ભારતમાં લોકોને કેમ સરમુખત્યારશાહીનું આકર્ષણ છે?
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
સામાન્ય લોકો, જે નિયમિત રીતે ચૂંટણીમાં વોટ આપવા જાય છે, તે રાજકારણથી ઉબાઈ ગયા છે?
વિશ્ર્વમાં જે રીતે લોકલુભાવનવાદ (પોપ્યુલિઝમ)નો ફેલાવો થઇ રહ્યો છે અને લોકશાહીમાંથી વિશ્ર્વાસ ઓછો થઇ રહ્યો છે તે જોતાં એવું લાગે છે કે જનતાને રાજકીય સિદ્ધાંતો, મૂલ્યો, નૈતિકતા કે નિષ્પક્ષતા નિરર્થક લાગે છે, કારણ કે એમાં નેતાઓનું તો ભલું થાય છે, પણ જનતા ઠેરની ઠેર રહે છે.
દુનિયાના અનેક દેશોની જનતામાં એવી લાગણી ઘર કરી ગઈ કે લોકશાહી વધારે પડતી ઉદાર છે અને ઉદારતાવાદી
શાસકો સાધારણ માણસો અને એમની ભાવનાથી તદ્દન કપાઈ ગયેલા છે.
બીજા અર્થમાં કહીએ તો લોકોમાં એવી માન્યતા મજબૂત બની કે ‘લોકો’ માટેની ‘લોકશાહી’ અમુક લોકો માટે સીમિત રહી ગઈ છે.
લોકવાદનો પ્રવેશ અહીંથી થાય છે. લોકવાદ લોકશાહીનું જ શીર્ષાસન છે. લોકશાહીમાં, લોકોની લાગણીઓએ મૂલ્યો અને સિદ્ધાંતોની પરિપાટી પર ખરી ઉતરવું પડે તો તેના પર અમલ થાય. લોકવાદમાં જે મૂલ્યો અને સિદ્ધાંતો લોકોની લાગણીઓ પર ખરા ઉતરે તેનો જ અમલ થાય.
દાખલા તરીકે, લોકશાહીમાં એક અપરાધીના માનવીય અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે, પરંતુ લોકવાદમાં લોકો એવું માનતા હોય છે કે અપરાધનો ભોગ બનેલી વ્યક્તિના પણ માનવીય અધિકારો હોય છે એટલે અપરાધીને કાનૂની સહાય આપવાને બદલે એને ગોળી મારી દેવી જોઈએ.
લોકોને કેમ લોકશાહીમાંથી વિશ્ર્વાસ ઉઠી રહ્યો છે? કારણ કે લોકોમાં એવી માન્યતા ઘર કરતી જાય છે કે લોકશાહીમાં કશું કામ થતું નથી, નેતાઓ દુષ્ટ અને ભ્રષ્ટ છે, મુઠ્ઠીભર લોકોનાં ઘર ભરતાં રહે છે, કાનૂન નિષ્પક્ષ નથી, જેની લાકડી તેની ભેંસ જેવો નિયમ છે, ગરીબ લોકો વધુને વધુ ગરીબ થાય છે, ધનવાન લોકો વધુને વધુ
ધનવાન થાય છે, બુનિયાદી સુવિધાઓ લોકો સુધી પહોંચતી નથી, સરકારી તંત્રને જનતાની કોઈ પડી નથી ઈત્યાદિ.
કદાચ એટલા માટે જ, ભારતના ૮૫ ટકા લોકો દેશમાં મિલિટરી શાસન અથવા સરમુખત્યારશાહીની તરફેણ કરતા હોય તો એમાં આશ્ર્ચર્ય ન થવું જોઈએ. વૈશ્ર્વિક સ્તરે સામાજિક અને રાજકીય વલણોનો સર્વે કરતી અમેરિકા સ્થિત સંસ્થા ‘પ્યુ રિસર્ચ સેન્ટર’નો, વર્ષ ૨૦૨૩નો ૨૪ દેશોનો એક સર્વે કહે છે કે આ બધા દેશના લોકોને એમના દેશનું તંત્ર જે રીતે ચાલે છે તેની સામે અનેક ફરિયાદો છે, પરંતુ તેમાં ભારતમાં જ સૌથી વધુ (૮૫ ટકા) લોકોએ કહ્યું હતું કે કડક હાથે કામ લીધા વગર સુધારો નથી થવાનો.
આ સર્વેનું તારણ એ હતું કે પૂરી દુનિયામાં લોકો જનપ્રતિનિધિ લોકતંત્રને સૌથી શ્રેષ્ઠ શાસન વ્યવસ્થા ગણે છે, પરંતુ તે જે રીતે અસલમાં કામ કરે છે તેનાથી લોકો નિરાશ છે. આ સર્વે તો ૨૪ દેશમાં થયો હતો, પણ આપણે ભારતને લગતાં ચોંકાવનારાં અમુક તારણો જોઈએ,
જેમ કે….
- લોકતાંત્રિક વ્યવસ્થા સૌથી ઉત્તમ છે તેવું માનતા ભારતીયોમાં ૮ ટકાનો ઘટાડો થયો છે
- ૬૭ ટકા ભારતીયોએ કહ્યું કે સરમુખત્યારશાહી હોવી જોઈએ
- ૨૯ ટકા લોકોએ કહ્યું કે મિલિટરી શાસન ‘કંઇક અંશે’ સારું હશે
- ૪૩ ટકા લોકોએ કહ્યું કે મિલિટરી શાસન ‘ઘણું સારું’ હશે
- ૫૪ ટકા ભારતીયોએ કહ્યું કે જનપ્રતિનિધિઓ જનતાની ચિંતા નથી કરતા
સરમુખત્યાર શાસનનું એક દેખીતું નુકશાન એ છે કે તેમાં જનતાના હાથમાં સત્તા રહેતી નથી, કારણ કે સરમુખત્યાર વોટ માંગવા નથી આવવાનો તો પછી સવાલ એ ઊભો થાય કે લોકશાહીમાં સારા નેતાને ચૂંટવાની અને ખરાબ નેતાને ઘરે બેસાડવાની પોતાની સત્તાને જતી કરવા માટે લોકો કેમ તૈયાર થતા હશે?
તેનું કારણ તાર્કિક નહીં, મનોવૈજ્ઞાનિક છે. લોકતંત્રની અંદર, તીવ્ર ધ્રુવીકરણમાં વહેંચાઇ ગયેલા મતદારો એમનાં હિતોના રક્ષણની વાત કરે તેવા નેતાને ચૂંટવા માટે થઈને લોકતાંત્રિક પ્રતિસ્પર્ધાને નેવે મૂકવા તૈયાર થઇ જાય છે. બીજી રીતે કહીએ તો, લોકતંત્રની ખામીઓ જ સરમુખત્યાર નેતાઓને અવસર પૂરો પાડે છે કે એ વધુને વધુ ધ્રુવીકરણ પેદા કરે, જેથી લોકો પાસે એમને ચૂંટવા સિવાય બીજો વિકલ્પ ન રહે, પછી ભલે એમાં લોકતંત્રનો બલિ ચઢતો હોય.
સરમુખત્યારશાહીમાં ઉપરથી નીચેનો અભિગમ હોય છે. સૈન્યની જેમ, ટોચનો નેતા આદેશ જારી કરે છે અને અધિકારીઓ મગજ ચલાવ્યા વગર તેનું પાલન કરવાનું હોય છે. એ નેતા કામ કરવા અને કરાવવા માટે કડક નિયમો, નીતિઓ અને પ્રક્રિયાઓ પર આધાર રાખે છે. તે કોઈને પૂછીને કે સલાહ મંત્રણા કરવાને બદલે સ્વતંત્ર રીતે નિર્ણયો લે છે.
સામાન્ય લોકોને આવા ‘રિઝલ્ટ ઓરિયંટેડ’ નેતાઓ ગમતા હોય તે સમજી શકાય છે, કારણ કે જનતા માત્ર પોતાની જરૂરિયાતના દૃષ્ટિકોણથી વિચારતી હોય છે, અને એને એવો પણ ભરોસો હોય છે કે એની જરૂરિયાતો કાયમ માટે નેતાની પ્રાથમિકતા બની રહેશે. ઈતિહાસમાં ઊંધું પુરવાર થયું છે- જનતાની સેવા કરવા માટે એકહથ્થુ સત્તાને હાથમાં લેનારા નેતાઓ અંતત: પોતાનાં હિતોની રક્ષા કરતા થઇ જાય છે.
અનેક ઉદાહરણો સાબિત કરે છે કે સરમુખત્યારોની સત્તા સકારાત્મક (જનતા લક્ષી) કામોમાં નથી વપરાતી. તે બીજા કોઈને કશું કામ નહીં કરવા દેવામાં વપરાય છે. એ અર્થમાં કડક માણસ વાસ્તવમાં કમજોર હોય છે. એ બીજા લોકોને કમજોર બનાવીને જ ટકી રહેતો હોય છે.
બીજી તરફ, લોકશાહીના ઘણા દોષ હશે, પરંતુ કમ-સે-કમ નેતાઓની ગરદન પર એટલી ઘૂંસરી તો રહે છે કે એમણે દર પાંચ વર્ષે જનતા પાસે વોટની ‘ભીખ’ માંગવા માટે આવવું પડે છે. લોકશાહી એને તમારો’ નેતા બનાવે છે, જ્યારે સરમુખત્યાર ‘તમારો’ બનીને નથી રહેતો.
વિન્સ્ટન ચર્ચિલ દ્વિતીય મહાયુદ્ધમાં બ્રિટનના પ્રધાનમંત્રી હતા. યુદ્ધની શરૂઆતથી જ બ્રિટનનો સામનો નાઝી જર્મનીથી હતો. ચર્ચિલ ઉત્તમ નેતા ઉપરાંત એક સૈનિક અને યુદ્ધ રિપોર્ટર પણ હતા. ચર્ચિલના નેતૃત્વમાં બ્રિટન જર્મની સામે અડીખમ ઊભું રહ્યું એટલું જ નહીં, બ્રિટને કુનેહપૂર્વક અમેરિકા અને સોવિયેત સંઘ સાથે મોરચો બાંધ્યો હતો. યુદ્ધમાં જર્મનીનો પરાજય થયો પછી ચર્ચિલ બ્રિટનમાં હીરો બની ગયા હતા.
૧૯૪૫માં, યુદ્ધ સમાપ્ત થયું તેના બે મહિનામાં ચર્ચિલે ચૂંટણી જાહેર કરી. એમની ક્ધઝર્વેટિવ પાર્ટીએ યુદ્ધમાં વિજયના નામે વોટ માગ્યા, પણ જનતાએ, ચર્ચિલથી ઓછા લોકપ્રિય, લેબર પાર્ટીના ક્લેમેન્ટ એટલીને સત્તામાં ચૂંટયા. કેમ? બ્રિટિશ જનતાએ એવું નક્કી કર્યું હતું કે યુદ્ધ વિજેતા તરીકે ચર્ચિલ ગમે તેટલા મહાન હોય, શાંતિકાળ માટે તે અયોગ્ય છે અને ઘરેલું સમસ્યાઓ માટે એટલી અને એમની લેબર પાર્ટી વધુ ઉત્તમ છે.
ચર્ચિલને આનું બહુ દુ:ખ થયું હતું, પણ એમને એમાં બોધપાઠ મળ્યો અને થોડા જ વર્ષોમાં ચૂંટણી જીતીને પાછા સત્તામાં આવ્યા.
સાર: જનનાયકોનો આપણે આદર કરવો જોઈએ, ભક્તિ નહીં. આદરમાં એમને પોતાની જવાબદારીનું ભાન રહે છે. ભક્તિમાં એ પોતાને આલોચનાની પાર ગણે છે.