ઉત્સવ

આપણને હિંસક ફિલ્મો જોવાની કેમ ગમે છે?

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

તાજેતરમાં રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ને અત્યાર સુધીની સૌથી હિંસક ફિલ્મ ગણાવાઈ રહી છે. જો કે, તેની વિચાર વગરની હિંસાને જોઈને ચાહકો નારાજ પણ થઇ ગયા છે અને ત્યાં સુધી બોલ્યા કે આના કરતાં તો ૨૦૧૯માં આવેલી શાહીદ કપૂરની કબિર સિંહ સારી હતી. મજાની વાત એ છે કે કબિર સિંહમાં હીરોની જે હિંસક અને આક્રમક પ્રકૃતિ બતાવાઈ હતી, તેની ત્યારે ઘણા લોકોએ ટીકા પણ કરી હતી. આજે એ જ લોકો ‘એનિમલ’ની ફાલતું હિંસાને જોઈને ‘કબિર સિંહ’ની હિંસાને અર્થપૂર્ણ ગણાવી રહ્યા છે!
આ વિરોધાભાસ કેમ? સમજીએ.

૨૦૧૩માં, જર્મનીની યુનિવર્સિટી ઓફ ઑગ્સબર્ગ અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન મેડિસનના સંશોધકોએ એક અભ્યાસ કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે લોકો શા માટે હિંસક ફિલ્મો જોવાની પસંદ કરે છે. આ અભ્યાસ પહેલાં, એવું માનવામાં આવતું હતું કે માણસમાં હિંસક વૃતિ છે એટલે તેને મનોરંજનના નામે હિંસા જોવાનું ગમે છે, પરંતુ એ વાત જો એટલી સરળ હોય, તો પછી કોઈપણ હિંસક ફિલ્મ કમાણીની દૃષ્ટિએ નિષ્ફળ ના જવી જોઈએ. એટલું જ નહીં, કોઈ ફિલ્મ વિવેચક એ ફિલ્મી હિંસાની ટીકા કરતું લખાણ ના લખવો જોઈએ.

જેમ કે ‘એનિમલ’ પીટાઈ ગઈ પણ કબિર સિંહ’ સુપરહિટ સાબિત થઇ હતી.

આ બે યુનિવર્સિટીઓના સંશોધકોએ તેમના અભ્યાસમાં એ મુદ્દા પર ફોકસ કર્યું હતું કે લોકો તેમની અંદરની હિંસાને પડદા પર જોવા માંગે છે એટલે હિંસક ફિલ્મો જુવે છે કે પછી અન્ય પ્રેરણાઓ એમાં કામ કરતી હતી.

આ ટીમે જર્મની અને યુનાઇટેડ સ્ટેટ્સના ૪૮૨ ફિલ્મ રસિકોને એક થિયેટરમાં એકત્રિત કર્યા હતા. તેમની ઉંમર ૧૮ થી ૮૨ વર્ષની હતી અને અલગ અલગ શૈક્ષણિક સ્તરો ધરાવતા હતા. તેમને અલગ અલગ પ્રકારની હિંસક, લોહિયાળ અને અર્થપૂર્ણ ફિલ્મોનાં ટ્રેલર બતાવવામાં આવ્યાં હતાં. તે પછી તેમણે એ કહેવાનું હતું કે તેઓ બાકીની પૂરી ફિલ્મ જોવા તૈયાર છે કે નહીં અને એ ફિલ્મ કેટલી વિચારોત્તેજક અને અર્થપૂર્ણ છે.

હિંસક ફિલ્મોની લોકપ્રિયતા પર અગાઉ થયેલા અભ્યાસોમાં એવું તારણ નીકળ્યું હતું કે લોકો હિંસાના રોમાંચની અને તેમની ભોગવાદી ઝંખનાને સંતોષવા માટે હિંસા અને આક્રમકતાના અનુભવમાંથી પસાર થવા માગે છે. તેનાથી વિપરીત, આ નવા અભ્યાસમાં એવી ખબર પડી કે લોકો એવી હિંસક ફિલ્મો જોવાનું પસંદ કરતા હતા જેમાં હેતુની ભાવના હોય અને માનવ મનના ઊંડાણમાં જવાની તક મળતી હોય.

રોજિંદા વાસ્તવિક જીવનના અપરાધોની તુલનામાં, ફિલ્મોમાં વાર્તાની શરૂઆત હોય છે અને પછી તેનો અંત આવે છે. તેની વચ્ચે હિંસા કેમ થાય છે તેનો તર્ક આપવામાં આવે છે. લોકો હિંસાનું એ નેરેટિવ જોવા આવે છે, ખાલી હિંસા નહીં.

અમુક પ્રકારની હિંસક ફિલ્મો પ્રેક્ષકોને એટલા માટે આકર્ષિત કરે છે કારણ કે તેમાં માનવીય સ્થિતિનાં અમુક પાસાઓને અર્થપૂર્ણ રીતે પેશ કરીને જીવનની સચ્ચાઈ બયાન કરવાનો પ્રયાસ હોય છે. કદાચ હિંસાનું અર્થપૂર્ણ, ઉત્તેજક અને વિચારપ્રેરક નિરૂપણ પીડિતો પ્રત્યે સહાનુભૂતિ પેદા કરે છે અને હિંસાનો સામનો કરતી વખતે તેમની હિંમતને બિરદાવે છે.

દાખલા તરીકે, ‘શોલે’ ફિલ્મમાં ગબ્બર સિંહ નિર્દયી રીતે હિંસા આચરે છે, પણ તેની હિંસા ‘અકારણ’ નથી. તે માને છે કે કાનૂનની વ્યવસ્થાએ તેને ‘અન્યાય’ કર્યો છે અને એ અન્યાયનો બદલો લેવા માટે તે ઠાકુર બલદેવ સિંહ પર ક્રૂરતા ઉતારે છે. એનાથી દર્શકોમાં ઠાકુર પ્રત્યે વધુ સહાનુભુતિ પેદા થાય છે અને તે જયારે જયારે ગબ્બરને માત આપે છે ત્યારે ત્યારે લોકો પ્રસંશામાં તાળીઓ પાડે છે. ગબ્બરની હિંસામાં તેનો એક ‘તર્ક’ છે અને એટલા માટે જ દર્શકોને એ જિજ્ઞાસા સાથે બેસી રહે છે કે ઠાકુર કેવી રીતે જવાબ આપે છે.

ગબ્બરનું સર્જન કરનારા પટકથા લેખક જાવેદ અખ્તરે એકવાર કહ્યું હતું, તમે બાળકોને પ્રાણી સંગ્રહાલયમાં લઈ જાઓ અને તેમને કહો કે એક બાજુ સુંદર પક્ષીઓ, મોર, હરણ અને ઇમ્પાલા છે અને બીજી બાજુ નરભક્ષી વાઘ છે, તો બાળકો ક્યાં જશે? તેઓ વાઘ જોવા જશે, કારણ નરભક્ષી પ્રાણી ક્યાં જોવા મળે? આપણને કેમ જાનવર જેવાં પાત્રો ગમે છે? આપણી અંદર ઘણી બધી કલ્પનાઓ છે, ગુસ્સો છે, વ્યાકુળતા છે. આપણે પૂરી આઝાદીથી તેને વ્યક્ત કરવા માગીએ છીએ, પણ નથી કરી શકતા કારણ કે આપણે નૈતિકતાથી બંધાયેલા છીએ, લોકોથી દબાયેલા છીએ. આપણને સજા થવાનો ડર હોય છે. આપણને આ પાત્ર ગમે છે કારણ કે તે કોઈપણ પ્રકારનાં બંધનોથી મુક્ત હોય છે. તેની સ્વતંત્રતા અને અંત:કરણનો અભાવ તમને દંગ કરે છે, ડરાવે છે અને મજા કરાવે છે.
ફિલ્મોનાં હિંસક પાત્રો તેમની નિર્દયતાને ખુલ્લેઆમ સ્વીકારે છે અને તમને એવું મનાવવા માટે પ્રયાસ કરે છે કે તેઓ એક સારા માણસ છે. ‘કબિર સિંહ’માં એવી જ હિંસા અને હીરોની સ્ત્રી વિરોધી માનસિકતા હતી, જેટલી હિંસા અને સ્ત્રી વિરોધીતા ‘એનિમલ’માં છે, છતાં, લોકોને કબિર અર્થપૂર્ણ લાગ્યો હતો, પણ રણવિજય સિહ ફાલતું લાગ્યો.

આ સરખામણી એવું કહેવા માટે નથી એક અમુક પ્રકારની હિંસા સારી હોય છે. આ સરખામણીથી એ જાણવાનો પ્રયાસ છે કે દર્શકો ક્યારે હિંસાને પસંદ કરે છે અને ક્યારે તેને ખારીજ કરે છે. જાણીતાં
ફિલ્મ વિવેચક અનુપમા ચોપરાએ, પેલી બે યુનિવર્સિટીના તારણનો પડઘો પાડતાં કહ્યું હતું, ‘એનિમલ’ ફિલ્મમાં જકડી રાખે તેવો ડ્રામા અને લાગણીઓ હોત તો, ઘૃણા આવે તેવી હિંસાને પણ હું પચાવી ગઈ હોત, પરંતુ એક કલાકની અંદર જ ડિરેક્ટરે વાર્તા પરથી પકડ ગુમાવી દીધી હતી અને એ પછી હત્યા પર હત્યા સિવાય કશું ના રહ્યું.

બીજાં એક વિવેચક સુભ્રા ગુપ્તા લખે છે, ફિલ્મમાં આખી વાર્તાને કશુંક તો ચોંટશે એવી આશામાં લોચો વાળીને રસોડાના સિંકમાં ફેંકી દેવામાં આવે છે, પણ અંતે આ અધમ વાર્તાનો કશો અર્થ સરતો નથી: મારું ચાલે તો હું અસલી એનિમલ જોવા જાઉં.

મનોવૈજ્ઞાનિકો કહે છે કે લોકો હિંસા માટે હિંસા નથી જોતા, લોકો ખૂનખરાબાની સાથે પેદા થતી હવે શું થશે?ની સસ્પેન્સ અને રોમાંચની લાગણીની મજા લે છે. દર્શકો પડદા પર થતી હિંસા જોઇને નહીં, એ જોયા પછી તેમને શું અહેસાસ થાય છે, તેનાથી ઉત્તેજિત થાય છે. પડદા પર લોહિયાળ ઘટનાઓનો કોઈ તર્ક હોય, અર્થ હોય અને તેનો ઉચિત અંત હોય, તો જ દર્શકોનો રસ જળવાઈ રહે છે, પણ એમાં જો મગજ વગરનો રક્તપાત હોય, તો દર્શકો બોર થઇ જાય છે.

એનો અર્થ એ થયો કે દર્શકો તેમની વાસ્તવિક દુનિયામાં બનતી હિંસાનું પડદા પર પ્રમાણિક પ્રતિબિંબ જોવા ઈચ્છે છે. લોકોને હિંસા ગમે છે એવું નહીં, પણ તેમને ખબર છે કે માનવ સમાજમાં હિંસાની હાજરી હોય છે, તેની પાછળ (ઉચિત-અનુચિત) કારણો હોય છે અને એ હિંસાનું નિશ્ચિત પરિણામ પણ હોય છે. જેમ કે લોકો બળાત્કારનો આનંદ નથી લેતા, પરંતુ બળાત્કાર એક વાસ્તવિકતા છે અને તેનું પરિણામ પણ ભોગવવું પડતું હોય છે. જે ફિલ્મમાં ‘તાર્કિક’ રીતે બળાત્કાર બતાવવામાં આવે, તેને દર્શકો ‘સ્વીકારે’ છે કારણ કે એક સામાજિક સમસ્યા તરીકે તેમાં ગંભીરતા નજર આવે છે. તેથી, તેનો અર્થ એ છે કે હિંસા આઘાતજનક અને ભયાનક હોવા છતાં, વાસ્તવિક જીવનમાં તે કેવું હશે તેની તીવ્રતા સમજાય છે.

આપણે અમુક મૂલ્યો અને માન્યતાઓ સાથે જીવીએ છીએ. એમાં બીજા લોકોના જીવનની કદર હોય છે. મોટાભાગના લોકો એવું ઈચ્છતા હોય છે કે લોકો સ્વસ્થ અને સુરક્ષિત હોય. ફિલ્મોમાં જયારે લોકો પાત્રોને હિંસાનો અનુભવ કરતાં જુએ છે ત્યારે, તે તેમની નૈતિકતા અને મૂલ્યોની યાદ અપાવે છે. ફિલ્મોમાં હિંસા બતાવવાનું મુખ્ય કારણ લોકોને તેમનાં મૂલ્યો અને કરુણાની યાદ અપાવા માટે છે. જે હિંસા વધુ સારી રીતે એ યાદ અપાવે, તે હિંસાનો લોકો ‘આનંદ’ લે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…