ઉત્સવ

ફિકરથી જીવને પીડા, ફિકરથી જીવ જાય, ફિકરની ફાકી કરે એ ખરો ફકીર કહેવાય!

ઝબાન સંભાલ કે- હેન્રી શાસ્ત્રી

ફકીર શબ્દનું મૂળભૂત અનુસંધાન ઈસ્લામ ધર્મ સાથે છે. ‘ઈસ્લામનું તમામ શાસ્ત્ર જાણતી વ્યક્તિ ફકીર’ એવી સ્પષ્ટતા શબ્દકોશમાં કરવામાં આવી છે. જોકે, કાળક્રમે ફકીર શબ્દ ધર્મના બંધનમાંથી છૂટ્યો અને વિશેષણ બની ગયો. વૈરાગી, નિષ્કિંચન, બેફિકર એવા અર્થથી જાણીતો થયો. મસ્તીથી જીવતા કે બેફિકર રહેતા માણસ માટે એ તો ફકીર છે એમ કહેવાતું હોય છે. ફિકર અને ફકીરના અક્ષરદેહમાં નજીવો ફરક છે, પણ સામ્ય વધારે છે. જોકે, ભાવાર્થમાં તો બંને એકબીજાના પર્યાય જેવા છે. ફિકર એટલે કાળજી, દરકાર, પરવા, ચિંતા, મનનો ગભરાટ, બેચેની, ચિંતાના અર્થ છે. મૃત્યુ કરતા પણ ચિંતા વધુ બૂરી છે એ દર્શાવતી કહેવત છે ચિંતા ચિતા સમાન. આ ભાવના ફિકરથી જીવને પીડા, ફિકરથી જીવ જાય, ફિકરની ફાકી કરે એ ખરો ફકીર કહેવાય સુભાષિત દ્વારા વ્યક્ત થાય છે. ચિંતા – ફિકર પરેશાનીને ખુલ્લું નોતરું આપી દે છે. આ ફિકર ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. કેટલાક વર્ષો પહેલા ‘મનસુખલાલ મજીઠિયા’ નામનું એકાંકી ભજવાયું હતું. પોતાના જેવું જ નામ ધરાવતી વ્યક્તિએ અધમ કૃત્ય કર્યું હોવાથી સરળ મનસુખલાલ ચિંતામાં કેવા ઓગળી જાય છે એ નાટકનું હાર્દ હતું. એટલે જ કહ્યું છે કે ફિકરની ફાકી કરે એ ખરો ફકીર કહેવાય. મતલબ કે ફિકરને પચાવી જાય, એનાથી વ્યથિત ન થાય.

પૂર્ણવિરામનો આતંક
કોલમના એક વાચકે મોકલેલી આ વાત કેટલાક દાયકાઓ પહેલાની છે જ્યારે નોકરી ધંધા અર્થે પતિને ઘરથી દૂર લાંબો સમય માટે રહેવું પડતું હતું. ઓછું ભણતર મેળવનારી અને વ્યાકરણની સમજણ નહીં ધરાવતી નવી પરણેતરએ બહારગામ ગયેલા પતિને પત્ર લખ્યો. જોકે, પૂર્ણવિરામ ક્યાં મુકવાની સમજ નહીં હોવાથી ખોટી જગ્યાએ મૂકી દીધા. પરિણામે ગજબનો અનર્થ સર્જાઈ ગયો. વાંચશો એટલે હસી હસીને પેટ દુખશે અને પછી અજ્ઞાન માટે વિસ્મય થશે. માણો પૂર્ણવિરામનો આતંક.

વહાલા પતિ, તમે હજી પત્ર નથી લખ્યો મારી સહેલીને. નોકરી મળી ગઈ છે આપણી ગાયને. ઘરે જ બાંધી રાખીએ છીએ દાદાજીને. દારૂનું વ્યસન થઈ ગયું છે માને. સારી રીતે સાચવું છું. મેં તમને ઘણા પત્રો લખ્યા બિલાડીના બચ્ચા. શિયાળ ખાઈ ગયું બે મહિનાનું રાશન. આવો ત્યારે લેતા આવજો એક સુંદર સ્ત્રી. મારી દોસ્ત બની ગઈ છે અને અત્યારે ટીવી પર ગીત ગાઈ રહી છે આપણી બકરી. બહુ તોફાની થઈ ગઈ છે તમારી પ્રિય પત્ની. યોગ્ય જગ્યાએ પૂર્ણવિરામ મૂકી વાંચશો એટલે અસલી પત્ર સમજાઈ જશે.

RHYMING WORDS 

ભાષામાં અક્ષરો હોય. અક્ષરોનો સમૂહ શબ્દ બને અને શબ્દોનો પરિવાર વાક્ય બનાવે. પછી એ વાક્યો કાગળ પર ઉતરી કવિતા, નાટક, વાર્તા કે નિબંધનું સ્વરૂપ ધારણ કરે. ભાષા લખાય અને બોલાય પણ ખરી. બોલાતી ભાષાના ધ્વનિ હોય. ભાષાનો આ રણકો કેટલીક જગ્યાએ વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે છે. કેટલાક શબ્દોના સ્પેલીંગ અને અર્થમાં જમીન અને આસમાન જેટલો ફરક હોય, પણ સાંભળતી વખતે એમાં ઘણું સામ્ય નજરે પડે. What Are Rhyming Words? Rhyming words are two or more words that have the same or similar ending sound. Some examples of rhyming words are: goat, boat, coat etc. અંત્યાક્ષરમાં સમાનતા પણ એકંદર સ્વરૂપ અને અર્થમાં એકદમ ભિન્ન એવા કેટલાક શબ્દો જાણીએ અને સમજીએ. Accelerator, Escalator, Elevator. એક્સિલરેટર એટલે એવું સાધન કે ઉપકરણ જે વાહનના એન્જિનની ઝડપ પર નિયંત્રણ રાખી શકે. એસ્કેલેટર એટલે પટ્ટાના આકારમાં સતત ઉપરથી નીચે, નીચેથી ઉપર ઉર્જાથી ચાલતી સીડી. એલીવેટર એટલે એવી વ્યવસ્થા જે લોકોને જુદા જુદા સ્તરેથી ઉપર નીચે લઇ જવામાં મદદ કરે છે. આપણે એને લિફ્ટ કહીએ છીએ. બીજી જોડી જોઈએ, Regulator and Violator. રેગ્યુલેટર એટલે નિયમન કરનાર. કોઈ વ્યક્તિ કે સંસ્થા પ્રવૃત્તિ કે પ્રક્રિયા પર નિયંત્રણ રાખીને એને નિયમાનુસાર ચાલવા દે. સંયુક્ત પરિવારના સમયમાં ઘરના વડીલ, મોટેભાગે બાપુજી કે દાદાજી પરિવારના રેગ્યુલેટર રહેતા. ઘરમાં પંખાની ઝડપ વધુ – ઓછી કરતું ઉપકરણ પણ રેગ્યુલેટર તરીકે ઓળખાય છે. વાયોલેટર એટલે એવી વ્યક્તિ જે નિયમ કે કરારનું ઉલ્લંઘન કરે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે અનાદર ધરાવતી વ્યક્તિ માટે પણ આ શબ્દ વપરાય છે. આમ Regulator and Violator એ બંને શબ્દો વિરોધાભાસી ભાવ ધરાવે છે. અર્થશાસ્ત્ર સાથે સીધો સંબંધ ધરાવતું શબ્દ યુગ્મ છે: Inflator and Deflator. ઇન્ફ્લેટર એટલે હવા ભરવાનો પંપ. કોઈ વસ્તુ કે જગ્યામાંથી હવા અંદર – બહાર કરી શકતું ઉપકરણ. એને મળતો શબ્દ છે Inflate જેનો અર્થ થાય છે હવા ભરવી. એનું જ એક સ્વરૂપ છે Inflation જે ઇકોનોમિક્સમાં ફુગાવો (ભાવવધારો) તરીકે ઓળખાય છે. Deflator એટલે ઘટાડા માટે નિમિત્ત બનતું ઉપકરણ કે પરિસ્થિતિ અને Deflation એટલે ફુગાવાનો ઘટાડો.

गुजराती प्रयोग हिंदी में

ગુજરાતી કહેવત – રૂઢિપ્રયોગના હિન્દી અવતારની કથા આગળ વધારીએ. હિન્દીમાં એવા કેટલાક શબ્દો અસ્તિત્વ ધરાવે છે જે વાંચતી વખતે ગુજરાતી લાગે પણ એનો અર્થ અલગ તરી આવે. આજીજી કરવી કે કાકલૂદી કરવી રૂઢિપ્રયોગ હિન્દીમાં माथा रगडना તરીકે જાણીતો છે. જોકે, હિન્દીમાં માથા એટલે ગુજરાતીમાં આપણે જેને માથું કહીએ છીએ એ નહીં, પણ એનો અર્થ કપાળ થાય છે. माथा टेकना એટલે નમન કરવું, પ્રણામ કરવા એવો ભાવાર્થ છે. ધર્મસ્થાનકોમાં માથું ટેકવતી વખતે આપણે કપાળ અડાડતા હોઈએ છીએ. રાજ કપૂરની ફિલ્મ ‘આહ’ માટે ગીતકાર શૈલેન્દ્રએ લખેલા ગીત ‘રાજા કી આયેગી બારાત’માં એક પંક્તિ છે કે राजा के माथे तिलक लगेगा, रानी के मांग सिन्दूर. તિલક તો કપાળે લાગે એ આપણે જાણીએ છીએ. ખૂબ મજૂરી કરનાર – આખો દિવસ ગદ્ધાવૈતરું કરવું માટે હિન્દી પ્રયોગ છે कोल्हू का बैल. ગુજરાતીમાં આપણે ઘાણીના બળદની જેમ કામ કરવું કહીએ જ છીએ ને. કોઈનું આધિપત્ય સ્વીકારવું, કોઈનું પ્રભુત્વ માનવું, પ્રભાવ સ્વીકારવો એ વાત હિન્દીમાં लोहा मानना સ્વરૂપે જાણીતી છે. कबड्डी में सभी देश भारत का लोहा मानते हैं। આવક કરતા જાવક વધુ હોય, કમાણી કરતા ખર્ચ વધારે હોય એ વાત હિન્દીમાં अस्सी आमद, चौरासी का खर्च या फिर आमदनी अठन्नी, खर्चा रुपैया સ્વરૂપમાં પણ જાણીતી છે.

॥ नव्या म्हणी ॥

પરિવર્તન સંસારનો નિયમ છે. કહેવાય છે કે જગતમાં એક જ બાબત કાયમ રહે છે, બદલાવ. ભાષામાં અને એની રજૂઆતમાં સમયાંતરે બદલાવ જોવા મળ્યા છે. કહેવતો અને રૂઢિ પ્રયોગ પણ એનાથી બાકાત નથી. નવીનક્કોર મરાઠી કહેવત છે: अभ्यासात कमी, कॅापीची हमी! આજની શિક્ષણ વ્યવસ્થા કે પછી વિદ્યાર્થીના અભિગમ પર આ કહેવત કટાક્ષ કરે છે. ભણવામાં નબળા છો, કશો વાંધો નહીં. પરીક્ષામાં કોપી કરવા મળશે એની ખાતરી – બાંયધરી આપવામાં આવે છે. બીજી કહેવત આધુનિક રહેણીકરણી પર ચાબખા મારે છે અને આપણને વિચાર કરતા મૂકી દે છે. घरात माणसे चार, कामवाल्या फार! ઘરમાં રહેતા માણસની સંખ્યા ગણીને માંડ ચાર છે, પણ એમની સગવડ સાચવવા ઝાઝા નોકરની હાજરી જોવા મળે છે. મુંબઈ જેવા મહાનગરમાં ઊંચા પગારની નોકરી કરતા કે સારું ટર્નઓવર ધરાવતા બિઝનેસમેનના પરિવારમાં ચાર નોકરની હાજરી હવે નવાઈની વાત નથી રહી. હાથમાં પૈસાની ખંજવાળ આવતી હોય એ વર્ગ કોઈ કામ જાતે કરવા તૈયાર નથી. એકવીસમી સદીના ત્રીજા દાયકામાં મોબાઈલ પરનું અવલંબન, એની ઘેલછા છાપરું ફાડીને બહાર નીકળવાની તૈયારીમાં છે. મોબાઈલ મેડનેસ – ગાંડપણ વ્યક્ત કરતી બે કહેવત છે मोबाईल करी, विश्व आले घरी ! खायची नाही गती, पण मोबाईल हाती ! પહેલી કહેવત મોબાઈલના લાભનું વર્ણન કરે છે કે એના ઉપયોગને લીધે વિશ્વ આપણા આંગણામાં ખડું કરી શકાય છે. બીજી કહેવતમાં ઘેલછાનું પ્રતિબિંબ જોવા મળે છે કે બે ટંક ભોજનના સાંસા હોય, પણ સારો મોબાઈલ સોશિયલ મીડિયાના ઉપયોગ માટે હાથવગો તો હોવો જ જોઈએ. 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો