ઉત્સવ

હિન્દી ફિલ્મોમાં માનસિક દર્દીનું યોગ્ય નિરુપણ કેમ થતું નથી?

આસિત સેન જેવા સક્ષમ દિગ્દર્શકો પણ માનસિક રોગથી પીડિત પાત્રને યર્થાત દર્શાવવામાં નિષ્ફળ રહ્યા છે!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

જ્યારથી ફિલ્મો બનવાની શરૂઆત થઈ ત્યારથી જ કેટલીક ફિલ્મોમાં પાગલ વ્યક્તિઓનાં પાત્ર આપણે જોતા રહીએ છીએ. હોલિવુડની ફિલ્મ ‘વન્સ ફ્લ્યૂ ઓવર ધ કકૂઝ નેસ્ટ’થી માંડીને હિન્દી ફિલ્મઉદ્યોગની ‘ખામોશી’ – ‘ડર’ જેવી ફિલ્મોનાં મુખ્ય પાત્ર માનસિક બિમારીને કેન્દ્રમાં રાખીને લખાયા છે. આમ તો આપણે ઘણી ફિલ્મોના નામ લઈ શકીએ,પરંતુ સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે બિન હિન્દી ફિલ્મોના દિગ્દર્શક – લેખક માનસિક રીતે સ્વસ્થ નહીં હોય એવી વ્યક્તિનું કેરેક્ટર-પાત્રાલેખન કરતી વખતે ખૂબ મહેનત કરે છે. કહેવાનો મતલબ એમ નથી કે હિન્દી ફિલ્મવાળાઓ હંમેશાં વગર મહેનતે જ આવાં પાત્રો સર્જે છે, છતાં હકીકત એ છે કે હિન્દી ફિલ્મઉદ્યોગના અત્યાર સુધીના એક ટોપમોસ્ટ દિગ્દર્શક ગણાતા આસિત સેન જેવાએ પણ અમુક અંશે આ વાતમાં માર ખાધો છે. આસિત સેને બનાવેલી ‘ખામોશી’ ફિલ્મની જ વાત કરીએ. બાકી બધી રીતે અદ્ભુત કહી શકાય એવી આ ફિલ્મમાં ફક્ત એક જ ખોટ એ હતી કે એના પાગલ પાત્રને વાસ્તવિકતાથી જોજનો દૂર દર્શાવવામાં આવ્યા હતા.

આ ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે કે પ્રિયતમાની બેવફાઇને કારણે લાગતા આઘાતથી રાજેશ ખન્ના પાગલ થઈ જાય છે. રાજેશને જ્યારે ગાંડાઓની હોસ્પિટલમાં લાવવામાં આવે છે. ત્યારે એની સારવાર માટે નર્સ તરીકે વહીદા રહેમાન હોય છે. પ્રેમમાં નિષ્ફળતા મળવાથી પાગલ થઈને હોસ્પિટલમાં દાખલ થયેલા ધમેન્દ્રની સારવાર થોડા મહિના પહેલાં નર્સ વહીદા રહેમાને જ કરી હોય છે. એ સારવાર દરમિયાન વહીદા પોતે ધર્મેન્દ્રના પ્રેમમાં પડે છે.

સ્વસ્થ થયા પછી ધર્મેન્દ્રને નર્સ વહીદાના સારવાર કે
પ્રેમ યાદ હોતા નથી. અગાઉ થયેલી ભૂલ ફરી ન થાય એ
માટે વહીદા કાળજી રાખે છે. છેવટે વહીદાની પ્રેમાળ સારવારને કારણે રાજેશ સારો થઈ જાય છે. હવે રાજેશ ખુદ વહીદાના પ્રેમમાં પડે છે, પરંતુ છેવટે વહીદા પોતે જ પાગલ થઈ જાય છે…
અનેક માનસશાસ્ત્રીઓને ફિલ્મનું પાત્રાલેખન અસંબંધ લાગ્યું હતું. એક મનોચિકિત્સક કહે છે: પ્રેમિકાની બેવફાઈને કારણે પ્રેમમાં કોઈ વ્યક્તિ પાગલ થઈ જાય એ અસંભવ છે. આવા આઘાતને કારણે જે તે વ્યક્તિના મગજ પર અસર થાય છે, પરંતુ અમે એને ‘બ્રિફ રિએક્ટીવ સાઇકોસીસ કહીએ છીએ.’
અન્ય માનસશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે આ ફિલ્મમાં અનેક જગ્યાએ અસંગતતાઓ છે, જેમકે ભૂતપૂર્વ પ્રેમિકાને ફરીથી મેળવવાથી પાગલપ્રેમીનું મગજ ઠેકાણે આવી શકે નહીં. દવાની યોગ્ય સારવાર વગર મોટા ભાગની માનસિક બીમારી સારી થઈ શકે નહીં. જાણીતા મનોચિકિત્સક ડો. મુકુલ ચોકસી કહે છે : ‘ખામોશી’ માં રાજેશ ખન્નાના પાત્રને જે માનસિક બીમારી બતાવવામાં આવી છે એને ‘મેનિયા’ કહે છે. મેનિયાના દર્દીઓ ફક્ત સાઇકોથેરાપીથી સારા થતા નથી. એમને દવાની જરૂર પડે જ..’ એજ રીતે અંગ્રેજી ફિલ્મ ‘સ્લિપિંગ વિથ ધ એનીમી’ પરથી બનાવવામાં આવેલી ‘અગ્નિશાક્ષી’ ફિલ્મમાં પણ માનસિક બીમારી ખોટી રીતે બતાવવામાં આવી હતી. ફિલ્મમાં પતિની ભૂમિકા નાના પાટેકરે ભજવી છે. એને શંકાશીલ અને વધુ પડતી આધિપત્ય ભાવનાવાળો બતાવવામાં આવ્યો છે. દરેક વખતે શંકા કરીને એ પત્નીને મારે-ફટકારે છે. આવી વ્યક્તિને ખરેખર માનસિક રીતે બીમાર કહી શકાય. આને ‘પેથોલોજીકલ જેલસી’ કહે છે. એનું બીજુ નામ ‘ઇલ્યુશનલ ડિસઓર્ડર’ પણ છે.

આ બીમારીથી પીડાતી વ્યક્તિઓ એકલપટી અને ઝઘડાખોર હોય છે. કોઈક આત્મહત્યા પણ કરી નાખે છે. આમ છતાં આખી ફિલ્મ દરમિયાન કયાંય એવો ઉલ્લેખ નથી કે નાના પાટેકર માનસિક રીતે બીમાર છે. જો કે સુપર સફળ નીવડેલા નાટક ‘ચિત્કાર’માં લેખક – દિગ્દર્શક લતેશ શાહે મહિનાઓના રિસર્ચ પછી એના મુખ્ય મહિલા પાત્રનું લેખન કર્યું હતું.આ પાત્ર ‘સ્કિઝોફેનિયા’ નામની બીમારીથી પીડાતી હોય છે. લતેશ શાહની ખરી જહેમત અને સુજાતા મહેતાનાં અદ્ભુત અભિનયને કારણે નાટકમાં માનસિક બીમારી યોગ્ય રીતે રજૂ થઈ શકી હતી. જો કે આવું હર હંમેશ બનતું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?