હેં… ખરેખર?! : ઉત્તરાખંડના ચોપતામાં દુનિયાનું સૌથી ઊંચાઈ પરનું શિવ મંદિર
–પ્રફુલ શાહ
વિરાટ હિમાલયના ખોળામાં આવેલો ગઢવાલ વિસ્તાર એટલે આશ્ર્ચર્ય જ આશ્ર્ચર્ય. અહીં વાત કરવી છે કે ઉત્તરાખંડ જિલ્લાના ગઢવાલમાં આવેલા રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા ચોપતા ગામની. આ ગામ તુંગનાથના ભવ્ય પહાડોમાં વસેલું છે. અહીં 3680 મીટરની પર બનેલું શિવ મંદિર દુનિયામાં સૌથી વધુ ઊંચાઈ પરનું શિવ મંદિર છે.
ભારતમાં ભગવાન ભોળાનાથને સમર્પિત અગણિત મંદિર છે પણ તુંગનાથ મંદિર અનેક કારણોસર અપ્રતિમ છે. સૌથી વધુ ઊંચાઈ પર આવેલું હોવા સાથે આ મંદિર પાંચ કેદારમાનું એક છે. બાકીના ચાર છે કેદારનાથ, રુદ્રનાથ, કલ્પેશ્ર્વર અને માઘમહેશ્ર્વર. લગભગ એકાદ હજાર વર્ષ પ્રાચીન મનાતા આ મંદિર વિશે ઘણું જાણવા અને આશ્ર્ચર્યચકિત થવા જેવું છે.
તુંગનાથના પર્વતો વચ્ચે આવેલ આ મંદિરના નિર્માણ અંગે અનેક લોકવાયકા પ્રચલિત છે. પહેલી વાત એ કે માતા પાર્વતીએ ભોળાનાથને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે અહીં તપસ્યા કરી હતી. કહેવાય છે કે અહીં નંદીના રૂપમાં ભોળેનાથ ભગવાનના હાથ દેખાય છે.
ત્યાર બાદ પાંડવોએ અહીં ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે મંદિર બંધાવ્યું હતું. આ મંદિરના નામમાં ‘તુંગ’ એટલે ‘હાથ’ અને ‘નાથ’ એટલે ભગવાન શંકર.
આ મંદિર અંગે વધુ એક કથા જાણીતી છે. લંકાપતિ રાવણે ભગવાન શંકરને ખુશ કરવા માટે અહીં જ તપસ્યા કરી હતી. કુરુક્ષેત્રમાં થયેલા ભયંકર નરસંહારથી નારાજ થયેલા ભગવાન શંકરને મનાવવા માટે પાંડવોએ તપસ્યા કરી હતી. એટલું જ નહીં રાવણના વધ બાદ ભગવાન રામે પણ બ્રાહ્મણ હત્યાના પાપમાંથી મુક્તિ માટે અહીં ભગવાન શંકરની તપસ્યા કરી હતી.
એક મંદિર સાથે કેટકેટલી લોકવાયકા જોડાયેલી હોય છે એના સરસ ઉદાહરણ સમાન તુંગનાથ મંદિર વરસમાં અમુક મહિના જ ખુલ્લું રહે છે. મોટે ભાગે ઉનાળામાં ખુલ્લું રહે અને દર્શનાર્થીઓની ભીડ ઊમટતી રહે છે. લગભગ ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં મંદિર બંધ કરી દેવાય છે.
ધાર્મિક કારણો સિવાય પણ ચોપતા ગામના ઘણાં આકર્ષણ છે. ચોમેર જંગલ અને અદ્ભુત કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું આ ગામ અનન્ય શાંતિ અને શાતા અર્પનારું છે. શહેરી જીવનની દોડધામ, ભીડભાડ, પ્રદૂષણ અને તાણથી છુ ટકારો મેળવવા માટે ચોપતા એકદમ આદર્શ સ્થળ છે.
તો ચોપતા કે તુંગનાથ જવું કેવી રીતે? વિમાનમાં જવું હોય તો દેહરાદૂનના જોલી ગ્રૉંટ એરપોર્ટ જવું. એ સૌથી નિકટતમ એટલે કે ચોપતાથી 188 કિલોમીટર દૂર છે. દેહરાદૂનથી ચોપતા જવા માટે આરામથી ટેક્સી, ખાનગી વાહન કે બસ મળી જાય છે.
અને વિમાન આપની પસંદ ન હોય તો? ટ્રેનમાં ઋષિકેશ રેલવે સ્ટેશન પહોંચી જવાનું. ત્યાંથી ચોપતા 140 કિલોમીટર દૂર છે. ત્યાં પહોંચવા માટે ય ખાનગી કાર મળી જાય અથવા ઋષિકેશ સ્ટેશનથી બસમાં ગોપેશ્ર્વર અથવા ઉખીમઠ જવાનું. અહીંથી બસમાં ચોપતા જવાય. અંતર માંડ 40 કિલોમીટરનું કાપવાનું રહે.
અને બાય રોડ જવાનું મન હોય તો દેહરાદૂન, ઋષિકેશ, દિલ્હી અને હરિદ્વાર જેવા મુખ્ય મથકોથી મોટર સડસડાટ દોડાવી શકાય. એ સિવાય ખાનગી વાહન અને બસ પણ નિયમિત રીતે મળતી રહે છે. અને ઋષિકેશ કે હરિદ્વારથી 140 કિલોમીટરનું અંતર કાપવામાં પાંચ-છ કલાક લાગે.
અને ચોપતા જવાનો હાલ આદર્શ સમય ચાલે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી કે એપ્રિલથી જૂન વચ્ચે પહોંચી જાઓ તો જલસો જ જલસો. ગરમીના બળબળતા દિવસોમાં ચોમેરની હરિયાળી આંખને ખૂબ ટાઢક આપે. હા, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે જવું તકલીફદાયક બની શકે. ક્યારેક ભારે વરસાદ થાય તો ભુ-સ્ખલનનું પૂરેપૂરું જોખમ હોય છે.
ચોપતા જઈએ તો તુંગનાથ મંદિર ઉપરાંત ચંદ્રશિલા ટ્રેક છે અને એ દોઢેક કિલોમીટર જ દૂર છે અહીં ટોચ પરથી નંદાદેવી, ત્રિશુલા, ચૌખમ્બા અને પંચમૂખી પર્વતમાળાઓ 360 ડિગ્રીએ મંત્રમુગ્ધ કરતો નયનરમ્ય સિનારિયો બતાવે છે, જે અનુભવ આજીવન નહીં ભૂલાય.
આ સિવાય દેવરિયાતાલ તળાવ પાસે ચોપતાનાં શિખરોના અદ્ભુત પ્રતિબિંબ વચ્ચે કિનારે કેમ્પિંગની મજા લઈ શકાય છે. ચોમેર લીલીછમ હરિયાળી વચ્ચે ઉખીમઠ શહેર ખૂબ વિશેષ છે. સદીઓથી શિયાળામાં એ દેવતાઓનું નિવાસસ્થાન ગણાય છે. અહીં ઉખીમઠ અને મધ્યમહેશ્ર્વર સહિતનાં પ્રાચીન મંદિરો છે.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : પ્રતિભા હોય તો અવરોધોને અવગણીને આગળ વધો
અને ચોપતાથી અંદાજે 115 કિલોમીટરના અંતેર ઔલીમાં બરફની ચાદરથી તન-મન સમૃદ્ધ ખુશખુશાલ કરી મૂકે છે.
એ વધુ એક બોનસ. અહીં હિમાલયન મોનાલ, ગોલ્ડન ઇગલ, બ્લેક ફે ફ્રેન્કલીન જેવા 200 જેટલા હિમાલયી પક્ષીઓ પણ જોવા મળે. પક્ષી-પ્રેમી અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર માટે અહીં અદ્ભુત તક છે.
ચોપતાના આસપાસના ગામના રહેવાસીઓની જીવનશૈલી અને સંસ્કૃતિ પણ અચંબિત કર્યા વગર નહીં રહે.
આટઆટલું કોઈ એક જ
ગ્યામાં મળે તો એના વિશે વિચાર-આયોજન કરવા જ જોઈએ કે નહીં?