કાનમાં કીડો ને દેશની સમસ્યા!
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
છેલ્લાં કેટલાંક વર્ષોમાં, વૈજ્ઞાનિકોએ આ સમસ્યા વિશે ઊંડો વિચાર કર્યો છે કે જો માણસના કાનમાં કોક્રોચ અથવા કોઈ પણ કીડો ઘૂસી જાય તો શું કરવું જોઈએ? હું એ વૈજ્ઞાનિક ચિંતનના આધારે એમાં થોડું વધારે ચિંતન કરવા માગું છું, જે કૃપા કરી સાંભળો જુઓ!
પરંપરાગત રીત પ્રમાણે જે કાનમાં કીડો અથવા કોક્રોચ ઘૂસી ગયો હોય એમાં ગરમ તેલ અથવા તીવ્ર દવામાં ટીપાં નાખવામાં આવે છે. આ ગરમ તેલ કે દવાનો હુમલો થતાં જ કોક્રોચ કે કીડો ઐતિહાસિક નાટકોનાં પાત્રોની જેમ છાતી પીટીને કહે છે- અરે, અરે, હું ક્યાં આવી ગયો? જે અંધારી ગુફાને હું સલામતીનો અભેદ્ય કિલ્લો માનતો હતો, એ તો સાક્ષાત મોતનું મોં નીકળ્યું. આટલું કહીને કોક્રોચ કે કીડો કાનમાં ઊંડે સુધી જવાના પ્રયત્નો છોડીને ત્યાં જ તડપીને મરી જાય છે.
આ પહેલું કામ થયું. ત્યાર પછી મરેલા કોક્રોચ કે કીડોના મૃત શરીરને બહાર ખેંચીને કાન ખાલી કરવાની સમસ્યા રહી જાય છે. આ માટે લોખંડનો ‘ચીપિયો’ નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી કોક્રોચ કે કીડો સારી રીતે પરિચિત હોય છે.
પણ આ બાજુ આજના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને કાનમાં કીડોઓની પ્રગતિ રોકવા નવી દવા શોધવામાં આવી. આ દવા એવા કાનમાં નાખવામાં આવે છે જેમાં કીડાએ પ્રવેશ જ નથી કર્યો! તમને સમજાવું- જેમ આપણે કોઇ વાતને એક કાનમાં નાખી બીજા કાનથી કાઢી નાખીએ છીએ. એવી જ રીતે આ દવા એક કાનથી બીજા કાન સુધી જાય એટલે કે જે કાનમાં કોક્રોચ કે બીજો કીડો નથી ત્યાંથી બીજા કાનમાં જ્યાં કોક્રોચ કે બીજો કીડો છે ત્યાં પહોંચે છે. દવાનાં આ ધસમસતાં પૂર જોઈને જીવડું વિચારે છે કે યાર, હું તો ખોટી જગ્યા પર આવી ગયો. જેવી રીતે એક મોટી કાર ખોટી ગલીમાં ઘૂસી જાય પછી એ કાર રિવર્સમાં આવે છે એવી જ રીતે વંદો કે બીજો કીડો પોતાની જિજ્ઞાસાનાં બેગ-બિસ્તરા ઉપાડીને ઊંધા પગે પાછો ફરે છે અને કાનની બહાર નીકળી જાય છે.
ત્યાર પછી છેલ્લી ઔપચારિકતા બાકી રહે છે. જેમાં તમે પરંપરાગત શૈલીમાં તમારા જૂતા વડે એ કીડાને અથવા કોક્રોચને કચડી નાખો છો અથવા એને છોડી દો છો અથવા એને માફ કરી દો છો.
આ નવી શોધ અને નવી વૈજ્ઞાનિક વિચારસરણી દેશના મામલામાં પણ વિચારવાની પ્રેરણા આપે છે. એ એટલા માટે કે દેશના અલગ અલગ કાન વગેરેમાં અલગ અલગ સમસ્યાઓના કોક્રોચ અને બીજા કીડાઓ પ્રવેશી જાય છે અને આપણે એની પીડા અનુભવીએ છીએ. સમસ્યાના ઉકેલની આપણી પરંપરાગત રીત એ છે કે આપણે પાછળથી દવા નાખીને આગળ વધતી સમસ્યાના મોત માટે પ્રાર્થના કરીએ છીએ. હવે નવી વૈજ્ઞાનિક વિચારસરણી એ છે કે આગળથી હુમલો કરવો અને કોક્રોચ અથવા કીડાને ઊંધા પગે પાછા ફરવા માટે મજબૂર કરવા! તમે ખાલી કાનમાં દવા નાખો અને સામેથી સમસ્યાનો સામનો કરો. સમસ્યા પોતે જ પીછેહઠ કરશે. હથેળી પર દાણો મૂકીને તમે કાનમાં ઘૂસેલા કોક્રોચ કે કીડાની પાછા ફરવાની અપેક્ષા રાખી શકો નહીં. તમે એને કાનમાંથી જીવતા બહાર કાઢો. પછી ભલે ને તમે એને તમારા જૂતા વડે મસળી નાખો અથવા તો માફ કરી દો. દેશ જેવું ઈચ્છે એવું થાય. બસ એટલું જ કહેવાનું કે ચીપિયા વડે ખેંચવાના દિવસો ગયા. હવે સીધું આક્રમણ થાય ત્યારે જ સમસ્યારૂપી કીડાની સારવાર થશે.
આધુનિક વૈજ્ઞાનિક વિચાર તો આમ જ કહે છે.