ઉત્સવ

એક જમાનામાં બધા પર પ્રભુત્વ જમાવતા લિબરલો શા માટે અપ્રસ્તુત બની ગયા?

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

આજથી લગભગ ત્રણ દાયકા પહેલાં કહેવાતા લિબરલો અને સેક્યુલરિસ્ટોનો ડંકો દેશભરમાં વાગતો હતો. દેશનો રાજકીય એજન્ડા લિબરલો નક્કી કરતા હતા. શિક્ષણ, રાજકારણ, ન્યાયતંત્ર, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મીડિયા, યુનિવર્સિટી… જેવાં ક્ષેત્રોમાં તમારે ટકી રહેવું હોય અને પ્રગતિ કરવી હોય તો તમારા નામની પાછળ લિબરલ કે સેક્યુલરનું ટેગ જરૂરી હતું. જો તમે લિબરલ લોબીમાં સભ્ય નહીં હો તો ચામાંથી જે રીતે માખીને કાઢીને ફેંકી દેવામાં આવે છે એ રીતે તમને ફેંકી દેવામાં આવે. લિબરલીઝમ અને સેક્યુલરિઝમની વ્યાખ્યા એવી હતી કે તમારે હિન્દુ ધર્મની, હિન્દુ સંસ્કૃતિની, હિન્દુ દેવી-દેવતાઓની ટીકા કરવી જ પડે. દરેક ક્ષેત્રમાં લિબરલોએ કઈ રીતે પગ દંડો જમાવ્યો હતો એ પાછળ તો ઘણો મોટો ઇતિહાસ છે. છેલ્લા ત્રણ દાયકા દરમિયાન એવું તે શું થયું કે દેશના લિબરલો-સેક્યુલરિસ્ટો ધીમે ધીમે અપ્રસ્તુત બની રહ્યા છે?

૮૦ના દાયકા પહેલા બહુમતી હિન્દુઓના મગજમાં એવું ઘુસાડી દેવામાં આવ્યું હતું કે હિન્દુ હોવું એ એક શરમની વાત છે અને જાહેરમાં હિન્દુ હોવાનો ગર્વ કરવો એ તો લગભગ ગુનાહિત કૃત્ય છે! ભણેલો હિન્દુ મધ્યમ વર્ગ અંદરખાને બધુ સમજતો હોવા છતાં કંઈ કરી શકતો નહોતો. બધી જ સંસ્થાઓ પર સેક્યુલરિસ્ટોનો કબજો હોવાથી એણે સમસમીને બેસી રહેવુ પડતું હતું. ૮૦ના દાયકાના અંતમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી અને અશોક સિંઘલ જેવા ભાજપ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના નેતાઓએ રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત કરી અને લિબરલો-સેક્યુલરિસ્ટોની માઠી દશા શરૂ થઈ.

૧૯૯૨માં બાબરી મસ્જિદનો ધ્વંસ થયો ત્યાર પછી દેશભરમાં હુલ્લડો અને બોમ્બ ધડાકા થયા. લિબરલ મીડિયા અને લિબરલ બૌદ્ધિકોએ ચીસાચીસ કરી મૂકી. એ વખતે ટીવી મીડિયા ખાસ પ્રચલીત હતું નહીં અને સોશિયલ મીડિયા તો હતું જ નહીં, પરંતુ અંગ્રેજી મીડિયાએ સતત વિધવા વિલાપ કર્યે રાખ્યો. અત્યાર સુધી લઘુતાગ્રંથીથી પીડાઈને બેસી રહેલા બહુમતી વર્ગે પહેલી વખત મતદાન દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી અને ભાજપના ઉદયની શરૂઆત થઈ.

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત હિન્દુઓ જાહેરમાં કહેવા માંડ્યા કે “ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. લિબરલો અને સેક્યુલરિસ્ટો બદલાતી હવા સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. તેઓ એમ જ માનતા હતા કે ભારતની પ્રજાને અમે જેટલા સમજી શકીએ છીએ એટલી બુદ્ધી બીજા કોઈનામાં નથી. આજે ત્રણ દાયકા પછી પરિસ્થિતિ એવી છે કે આ જ લિબરલને હવે એવું કહેતા ખચવાટ થાય છે કે પોતે “લિબરલ કે “સેક્યુલર છે. લિબરલોના કહેવાથી હવે મતદારો દોરવાતા નથી. એક જમાનામાં જમણેરી વિચારધારા ધરાવતા લેખકો, બૌદ્ધિકો કે પત્રકારોએ વ્યવસાયમાં ટકી રહેવું હોય તો સમાધાન કરીને ચૂપ રહેવું પડતું અથવા પોતાની વિચારધારા બદલી નાંખવી પડતી. ખાસ કરીને નરેન્દ્ર મોદી અને સોશિયલ મીડિયાના ઉદય પછી જમણેરી બૌદ્ધિકોમાં હિંમત આવી અને તેઓ પોતાના અભિપ્રાયો ખૂલીને આપતા થયા. લિબરલોએ જમીની હકીકતને સમજવાની કોશિશ કરી નહીં એમના બેવડા ધોરણો ઉઘાડા થઈ ગયા. બળાત્કારનો કિસ્સો હોય કે હુલ્લડનો હંમેશાં બહુમતીને જવાબદાર ઠેરવવાની એમની નીતિ બુમરેંગ થઈને એમને જ નુકસાન કરવા માંડી. હિન્દુ મધ્યમ વર્ગ લિબરલોના બેવડા ધોરણો સમજવા માંડ્યો. મંદિરોમાં મહિલાના પ્રવેશથી માંડીને સીએએના વિરોધ મામલે લિબરલો-સેક્યુલરિસ્ટોના કપડાં વધુ ઊતરી ગયા. બહુમતીએ હવે માની જ લીધું કે આટલા વર્ષો સુધી એમને હંમેશાં ગુનાના પાંજરામાં ઊભા રાખીને શરમાવવા માટે આ લિબરલ લોબી જ જવાબદાર છે. ચર્ચ પર મામુલી પથ્થર પડે તો દેશ આખામાં હોહાં કરી નાખનારાઓ કાશ્મીરમાં ૩૦૦થી વધુ મંદિર તૂટ્યા ત્યારે શા માટે ચૂપ હતા એવો સવાલ ખૂલીને થવા લાગ્યો.

કાશ્મીરમાં ૩૭૦ની નાબુદીથી માંડીને અયોધ્યામાં રામમંદિરના બાંધકામની શરૂઆત સુધી દેશમાં બહુમતીનો મૂડ જોઈને લિબરલ બૌદ્ધિકો પણ હવે કબૂલ કરવા માંડ્યા કે એમનાથી કાચુ કપાઈ ગયું છે. છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન એવા કેટલાય લેખો મીડિયામાં વાંચવા મળ્યા કે લિબરલોની પડતી માટે લિબરલો અંદર અંદર જ એકબીજાને ભાંડી રહ્યા છે. ચૂંટણીનો સમય હોય કે સામાન્ય દિવસો લિબરલો-સેક્યુલરો હવે કોઈ એજન્ડા નક્કી કરી શકતા નથી અને જો કરે છે તો હંમેશાં નિષ્ફળ રહે છે. જોકે હકીકત એવી છે કે ત્રણ દાયકાના ઇતિહાસમાંથી લિબરલો કંઈ શીખે એમ હમણા તો લાગતું નથી!

બેવફાઈ વિશે અમેરિકાના સ્રી-પુરૂષો શું માને છે?

ન્યુ યોર્કમાંથી પ્રકાશિત થતાં બે સામયિક ‘વુમન્સ હેલ્થ’ અને ‘મેન્સ હેલ્થે’ ‘ચીટિંગ’ એટલે કે બેવફાઈ વિષય ઉપર સર્વે કર્યો હતો. સર્વે મુજબ ૪૫ ટકા પુરુષોનું માનવું છે કે ‘પોતાના’ને છોડીને ‘પરાયા’ સાથે નિયમિતપણે વાતો કરતાં રહેવું તે ચીટિંગ છે, પણ ૨૭ ટકા સ્ત્રીઓ ચીટિંગની આ વ્યાખ્યા સાથે સંમત નથી. તેમ જ ૪૫ ટકા પુરુષોએ સ્પષ્ટ કહ્યું હતું કે વિજાતીય મિત્ર સાથે સંદેશાની આપ-લે કરવી એ પણ ચીટિંગ છે. તેની સાથે માત્ર ૩૫ ટકા મહિલાઓ સંમત છે.

માત્ર ૩૨ ટકા પુરુષોએ જ જીવનમાં છેતરાયા હોવાનું કહ્યું હતું, જ્યારે ૪૫ ટકા સ્ત્રીઓએ પોતાની સાથે ચીટિંગ થયાની વાત સ્વીકારી હતી. ૩૨ ટકા સ્ત્રીઓએ બેધડક કબૂલ્યું હતું કે હા, અમે એકાદ વાર તો ચીટિંગ કર્યું જ છે. તેની સામે માત્ર ૧૬ ટકા પુરુષોએ જ પોતે ચીટર હોવાનું કબૂલ્યું હતું. ૫૦ ટકા પુરુષોએ માન્યું કે ચીટિંગને કારણે ભૂતકાળમાં કમસે કમ એકાદવાર તો તેમનો ઘરભંગ થયો જ હતો. જ્યારે માત્ર ૨૭ ટકા સ્ત્રીઓ પુરુષોની આ ઘરભંગની વાત સાથે સંમત થઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?