વક્ફ બોર્ડની અબજોની સંપત્તિસમાજ માટે કેમ વપરાતી નથી..?
આજકાલ વધુ સંભળાતો-લખાતો શબ્દ છે વક્ફ બોર્ડ… આ શબ્દ સાથે વર્ષોથી અનેક વાદ-વિવાદ અને વિખવાદ સંકળાયેલા છે તો શું છે આ વક્ફ બોર્ડ અને એનાં નિષ્ટ-અનિષ્ટ?
કવર સ્ટોરી -વિજય વ્યાસ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વક્ફ એક્ટમાં સુધારો કરવા માટેનો ખરડો લોકસભામાં રજૂ કર્યો, પણ વિપક્ષોના દબાણ સામે ઝૂકી જઈને આ ખરડો સંસદીય સંયુક્ત સમિતિ (જેપીસી)ને સોંપી દીધો છે. મુસ્લિમ સંગઠનો વક્ફ એક્ટમાં સુધારાનો વિરોધ કરી રહ્યા છે. તેમને લાગે છે કે, વક્ફ બોર્ડની સંપત્તિઓ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કબજો કરવા માગે છે તેથી આ સુધારા કરી રહી છે. જો કે કેન્દ્રના સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વક્ફ એક્ટમાં કરાનારા સુધારા અંગે આપેલી માહિતીને જોતાં સરકારનો એવો કોઈ ઈરાદો લાગતો નથી. બલકે સરકાર તો આ સુધારાઓ દ્વારા વક્ફ બોર્ડની નકામી પડી રહેલી સંપત્તિઓનો યોગ્ય ઉપયોગ થાય એ માટે મથી રહી છે.
અત્યારે જે સ્થિતિ છે તેમાં વક્ફ બોર્ડના ચોક્કસ સ્થાપિત હિતો દેશમાં અબજોની સંપત્તિ પર સાપ બનીને ગૂંચળું વળીને બેઠા છે. વક્ફ બોર્ડની લગભગ ૧.૩૫ લાખ જેટલી સંપત્તિ વિવાદમાં છે અને અસંખ્ય કોર્ટ કેસ ચાલી રહ્યા છે. (એક અહેવાલ મુજબ આશરે ૩૩ હજાર કેસ!) વરસોનાં વરસો વિતવા છતાં આ કોર્ટ કેસનો નિકાલ નથી થતો તેથી સંપત્તિઓ પડી પડી ધૂળ ખાય છે અને પછી ધૂળમાં મળી જાય છે.
હાલના કાયદાના કારણે વકફ બોર્ડ ગમે તેની સંપત્તિને ‘વક્ફની જાહેર’ કરીને પડાવી લે છે એવી પણ છાપ પડી છે તેથી વક્ફ બોર્ડમાં બેઠેલા લોકોને સામાન્ય હિંદુઓ જમીનો પચાવી પાડનારા ઘૂસણખોરો તરીકે જ જુએ છે. આ છાપ બદલવા અને વક્ફ સંપત્તિઓના યોગ્ય ઉપયોગ માટે પણ વક્ફ એક્ટમાં સુધારા જરૂરી છે.
મોદી સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે, નવા કાયદા હેઠળ વક્ફ બોર્ડમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવશે અને જિલ્લા વહીવટીતંત્રમાં વક્ફ પ્રોપર્ટીની નોંધણી ફરજિયાત કરવામાં આવશે. અત્યારે કોઈ પણ સંપત્તિ વક્ફની છે કે નહીં એ વક્ફ બોર્ડ નક્કી કરે છે ને તેને માત્ર ટ્રિબ્યુનલમાં પડકારી શકાય છે. કાયદામાં સુધારા પછી ચોક્કસ મિલકત વક્ફની છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોર્ટને આપવામાં આવશે. આ સિવાય બીજા પણ ઘણા ફેરફારો કરાશે એવી જાહેરાત કરવામાં આવી હતી. હવે મામલો જેપીસીની કોર્ટમાં છે તેથી જેપીસી આ પૈકી ક્યા સુધારા માન્ય રાખે છે એ જોવાનું રહે છે, પણ સરકારની વક્ફ એક્ટમાં સુધારાની હિલચાલના કારણે વક્ફનો મુદ્દો ફરી ચર્ચામાં છે.
હકીકતમાં આ વક્ફ શું છે?
ભારતમાં મોટા ભાગના લોકોએ વક્ફ વિશે સાંભળ્યું છે પણ વક્ફ શું છે તેની ખબર નથી. છેલ્લાં કેટલાંક વરસોથી ભાજપ સહિતનાં હિંદુવાદી સંગઠનો વક્ફનો મુદ્દો ઉઠાવ્યા કરે છે તેથી આ મુદ્દો મુસ્લિમો સાથે સંકળાયેલો છે તેની મોટા ભાગનાં લોકોને ખબર છે પણ ખરેખર વક્ફ શું છે અને વક્ફ એક્ટમાં ફેરફારથી દેશને શું ફરક પડશે તેની મોટા ભાગનાં લોકોને જાણ નથી. મુસ્લિમોને પણ વક્ફ એક્ટમાં ફેરફારની એમના પર શું અસર પડશે – એમની ધાર્મિક સ્થળોની સ્થિતિને શું અસર પડશે એ વિશે કંઈ જ ખબર નથી ત્યારે વક્ફ વિશે જાણવું જરૂરી છે.
ભારતમાં શિયા અને સુન્નીઓનાં અલગ અલગ વક્ફ બોર્ડ છે અને દરેક રાજ્યમાં પાછાં અલગ અલગ વક્ફ બોર્ડ છે. ‘વક્ફ’ એક ઈસ્લામની પરંપરા મનાય છે. રેલવે અને સંરક્ષણ મંત્રાલય પછી વક્ફ બોર્ડ ભારતમાં સૌથી વધુ જમીન માલિક છે. વક્ફ અરબી શબ્દ ‘વકુફા’ એટલે કે કાયમી રહેઠાણ પરથી ‘વકફ’ શબ્દ આવ્યો છે. ઈસ્લામની પરંપરામાં વક્ફ લોક કલ્યાણને સમર્પિત દાનમાં અપાયેલી મિલકત છે. દાનની એક પદ્ધતિ એવી વક્ફ પરંપરા હેઠળ દાતા કોઈ પણ પ્રકારની મિલકત દાન કરી શકે છે. જન કલ્યાણના હેતુ માટે આ દાન આપવામાં આવે એ મુખ્ય શરત છે અને આવા દાતાને ’વકીફ’ કહે છે. દાનમાં આપેલી મિલકતમાંથી થતી આવકનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે એ દાતા નક્કી કરી શકે છે.
ભારતમાં ઇસ્લામના આગમન સાથે વક્ફનું પણ આગમન થયું. વક્ફ મિલકતોનો લેખિત ઉલ્લેખ દિલ્હી સલ્તનતના સમયમાં પણ મળે છે. મોટા ભાગના મુસ્લિમ
બાદશાહોએ વક્ફ મિલકતો બનાવી. બાદશાહોએ બનાવેલી મસ્જિદો, ઈદગાહો, મકબરા વગેરે તમામ વક્ફ કહેવાતા. તેમના સંચાલન માટે સ્થાનિક સ્તરે વ્યવસ્થા સમિતિઓની રચના કરવામાં આવતી.
ભારતને ૧૯૪૭માં આઝાદી મળી ત્યારે દેશભરમાં હજારો વક્ફ પ્રોપર્ટી હતી. આ વક્ફ પ્રોપર્ટીના સંચાલન માટે માળખું બનાવવાની હિલચાલ શરૂ થઈ અને ૧૯૫૪માં સંસદે વકફ એક્ટ ૧૯૫૪’ પસાર કરીને રાષ્ટ્રીય સ્તરે વક્ફ બોર્ડની રચના કરી. વક્ફ બોર્ડ એક પ્રકારનાં ટ્રસ્ટ છે કે જેના તાબા હેઠળ તમામ વક્ફ પ્રોપર્ટી મૂકવામાં આવી હતી. ૧૯૫૫માં વક્ફના કાયદામાં સુધારો કરીને રાજ્ય સ્તરે વક્ફ બોર્ડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી. ૧૯૯૫માં નવો વક્ફ બોર્ડ કાયદો આવ્યો કે જેમાં વક્ફ બોર્ડને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી હતી. ૨૦૧૩માં તેમાં સુધારા કરીને વકફ બોર્ડને વધારે મજબૂત કરાયાં.
વક્ફ મિલકતોના વહીવટ માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ છે, જે વક્ફ સંબંધિત મુદ્દાઓ પર ભારત સરકારને સલાહ આપે છે. રાજ્ય સ્તરે રાજ્યનાં વક્ફ બોર્ડ કાર્યરત છે. મોટા ભાગનાં રાજ્યોમાં વક્ફ બોર્ડના ચેરમેનની ચૂંટણી થાય છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા બે સભ્યની નિમણૂક કરવામાં આવે છે. મુસ્લિમ ધારાસભ્યો, મુસ્લિમ સાંસદો, મુસ્લિમ નગર નિયોજકો, મુસ્લિમ વકીલો અને મુસ્લિમ બૌદ્ધિકો પણ વક્ફ બોર્ડના સભ્યો હોય છે.
બોર્ડમાં સર્વે કમિશનર પણ હોય છે જે મિલકતોનો હિસાબ જાળવે છે. મોટા ભાગના કિસ્સામાં રાજ્ય સરકાર મુસ્લિમ આઈએએસ અધિકારીને બોર્ડના સભ્ય બનાવે છે. બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે આ અધિકારી બોર્ડના નિર્ણયોનો અમલ કરે છે.
વક્ફ માટે અપાતી સંપત્તિનો ઉદ્દેશ લોકો માટે તેનો ઉપયોગ થાય એ હોય છે એવું ઈસ્લામના વિદ્વાનો કહે છે, પણ ભારતમાં વક્ફની સંપત્તિ કોઈ પણ ઉદ્દેશ વિના પડી રહે છે એ જોતાં આ ઉદ્દેશ પાર પડતો નથી. ભારતમાં શિયાઓ અને સુન્નીઓનાં અલગ અલગ વક્ફ બોર્ડ છે કે જેમની પાસે દેશભરમાં પુષ્કળ મિલકતો છે. ભારતમાં તમામ રાજ્યનાં વક્ફ બોર્ડ પાસે કુલ ૮,૭૨,૨૯૨ મિલકતો છે. ૮ લાખ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી વક્ફની સંપત્તિમાંથી ઘણી ઇમારતો ભારત માટે સાંસ્કૃતિક વારસા જેવી છે. આ તમામ સંપત્તિનો લોકોના ભલા માટે ઉપયોગ થાય તો વરસે અબજો રૂપિયાની કમાણી થઈ શકે પણ અત્યારે વાર્ષિક માત્ર રૂ. ૨૦૦ કરોડની કમાણી થાય છે. આ સ્થિતિ બદલવા માટે પણ વક્ફ બોર્ડના કાયદામાં ફેરફાર જરૂરી છે અને એ જ દિશા તરફ મોદી સરકાર પગલાં ભરી રહી છે..,