ફોકસ: કૅન્સર, જ્યાં વિજ્ઞાન પણ ઘૂંટણ ટેકી દે છે
રેખા દેશરાજ
ચોથી ફેબ્રુઆરી, 2000ના પ્રથમ વખત વિશ્વ કેન્સર ડે પેરિસ ચાર્ટર હેઠળ ઉજવવામાં આવ્યો હતો. આ ચાર્ટરને પેરિસમાં યોજાયેલા કેન્સર સંમેલનમાં અપનાવવામાં આવ્યો હતો. આ ડેનું મહત્ત્વ એટલે પણ છે કે તે બહાને સરકાર, મીડિયા, સંસ્થાઓ આ જીવલેણ બીમારી અંગે લોકોમાં જાગરૂકતા ફેલાવે છે તથા લોકોમાં આ બીમારીથી બચવાના ઉપાયો જણાવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)ના એક રિપોર્ટ અનુસાર 2023માં વિશ્વમાં 90 લાખ લોકોનાં મોત કેન્સરની વિવિધ બીમારીઓને કારણે થયા હતા અને કરોડો લોકો કેન્સરની બીમારીઓથી પીડાઇ રહ્યા હતા. ભારતની વાત કરીએ તો 2022માં ભારતમાં કેન્સરની વિવિધ બીમારીઓના નવા 14 લાખ કેસ નોંધાયા હતા જ્યારે આ જ વર્ષે કેન્સરે 9.16 લાખ લોકોનો ભોગ લીધો હતો. આ પરથી જાણી શકાય છે કે કેન્સર કેટલી જીવલેણ બીમારી છે. વિશ્વમાં કેન્સર અને કેન્સર જેવી અન્ય બીમારીઓની જાણ ઘણાં વર્ષોથી છે અને તેના અંગે સંશોધનો પણ થઇ રહ્યાં છે. ઘણી માહિતીઓ પણ મળી છે, પરંતુ અત્યાર સુધી આ બીમારીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે વિજ્ઞાન નિષ્ફળ રહ્યું છે. ભારતના આયુર્વેદ ગ્રંથોમાં અર્બુદ નામની જે બીમારીનો ઉલ્લેખ છે તે કેન્સર સંબંધિત જ છે અને ઇજિપ્તના પપીરસમાં પણ કેન્સર જેવાં લક્ષણોનો ઉલ્લેખ 1600 ઇ.સ. પૂર્વે કરવામાં આવ્યો છે. પપીરસ ભારતના આયુર્વેદની જેમ જ ઇજિપ્તનું પ્રાચીન ચિકિત્સા સાહિત્ય છે. કહેવાનો અર્થ એ કે મનુષ્યને સાડા ચાર હજાર વર્ષોથી કેન્સરની બીમારીની જાણકારી છે, પણ હજી સુધી આ ખતરનાક બીમારી માટે કોઇ ઇલાજ મળ્યો નથી અને વિજ્ઞાન પણ તેની સામે અસમર્થ રહ્યું છે.
આ પણ વાંચો : સુખનો પાસવર્ડ : આઇપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુની સંઘર્ષમય પ્રેરકકથા
કેન્સરની બીમારીનો 100 ટકા ઇલાજ શક્ય નથી અને આ બીમારીના 100થી વધુ પ્રકાર છે. કેન્સરના દરેક પ્રકાર માટે અલગ અલગ સારવારની પદ્ધતિ અપનાવવી પડે છે. તેમ છતાં અમુક પદ્ધતિઓ એવી છે જે દરેક લક્ષણો માટે અપનાવવા વૈજ્ઞાનિકો સહમત થયા છે જેનાથી કેન્સરને ઓળખવામાં અને તેનો સરળતાથી નિકાલ લાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
કેન્સર થવાના અનેક કારણ હોઇ શકે છે જેમ કે ધૂમ્રપાન કરવું, શારીરિક ગતિવિધિઓ ઓછી કરવી, ખાવાની કુટેવ, સ્વાસ્થ્યવર્ધક ભોજન ન લેવું, શરાબ પીવો વગેરે વગેરે. કેન્સર થવાના આ જ ફક્ત કારણો નથી, પરંતુ પર્યાવરણમાં ફેલાયેલા પ્રદૂષણ, રેડિએશનને કારણે પણ કેન્સર થઇ શકે છે. અહીં જ કેન્સર થવાના કારણ પૂરા થતા નથી. કેન્સર થવાનું મોટું કારણ વારસાગત પણ હોય છે. કેટલાક પ્રકારના કેન્સરનું કારણ જેનેટિક હોય છે જે પેઢી દર પેઢી પરિવારમાં થયા કરતું હોય છે.
કેન્સર આજે પણ દુનિયામાં સારવારની દૃષ્ટિએ સૌથી મોંઘી બીમારી છે. તેના ઇલાજ માટેની સારવાર કિમોથેરેપી, ઇમ્યુનોથેરેપી અને તેની સર્જરી બહુ મોંઘી હોય છે. આર્થિક રીતે પછાત અને વિકાસશીલ દેશોમાં હજી પણ કેન્સરના ઇલાજ માટેની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ નથી. આ રોગની સૌથી મોટી સમસ્યા છે કે તેનાં લક્ષણોની જાણ બહુ મોડેથી થતી હોય છે તેથી સારવારમાં વિલંબ થવાને કારણે ઘણી વખત દર્દીઓનાં મોત થઇ જતા હોય છે.
વિશ્વની ખતરનાક બીમારીઓમાં કેન્સર હાલમાં પણ બીજા ક્રમાંકે છે. હુના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે કેન્સરને કારણે 90 લાખ લોકોનાં મોત થતા હોય છે જ્યારે હૃદય રોગના હુમલાને કારણે દર વર્ષે 1.8 કરોડ લોકોનાં મોત થાય છે. ત્રીજા ક્રમાંકે શ્વાસ સંબંધિત બીમારી છે જેના કારણે વર્ષે 30 લાખ લોકો પોતાના જીવ ગુમાવે છે જયારે ચોથા ક્રમાંકની ટીબી અને મેલેરિયા જેવી બીમારીઓને કારણે 25 લાખ લોકોનો ભોગ લેવાય છે. આ અને આવી અન્ય બીમારીઓને કારણે દર વર્ષે વિશ્વમાં સાડા ત્રણથી ચાર કરોડ લોકો પોતાનો જીવ ગુમાવે છે.
કેન્સરની શરૂઆત જ્યારે થાય છે ત્યારે તેનાં લક્ષણો વધુ જોખમી દેખાતા નથી તેથી તેને ડાયગ્નોસ થતા વાર લાગે છે. તેથી જ અત્યારે પણ કેન્સરના 80 ટકા દર્દીઓ બચી શકતા નથી. બીજું કારણ છે કે કેન્સરનો ઇલાજ મોંઘો હોવાથી ગરીબ લોકો તેની સારવાર કરાવી શકતા નથી અને મોતને ભેટી પડે છે. બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અને ફેંફસાના કેન્સરને હજી પણ રોકી શકાય છે, પણ જો તે શરૂઆતી સ્ટેજમાં ડાયગ્નોઝ થઇ જાય.