ઉત્સવ

આપણે સાચા હોઈએ પછી સમાજ કે દુનિયાની પરવા શા માટે કરવી?

ક્યારેક આવી બોધકથા પણ તમને સાચા માર્ગ તરફ દોરી જતી હોય છે

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા સમય અગાઉ મારા એક મિત્રની અત્યંત સુંદર, હસમુખી અને સુશિક્ષિત દીકરીનાં લગ્ન એક શ્રીમંત કુટુંબના યુવાન સાથે થયાં. એ યુવતીની સગાઈ થઈ એ પછી છ મહિના બાદ એનાં લગ્ન થયાં એ દરમિયાન એ ખૂબ ખુશ હતી. એણે સગાઈ અને લગ્ન વચ્ચેના સમય દરમિયાન એક વાર મને કહ્યું હતું ‘અંકલ, હું દુનિયાની સૌથી ભાગ્યશાળી યુવતી છું… મારો ફિઆન્સ મને હથેળીમાં રાખે છે મને લગ્ન પછી મારી કરિય ર આગળ ધપાવવા દેવાનું પ્રોમિસ પણ આપ્યું છે. એના જેટલો પ્રેમ મને કદાચ કોઈ ન કરી શકત….’ તેણે તેના ફિઆન્સના ખૂબ વખાણ કર્યા.

જો કે એ યુવતીનાં લગ્ન થયાં પછી થોડા સમય બાદ જ એની જિંદગી જાણે એક દુ:સ્વપ્ન સમાન બની ગઈ. એના પતિએ કહ્યું, ‘હવે લગ્ન થઈ ગયાં એટલે તારે કશું કરવાનું નથી. આપણે પૈસાની કોઈ જરૂર નથી!’

પેલી યુવતીને જબરદસ્ત આઘાત લાગ્યો, પણ હજી તો એના પર આવનારી આફતોની આ માત્ર શરૂઆત જ હતી. એની કરિયર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું અને એને બંગલાની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી. એ પોતાની કરિયર વિશે ઉલ્લેખ પણ કરતી તો પતિ એને ગાળાગાળી કરતો ! એને સમજાયું કે પતિને એક શો-પીસ સમી છોકરીની જરૂર હતી, જે તેનું ઘર સાચવે અને એને સંતાન આપે. અધૂરામાં પૂરું, આ યુવતીને ખબર પડી કે લગ્ન અગાઉથી જ પતિનું અન્ય કોઈ યુવતી સાથે અફેર હતું!

આ યુવતી હતાશામાં સરી પડી. અવાજ ઉઠાવવાની કોશિશ કરી તો એનાં સાસરિયાંએ ધમકી આપી કે ‘તું વધુ નાટક કરીશ તો તારું કોઈ સાથે લફરું છે એવી વાત અમે ફેલાવશું!’

માતાપિતાને દુ:ખ ન પહોંચે એવું વિચારીને તે યુવતીએ એમને કશી વાત ન કરી, પણ એક વાર તે માતા સાથે ફોન પર વાત કરતી વખતે રડી પડી એટલે મારા મિત્ર અને એની પત્નીને ખબર પડી કે દીકરી બહુ દુ:ખી છે. એમને પણ તીવ્ર આઘાત લાગ્યો. માતા-પિતા દીકરીના સાસરિયાંને સમજાવવા ગયાં તો સાસુ-સસરા અને પતિએ એમનું પણ અપમાન કરી નાખ્યું. છેવટે મારા મિત્ર અને પત્ની પોતાની દીકરીને પાછી લાવ્યાં. એ પછી સમાજમાં એ છોકરી વિષે વાતો ફેલાવા લાગી. વહેતાં ઝરણા જેવી તે છોકરી બંધિયાર પાણી જેવી થઈ ગઈ. એણે ઘરની બહાર નીકળવાનું પણ બંધ કર્યું.

યુવતી અને એના માતા-પિતા માટે એકાદ વર્ષ માટે બહુ ખરાબ વીત્યું. છેવટે દીકરીના છૂટાછેડા થયા, પણ એ દરમિયાન એના સાસરિયાંએ વાત ફેલાવી કે ‘અમારી વહુનું કોઈ સાથે લફરું છે એટલે એણે છૂટાછેડા માગ્યા!’

આ છોકરીને દુ:ખ થયું કે મારા વિશે સમાજમાં ખોટી અને ખરાબ વાતો ફેલાઈ રહી છે.મને આ વાતની ખબર પડી એટલે મને પણ આંચકો લાગ્યો. હું એને મળવા ગયો. હું મારા મિત્રના ઘરમાં પ્રવેશ્યો એ સાથે મને કોઈ અદ્રશ્ય બોજ વર્તાયો. મેં પહેલાં તો કલાકો સુધી એમને સાંભળ્યાં. એ પછી મેં વર્ષો અગાઉ વાંચેલી એક ઝેન કથા એમને કહી….

જાપાનમાં ઝેન સાધુ હકુ ઈનને લોકો ખૂબ માન આપતા હતા. હકુ ઈન પવિત્રતાના પર્યાય સમા હતા. હકુ ઈનના પાડોશમાં એક કુટુંબ રહેતું હતું. એ કુટુંબની કુંવારી યુવાન દીકરી ગભર્વતી બની એ વાતની ખબર પડી એટલે તે યુવતીનાં માતા-પિતાને માટે તો જાણે આભ તૂટી પડ્યું.

એમણે યુવાન પુત્રીને પૂછ્યું કે ‘તારા પેટમાં જે બાળક છે એનો બાપ કોણ છે એ અમને કહે….’

જો કે છોકરીએ તે પુરુષનું નામ ન આપ્યું. માતા-પિતાએ એના પર ખૂબ દબાણ કર્યું. શારીરિક – માનસિક રીતે ખૂબ યાતનાઓ આપી એટલે એ છોકરીએ કહી દીધું : ‘આ બાળકનો પિતા હકુ ઈન છે!’
પેલી સગર્ભા માતા-પિતા ભયંકર રોષે ભરાઈ ને હકુ ઈનના ઘરે પહોંચી ગયા . એમને ખૂબ ગાળો આપી. થોડા મહિનાઓ પછી તે કુંવારી યુવતીએ એક બાળકને જન્મ આપ્યો. યુવતીના માતા-પિતા તે નવજાત શિશુને લઈને હકુ ઈન પાસે ગયા અને ફરી એક વખત આક્રોશ કર્યો અને ગુસ્સો ઠાલવ્યો પછી હકુ ઈનના હાથમાં તે બાળક આપી દઈને કહ્યું કે ‘સંભાળ, આ તારા પાપની નિશાની!’
હકુ ઈને એ નવજાત શિશુને પોતાના હાથમાં લેતા કહ્યું : ‘અચ્છા! એવું છે…’

યુવતીના માતા-પિતા બાળક આપીને જતાં રહ્યાં. હકુ ઈન તે બાળકનો જતનપૂર્વક ઉછેર કરવા લાગ્યા. આમ ને આમ થોડાક મહિનાઓ વીતી ગયા. એ દરમિયાન હકુ ઈન વિષે લોકો આડાઅવળી વાતો ફેલાવવા લાગ્યા. એ વાતો સાંભળીને પેલી છોકરીને અપરાધભાવ સતાવવા લાગ્યો. એને થયું કે હકુ ઈન જેવા પવિત્ર ઝેન સાધુ પર મેં ખોટું આળ મૂકી દીધું. તેણે પરિણામ શું આવશે એ વિષે વિચાર્યા વિના એના માતા-પિતાને કહી દીધું કે હું એક યુવાન સાથે પ્રેમમાં પડી હતી એની સાથેના શારીરિક સંબંધોને કારણે ગર્ભવતી બની હતી. હકીકતમાં એ જ મારા બાળકનો પિતા છે, પરંતુ હું એનું નામ આપીશ તો તમે તેને મારી નાખશો એવા ડરના કારણે મેં હકુ ઈનનું નામ આપી દીધું હતું…!

આ સાંભળીને પેલી છોકરીના માતા-પિતાને પારાવાર પસ્તાવો થયો. એ તરત જ હકુ ઈન પાસે દોડી ગયા અને એમણે ચોધાર આંસુએ રડતાં-રડતાં હકુ
ઈનને કહ્યું: ‘અમને માફ કરી દો.. અમે તમારા ગુનેગાર છીએ. આ બાળકનો પિતા તો કોઈ બીજો જ છે એવું અમને હમણાં જ અમને અમારી દીકરીએ કહ્યું. અમે આ બાળકને પાછા લઈ જઈએ છીએ….! ’

હકુ ઈનના ચહેરા પરના ભાવ બિલકુલ ના બદલાયા. એમણે બાળક કુંવારી યુવતીના માતા-પિતાના હાથમાં સોંપતા કહ્યું: ‘અચ્છા! એવું હતું?’

આ ઝેન કથા કહ્યા પછી મેં મારા મિત્રની દીકરીને કહ્યું કે ‘આ તો ઝેન સાધુની વાત છે આપણે તો કદાચ એ કક્ષાએ ન પહોંચી શકીએ. આપણા જેવી સામાન્ય વ્યક્તિઓ માટે એ વાત અઘરી છે, પરંતુ અત્યારે તું સમાજની અને દુનિયાની પરવા કરે છે એમાંથી કોઈને તારી ખરેખર પરવા નથી. એમને માત્ર તારાં વિશે વાતો કરીને વિકૃત આનંદ મેળવવામાં મજા પડે છે એટલે તું પણ કોઈની પરવા કર્યા વિના જીવવાનું શરૂ કર….સૌપ્રથમ તો તું ઘરની બહાર નીકળવાનું શરૂ કર અને તને કોઈ પણ વ્યક્તિ તારાં લગ્નજીવન અને છૂટાછેડા વિષે સવાલો કરે તો એની આંખમાં આંખ પરોવીને જવાબ આપજે…’

એ પછી મેં તે યુવતીનું કાઉન્સેલિંગ પણ શરૂ કરાવ્યું અને થોડા મહિનામાં તો એ યુવતી પૂર્વવત ખુશખુશાલ જીવતી થઈ ગઈ…
આ ઘટનાનો સાર એ કે આપણે સાચા હોઈએ ત્યારે સમાજની કે દુનિયાની પરવા ન કરવી જોઈએ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?