ઉત્સવ

પુત્રની મદદથી ૩૦ વર્ષ પછી મળ્યો બળાત્કાર પીડિત માતાને ન્યાય

હવે રિહાન પાસે એક જ ધ્યેય હતું કે તેની માતાને ન્યાય અપાવે. પુત્રના આગ્રહ અને પ્રોત્સાહનથી નિદામાં હિંમત આવી. હવે તેને લોકલાજની ચિંતા નહોતી. હવે તે પોતાના માટે ન્યાય ઇચ્છતી હતી અને તેના ગુનેગારોને જેલના સળિયા પાછળ જોવા માગતી હતી

કાનૂન – એન. કે. અરોરા

બાર વર્ષની શું ઉંમર હોય? પરંતુ રમવા-કૂદવાના અને ભણવાના દિવસોમાં તેની દુનિયા જ જાણે બરબાદ થઈ ગઈ. વાત સાચી છે. તેની ઓળખ પણ છુપાવવી પડશે, તો ચાલો આ સત્યકથા માટે તેનું એક કાલ્પનિક નામ રાખીએ – નિદા. શાહજહાંપુર (ઉત્તર પ્રદેશ)ની રહેવાસી નિદા, તેના મધ્યમ-વર્ગીય પરિવારમાં ખુશ હતી, શાળાએ જતી, ઘરે આવીને હોમવર્ક કરવાની સાથે ઘરના કામમાં તેની માતાને પણ મદદ કરતી અને તેના મિત્રો અને ભાઈ-બહેનો સાથે રમતી. જીવનના ૧૨મા વર્ષે જ નિદાની સુંદરતા તાજા ગુલાબની જેમ ખીલી હતી અને આ જ તેના દુર્ભાગ્યનું કારણ
બની ગયું.

નકી હસન અને મુહમ્મદ રઝી બે ભાઈઓ હતા. એક ૨૨ વર્ષનો છે અને બીજો તેના કરતા ૨ વર્ષ નાનો એટલે કે ૨૦ વર્ષનો છે. બદમાશ અને ગુનાહિત વૃત્તિ ધરાવતા બંને ભાઈઓ નિદાના પરિવારથી પરિચિત હતા. બંનેની નજર સગીર નિદા પર પડી અને એક દિવસ તક જોઈને તેમણે જબરદસ્તીથી તેના પર સામૂહિક બળાત્કાર કર્યો. નિદાને ધમકી આપવામાં આવી હતી કે જો તે આ વિશે કોઈને કહેશે તો તેને મારી નાખવામાં આવશે.

આ ધમકી હેઠળ બંને ભાઈઓએ છ મહિના સુધી નિદાનું યૌન શોષણ અને અત્યાચાર ચાલુ રાખ્યો. કિશોરીએ ડરના કારણે કોઈને કંઈ કહ્યું નહીં. આ વાત ૧૯૯૪ની છે.

થોડા મહિના પછી નિદાની તબિયત બગડવા લાગી. તે
ગર્ભવતી હોવાનું બહાર આવ્યું અને તે પણ ગર્ભાવસ્થાના એવા તબક્કે જ્યાં ગર્ભપાત શક્ય ન હતો. મધ્યમવર્ગીય પરિવાર પાસે પોતાની ઈજ્જત સિવાય બીજું કંઈ મહત્ત્વનું નથી હોતું.
આને મધ્યમવર્ગની માનસિકતા કહો કે કાયરતા, તે બદનામીથી ખૂબ જ ડરે છે, ખાસ કરીને તે પોતાના સગાં-સંબંધીઓ અને પડોશીઓમાં બદનામ થવા માગતો નથી, પછી ભલે તેને ન્યાય ન મળે અને ગુનેગાર સજામાંથી બચી જાય. આથી, પરિવારે એવી ગોઠવણ કરી કે નિદા દુનિયાથી છુપાઇને ગુપ્ત રીતે બાળકને જન્મ આપે. ચાલો છોકરાનું નકલી નામ રિહાન રાખીએ. રિહાનને તરત જ અજાણ્યા પરિવારમાં દત્તક આપી દેવામાં આવ્યો.

વધુ બદનામીથી બચવા નિદાનો પરિવાર શાહજહાંપુર છોડીને રામપુરમાં રહેવા લાગ્યો. નિદા પોતાની સાથે થયેલા અકસ્માતને ભૂલી જવાની કોશિશ કરતી રહી, દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયા. આ દુર્ઘટનાના છ વર્ષ પછી એટલે કે ૨૦૦૦માં જ્યારે નિદા ૧૮ વર્ષની થઈ ત્યારે તેના રામપુરમાં લગ્ન થયા.

લગ્નજીવન બરાબર ચાલી રહ્યું હતું. નિદાએ એક દીકરાને જન્મ પણ આપ્યો, પરંતુ લગ્નના છ વર્ષ પછી એટલે કે ૨૦૦૬માં જ્યારે તેના પતિને નિદાના ભૂતકાળ વિશે ખબર પડી. હવે આ પુરૂષ માનસિકતાનું શું કરવું જે આવા
કેસમાં માત્ર મહિલાઓને જ દોષી માને છે. નિદાના પતિએ બળાત્કાર માટે નિદાને જ દોષી ગણાવી અને તેને તેના પુત્ર સહિત ઘરની બહાર કાઢી મૂકી. નિદા તેની બહેનના ઘરે
રહેવા લાગી.

બીજી બાજુ, રિહાનને ધીમે ધીમે એ વાતનો અહેસાસ થવા લાગ્યો કે તેના દત્તક માતાપિતા તેની સાથે સાવકા જેવું વર્તન કરે છે અને તેની સાથે ભેદભાવ કરે છે. તેને ખબર પડી કે તેને દત્તક લેવામાં આવ્યો છે. તેણે તેની જૈવિક માતાની શોધ શરૂ કરી. વર્ષોની શોધખોળ બાદ આખરે રિહાને તેની માતાને શોધી લીધી. ૨૦૨૧ની આ વાત છે. માતા અને પુત્ર ૨૭ વર્ષ પછી એકબીજાને મળ્યા. પુત્રનું પૂછવું સ્વાભાવિક હતું કે તેને કેમ દત્તક આપવામાં આવ્યો, તેને અલગ કેમ કરવામાં આવ્યો? ઈચ્છા ન હોવા છતાં માતાએ તેના પુત્રને તેની દુ:ખદ વાર્તા સંભળાવી. હવે રિહાન પાસે એક જ ધ્યેય હતું કે તેની માતાને ન્યાય અપાવે.

પુત્રના આગ્રહ અને પ્રોત્સાહનથી નિદામાં હિંમત આવી. હવે તેને લોકલાજની ચિંતા નહોતી. હવે તે પોતાના માટે ન્યાય ઇચ્છતી હતી અને તેના ગુનેગારોને જેલના સળિયા પાછળ જોવા માગતી હતી. નિદાના વકીલે કોર્ટનો સંપર્ક કર્યો અને ૪ માર્ચ, ૨૦૨૧ ના રોજ, શાહજહાંપુરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે બે ભાઈઓ – નકી અને રઝી વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો. સદર બજાર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૭૬-૨ (સામૂહિક બળાત્કાર), ૫૦૬ (ગુનાહિત ધમકી) અને ૪૫૨ (નુકસાન પહોંચાડવાના ઇરાદાથી કોઈના ઘરમાં જબરદસ્તી પ્રવેશવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો.
સઘન તપાસ બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તેમના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા. રઝીનો ડીએનએ પીડિતાના પુત્ર સાથે મેચ થઈ ગયો. વાત અરીસાની જેમ સ્પષ્ટ થઈ ગઈ. નકી અને રઝી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી.

પીડિતાની જુબાની અને ફોરેન્સિક પુરાવાના આધારે, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ લવી યાદવે ૨૨ મે, ૨૦૨૪ના રોજ ૫૨ વર્ષીય નકી અને ૫૦ વર્ષીય રઝીને દોષી ઠેરવ્યા અને તેમને ૧૦-૧૦ વર્ષની સજા ઉપરાંત બંનેને ૩૦,૦૦૦ રૂ. નો દંડ ફટકાર્યો. પોક્સો કાયદો અમલમાં આવ્યો તે પહેલાં ગુનો આચરવામાં આવ્યો હોવાથી અને કાયદો પૂર્વવર્તી ન હોવાથી, બંને ગુનેગારો આકરી સજામાંથી બચી ગયા.

આ એક અનોખો કિસ્સો છે, જેમાં પીડિતાએ તેના પુત્રની મદદથી ગુનાના ૩૦ વર્ષ બાદ તેના બળાત્કારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આને વિલંબિત ન્યાય ન કહી શકાય કારણ કે ન્યાય માટેના પ્રયાસો ઘટનાના ૨૭ વર્ષ પછી શરૂ થયા હતા અને તપાસ અને સુનાવણીમાં માત્ર ૩ વર્ષનો સમય લાગ્યો.

પીડિતા કહે છે, ‘અત્યાર સુધી મારી સ્થિતિ એવી હતી કે શાહજહાંપુરનું નામ લેતાં જ મારો આત્મા કંપી જાય. હું બેચેની અનુભવવા લાગતી. હું નર્વસ અને ડરી જાતી હતી. મારા પુત્રએ મને ગુનેગારો સામે લડવાની તાકાત આપી. મને ન્યાય મળ્યો. હવે મને કોઈ ડર નથી.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત