ઉત્સવ

અન્ના હજારે હીરોમાંથી ઝીરો કેમ થઈ ગયા?

તકવાદી મીડિયાને કારણે અધ્ધર ચગેલા અન્નાભાઉ એ જ મીડિયાને કારણે અને તકસાધુ નેતાઓની બેવફાઈથી ભફાંગ કરીને જ્મીન પર પછડાયા!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

મહાત્મા ગાંધીનું અનુકરણ કરી લોકઆંદોલન કે જનઆંદોલનનું તરણું ઝાલીને આપણા દેશમાં ઘણા આંદોલનકારીઓ નેતા અને સુપર હીરો બની ગયા. કેટલાક આંદોલનકારી નેતાઓ ગુમનામીની ગર્તામાં પણ ધકેલાઈ ગયાં. આ બધામાં અન્ના હજારેનો જે રીતે રાતોરાત ઉદય થયો અને ગણતરીના સમયમાં જ લોકપ્રિયતાના શિખરેથી ગુમનામીની ખીણમાં જે રીતે ધકેલાઈ ગયા એ ઐતિહાસિક છે. સમાજશાસ્ત્રીઓ અને રાજકીય નિષ્ણાતો માટે સંશોધનનો વિષય છે.

જરા યાદ કરો ૨૦૧૧ના એ દિવસો, જ્યારે દિલ્હી પહોંચીને અન્ના હજારેએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. જનલોકપાલ બિલ માટે અને ભ્રષ્ટાચાર સામે અન્નાએ જંતરમંતરના મેદાનથી આંદોલનની શરૂઆત કરી ત્યારે મહારાષ્ટ્રનાં નાના ગામડેથી આવેલા અન્ના વિશે દિલ્હીના વડેરા તંત્રી સાહેબોને પણ કોઈ જાણકારી નહોતી કે આ શખસ કોણ છે ? અન્નાની સાથે આંદોલનમાં જોડાનાર અરવિંદ કેજરીવાલથી માંડીને કુમાર વિશ્ર્વાસ સુધીનાઓ વિશે પણ ભાગ્યે જ કોઈ જાણતું હતું.

એ વખતે એક પછી એક બહાર આવી રહેલા કૌભાંડોને કારણે દેશનો મધ્યમવર્ગ ત્રસ્ત હતો. યુવાનો હતાશ હતા. સોશ્યલ મીડિયાના ઉપયોગને કારણે ધીરે ધીરે આંદોલને ગતી પકડવા માંડી. જંતરમંતર પર યુવાનોની સંખ્યા દર કલાકે વધતી ગઈ. થોડા દિવસો પહેલાં જ ટાટા- રાડિયા ટેપ કાંડને કારણે કેટલાક મોટા મીડિયા હાઉસની ઇમેજ તળીયે પહોંચી ગઈ હતી. એમાંય મીડિયાનાં એક વર્ગની વિશ્ર્વસનિયતા ઘટી રહી હતી. આવા મીડિયાએ જોયું કે અન્ના હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને ખૂબ ચગાવવાથી એમના પર ઉડેલા ભ્રષ્ટાચારના છાંટા કદાચ ધોવાઈ જશે. ન્યૂઝ ચેનલોએ ૨૪૭
અન્નાના આંદોલનનું કવરેજ શરૂ કર્યું અને આ આંદોલનની ખબર દેશ-દુનિયામાં આગની માફક પ્રસરી ગઈ.

અન્ના હઝારે રાતોરાત સેલિબ્રિટી બની ગયા. દેશભરના યુવાનો ‘મે હું અન્ના’ લખેલી ટોપી પહેરીને ફરવા માંડ્યા. ફક્ત બંગાળ અને કેરળ જ અન્ના આંદોલનની અસરથી મુક્ત રહ્યા, કારણ કે આ બંને રાજ્યમાં સામ્યવાદીઓનું વર્ચસ્વ વધારે હતું. ત્યાંના યુવાનોએ તો આવાં ઘણાં આંદોલન જોયા હતા. ગુજરાતના નવનિર્માણ આંદોલન અને જયપ્રકાશ નારાયણના ‘સંપૂર્ણ ક્રાંતિ’ના આંદોલન પછી મધ્યમવર્ગની યુવા પેઢીએ કદી આવો જુવાળ જોયો નહોતો. આમિર ખાન-અનુપમ ખેર જેવા ફિલ્મસ્ટારથી માંડીને બાબા રામદેવ જેવા યોગગુરુ પણ હઝારેની ચાલુ ગાડીમાં ચઢી બેઠા. શિયાળ જેવા ખંધા અરવિંદ કેજરીવાલ બરાબર ચાલ ચાલી રહ્યા હતા. રાષ્ટ્રીય મીડિયામાં મળેલા કવરેજને લીધે એમના મોઢામાંથી લાળ ટપકવા માંડી હતી. હઝારે પર એક ખાસ ટોળકીએ કબજો જમાવી દીધો હતો. મીડિયાની પ્રસિદ્ધિને કારણે સફળ થયેલા આંદોલનને અન્નાએ પોતાની સફળતા માની લીધી.

બીજી તરફ, અરવિંદ કેજરીવાલ પહેલેથી જ ખુબ મહત્ત્વાકાંક્ષી હતા. એમની નજર સત્તાની ખુરશી પર હતી, પરંતુ જાહેરમાં હંમેશાં એ દંભ કરતા રહ્યા કે, હું કદી ચૂંટણી લડવાનો નથી.સરકારી આવાસ … ગાડી વાપરવાનો નથી વગેરે. ભોટની જેમ અન્ના આ બધી વાતોમાં આવી ગયા- ભેરવાઈ ગયા એમ કહો તો ચાલે!

છેવટે જ્યારે આંદોલન સમેટાયું ત્યારે અરવિંદ કેજરીવાલે ‘આમ આદમી’ પાર્ટીની સ્થાપના સાથે રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી. સત્તા લાલચુ ટોળકી પણ અન્ના હઝારેને બાય બાય કરીને કેજરીવાલ સાથે ચાલી નીકળી. ડઘાઈ ગયેલા અન્નાએ મુંબઈમાં ફરીથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી. આ વખતે એમની સભામાં કાગડા ઊડતા હતા.

આંદોલનમાં સો માણસો પણ જોડાયા નહીં. કેજરીવાલે કરેલા દગા પછી યુવાવર્ગને ભારે આઘાત લાગ્યો હતો અને એમને ઠગાઈ જવાની અનુભુતી થઈ. અન્ના હઝારેએ ચૂપચાપ એમના ગામ રાલેગણ સિદ્ધિ જવા માટે ચાલતી પકડી.

હોંશિયાર વ્યક્તિ હોત તો સમજી જાત કે હવે પ્રજા એમની સાથે નથી અને જનલોકપાલ જેવા સિન્થેટિક ઇસ્યૂમાં કોઈને રસ રહ્યો નથી. કેજરીવાલ આણી કંપની એમને મૂર્ખ
બનાવી ગઈ છે, પરંતુ અન્ના હઝારે આ વાત સમજી કે કબૂલી શકયા નહીં. વારેતહેવારે એમણે મરી ગયેલા ઘોડાને ચાબુક મારી મારીને જીવતો કરવાની કોશિશ કરી. શેરડીના સાંઠાને પાંચ વાર કચડો તો કદાચ થોડો રસ નીકળે, પરંતુ પચાસ વખત કચડાયેલા સાંઠામાંથી એક ટીપું પણ રસ નીકળતો હશે ખરો?

રાજકારણમાં ગયા પછી અરવિંદ કેજરીવાલને કેટલેક અંશે સફળતા જરૂર મળી, પરંતુ એમના તાનાશાહી સ્વભાવથી કંટાળીને યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, કુમાર વિશ્ર્વાસ જેવી નમૂનેદાર વ્યક્તિઓ કેજરીવાલનો સાથ છોડી ગઈ. ચાવી શકાય એનાથી વધુ ખોરાક મોઢામાં ભરી દેવાથી મોટાભાગની ચૂંટણીઓમાં ‘આપ’નો રકાસ થયો. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા એક જમાનામાં કેજરીવાલને મીડિયાનો સાથ મળતો હતો, પરંતુ હવે મીડિયાએ પણ એમને ગરમ બટાટાની જેમ પડતા મુકયા.

અન્ના હઝારેનું હીરોમાંથી ઝીરો બનવાનું કારણ એ છે કે લોકો એમને ખૂબ ઝડપથી ઓળખી ગયા. યુવાનો સમજી ગયા કે હઝારે વિકાસ વિરોધી,

ધન વિરોધી, ઔદ્યોગિક ક્રાંતિ વિરોધી છે. શરૂઆતમાં યુવાનો એટલા માટે ઠગાયા હતા કે દેશના મોટા તંત્રી સાહેબો, ફિલ્મ સ્ટારો, યોગગુરુઓ, વકીલો … દ્વારા એમની બ્રાન્ડને એન્ડોર્સ કરવામાં આવી હતી. હવે જ્યારે જ્યારે હઝારે ઉપવાસ પર બેસે છે કે કેજરીવાલ તાયફા કરે છે ત્યારે રાષ્ટ્રીય ટેલિવિઝન મીડિયા એમને ઘાસ નાંખતું નથી. ચોવીસ કલાકમાંથી પાંચ મિનિટ પણ એમને માટે ફાળવવામાં આવતી નથી.

બીજી તરફ, બાબા રામદેવ બડા ચાલાક -હોંશિયાર નીકળ્યા. હઝારે – કેજરીવાલની લગોલગ જ આંદોલન શરૂ કર્યા પછી પવન પારખીને એમણે એમનું સંપૂર્ણ ધ્યાન વિદેશી કંપનીઓની પ્રોડક્ટને ચીત કરવા પર કેન્દ્રિત કરી પતંજલિ બ્રાન્ડને મજબુત કરી નાંખી. ૨૦૧૧માં અન્ના હઝારેએ આંદોલનની શરૂઆત કરી હતી ત્યારે કેટલાક માનતા હતા કે સોનિયા ગાંધીની નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ(એનએસી)નો હાથ આંદોલન પાછળ છે, તો કેટલાકનું કહેવું હતું કે આર.એસ.એસ.નો છુપો ટેકો હઝારેને છે. એ જે હોય તે, પરંતુ હકીકત એ છે કે અન્ના હઝારે હજુ પણ ગમે તેટલા પ્રયત્ન કરે ૨૦૧૧ જેવા આંદોલનને એ ફરીથી સજીવન કરી શકે એમ નથી. મીડિયાની મદદથી કામચલાઉ જુવાળ ઊભો કરી શકાય, પરંતુ એજ મીડિયા જ્યારે સપોર્ટ ખેંચી લે ત્યારે ‘હીરો’ બની રહેવા માટે જનમાનસના દિલમાં સાચી ચાહના જરૂરી છે અને આવી ચાહના મેળવવી દરેકના વશની વાત નથી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button