વાર-તહેવારે ડોન ‘દાઉદ’ના મરવાના ખબર’ કેમ આવે છે…?!
આવી ઈરાદાપૂર્વકની ‘અફવા’ પાછળ પાકિસ્તાન હજુ પણ દાઉદ ઈબ્રાહિમને કેમ છાવરે છે?
કેનવાસ -અભિમન્યુ મોદી
૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટો પછી પાકિસ્તાનની ISI એ દાઉદ ઈબ્રાહિમ સાથે એક સોદો કર્યો હતો. એના ગેરકાયદેસર નફામાં કાપ અને ભારત વિરુદ્ધ ઉપયોગમાં લઈ શકાય તેવાં સંસાધનો સુધીની પહોંચ કરાવવાના બદલામાં રક્ષણ કરવું એવી ડીલ થઈ હતી.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ શંકાસ્પદ ઝેરની ઘટના બાદ કરાચીની એક હોસ્પિટલમાં દાખલ છે. ડી-કંપનીનો આ લીડર ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંનો એક છે. આ બધા જાણે છે, પણ શક્ય છે કે ટીનેજર જનરેશને દાઉદનું નામ સાંભળ્યું ન હોય.
જો કે હિન્દી ફિલ્મોમાં છેલ્લે આયુષ્માન ખુરાનાની એક ફિલ્મમાં દાઉદને ફરી એક વખત મારી નાખવામાં આવ્યો હતો તો છેલ્લાં સપ્તાહથી એવા અહેવાલો આવી રહ્યા છે કે દાઉદ ઈબ્રાહિમ કરાચીની હોસ્પિટલમાં દાખલ છે અને એ કડક સુરક્ષા હેઠળ છે… જાણભેદુઓ કહે છે કે ૧૯૯૩ના બોમ્બે બોમ્બ બ્લાસ્ટનો આ માસ્ટરમાઇન્ડને એવા એક ફ્લોર પર સુરક્ષિત રાખવામાં આવ્યો છે કે જ્યાં હોસ્પિટલના ટોચના અધિકારીઓ અને નજીકના પરિવારવાળા જ પહોંચી શકે..
ભારતે વારંવાર કહ્યું છે કે દાઉદ પાકિસ્તાનમાં છુપાયેલો છે – ઈસ્લામાબાદ દ્વારા દાવો નકારવામાં આવ્યો છે, પરંતુ પાકિસ્તાન દાઉદને કેમ છાવરે છે- બચાવે છે?
૧૯૯૩ના વિસ્ફોટો પછી દાઉદે પાકિસ્તાનમાં સ્થળાંતર કરવા માટે ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સોદો કર્યો વિચાર એવો હતો કે ISI ને દાયકાના સંસાધનોનો ઉપયોગ કરવાની છૂટ આપવાના બદલામાં દાઉદને અન્ય ગેંગસ્ટરો અને ભારતીય સુરક્ષા એજન્સીઓથી સુરક્ષિત કરવામાં આવશે.
‘ઈન્ડિયા ટુડે’ ના એક લેખમાં એ જ રીતે લખ્યું છે કે દાઉદ પાકિસ્તાન માટે એક એક્કો રહ્યો હતો અને એને ભારતમાં હુમલા કરવાની મંજૂરી આપી હતી. એ સાથે એવી પણ સમજૂતી થઈ હતી કે ISI એ દાઉદને એની કમાણીમાં ૩૦ ટકાના કાપના બદલામાં એને સુરક્ષા આપવી. આ ખુલાસો લશ્કર-એ-તૈયબા (LeT) ના આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાએ ૨૦૧૩માં કર્યો હતો. ટુંડા આતંકવાદીઓમાંથી એક હતો જેમને ભારતે ૨૬/૧૧ પછી પાકિસ્તાનને સોંપવા કહ્યું હતું.
દાઉદનો ઉપયોગ કરવાની પાકિસ્તાનની વ્યૂહરચના ૯/૧૧ સુધી ચાલુ રહી – ત્યારબાદ એને ચૂપ રહેવાની ફરજ પડી. આ દરમિયાન મુંબઈ પોલીસે ડી-કંપનીને ખતમ કરી નાખી.
બીજી તરફ્, દાઉદે એના પરિવારના સભ્યોના ઉચ્ચ અને શક્તિશાળી લોકો સાથે લગ્ન કરાવીને અધિકારીઓ માટે પોતાને અમૂલ્ય બનાવ્યો. આમાં ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર સાથે એની પુત્રીના લગ્ન અને આઈએસઆઈના વરિષ્ઠ એજન્ટની પુત્રી સાથે એના ભત્રીજાના લગ્ન સામેલ છે. એ અરસામાં દાઉદે કરાચી, દુબઈ અને લંડનમાં રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી જેવા કાયદેસરના ધંધાઓમાં એની બેનંબરી કમાણીનો ઉપયોગ કર્યો છે. ટૂંકમાં, એ હવે આવક માટે દાણચોરી અને ખંડણી પર નિર્ભર નથી.
એક અન્ય અખબારના તાજા અહેવાલ મુજબ દાઉદને માનદ ક્ષમતામાં ISI ના વધારાના ડિરેક્ટર જનરલ બનાવવામાં આવ્યો છે.. ગુપ્તચર સૂત્રોએ અખબારને જણાવ્યું હતું કે, આ છેલ્લા કેટલાક દાયકાઓમાં ISI માટે એની ‘વ્યાપક સેવાઓ’ ને માન્યતા છે… દાઉદ ડ્રગ્સની દાણચોરી ISI સાથે મળીને કામ કરી રહ્યો છે એવી બાતમી પણ બહાર ફરે છે.
દાઉદ પાકિસ્તાનના વરિષ્ઠ જનરલોની નજીક હોવાનું કહેવાય છે અને પાકિસ્તાની સેનાના વિશેષ દળોની ચોવીસ કલાક સુરક્ષા હેઠળ છે. દાઉદ મુંબઈના વિસ્ફોટો પછી તરત જ ભારતથી ભાગી ગયો હતો, જેમાં લગભગ ૨૬૦ લોકો માર્યા ગયા હતા અને ૭૦૦ થી વધુ ઘાયલ થયા હતા.
સમય જતાં ૨૦૦૩ માં, ભારત અને યુએસ સરકારોએ ઇબ્રાહિમને "વૈશ્ર્વિક આતંકવાદી જાહેર કર્યો. એ હાલમાં ભારતના ‘મોસ્ટ વોન્ટેડ લિસ્ટ’માં છે. ભારતીય અધિકારીઓએ ઘણીવાર કહ્યું છે કે ઈબ્રાહિમ પાકિસ્તાનના ક્લિફ્ટન વિસ્તારમાં રહે છે. બીજી તરફ પાકિસ્તાની અધિકારીઓએ તે પાકિસ્તાનમાં રહેતો હોવાનો ઈન્કાર કર્યો છે.
જો કે દાઉદને લગતા અમુક અહેવાલોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તોફાન મચાવ્યું છે . એના અનુસાર, દાઉદને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઝેર આપવામાં આવ્યું છે… જો કે, આવા દાવામાં ખાસ દમ હોય એવું લાગતું નથી, કારણ કે વિશ્ર્વસનીય સૂત્રોએ કહે છે એમ કોઈપણ અજાણ્યા વ્યક્તિ માટે દાઉદ સુધી પહોંચવું લગભગ અશક્ય છે એવી એની જડબેસલાક સુરક્ષા છે.
દાઉદ ઈબ્રાહિમ હવે વૃદ્ધ થઈ ગયો છે. ૬૭ વર્ષની ઉંમરે એ ઘણી શારીરિક-તબીબી સ્મસ્યાથી ઘેરાયેલો છે.
ભારતે દાઉદના પરિવારના સભ્યોની પુષ્ટિ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (ગઈંઅ)ને આપેલાં નિવેદનોને ટાંકીને કરાચીમાં દાઉદની હાજરીનો દાવો થયો છે. જાન્યુઆરી ૨૦૨૩ માં, એવા અહેવાલ અનુસાર દાઉદના ભત્રીજાએ NIA ને પુષ્ટિ આપી હતી કે દાઉદે પાકિસ્તાનમાં ફરીથી લગ્ન કર્યા છે અને એ પરિવાર પરિવાર સાથે કરાચીમાં રહે છે.
દાઉદ ઈબ્રાહિમની બીજી પત્નીનું નામ માઈઝાબીન છે. દાઉદની બહેન હસીના પારકરના પુત્ર અલીશા પારકરે ગયા વર્ષે નવેમ્બરમાં NIA ને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, દાઉદને ત્રણ પુત્રી મારુખ, મેહરીન અને મારિયા અને એક પુત્ર મોહિન નવાઝ છે.
આવી વાતો તો આવતી રહે છે અને દાઉદને ફરતું આવું રહસ્ય ક્યાં સુધી ઘૂંટાયા કરશે એ હવે ભવિષ્ય જ કહી શકે...