમે પાછા રાજકોટ પહોંચી નાટકની દુનિયામાં ગોઠવાઈ ગયા. જોકે, પછી અમને ખબર પડી કે એ ભાઈ કોઈ કલા રસિક કે કોઈ બિઝનેસમેન નહોતા, પણ એ સમયમાં સોનાની દાણચોરીમાં જે કેટલાક મોટા માથા સક્રિય હતા એમાં એક નામ એમનું પણ હતું.

કુખ્યાત દાણચોર હાજી મસ્તાન સાથે એમનું કનેક્શન હતું. હકીકત જાણ્યા પછી કંપારી છૂટી ગઈ. શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. નાટકની ભજવણીમાં અચાનક મર્ડર થાય કે એવો બીજો કોઈ હલબલાવી નાખતો સીન આવે ત્યારે પાત્રોચિત પ્રતિક્રિયા આપવા દરેક કલાકાર સજ્જહોય, પણ અહીં તો વાસ્તવિક જીવનમાં ધ્રુજારી ઊભી કરતો રિયલ સીન ભજવાઈ ગયો. આવા સમયે બે ઘડી માટે મગજ સુન્ન થઈ જાય. અમે બંને હેબતાઈ ગયા. છાયાભાઈનો પડછાયો આટલો બિહામણો હશે એની તો સ્વપ્નેય કલ્પના નહોતી. ખેર. રિયલ લાઈફનો સીન તો ભજવાઈ ગયો પણ આવા પાત્રોની જીવનમાંથી તાત્કાલિક ધોરણે બાદબાકી કરી નાખવી જોઈએ એવું અમે નક્કી કરી નાખ્યું.

આવો જ બીજો એક અનુભવ મને મુંબઈમાં પણ થયો. છાયાભાઈ ગ્રાન્ટ રોડની એક લોજમાં કાઠિયાવાડના કોઈ બાપુને મળવા અમને લઈ ગયા. કાઠિયાવાડના બાપુની ઝિંદાદિલી, એમની દરિયાદિલી વિશે થોડું જાણતી હતી અને એટલે એમના માટે આદર હતો. જોકે, લોજવાળા બાપુને જોઈ આદર થવાની વાત તો દૂર રહી, હું ને માસ્તર અસ્વસ્થ થઈ ગયા.

આ પણ વાંચો : ઝબાન સંભાલ કે : નીલકંઠ – નિમાવત – મશરૂવાળા – મંડનમિશ્ર…

એમનો દીદાર જોઈ હું ચોંકી ગઈ, વિચિત્ર લાગણી થઈ. કાઠિયાવાડી બાપુના પહેરવેશ વિશે જે સાંભળ્યું હતું એવું કશું નજરે ન પડ્યું. હા, એમના શરીર પર બાંધેલો એક મોટો પટ્ટો જાણે કે બૂમ પાડી અમને કહેતો હતો કે ‘મને જુઓ’, કારણ કે એમાં ચળકાટ ધરાવતા સોનાના બિસ્કિટ ખોસીને રાખવામાં આવ્યા હતા. અમે રહ્યા કલાકાર જીવ. સ્ટેજની લાઈટ, પ્રેક્ષકનો પ્રતિસાદ, નાટકની સફળતા વગેરેથી અમારી આંખો અંજાઈ જાય, હૈયું પુલકિત થઈ ઊઠે. સોનાના બિસ્કીટના ચળકાટથી અમે સહેલાઈથી અંજાઈ ન જઈએ. બાપુ જેવા લોકો સોનાના મોહથી લલચાવી લોકોને હાથો બનાવી અનીતિનું કામ કરતા હોય છે.

પણ હું ને માસ્તર ભોળવાઈ જઈએ એવા નહોતા. દાણચોરો નિર્દોષ લોકોનો કેવો ઉપયોગ કરતા હોય છે એ ફિલ્મમાં જોયેલું વાસ્તવિક જીવનમાં સામે આવીને ઊભું રહ્યું. વિચાર કરતા કરતા બધી વાત સમજાઈ ગઈ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. નાટક જોઈ પ્રશંસા કરવાનો, અમારી સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધવા પાછળનો છાયાભાઈનો અસલી હેતુ મને અને માસ્તરને સમજાઈ ગયો. મિસ્ટર છાયાનો પડછાયો પણ આસપાસ ફરકવો ન જોઈએ એવો મક્કમ નિર્ધાર કરી એમની સાથેના સંબંધ પર કાતર ચલાવી દીધી.

‘લેડી લાલકુંવર’, ‘આ માણસ મદ્રાસી લાગે છે’, ‘તોખાર’ જેવા યાદગાર નાટકોના સર્જક શ્રી સિતાંશુ યશચન્દ્ર મહેતાએ નાટક વિશે કહ્યું છે કે ‘નાટક સમાજ જીવનનું પ્રતિબિંબ છે અને નાટકની સૌથી વધુ સમજણ પ્રેક્ષકોને હોય છે.’ મિ. છાયા જેવી વ્યક્તિ પ્રેક્ષકની પ્રતિમા પર લાંછન છે.

નાટકને ચેટક બનાવી દેતા લોકોથી ચેતીને ચાલવું અને એમનાથી અંતર રાખવું એવો પાઠ શીખવા મળ્યો. જુહુ સેનેટોરિયમના બગીચામાં બેઠા બેઠા હું ભૂતકાળમાં સરી પડી અને આ બધું મારી આંખો સમક્ષ ચલચિત્રની જેમ પસાર થઈ ગયું. મને સહેજ હસવું પણ આવી ગયું. નાટકના કલાકાર – દિગ્દર્શક કે પછી નાટક કંપની સાથે જાતજાતના અને ભાતભાતના અનુભવ થાય એ તો સમજી શકાય. લગભગ દરેક કલાકારને થતા હોય છે.

મને તો પ્રેક્ષકોના પણ અલગ અલગ અનુભવ થયા છે. કોઈ કાયમ હૈયામાં સાચવી રાખવા ગમે એવા (હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અદભુત ચરિત્ર અભિનેતા કનૈયાલાલ જેવા) તો દીઠો ન ગમે એવા ખૂંખાર ચહેરા સાથે પગ પહોળા કરી આખા થિયેટરમાં બદઈરાદા સાથે બેઠેલો એક જ પ્રેક્ષક… બે છેડાના અંતિમ અનુભવ થયા છે. રંગભૂમિની મારી યાત્રામાં પ્રેક્ષકો પણ કેવા કેવા પાઠ ભજવી ગયા છે એ હેરત પમાડે એવી વાત છે.

નારી કે નારાયણી!
કોલમના પ્રારંભના એક હપ્તામાં મેં ૧૦૦થી વધુ નાટક લખી આદર મેળવનારા લેખક ગૌરીશંકર રાવળ વિશે વાત કરી હતી. અગાઉ વૈરાટનગરી તરીકે ઓળખાતા ધોળકામાં જન્મ્યા હોવાથી તેઓ ગૌરીશંકર ‘વૈરાટી’ તરીકે મશહૂર થયા હતા. તેમણે લખેલા ‘નારી કે નારાયણી?’ નાટકની કથાનું બીજ ક્યાંથી આવ્યું એ વિશે વર્ષો પહેલા સાંભળેલી વાત સ્મૃતિના આધારે લખું છું.

એક દિવસ કવિશ્રીના મિત્રએ તેમને કહ્યું કે ‘તમારા નાટક ‘આતમ જલે’નો એક જ અંક સાંભળી ૭૦૦ રૂપિયા એડવાન્સ પેટે આપનારા શેઠ કેન્સરમાં પટકાયા છે. આપણે તેમને મળવા જઈએ. તમને જોઈને એમને સારું લાગશે.’ શેઠના બંગલે પહોંચ્યા ત્યારે જોયું તો જાહોજલાલીમાં જીવેલા શેઠને કશું જ પાથર્યા વિના પથરાળ જમીન પર સુવડાવી એક ચાદર ઓઢાડવામાં આવી હતી.

ગૌરીશંકરને જોઈ શેઠ બેસવા ગયા પણ શારીરિક કમજોરીને કારણે ફાવ્યું નહીં. પલંગને બદલે ભોંય પર શેઠને સુવડાવવાનું કારણ પૂછતાં નોકરે કહીદીધું કે ‘શેઠનો જીવ ગમે ત્યારે જાય એવું છે. પલંગમાં જીવ જાય તો અવગતિ થાય એટલે શેઠાણીના આદેશથી જ અહીં સુવડાવ્યા છે.’

વાત સાંભળી લેખકશ્રી અસ્વસ્થ થઈ ગયા અને મિત્રને કહ્યું કે ‘આ જ બંગલામાં હું આવતો ત્યારે શેઠાણીના મોઢે ગીતાના શ્લોકો સાંભળી તેમને નારી નહીં પણ નારાયણી કહીને બિરદાવતો! આજે એ જ નારી હળાહળ ભરેલી નાગણી લાગે છે!’ આ પ્રસંગે ગૌરીશંકરને હલબલાવી નાખ્યા. માંદગીથી મનુષ્યના જીવનમાં કેવી કરુણતા ફરી વળે છે! એ વિચાર તેમને ઘેરી વળ્યો અને આ કથા બીજમાંથી નાટક લખાયું ‘નારી કે નારાયણી!’ (સંકલિત)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button