ઉત્સવ

વિશ્ર્વ ગુજરાતી પુરાતત્ત્વશાસ્ત્રી: ડો. હસમુખ સાંકળિયા

*ડો. હસમુખ સાંકળિયાને ગુજરાત પુરાતત્ત્વના આદ્યસ્થાપક કહી શકાય…
*ભાગ્યે જ ઈતિહાસ અને પુરાતત્ત્વના અધ્યાપક તેમજ વિદ્યાર્થી હશે, જેણે ડો. હસમુખભાઈ સાંકળિયાને વાંચ્યા ન હોય…
*ઈતિહાસ અને પુરાતત્ત્વના વિદ્યાર્થીઓએ ડો. હસમુખ સાંકળિયાનું ઈતિહાસ લેખન અને સંશોધનના યોગદાન પર નૂતન સંશોધનને પ્રકાશમાં લાવવું એ એમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

ડો. હસમુખ સાંકળિયાનો જન્મ ગુજરાતના મધ્યમ પરિવારમાં થયો હતો. ગુજરાતમાંથી સ્થળાંતર કરીને મુંબઈ વસવાટ કર્યો. ડો. હસમુખ સાંકળિયાના પિતાનું નામ ધીરજલાલ અને માતાનું નામ મોતીગીરી છે. પિતા વકીલ હતા. નાનપણથી જ એમને પતંગ ઉડાવવાનો-લાંબા અંતરની મુસાફરી કરવાનો અને ક્રિકેટ રમવાનો – વાંચનની સાથે બગીચાનો પણ શોખ હતો. દરેકને ગુરુ અને આચાર્ય તરીકે એ પ્રિય હતા. એ ગુજરાતના પુરાતત્ત્વશાસ્ત્રના મહત્ત્વના આધારસ્તંભ હતા. એમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
પંદર વર્ષની ઉંમરે એમણે વેદ લોકમાન્ય તિલકનાં વેદ પરનાં લખાણો વાંચ્યા. એ સમયે એ આવા લેખને સમજી શક્યા ન હતા, પરંતુ એમણે આર્યો વિશે અભ્યાસ કરવાનું નક્કી કર્યું. બી.એ.માં સંસ્કૃત વિષય રાખ્યો જેથી એ આર્યો વિશે વધુ જાણી શકે.

મેટ્રિકમાં સંસ્કૃત વિષયમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ એમને ‘ચીમનલાલ રંગલાલ એવોર્ડ’ મળ્યો હતો. એમનું સંસ્કૃત અને વિવેકાનંદનું જ્ઞાન ખૂબ જ ઊંડું હતું. તેથી એમણે ‘કુંડમાલા’ અને ‘ઉત્તરમચરિત’ પર ખૂબ જ વિદ્વતાપૂર્ણ લેખ લખ્યો હતો.

બી.એ., એમ.એ. પૂર્ણ કર્યા પછી એમણે પ્રાચીન ભારતીય ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ભારતીય ઐતિહાસિક સંશોધન સંસ્થાન, નાલંદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું પસંદ કર્યું. એમણે બૌદ્ધ દર્શનનો પણ અભ્યાસ કર્યો હતો. સાથે LL.B પણ કર્યું. આ સમય દરમિયાન એમનાં પુસ્તક “Catiya caves in th Bombay’ માટે પ્રતિષ્ઠિત ‘પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી’ પુરસ્કાર અને સુવર્ણચંદ્રક મળ્યો.

મુંબઈ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શિક્ષકોની વિનંતી પર Ph.D.નો અભ્યાસ કરવા એ ઇંગ્લેન્ડ ગયા. લંડન યુનિવર્સિટીમાંથી પ્રોફેસર કોડિંગ્ટનના માર્ગદર્શન નીચે “The Dynastic History of Gujarat Monuments’ વિષય પર કામ કરી ૧૯૩૩માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.

આ સમય દરમિયાન એ બ્રિટનના મેઇડન કૈસલ ખાતેના ખોદકામમાં પ્રશિક્ષિત
તરીકે જોડાયા અને ખોદકામનો પ્રથમ અનુભવ મેળવ્યો.

આ સમય દરમિયાન જ પ્રખ્યાત પુરાતત્ત્વવિદ્ સર મોર્ટિમર વ્હીલરના સંપર્કમાં એ આવ્યા. એમની પાસેથી પુરાતત્ત્વ વિજ્ઞાનમાં પાયાની તાલીમ મેળવી ભારત પરત આવ્યા. અહીં એમણે ASI (ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ) ના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે અરજી કરી, પરંતુ નબળી શારીરિક સ્થિતિના કારણે નિયુકિત માટે એ લાયક ન ગણાયા.. બાદમાં પુણેની ડેક્કન કોલેજમાં પ્રાચીન ઇતિહાસના પ્રોફેસર બન્યા. ૧૯૬૬નો ગુજરાતી સાહિત્યનો પ્રસિદ્ધ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પણ અપાયો. ૧૯૬૮માં એમને પહેલા છ નહેરુ ફેલોમાંના એક તરીકે પસંદ કરાયા. સમય જતાં એ પુરાતત્ત્વ વિભાગના વડા સંયુક્ત નિયામક અને ૧૯૭૦માં ડિરેક્ટર તરીકે નિમાયા. પુણેની ડેક્કન કોલેજમાં જોડાયા પછી એમણે પુરાતત્ત્વના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું તો ૧૯૭૪માં ભારત સરકારના ‘પદ્મભૂષણ’ ઇલકાબથી એમને વિભૂષિત કરાયા. ૨૮ જાન્યુઆરી, ૧૯૮૯ના રોજ એમનું અવસાન થયું હતું.

પુણેની ડેક્કન કોલેજમાં પુરાતત્ત્વ ક્ષેત્રે ઘણું કામ કર્યું. એ સમય દરમિયાન ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બહોળા પ્રમાણમાં પુરાતત્ત્વ-સર્વેની કામગીરી એમણે હાથ ધરી. તે અનુસંધાને ઉત્તર ગુજરાતમાં ઇ.સ. ૧૯૪૨-૪૩, ૧૯૪૬-૪૯, ૧૯૬૨-૬૩માં લાંઘણજ(જિ. મહેસાણા)ના અંત્યા-શ્મયુગના ટિંબાનું વિસ્તૃત ખોદકામ કર્યું હતું. અહીં પ્રથમવાર ભારતીય ખોદકામમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇ.સ. ૧૯૪૭-૪૮માં અખાજ, ઇ.સ. ૧૯૪૭-૪૮ વલાસણા, ઇ.સ. ૧૯૫૨ દ્વારકામાં ખોદકામ કર્યું. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં ઇ.સ. ૧૯૪૫-૪૬ કોલ્હાપુર, ઇ.સ. ૧૯૫૦-૫૧માં જોર્વે, ઇ.સ. ૧૯૫૦-૫૧ નાસિક, ઇ.સ. ૧૯૫૪-૫૫ અને ૧૯૫૯-૬૦માં નેવાસા, ઇ.સ. ૧૯૬૯-૭૦ ચિર્કી, ઇ.સ. ૧૯૬૯-૭૦ ઇનામગાઉમાં ખોદકામ કરવામાં આવેલ. મધ્ય પ્રદેશમાં ઇ.સ. ૧૯૫૩-૫૪, ૧૯૫૭-૫૯માં નાવદાટોલી, ઇ.સ. ૧૯૫૩-૫૪માં માહેશ્ર્વર, ઇ.સ. ૧૯૬૬માં ત્રિપુરી, મૈસુરમાં ઇ.સ. ૧૯૬૪માં ટેક્ક્લકોટા અને ઇ.સ. ૧૯૬૫માં સંગ્લકાલ, ઇ.સ. ૧૯૬૨માં રાજસ્થાનના અહારમાં ખોદકામ કરેલ.

આમ વિભિન્ન સ્થળે થયેલ ખોદકામ બાદ ઇનામગાંવ, સોમનાથ, આખજ, નાવદાટોલી, આહાર, જોર્વે, કોલ્હાપુર, નાસિક વગેરે અનેક સ્થળોએ ઉત્ખનન કરી તત્કાલીન સમાજ-સંસ્કૃતિ-વાતાવરણનો વિસ્તૃત વૈજ્ઞાનિક અભ્યાસ કરી તારણો આપ્યાં. ઇનામગાંવમાં તો સતત ૧૨ વર્ષના ઉત્ખનન દ્વારા એક નવપાષાણકાલીન વસાહતને તેના સમગ્ર વાતાવરણ-પર્યાવરણ સાથે ખોદી કઢાયું. પ્રસ્તુત ઉત્ખનનમાં ભારતમાં પ્રથમ વાર પુરા વિદોની સાથે વિવિધ વિષયના અનેક વૈજ્ઞાનિકોએ પણ ભાગ લીધેલ. આનો વિસ્તૃત સચિત્ર અહેવાલ Excavations at Langhanaj Part ૧-૩ (૧૯૬૫) નામે પ્રસિદ્ધ થયો છે.

આ ઉપરાંત તે સમયની તામ્રયુગની સંસ્કૃતિ વિશે પણ વિશેષ યોગદાન આપ્યું હતું. કાશ્મીરથી ક્ધયાકુમારી અને ગુજરાતથી આસામ સુધીના અસંખ્ય સર્વેક્ષણો દ્વારા એમણે છેલ્લા યુગના જુદા જુદા સમયગાળામાંથી ઘણી જગ્યાઓ શોધી કાઢી. ગુજરાતમાં સાબરમતી, હિરણ, ભાદર વગેરેની ખીણોમાં પગપાળા પ્રવાસ કરતી વખતે તેમણે પ્રાચીન સાધનો શોધી કાઢ્યાં અને તે એકથી દોઢ લાખ વર્ષ જૂનાં અને ઘણાં પ્રાચીન છે.

આ ક્ષેત્રમાં વિશ્ર્વના નવીનતમ સંશોધન વલણો સાથે સતત સંપર્કમાં રહીને એમણે ભારતમાં વિવિધ ખોદકામમાં તે જ્ઞાનનો ઉપયોગ કર્યો.

એ ઘણા Ph.D. વિદ્યાર્થીઓના માર્ગદર્શક રહ્યા છે. ઇ.સ. ૧૯૬૩-૬૪માં U.S.S.R. પુરાતત્ત્વીય ડેલીગેશનના સભ્ય, ઇ.સ. ૧૯૬૬માં સાંસ્કૃતિક ડેલીગેશન યુગોસ્લાવિયા, ઇ.સ. ૧૯૬૭માં U.S.A. ભારત સરકાર દ્વારા વિવિધ સંસ્થાઓના સભ્ય હતા.

મેડલ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી (મુંબઈ-૧૯૪૪), દાદાભાઈ નવરોજી એવોર્ડ (૧૯૬૮), રોયલ એશિયાટિક સોસાયટી (કોલકાતા)ના ચક્રવર્તી રાયચંદ્રક (૧૯૭૨), રોબર્ટ બ્રુસ ફૂટ પ્લાક (૧૯૭૪), પ્રવાસી, દક્ષિણ ગુજરાત એવોર્ડ (૧૯૭૫), કેમ્પબેલ મેમોરિયલ ગોલ્ડ મેડલ (૧૯૭૭) વગેરે એમને એનાયત કરવામાં આવ્યા હતા.

હસમુખ વ્યાસ પોતાના એક લેખમાં જણાવે છે કે, ઉત્ખનનકાર્યમાં અવિરત ડૂબેલા રહેતા હોવા છતાં આ બધાંને તેમજ પોતાનાં અન્ય સંશોધનોને એમણે શબ્દદેહ પણ આપ્યો હતો. ‘આર્કિયોલોજી ઑફ ગુજરાત’, ‘હિસ્ટોરિકલ જ્યોગ્રાફી ઍન્ડ કલ્ચરલ એથ્નોગ્રાફી ઑફ ગુજરાત’, ‘પ્રી-હિસ્ટરી ઍન્ડ પ્રોટો-હિસ્ટરી ઇન ઇન્ડિયા ઍન્ડ પાકિસ્તાન’, ‘ન્યૂ આર્કિયોલોજી : ઇટ્સ સ્કોપ ઍન્ડ ઍપ્લિકેશન ઇન ઇન્ડિયા’, ‘પ્રી-હિસ્ટરી ઑફ ઇન્ડિયા’, ‘રામાયણ : મિથ ઍન્ડ રિયાલિટી’, ‘યુનિવર્સિટી ઑફ નાલન્દા’, ‘ઇન્ડિયન આર્કિયોલોજી ટુડે’ અને ‘અખંડ ભારતમાં સંસ્કૃતિનો ઉષ:કાળ’, ‘નવ પુરાતત્ત્વ’ અને ‘પુરાતત્ત્વની બાળપોથી’ ઉપરાંત લગભગ ૨૦૦ જેટલા સંશોધનલેખોનો સમાવેશ થાય છે. ‘પુરાતત્વને ચરણે’ (અનુ.) (મૂળ અંગ્રેજીમાં Born for Archaeology) નામથી એમણે આત્મકથા પણ લખી છે (૧૯૮૫). અંગ્રેજી ઉપરાંત ગુજરાતી અને મરાઠીમાં પણ લખ્યું છે.

લાંઘણજ અને મોડાસાનો પ્રાગૈતિહાસિક અને સાંસ્કૃતિક ઇતિહાસ, ‘માનવ ઇતિહાસ’ ‘હીમ યુગ’ કાશ્મીરમાં આદિમ માણસ, ભારતનો સાંસ્કૃતિક વિભાગ, વગેરે જેવા લેખો મોટે ભાગે અંગ્રેજી શબ્દોમાં અનુવાદિત થાય છે. તેમણે ૩૯; બોર્ન ફોર આર્કિયોલોજી૩૯; નામની આત્મકથા પણ લખી છે. એમના માર્ગદર્શન નીચે અનેક સંશોધનાર્થીઓએ પીએચ.ડી.ની પદવી મેળવેલ તો જિજ્ઞાસુઓને એમણે પરોક્ષ પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડેલ. ડો. સાંકળિયાના જ એક વિદ્યાર્થી વાય. એમ. ચિત્તલવાલા(નિવૃત્ત : આસિસ્ટન્ટ ડિરેક્ટર ઑફ આર્કિયોલોજી)એ નોંધ્યું છે :
ડો. હસમુખ ધીરજલાલ સાંકળિયાના
જીવનનો સાર એમણે જ પસંદ કરેલા શેક્સપિયરના એક વાક્ય માત્રમાં આવી જાય છે: “Ripeness is all’, અર્થાત્ પરિપક્વતા સર્વસ્વ છે. ડો. સાંકળિયાનાં લખાણો અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, હિન્દી વગેરે ભાષામાં જોવા મળે છે.

ડો. હસમુખ સાંકળિયાએ પોતાનાં પુસ્તકોમાંથી લગભગ ૧૦૦૦ થી વધુ પુસ્તકો એમણે પુણેની ડેક્કન કોલેજને દાનમાં આપ્યા છે. આ ગ્રંથોમાં પોતાનાં અને એમના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મિત્રોએ તેમને ભેટમાં આપેલાં સેંકડો પુસ્તકોનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત