ઉત્સવ

મનોચિકિત્સકોની ક્લિનિકો શા માટે દર્દીઓથી ઉભરાઈ રહી છે?

આધુનિક જગતની ઝડપી જિંદગી-ડગલે ને પગલે વધતી જતી સ્પર્ધા અને વધી રહેલાં વિભક્ત કુટુંબોને કારણે માનસિક બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે . એની સાથે આજની પેઠી આવી બિમારીને સ્વીકારીને એના ઉપચાર માટે સામેથી આગળ પણ આવી રહી છે..

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

એંશીના દાયકાની ખ્યાતનામ અભિનેત્રી પરવિન બાંબીનું મૃત્યુ થયું ત્યારે એનો મૃતદેહ, મુંબઈના એનાં ફ્લેટમાંથી સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. અમિતાભ બચ્ચન- વિનોદ ખન્ના – રાજેશ ખન્ના સાથે સૂપરડૂપર હિટ ફિલ્મો આપનાર પરવીન એની કરિયર દર્મિયાન કબિર બેદી અને ડાયરેક્ટર મહેશ ભટ્ટ સાથે લીવઇન રિલેશનમાં રહી ચૂકી હતી. મહેશ ભટ્ટે એના અંગત જીવન પરથી ફિલ્મ ’અર્થ’ બનાવી અને આઘાતમાં સરી પડેલી પરવીન વર્ષો સુધી અજ્ઞાતવાસમાં ચાલી ગઈ. ભારત પાછા ફર્યા પછી એણે અસંબંધ વાતો કરવા માંડી. પોતાની હત્યા કરાવવા માટે અમિતાભ બચ્ચન અણુબોમ્બ ખરીદી રહ્યા હોવાથી માંડીને એણે બીજી જે વાતો કરી એનાથી એની માનસિક હાલત વિશે અંગત વ્યક્તિઓ ચિંતિત થઈ ગઈ. છેવટે નિદાન થયું કે પરવીન બાંબીને સ્કિઝોફ્રેનિયા’ નામનો માનસિક રોગ છે, જાણીતા મનોચિકિત્સ ડો. મુકુલ ચોકસી કહે છે: સ્કિઝોફ્રેનિયાના દર્દીઓને સતત ભ્રમ-વિભ્રમ થતો રહે છે. એમને જાતભાતના અવાજો સંભળાય છે. એમને એમ લાગે છે કે એને કોઈક જાણીતી કે અજાણી વ્યક્તિ એને હેરાન કરે છે.’

કદાચ પરવીન બાંબીને સ્કિઝોફ્રેનિયાની તકલીફ આનુવંશિક હશે, પરંતુ ’અર્થ’ ફિલ્મને કારણે એને લાગેલા માનસિક આઘાતની અસરથી સ્કિઝોફ્રેનિયા વકરી ગયો અને પરવીન બાંબીની જીંદગી બરબાદ થઈ ગઈ.

શરીરમાં ગરબડ થાય એટલે આપણે તરત ડોક્ટરો પાસે દોડીએ છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી જ માનસિક માંદગીઓને સમજવાની કોશિશ આપણા દેશમાં થઈ રહી છે. માનસિક રોગીઓ ફક્ત ગાંડાની હોસ્પિટલમાં જ નથી હોતા, પરંતુ આપણા સમાજ, મિત્રવતૃળ, કુટુંબમાં પણ એવી વ્યક્તિઓ હોઈ શકે છે જે માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ નથી.

અ કિસ્સો સાંભળો…વડોદરાનો એક યુવાન પ્લમ્બીંગનું કામ કરતો હતો. આ યુવાને કેટલાક દિવસથી કામ બંધ કરી દીધું હતું. એ ખૂબ બોલબોલ કરતો. એક દિવસ એણે બજારમાંથી કેળાં ખરીધ્યાં અને ટ્રેનમાં બેસી ગયો. ટ્રેનમાં અરધા ભાવે કેળા વેચી દીધા. એની પાસે જે કંઈ પૈસા હોય એમાંથી છાપાં-પુસ્તકો ખરીદી લાવે. કારણ વગર ઘરમાં ગાળાગાળી કરે અને જાગૃત અવસ્થામાં હોય ત્યારે સતત બોલબોલ કરે. મનોચિકિત્સકોને બતાવ્યું ત્યારે ખબર પડી કે યુવાનને ’મેનિયા’ (ઉન્માદ)ની બિમારી છે. ઈ.સી.ટી. (સાદી ભાષામાં શોક કે કરંટ આપવો) અને બીજી સારવારથી એની બિમારી કાબુમાં આવી અને હવે એ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે…

અમદાવાદના એક યુવાને મિત્રોના આગ્રહને કારણે વેશ્યાગમન કર્યું અને ત્યાર પછી એણે એઇડ્સ વિશેનો લેખ વાંચ્યો. યુવાનને એમ જ લાગ્યું કે વેશ્યાગમનને કારણે એને એઇડ્સ થઈ ગયો છે. બધા ટેસ્ટ નેગેટિવ આવ્યા તો પણ મહિનાઓ સુધીએ વારંવાર એઇડ્સના ટેસ્ટ કરાવતો રહ્યો.એ ખૂબ જ અતડો અને ચિંતાતૂર રહેવા માંડ્યો. મનોચિકિત્સકોની લાંબી સારવાર પછી એ સારો થયો. એને ’હાઇપોકોન્ડ્રિયાસીસ’ નામની માનસિક બીમારી થઈ હતી. ’હાઇપોકોન્ડ્રિયાસીસ’ના દર્દી પોતાને જાતજાતના રોગો થયાનું દૃઢપણે માની લેતા હોય છે.

ગુજરાતના મોટાભાગના મનોચિકિત્સકો માને છે કે, આધુનિક સમયમાં ઝડપી જિંદગી, વધતી જતી સ્પર્ધા અને વિભક્ત કુટુંબોની વધતી જતી સંખ્યાને કારણે ડિપ્રેશન, એન્કઝાઇટી, સ્ટ્રેસ જેવી માનસિક બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. સમાજનાં બદલાતાં જતાં મૂલ્યોએ ’એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર’ નામના માનસિક રોગનો ભોગ બનેલાઓની સંખ્યામાં ખૂબ વધારો કર્યો છે. એડજસ્ટમેન્ટ ડિસઓર્ડરની સારવારમાં દવા ઉપરાંત દર્દીને અનુકૂળ થતી પરિસ્થિતિ પણ અગત્યનો ભાગ ભજવે છે. વિપરીત પરિસ્થિતને અનુકૂળ થવાની દર્દી કોશિશ કરે તો ઝડપી સારવાર શક્ય છે.
આમ જૂવો તો આજે ડિપ્રેશન (હતાશા) આધુનિક સમયનો એક ખૂબ જ સામાન્ય માનસિક રોગ છે. એક અંદાજ મુજબ ૪૦ થી ૫૦ ટકા લોકોને જીવનકાળ દરમિયાન કયારેક ને કયારેક ડિપ્રેશનના હુમલાઓ આવ્યા હોય છે. નવાઈની વાત એ છે કે આમાંથી મોટા ભાગનાને ખબર પણ નથી પડતી કે એમને ડિપ્રેશનની તત્કલીફ થઈ છે. મનોચિકિત્સકો માને છે કે પ્રમાણની દૃષ્ટિએ મેલેરિયા, શરદી, ફલૂ, ગ્રેસ્ટ્રો … જેવાં સામાન્ય દર્દો પછી ડિપ્રેશનનો નંબર આવે છે.

આપણા મગજમાં આવેલા સિરોટોનીન અન નોરએપિનેફિન નામના રસાયણોમાં ઘટાડો થવાથી ડિપ્રેશનનો હુમલો આવે છે. જીવનના પાછળના તબક્કામાં શારીરિક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને બાળકો સાથે અનુકૂલન સાધતા તકલીફ પડે ત્યારે, નિવૃત્તિ પછી કે કુટુંબમાં પોતાની અગત્યતા ઓછી થઈ ગઈ હોવાનું લાગે ત્યારે અને છૂટાછેડા, સાસરિયાંનો ત્રાસ, આર્થિક નુકસાન જેવાં બાહ્ય કારણસર થતા ડિપ્રેશનને રીએક્ટિવ ડિપ્રેશન’ કહેવામાં આવે છે સ્ત્રીમાં મેનોપોઝ (રજોનિવૃત્તિ) પછી શરીરમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનની સમતુલામાં ફેરફાર થવાથી પણ ઘણી સ્ત્રીઓને ડિપ્રેશનનો હુમલો આવે છે. સામાન્ય રીતે વધુ પડતો થાક, કંટાળો, માથાનો દુ:ખાવો, અનિદ્રા, ઉત્સાહનો અભાવ જેવા લક્ષણો ડિપ્રેશનના દર્દીમાં જોવા મળે છે. ડિપ્રેશનના કેટલાક દર્દીઓને ઉલ્ટી થાય છે, સાંધામા દુખાવો થયા કરે છે અને તેઓ પથારીમાથી ઊભા પણ થઈ શકતા નથી. કોઈક વખત કોઈપણ પ્રકારના બાહ્ય કારણ વગર પણ કેટલાકને ડિપ્રેશનનો હુમલો આવતો હોય છે.
કેટલાક કિસ્સામાં ડિપ્રેશનનો ભોગ બનેલી અમુક વ્યક્તિઓ વધુ બોલે છે, હઠેળી ઘસઘસ કર્યા કરે છે, આંટા મારે છે અને વધુ પડતી ચંચળ બની જાય છે. આ પ્રકારના ડિપ્રેશનને એજિટેટેડ ડિપ્રેશન’ કહે છે. આ બંને પ્રકારના ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધી જાય તો એ ગાંડપણની હદ સુધી પહોંચે જેને ’સાઇકોટીક ડિપ્રેશન’ કહે છે.

બીજી તરફ, સામાન્ય પ્રકારની, યોગ્ય પ્રમાણમાં, સકારણ ચિંતા હોવી એ કોઈ માનસિક રોગ નથી, પરંતુ કારણ કરતા ચિંતાનું પ્રમાણ ખૂબ વધારે હોય કે કોઈપણ પ્રકારના કારણ વગર કોઈને ખૂબ ચિંતા રહેતી હોય તો મનોચિકિત્સકો એને એન્કઝાઇટી કે ચિંતાનો રોગ ગણે છે. તીવ્ર ચિંતાના હુમલાને ’પેનિક’ કહે છે. ’પેનિક’ના દર્દીનાં લક્ષણો એવાં હોય છે કે શરૂઆતમાં દર્દીને શારીરિક બીમારી છે એમ જ માની લેવામાં આવે છે. દર્દી માટે ’પેનિક’ ખૂબ જ ત્રાસદાયક રોગ છે. મનોચિકિત્સકોનું કહેવું છે કે જો પેનિકના હુમલાઓને ગંભીરતાથી લેવામાં ન આવે તો દર્દીને ’એગોરાફોબિયા’ નામનો ગંભીર પ્રકારનો માનસિક રોગ થઈ શકે છે. દર્દી જો બસ કે ટ્રેનમાં મુસાફરી કરતો હોય અને એને ગભરામણ થઈ હોય તો એ એમ જ માનતો થઈ જાય છે કે બસમાં કે ટ્રેનમાં બેસવાથી જ એને તકલીફ થાય છે. ધીરે ધીરે એ દર્દી ઘરની બહાર એકલા નીકળવાનું જ બંધ કરી દે છે. પેનિકની સારવાર કરતાં એગોરાફોબિયા’ની સારવાર વધુ મુશ્કેલ છે અને દર્દીને સાજો થતાં પણ વધુ સમય
લાગે છે.

પરવીન બાંબીના કિસ્સામાં જોયું તેમ સ્કીઝોફ્રેનિયાના કેટલાક દર્દીઓ ખોટી માન્યતાઓ (ડિલ્યુઝન)નો ભોગ બને છે. સુરતની એક યુવાન સ્ત્રીએ પોલીસમાં કેટલીક
પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામે એવી ફરિયાદ કરી હતી કે એ બધી વ્યક્તિઓએ એનો શારીરિક ઉપભોગ કર્યો છે. એ સ્ત્રી સ્કીઝોફ્રેનિયાની દર્દી હતી. આવા દર્દીઓ ’પેરાનોઇડ સ્કીઝોફ્રેનિયા’થી પીડાતા હોય છે.

સ્કીઝોફ્રેનિયા, ઓબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઓર્ડર (ઓસીડી), હિસ્ટેરિકલ ડિસઓર્ડર, હિસ્ટીરિયા, પર્સનાલિટિ ડિસઓર્ડર … જેવા માનસિક રોગોનાં નામ વખત જતા હવે સામાન્ય વ્યક્તિઓ પણ જાણવા માંડ્યા છે, પરંતુ ડોક્ટર મુકુલ ચોક્સીના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી નવા પ્રકારના માનસિક રોગ ધરાવતી વ્યક્તિઓના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આજકાલ ઇટીંગ ડિસઓર્ડર એટલે કે ’બૂલિમિયા’ના દર્દીઓ પણ જોવા મળે છે. આ માનસિક રોગનો ભોગ બનેલી વ્યક્તિ સતત ખા ખા જ કરે છે અને પછી શારીરિક રોગનો ભોગ બને છે. એ જ રીતે બોડી ઇમેજ ડિસ્ટ્રબન્સીસના દર્દીઓ પણ વધ્યા છે. આ રોગથી પીડાતી વ્યક્તિને એવું લાગે છે કે એમનું વજન ખૂબ વધી ગયું છે અને એ માટે એ જીમથી માંડીને પ્લાસ્ટીક સર્જરી સુધીના ઉપચારો કરે છે. જોકે ખરેખર તો એમનું વજન નોર્મલ જ હોય છે. એ જ રીતે નાની સરખી વાતમાં પણ ઉશ્કેરાઈ જઇ ખૂન કે ગુનો કરી નાખનારની સંખ્યા પણ વધી રહી છે. આવા મનોરોગીઓ ’ઇમ્પલ્સ ક્ધટ્રોલ ડિસઓર્ડર’થી પિડાતા હોય છે.

છેલ્લા થોડા વર્ષો દરમિયાન કયાંતો માનસિક બિમારથી પીડિતોમાં જાગૃતિ આવી છે અને તેઓ સારવાર કરાવતા થયા છે, કયાં તો આધુનિક સમયમાં મનોરોગીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. અને એટલે જ આજે મનોચિકિત્સકોની પ્રેક્ટિસ પણ ધૂમ ચાલી રહી છે. હવે એમની ઇમેજ ’ગાંડાના ડોક્ટર’ની રહી નથી. મનોવિજ્ઞાન ક્ષેત્રે જે રીતે નવા સંશોધનો થઈ રહ્યા છે એ જોઇને લાગે કે, જો હિટલર, માઓ, સ્ટેલિન, ઓસામા લાદેન, રામન રાઘવ, કે પાબ્લો એસ્કોબાર જેવા મનોરોગીઓના સમયમાં પણ મનોવિજ્ઞાનની આજ જેટલી જાગૃતિ હોત તો દુનિયા કંઈ અલગ જ હોત!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત