ઉત્સવ

ફોકસ પ્લસ: યુવાનોને આપે છે નવી દિશા આ નારી…

-નિધિ ભટ્ટ

પશ્ચિમ બંગાળમાં રહેતા ૬૦ વર્ષનાં અપર્ણા દાસે નિસ્વાર્થભાવે લોકોને મદદરૂપ થવાનું લક્ષ બનાવ્યું છે. તેમણે કિશાલય ચિલ્ડ્રન્સ હૉમના યુવકોને માર્ગદર્શન પૂરું પાડીને તેમને જીવનમાં આગળ વધવાની દિશા દેખાડી છે. તેમની સ્ટોરી લોકોને પ્રેરણા આપનારી છે. પશ્ર્ચિમ બંગાળમાં આવેલા કિશાલય ચિલ્ડ્રન્સ હૉમમાંથી બહાર આવેલા એકવીસ વર્ષના તારક મોંડોલને ખૂબ પડકાર ઝીલવા પડ્યા હતાં.

જોકે એવે વખતે અપર્ણાએ કરેલી મદદથી આજે તારક કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે અને માર્શલ આર્ટસમાં ઇન્સ્ટ્રક્ટર બનીને અન્યોને તાલીમ આપે છે. પોતાની આ સફળતાનો શ્રેય તે અપર્ણાને આપે છે.

આવી જ અન્ય એક સ્ટોરી પવનની છે. તે જ્યારે અઢાર વર્ષનો થયો ત્યારે તેણે કિશાલય ચિલ્ડ્રન્સ હૉમમાંથી નીકળીને કપડાંની દુકાનમાં નોકરી કરી હતી. તેને શરૂઆતમાં ખૂબ તકલીફો વેઠવી પડી હતી, પરંતુ અપર્ણાએ તેનો હાથ ઝાલીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં મદદ કરી હતી. આવી રીતે અપર્ણાએ સેંકડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવ્યાં છે. લોકોની સેવા કરવામાં જ તેમને ખરો આનંદ મળે છે.

જોકે દાયકાઓ પહેલા તેમના જીવનમાં પણ થોડી તકલીફ પડી હતી. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી ઘરની જવાબદારીઓને કારણે તેમને પોતાનાં સપનાઓને, ઇચ્છાઓને બાજુએ મૂકવી પડી હતી. ઘર-પરિવારની સેવા કરવામાં તેઓ એવા તો ગુંથાઈ ગયાં કે પોતાની જાતને જ ભૂલી ગયાં હતાં. જોકે ઘરકામ કરવાનો તેમને અફસોસ નહોતો. અપર્ણા કહે છે, ‘ઘરની જવાબદારી ભજવવાથી હું દુ:ખી નહોતી, પરંતુ મને મારી મનપસંદ બાબતો કરવા નહોતી મળતી.’

૧૯૯૪માં દીકરીને જન્મ આપ્યા બાદ તેના પ્રત્યેની જવાબદારીઓ વધી ગઈ હતી. જોકે દીકરી પણ મોટી થતાં કરિયર બનાવવા માટે કલકત્તા શિફ્ટ થઈ ગઈ હતી. માતાના ત્યાગ વિશે તેમની દીકરી સુપર્ણા દાસ કહે છે, ‘મેં જોયું છે કે મારી મમ્મીએ જીવનમાં અતિશય ત્યાગ અને સમર્પણ આપ્યા છે. જોકે હું જ્યારે કલકત્તા મારાં સપનાને પૂરાં કરવા ગઈ તો મારી ઇચ્છા હતી કે તે એવા કામ કરે જેમાં તેને ખરો આનંદ મળે.

એથી મેં તેને કહ્યું કે સમાજસેવી સંસ્થાઓની સાથે જોડાઈને લોકોની સેવા કરવાનું શરૂ કરે, જે તેને પહેલેથી જ પસંદ હતું. મારાં સપનાઓ પૂરા કરવા માટે પ્રોત્સાહન મને તેના પાસેથી જ મળ્યું છે.’ ૨૦૧૫માં અપર્ણાએ કિશાલય સાથે જોડાઈને સમાજસેવાની શરૂઆત કરી. એ કામમાં તેણે દિલથી યોગદાન આપ્યું. અનાથ બાળકોને અલગ-અલગ સ્કિલ્સ શીખવીને પગભર ઊભાં રહેવા માટે દિશા આપી. સાથે જ તેમને પ્રેમ અને સાથ પણ ખૂબ આપ્યો.

અપર્ણાનું માનવું છે કે પૈસા હોય તો જ સમાજસેવા થાય એવું જરૂરી નથી. જરૂરિયાતમંદોની દિલથી સેવા કરો એટલે બધું આપમેળે પાર પડતું જાય છે. એ વિશે અપર્ણા કહે છે, ‘હું મારા આ કામ માટે એક રૂપિયો પણ નથી લેતી. હું મારી જાતે પૈસા રળુ છું. એક સમયે તો મેં મારા ઘરમાં જ મશરૂમ ઉગાડ્યાં હતાં અને એમાંથી સારી એવી આવક રળતી હતી. મેં કરેલી કમાણીથી હું અન્યોને મદદ કરતી આવી છું. એના માટે મારે કોઈની પાસેથી પૈસા લેવાની જરૂર નથી પડી.’

સમાજસેવાના કામની પ્રેરણા તેમને માતા-પિતા અને દાદા પાસેથી મળી છે. એ વિશે અપર્ણા કહે છે, ‘મારા માતા-પિતા અને દાદાએ મને શીખવ્યું છે કે લોકોની મદદ કરવી એ કાંઈ માત્ર નાનકડું કામ નથી, પરંતુ જીવન જીવવાની એક રીત છે. તેમના ઘરના દરવાજા હંમેશાં ગરજુ લોકો માટે ઉઘાડા રહેતા હતા. દરેકની સાથે તેઓ પોતાના પરિવારની જેમ વર્તન કરતા હતાં.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button