ગુજરાતી પાઠ્યપુસ્તકમાં અપાલા નામની વિદુષી સ્ત્રી વિશે અદ્ભુત કથા હતી. અપાલા, સપ્તર્ષિમાંના એક ઋષિ અત્રિની દીકરી હતી. વિદ્વાન વિદુષી, શાસ્ત્રચર્ચામાં પારંગત. એના વિદ્વાન પતિ સાથે કુટિરમાં રહેતી અને બંને વચ્ચે પ્રેમના પ્રવાહો ધસમસતા રહેતા હતા. અપાલાના શરીરે કોઢ થયો. આંતરિક સૌંદર્ય તો દેહલાલિત્ય કરતાં ક્યાંય ચડિયાતું છે એ જાણતા હોવા છતાં એના પતિ એને છોડીને ચાલ્યા ગયા.
અપાલાએ ઇન્દ્રની પૂજા કરી. આકરું તપ કર્યું. એકલી રહી. પોતાનાં ખેતરોને પોતાની તપસ્યાથી ફરીથી હરિયાળાં બનાવ્યાં. એના શરીરનો કોઢ પણ દૂર થઈ ગયો. એક વિદ્વાન ઋષિપુરુષ જે એની પત્નીને એના બદલાઈ ગયેલા રૂપને કારણે તરછોડી ગયો હતો એ માફી માંગવા પાછો પણ આવ્યો…
વર્ષોથી દુનિયા કૃશાશ્વનું કિરદાર ભજવી રહી છે. કૃશાશ્વ એટલે કોણ? ચામડીના ચાઠાને સપ્તપદી પર આપેલા વચન કરતાં વધુ મહત્ત્વ આપનાર માણસ. સુંદરતા એટલે રૂપાળું એવો અર્થ કરનારા માણસો સદીઓ નહીં, પણ હજારો વર્ષ પૂર્વથી વસે છે. સુંદર એટલે રૂપાળું એવો કન્સેપ્ટ સંસ્કૃતિમાં જ ઘૂસી ગયો છે.
કૃષ્ણને પણ સુંદરશ્યામ કહ્યા છે. શ્યામ ખરા, છતાં પણ સુંદર એવા કૃષ્ણ એવો છૂપો ભાવાર્થ એ નામમાંથી પ્રગટે છે. શાશ્ર્વત વસ્તુઓને રંગ નથી હોતો. અજવાળાનો રંગ કે અંધકારનો રંગ વ્યાખ્યાયિત નથી થઈ શકતો. પાણીને વાદળી રંગનું ચિત્રકારોએ બનાવ્યું છે, બાકી જળ ચિરકાલીન રંગવિહીન છે. ખૂબસૂરતી પણ કોઈ રંગની મોહતાજ નથી. તેને કોઈ ચોક્કસ વર્ણ, છટા, આકાર, કદમાં બાંધી શકાતી નથી.
ખૂબસૂરતી છે શું?
જે રોજબરોજ કે સતત સામે ન દેખાય અને ક્યારેક ક્યારેક વિશેષ ગુણો સાથે નજર સામે આવે એ આપણને સુંદર લાગે. હિલ સ્ટેશન ઉપર ડોળીવાળા કે ફેરિયા રહેતા હોય તો એમને પહાડની લીલોતરી રમણીય ન લાગે કે એને વાદળાં ઉપર કવિતા લખવાનું મન ન થાય, કારણ કે એ સુંદરતાથી ઘેરાયેલા છે, રોજ એનું દૃષ્ટિપાન કરે છે. સુઘડ રીતે, વ્યવસ્થિત ગોઠવાયેલું, આદર્શની નજીક હોય અને થોડું અસામાન્ય હોય એ આપણે મન ખૂબસૂરત છે.
ગોળમેજી પરિષદની તસવીરો જોઈએ તો સૂટ-બુટ પહેરેલા અંગ્રેજો વચ્ચે અંગરખું અને પોતડીમાં સજ્જ ગાંધીજી ખૂબ સુંદર ભાસે છે. કેમ? કારણ કે ગાંધીજી એ જગ્યાએ અનયુઝવલ-અસામાન્ય છે. નિયમિતતાનો ભંગ કરે છે- નવી હિમ્મત દાખવે છે. ડર વિના આત્મવિશ્ર્વાસથી એ બેઠા છે અને પ્રામાણિકતાનું આભાવર્તુળ એમના ટાલિયા માથાની પાછળ દેખાય છે. આનો અર્થ એ કે બ્યૂટિને ઇમપરફેક્શન-અપરિપૂર્ણતા સાથે પણ સંબંધ છે. અપૂર્ણતા મનોહર હોઈ શકે છે.
મિસ ઇન્ડિયા-મિસ વર્લ્ડ-મિસ યુનિવર્સનું ટાઇટલ જીતનારી કેટલી યુવતીઓ શ્યામ છે? આ પ્રકારની સૌંદર્ય સ્પર્ધા હોવી જોઈએ કે નહીં તે અલગ મુદ્દો છે, પણ આવી સ્પર્ધાના નિર્ણાયકો અને આયોજકોને હવે છેક બુદ્ધિ આવી કે ગોરી ચામડીનો મોહ હકીકતમાં તો ગુલામીપ્રથાની ઊપજ છે.
આફ્રિકાના હબસીઓને જંજીરોમાં જહાજના ભંડકિયામાં કેદ કરીને યુરોપ-અમેરિકામાં વસ્તુની જેમ વેચવામાં આવતા અને આખી જિંદગી વેઠ કરાવવામાં આવતી. બ્રિટને જ્યાં જ્યાં રાજ કર્યું તે ભારત કે બીજા એશિયાઈ દેશોના લોકોમાં પેઢીઓ સુધી એક ગ્રંથિ એ પેસી ગઈ કે ફક્ત વ્હાઇટ સ્કિન જ સુંદર હોઈ શકે, બ્રાઉન કે બ્લેક પીપલ તો ક્યારેય રૂપેરી પડદે ન ચમકી શકે.
હજુ પણ આપણે સૌ આ જ માન્યતાથી ઘેરાયેલા છીએ. જુવાન છોકરા માટે ‘ટોલ-ડાર્ક-હેન્ડસમ’ એવું કહેવાય છે અને છોકરી માટે ‘ફેર એન્ડ લવલી’નો શબ્દપ્રયોગ થાય છે. છોકરા કાળા હોય, પણ છોકરી તો રૂપાળી જ હોવી જોઈએ એવું પરોક્ષ રીતે લોકોના મનમાં ઠસવવા માટે કોસ્મેટિક્સ કંપનીઓ અને બધી જ પ્રોડકટની એડવર્ટાઇઝિંગ એજન્સીઓ સફળ નીવડી છે. ટૂથપેસ્ટ કે મિલ્ક પાઉડરની જાહેરાતમાં પણ ગોરી-દેખાવડી મમ્મી જ મોડેલ હોય.
ઝૂમા અવનવા પ્રાણીઓને જોતાં આપણે માણસો પ્રાણીઓના જેવી ચામડીનું રંગવૈવિધ્ય ખુદ માટે સ્વીકારી શકતા નથી. ઝીબ્રાનું ટોળું જોવું ગમે, પણ એક માણસને કોઢ થયો હોય તો તરત મનમાં દયાથી લઈને ઘૃણા સુધીના ભાવ આવી જાય.
વિક્ટોરિયા સિક્રેટ નામની લક્ઝરિયસ લોન્જરીની જાહેરાતમાં એક સફેદ ડાઘ ધરાવતી અને બ્રાઉન સ્કિન ટોનવાળી એક છોકરી આવતી. વીની હાર્લો એનું નામ છે. ચહેરા અને હાથ ઉપર સફેદ ડાઘા છે, છતાં પોસ્ટરમાં એ બેહદ ખૂબસૂરત લાગે છે. સુંદરતા કુદરતની બક્ષિસ છે.
Also Read – સુખનો પાસવર્ડ : આપણો ઈરાદો નેક હોય તો દુનિયાની પરવા ન કરવી…
ઐશ્ર્વર્યા કરતાં વધુ ખૂબસૂરત યુવતીઓ ભારતના ગામડામાંથી મળી આવે. સુંદરતાનું સંવર્ધન કરવું પડે, ખૂબસૂરતી તો હોય જ, પણ એને નિખારવી પડે. જાતના પાલનપોષણની સાથે દેખાવની પણ કાળજી લેવી પડે. આટલું થાય તો કોઈ પણ વ્યક્તિ સુંદર બની શકે. હા, ખાવાપીવામાં ધ્યાન ન આપતા, વ્યસનના રવાડે ચડી ગયેલા, કસરતના નામે મીંડું હોય એવા સમાજમાં સુંદરતા દીવો લઈને શોધવા જવી પડે. એવો સમાજ સુંદરતાને લઈને વાસી અને જુનવાણી વિચારો ધરાવતો હોય એમાં કોઈ નવાઈ નહીં.
શંકર એટલે એક અઘોરી, કૈલાસ ઉપર ભભૂત લગાડીને તપ કરી રહેલી એક વ્યક્તિ હોવા છતાં એમનું એક નામ ‘સુંદરેશ્ર્વર’ છે. કેમ? સુંદરતા અંદરથી આવે અને આ કોઈ ફિલસૂફી નથી.
સુંદરતા એ છે જે હૃદયને પલાળી નાખે. મનના રંજને દૂર કરીને ચિત્ત પાવન કરે. રોમરોમને પ્રફુલ્લિત કરીને સમયમાં ઉત્સાહનો સંચાર કરી દે. હૃદયને પલળવા માટે કોઈ જડ શરત હોય ખરી?