ઉત્સવ

તણાવમાં કેમ રસ ?

અમેરિકાને ભારત-કેનેડા

કવર સ્ટોરી -વિજય વ્યાસ

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યાના મુદ્દે તણાવ ઊભો થયો તેની વિશ્ર્વભરમાં ચર્ચા છે. કેનેડા દુનિયાના વિકસિત દેશોમાં એક છે જ્યારે ભારત ઝડપથી ઊભરી રહેલી આર્થિક મહાસત્તા છે. બંને દેશો દુનિયાના રાજકારણમાં મહત્ત્વના છે ને વરસોથી સારા સંબંધો ધરાવે છે ત્યારે અચાનક જ બંનેના સંબંધો વણસે તેથી એ મુદ્દો ચર્ચાસ્પદ બને એ સ્વાભાવિક છે. બાકી હતું તે અમેરિકાએ કેનેડાની વાતમાં હાજીયો પુરાવ્યો છે. અમેરિકા કંઈ પણ કરે ત્યારે તેની પાછળ ચોક્કસ ગણતરી હોય છે.

અમેરિકા એક તરફ ભારત સાથે સારા સંબંધો રાખવાની વાત કરે છે ને બીજી તરફ કેનેડા સાવ ખોટું હોવા છતાં તેની વાતને ટેકો આપે છે તેના કારણે અમેરિકાનો ઈરાદો ખરેખર શું છે એ સવાલ પણ ઊભો થયો છે. અમેરિકાના વલણ તેનાં બેવડાં ધોરણોને પણ છતાં કર્યાં છે કેમ કે આખો ડખો એક આતંકવાદીની હત્યાના કારણે ઊભો થયો છે.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સસંદમાં નિવેદન આપેલું કે, હરદીપસિંહ નિજજર કેનેડાનો નાગરિક હતો પણ ભારતે કેનેડાની ધરતી પર તેની હત્યા કરાવીને કેનેડાના સાર્વભૌમત્વનો ભંગ કર્યો છે. સૌથી પહેલાં તો ટ્રુડોની વાત જ વાહિયાત છે. નિજજર કેનેડાનો નાગરિક હશે પણ ટ્રુડો કહે છે એમ સામાન્ય નાગરિક નહોતો. ભારત સરકારે નિજજરને આતંકવાદી જાહેર કરીને દસ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરેલું હતું.

ભારતમાં નિજજર સામે હત્યાઓ કરાવવા સહિતના આતંકવાદને લગતા કેસ હતા. નિજજર ભારતના ભાગલા કરવાનો હેતુ પાર પડે એ માટે આતંકવાદ ફેલાવતો હતો. પંજાબ સહિતના ભારતનાં રાજ્યોમાં અરાજકતા અને અશાંતિ ઊભી કરવા માગતો હતો એ જોતાં ભારતે તેની હત્યા કરાવી હોય તો તેનો ભારતને પૂરો હક હતો. ટ્રુડોએ નિજજરને રોકીને કેનેડાની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદના ફેલાય એ જોવા માટે કરવાની જરૂર હતી. તેના બદલે કેનેડા નિજજરની હત્યા બદલ છાજિયાં લે ને અમેરિકા પણ તેમાં સૂર પુરાવે તેના પરથી એક જ વાત સાબિત થાય છે કે, આતંકવાદને મુદ્દે પણ અમેરિકાનાં કાટલાં પોતાના માટે ને બીજાં માટે અલગ અલગ છે.

અમેરિકાનું વલણ એ વાતનો પણ પુરાવો છે કે, ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા એ માટે અમેરિકા જવાબદાર છે. અમેરિકા વરસોથી દુનિયાનો દાદો દેશ છે અને આ સ્ટેટસ અમેરિકાએ દુનિયાના તાકાતવર દેશોને એકબીજા સામે લડાવીને મેળવ્યું છે. પોતાના સ્વાર્થ માટે ગંદા દાવપેચ કરવા એ અમેરિકાની ખાસિયત છે. ભારત-કેનેડા સંબંધમાં પણ અમેરિકા એ જ ગંદા દાવપેચ ખેલી રહ્યું છે.
ભારત અને કેનેડા વચ્ચે તણાવ ઊભો કરવામાં ફાઈવ આઈઝ એલાયન્સ’નું મોટું યોગદાન છે. ‘ફાઈવ આઈઝ એલાયન્સ’ એક પ્રકારનું જાસૂસી નેટવર્ક છે. અમેરિકા, કેનેડા, યુ.કે., ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એ પાંચ દેશોએ દુનિયામાં શું બને છે તેના પર નજર રાખવા માટે બનાવાયેલા સંગઠનને ‘ફાઈવ આઈઝ એલાયન્સ’ કહે છે. ‘ફાઈવ આઈઝ એલાયન્સ’ નેટવર્કના માધ્યમથી આ પાંચ દેશો વચ્ચે ઈન્ટેલિજન્સ શેરિંગ એટલે કે ગુપ્ત માહિતીની આપ-લે થાય છે.

‘ફાઈવ આઈઝ એલાયન્સ’નાં મૂળ અમેરિકા અને બ્રિટન વચ્ચે ૧૯૪૩માં બીજા વિશ્ર્વયુદ્ધ વખતે અમેરિકાનાં લશ્કરને જર્મનીના હિટલર સામેના જંગમાં ઈન્ટેલિજન્સ અને સિક્યુરિટીને લગતી બાબતોના આદાનપ્રદાન માટે કરાયેલી સમજૂતીમાં. બીજા વિશ્ર્વયુદ્ધ પછી પણ આ સમજૂતી ચાલુ રહે એ માટે બંને દેશોએ કરાર કર્યો. સૈદ્ધાંતિક રીતે યુરોપમાં અમેરિકાનાં દળોને તમામ
પ્રકારની સહાય આપવાનો કરાર થયેલો પણ તેનો ઉદ્દેશ જાસૂસીનો હતો. ૧૯૪૬માં અમેરિકાના વોર ડિપાર્ટમેન્ટ તથા બ્રિટનની ઈન્ટેલિજન્સ અને સિક્યુરિટી એજન્સી ગવર્નમેન્ટ કોડ એન્ડ સાયફર સ્કૂલ વચ્ચે થયેલા કરારને પગલે અમેરિકા તાકાતવર બન્યું. અમેરિકા અને કેનેડા એક જ છે તેથી કેનેડા ૧૯૪૯માં આ સમજૂતીમાં જોડાયું. ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા ૧૯૫૬થી જોડાયાં અને એ રીતે છેલ્લાં ૩૩ વર્ષથી આ એલાયન્સ કામ કરે છે.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યામાં ભારતનો હાથ હોવાના ઈનપુટ ‘ફાઈવ આઈઝ એલાયન્સ’એ જ આપ્યા હતા. મતલબ કે અમેરિકાએ કેનેડાના મનમાં ઠસાવ્યું કે, ભારતે કેનેડામાં ઘૂસીને એક કેનેડિયન નાગરિકની હત્યા કરી છે. અમેરિકાએ ભારતીય રાજદ્વારીઓ વચ્ચેના કોમ્યુનિકેશનને આંતરીને ભારતે નિજજરની હત્યા કરાવી હોવાના પુરાવા આપ્યા અને પછી કેનેડાને આ મુદ્દે બાંયો ચડાવવા માટે ઉશ્કેર્યું.

કેનેડા નાટોનું સભ્ય હોવાથી પોતાની સુરક્ષાથી માંડીને બીજી ઘણી બધી બાબતો પર અમેરિકાનું
આશ્રિત છે. આ કારણે અમેરિકાના કહેવાથી ભારત સામે કૂદી પડ્યું ને વરસોના સારા સંબંધો પર પાણી ફેરવી દીધું.

અમેરિકા ભારત અને કેનેડાને કેમ સામસામે મૂકવા માગે છે એ પણ સમજવા જેવું છે. અમેરિકાનું અર્થતંત્ર ધિંગું છે ને તેને ધિંગું બનાવવામાં ભારતીયોનું યોગદાન મોટું છે. ભારત પાસે માનવધન જંગી પ્રમાણમાં છે પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય એવાં સાધનોની કમી છે. આપણે સાયન્સ અને ટેકનોલોજીમાં પછાત છીએ તેથી જે શિક્ષિત યુવાનોને યોગ્ય રોજગારી પૂરી પાડી શકતા નથી. પરિણામે આપણું ટેલેન્ટેડ યુવા ધન વિદેશમાં જતું રહે છે. આ બધું વરસોથી ચાલે છે ને તેનો સૌથી વધારે લાભ અમેરિકાને મળ્યો. ૧૯૫૦ના દાયકાથી જ ભારતમાંથી ટેલેન્ટેડ એન્જિનિયર્સ અને બીજા ટેકનોક્રેટ્સ અમેરિકા જવા માંડ્યા તેમાં અમેરિકાનું અર્થતંત્ર મજબૂત બન્યું.

છેલ્લાં કેટલાંક વરસોથી અમેરિકા વિદેશીઓને આવકારવામાં બહુ ઉત્સાહ બતાવતું નથી. બીજી તરફ ભારતમાં તો ટેલેન્ટેડ યુવાનો આવ્યા જ કરે છે. ભારતમાં સ્થિતિ બહુ બદલાઈ નથી ને હજુ એવી તકો નથી તેથી આ યુવાનો વિદેશ ભણી મીટ માંડે છે. યુરોપના દેશો રૂઢિચુસ્ત છે તેથી પોતાના દરવાજા ખોલતા નથી પણ કેનેડાએ સમજદારી બતાવીને પોતાના દરવાજા ખોલી દીધા તેથી ભારતીયો કેનેડા તરફ ભાગી રહ્યા છે.

ભારતીયોને કેનેડામાં સરળતાથી નોકરીઓ મળે છે અને પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર) સ્ટેટસ પણ મળે છે તેથી યુવાનો હવે ભણવા માટે પણ મોટા પ્રમાણમાં કેનેડા તરફ વળ્યા છે. પહેલાં અમેરિકાની કોલેજોમાં ભણવા જવા પડાપડી થતી પણ હવે અમેરિકાની કોલેજોમાં જતા ભારતીયોની સંખ્યા ઘટી છે. અમેરિકાને થતી અબજોની જંગી આવકમાં ઘટાડો થયો છે અને અમેરિકાને બહુ મોટો ફટકો પડ્યો છે. ભારતીયો કાયમી સ્થાયી થવા માટે પણ કેનેડા પસંદ કરી રહ્યા છે તેથી કેનેડા ધીરે ધીરે ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ આગળ નીકળી રહ્યું છે.

આ કારણે અમેરિકાના પેટમાં ફાળ પડી છે. ભારતીયોના જોરે કેનેડા આર્થિક રીતે વધારે તાકાતવર બને તો તેની અમેરિકા પરની નિર્ભરતા ઘટે. યુરોપના દેશો ધીરે ધીરે અમેરિકાથી સ્વતંત્ર થઈ રહ્યા છે અને આરબ રાષ્ટ્રો તો ચીનના ખોળામાં જ બેસી ગયાં છે. અમેરિકા પાસે અત્યારે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા ગણ્યાગાંઠ્યા કહ્યાગરા દેશો બચ્યા છે તેથી અમેરિકાની સર્વોપરિતા સામે ખતરો છે.

અમેરિકાને ભારત તરફથી પણ ખતરો લાગવા માંડ્યો છે. ભારત અને કેનેડા વચ્ચે ગાઢ સંબંધો થાય તો ભારતની સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકા પરની નિર્ભરતા ઘટે. ભારત પાસે મેનપાવર છે અને ઉત્પાદનની ક્ષમતા પણ છે તેથી કેનેડાના બજારમાં પણ ભારતનો પગપેસારો વધે. તેના કારણે અમેરિકાનાં આર્થિક હિતોને પણ જોખમ છે. આ કારણોસર અમેરિકાએ જ ભારત અને કેનેડા વચ્ચે ફૂટ પડાવ્યાની ચર્ચા છે.

અમેરિકા પહેલાં પણ ભારતને પાછળ રાખવા આ પ્રકારની ગંદી રમતો રમી ચૂક્યું છે. વરસો લગી પાકિસ્તાનને થાબડીને અને પછી ચીનને પંપાળીને અમેરિકાએ ભારતને પરેશાન કર્યું. હવે કેનેડાના માધ્યમથી એ ખેલ કરે છે. તેના કારણે ભારતે વરસો સુધી સહન કર્યું પણ હવે ભારત આર્થિક રીતે મજબૂત બન્યું છે ત્યારે તેને આ બધા દાવપેચથી બહુ ફરક નહીં પડે પણ કેનેડાએ પોતાનાં હિતો વિશે વિચારવાની જરૂર છે.

હવે કેનેડાએ નક્કી કરવાનું છે કે અમેરિકાનું આંગળિયાત જ બની રહેવું છે કે પછી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું કરવું છે. ભારતે તો નિર્ણય લઈ લીધો છે કે, ભારતનાં હિતોને નુકસાન કરે એવું કશું અમને ખપતું નથી ને તેના માટે જે કિંમત ચૂકવવી પડે એ ચૂકવવાની અમારી તૈયારી છે.

હવે કેનેડાએ નક્કી કરવાનું છે કે, ભારત સાથેના આર્થિક સંબંધો મજબૂત કરીને આગળ વધવું છે કે પછી અમેરિકાના ઈશારે નાચ્યા કરવું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button