ઉત્સવ

આખું ફ્રાન્સ ચિંતામાં કેમ છે?

પેરિસ ઓલિમ્પિક્સ - ૨૦૨૪

કેનવાસ – અભિમન્યુ મોદી

ગણતરીના દિવસોમાં આ ૨૬ જુલાઈથી પેરિસમાં ઓલિમ્પિકસ શરૂ થશે. પેરિસ એટલે વિશ્ર્વભરના પ્રવાસીઓનું નંબર વન ફેવરિટ ડેસ્ટિનેશન. ફ્રેંચ લોકો આમ તો તમિલ લોકો જેવા. ધરાર બીજી ભાષા ન બોલે. પોતાની સંસ્કૃતિ, ભાષા અને સાહિત્ય માટે ગૌરવ હોવું અલગ વાત છે. એના માટે અભિમાન પણ લઇ શકાય. પણ બીજા બધાને તુચ્છ ગણવા એ સાવ જુદી વાતનો વિષય છે.

ફ્રેન્ચ લોકોમાં એ એટિટ્યૂડ જોવા મળે ખરો. એ પોતાને યુરોપની બેસ્ટ પ્રજા માને. ફ્રેંચને શ્રેષ્ઠ ભાષા ગણે. અમેરિકનોને તો બહુ નીચા ગણે. આ પ્રકારનો અભિગમ ધરાવતા ફ્રાન્સના પેરિસમાં ઓલિમ્પિક્સ યોજાવા જઈ રહ્યું છે તેને કારણે એ લોકો ચિંતામાં છે! ત્યાંનાં છાપાં અને ત્યાનું મીડિયા શું કહે છે તે જાણવું રસપ્રદ છે.

ફ્રાન્સમાં ૨૦૨૪ સમર ઓલિમ્પિકસ ગેમ્સ માટે લાખો મુલાકાતીઓ પધારવાના હોવાથી પેરિસમાં સાંસ્કૃતિક ક્ષેત્ર પડકારજનક સમયગાળા માટે તૈયારી કરી રહ્યું છે. અગાઉની ઓલિમ્પિકસ જેમ કે ૨૦૧૨ લંડન ઓલિમ્પિક્સ વખતે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન મુલાકાતીઓ એટલે કે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. લંડન ગેમ્સ દરમિયાન સાંસ્કૃતિક તથા ઐતિહાસિક સ્થળોએ મુલાકાતીઓની હાજરીમાં ભારે ઘટાડો જોવા મળ્યો: બ્રિટિશ મ્યુઝિયમમાં ૨૫%, નેશનલ ગેલેરીમાં ૪૦% અને લંડન ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં ૪૦% ઘટાડો જોવા મળ્યો હતો.

આ આંકડાઓને જોતાં પેરિસની સાંસ્કૃતિક સંસ્થાઓ અને જોવાલાયક સ્થળો સાથે સંકળાયેલા આયોજકો ચિંતા કરી રહ્યા છે. અમુક પાર્ક કે મ્યુઝિયમે તો ૨૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધીના ઓલિમ્પિકસ સમયગાળા દરમિયાન આંશિક અથવા સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય લઇ લીધો છે. સમર વાઇબ્રેશન્સ અને લોલાપાલૂઝા મ્યુઝિક ફેસ્ટિવલ સહિત રિકરિંગ કલ્ચરલ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યા છે, જેના પરિણામે નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું છે,જેમ કે લોલાપાલૂઝાને રદ કરવા માટે અંદાજે ૧૮૦ મિલિયન યુરોનું નુકસાન થશે તેવી ધારણા છે.

સિનેમાઝ ડુલેક નેટવર્કના વડા નામે પિયર-એડુઅર્ડ વાસેરે મૂવી જોનારાઓમાં ૨૦- ૨૫% ઘટાડો થવાના ભયને કારણે એમનાં પાંચ સેન્ટ્રલ થિયેટરોને બંધ રાખશે તેવી જાહેરાત કરી દીધી છે. આવા નિર્ણયોને લીધે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધી જનારા ધસારાની પણ અસર પડે છે, જે ત્યાંના સ્થાનિક કર્મચારીઓ અને રહીશોની મુસાફરીને પણ મુશ્કેલ બનાવશે. પેરિસનાં ઘણાં વ્યવસ્થાતંત્રોનાં ટાઈમટેબલ ખોરવાઈ જશે તે નક્કી છે. આપણે ત્યાં એસટી બસ સ્ટેશનોમાં જે રીતે ભીડ જોવા મળતી હોય છે અને બસની અંદર સીટ રોકવા માટે રૂમાલ મૂકીને જે રીતે પડાપડી થતી હોય છે એવાં કોઈ દૃશ્યો પેરિસ ઓલિમ્પિકસ દરમિયાન જોવામાં આવે તો નવાઈ ન લાગવી જોઈએ.

પેરિસના સંગ્રહાલયો પણ મંદીનો ભય સેવી રહ્યા છે. ફ્રેંચ મેમોરિયલ મ્યુઝિયમ અને સેન્ટર ઓફ ફ્રેન્ચ આર્કિટેક્ચર, જે ગેમ્સના સુરક્ષાચક્રમાં છે તે લગભગ એક અઠવાડિયા માટે સ્પેશિયલ પાસ ધરાવતા લોકોને જ પ્રવેશ હશે અને ઇવેન્ટના મુખ્ય દિવસોમાં તે સંપૂર્ણપણે બંધ રહેશે. મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશંકાથી જાણીતું ‘મ્યુઝિયમ ઓફ મેન’ ઓલિમ્પિકસ દરમિયાન બંધ રહેશે.

સપ્ટેમ્બર, ૨૦૨૩માં ‘લે મોન્ડે’માં પ્રકાશિત એક લેખમાં, ‘જેયુ ડી પૌમ આર્ટ સેન્ટર’ના ડિરેક્ટર ક્વેન્ટિન બઝાકે ૬,૦૦,૦૦૦થી ૭,૦૦,૦૦૦ યુરો સુધીના નુકસાનની આગાહી કરી હતી. ‘મ્યુઝિયમ ઑફ મેનકાઇન્ડ’ના વડાએ ૧૦,૦૦૦ મુલાકાતીઓનો ઘટાડાનો અંદાજ માંડ્યો છે.

પેરિસના ટુર ગાઈડ પણ ચિંતિત છે, પરંતુ એમની રોજીરોટી ચાલુ રાખવા માટે એ બધા નવા રસ્તા શોધી રહ્યા છે. ‘નેશનલ ટૂર ગાઈડ ફેડરેશન (FNGIC)’ના સર્વે અનુસાર, બે તૃતીયાંશ ટૂર ગાઈડ ગેમ્સ દરમિયાન હંમેશની જેમ કામ કરવાનું વિચારી રહ્યા છે, જ્યારે એક તૃતીયાંશ લોકો આ ઈવેન્ટને અવરોધ તરીકે જુએ છે. લગભગ ૧૦% ગાઈડ સમૂહ કહે છે કે આ સમયગાળા દરમિયાન એ કામ બંધ રાખશે.

માએવા મેરી-સેન્ટે નામની મહિલા ટુર ગાઈડ છેલ્લા એક દાયકાથી આ પ્રોફેશનમાં છે અને તે પેરિસ ઓલિમ્પિકસને અવરોધને બદલે તક તરીકે જુએ છે. એણે ૨૦૧૭માં ‘૧ એરોન્ડિસમેન્ટ પ્રતિ દિવસ’ નામના આઈડિયાને પુનર્જીવિત કરવાની યોજના બનાવી છે જેમાં ૨૦ દિવસમાં પેરિસના વિવિધ ડિસ્ટ્રિક્ટની મુલાકાતનો સમાવેશ થાય છે. ‘એરોન્ડિસમેન્ટ’ એટલે પેરિસનો એક ભાગ જે ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખાય છે. આમ આખી દુનિયાની નજર ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકસ પર હશે ત્યારે તે શહેરનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને કલ્ચરલ સેક્શન પડકારોનો સામનો કરી રહ્યું છે… જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિગત વ્યવસાયિકો આ પડકારોને પહોંચી વળવા નિતનવા રસ્તાઓ કાઢી રહ્યા છે. તો પણ મુલાકાતીઓની સંખ્યામાં અપેક્ષિત ઘટાડો અને નાણાકીય નુકસાન નિ:શંકપણે આખું પેરિસ અત્યારે અનુભવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button