ઉત્સવ

‘મોસાદ’ નો ડબલ એજન્ટ મારવાન ખરેખર કોને માટે કામ કરતો હતો?

આ રહસ્ય આજે પણ ઉકેલાયું નથી!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

૨૦૦૭ની ૨૭ જૂને લંડનના એક વૈભવી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાંચમા માળેથી એક વ્યક્તિ જમીન પર પટકાય છે ને થોડી સેંકડોમાં જ એનું મૃત્યુ થાય છે. મૃત્યુ પામનાર ૬૩ વર્ષી અશરફ મારવાન હતા. દુનિયાની દ્રષ્ટિએ એ એક બિઝનેસમેન હતા. અશરફના મૃત્યુનું કારણ અકસ્માત- હત્યા કે પછી આત્મહત્યા હતું એ આજ સુધી જાણી શકાયું નથી.

હકીકત એ છે કે અશરફ મારવાને આપેલી એક માહિતીને કારણે ઇઝરાયલ સંપૂર્ણ વિનાશમાંથી ઉગરી ગયું હતું. એક તરફ એવી થિયરી છે કે મૂળ ઇજિપ્તના રહીશ અશરફ મારવાન ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ’ વતી જાસૂસીનું કામ કરતા હતા તો બીજી તરફ કેટલાક નિષ્ણાતો ખાતરીપૂર્વક માને છે કે અશરફ ગદ્દાર નહીં, પરંતુ ઇજિપ્તના એક શ્રેષ્ઠ ડબલ એજન્ટ હતા મતલબ કે ‘મોસાદ’ ને એ મૂર્ખ બનાવતા હતા કે ઇજિપ્તની સંવેદનશીલ માહિતી ઇઝરાયલને આપી રહ્યા છે, જ્યારે ખરેખર તો એ ઇજિપ્તનાં ટોચના વડાઓ માટે કામ કરતા હતા.

અશરફ મારવાનની જિંદગીની કથા કોઈ ફિલ્મની વાર્તાથી ઊતરતી નથી. (અશરફની જિંદગી પરથી ‘ધ એન્જલ’ નામની ફિલ્મ પણ બની ચૂકી છે. જો કે, એ દ્વારા ‘મોસાદ’ની બેવકૂફીને ઢાકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે). એમના મૃત્યુના ૧૨ વર્ષ પછી પણ જાસૂસી વિશ્ર્વમાં એ કોયડો ઉકાલાયો નથી કે અશરફ મારવાન ઇઝરાયલના સુપર સ્પાય હતા કે ઇજીપ્તના ડબલ એજન્ટ ? એમની હત્યા થઈ હોય તો હત્યા ‘મોસાદે’ કરાવી હતી કે
ઈજિપ્તે ?

અશરફ ઇજિપ્તમાં જન્મ્યા હતા. અશરફના દાદા ઇજીપ્તની શરીયા કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. એમના પિતા લશ્કરમાં હતા. કેરો યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા પછી અશરફ લશ્કરમાં જોડાયા હતા. એ વખતે જ ઇજિપ્તના તત્કાલીન પ્રમુખ નાસીરની પુત્રી મોનાના પ્રેમમાં પડીને એમણે મોના સાથે લગ્ન કર્યા હતા. એમ કહે છે કે પ્રમુખ નાસીરને અશરફ માટે ખાસ માન હતું નહીં. નાસીરની હયાતી દરમિયાન એમણે સરકારમાં નાના હોદ્દાઓ ઉપર જ કામ કર્યું હતું. ૧૯૭૦માં નાસીરના મૃત્યુ પછી પ્રમુખ બનેલા સદાતે પોતાના ખાસ સલાહકાર અશરફને બનાવ્યા . પ્રમુખ સદાત કોઈપણ અગત્યની મિટિંગમાં જાય ત્યારે અશરફ મારવાનને સાથે રાખતા હતા. ઇજિપ્તના રાજકારણ અને લશ્કરની તમામ હકીકતથી અશરફ માહિતગાર રહેતા. સાઉદી અરેબિયા અને લિબિયા સાથે સંવાદ કરવાની જવાબદારી અશરફને સોંપવામાં આવી હતી. આ બંને દેશના ટોચના સત્તાધીશો સાથે અશરફે અંગત સંબંધ કેળવ્યા હતા. લિબિયાના મુઅમ્મર ગદાફી સાથે પણ અશરફને દોસ્તી હતી.

૧૯૬૭માં ઇઝરાયલ – ઇજિપ્ત વચ્ચે છ દિવસનું ખૂંખાર યુદ્ધ થયું ,જેમાં ઇજિપ્તનો ઘણો પ્રદેશ ઇઝરાયલે જીતી લીધો હતો. ઇજિપ્ત આ હારને ભૂલી શક્યું નહોતું અને હારેલા વિસ્તાર સિનાઇ પેનીનસ્યૂલા પર ફરીથી કબજો જમાવવા માગતું હતું. સાઉદી અરેબિયા અને લિબિયાની મદદ વડે એણે ઇઝરાયલ પર આક્રમણ કરવાનું આયોજન કર્યું. આ આખું આયોજન ખૂબ ખાનગી હતું. એ વિશે ટોચની પાંચ – છ વ્યક્તિને જ જાણકારી હતી. અશરફ મારવાનને જ્યારે ઇજિપ્તના આયોજનની ખબર પડી ત્યારે એ લંડન હતા. લંડનમાં એમણે ઇઝરાયલની એમ્બેસી દ્વારા ‘મોસાદ’નો સંપર્ક કર્યો ને ઇજિપ્તે કરેલા યુદ્ધના આયોજન વિશેની માહિતી મોસાદ’ના જાસૂસને પહોંચાડી. એ માહિતીના બદલામાં અશરફને કરોડો પાઉન્ડ મળ્યા હોવાનું કહેવાય છે. અશરફે આ માહિતીને સાચી પૂરવાર કરતા કેટલાક દસ્તાવેજો પણ ‘મોસાદ’ ના જાસૂસને આપ્યા હતા. ઇજિપ્તના આયોજનની માહિતી ઇઝરાયલના તત્કાલીન વડા પ્રધાન ગોલ્ડામેરના ટેબલ પર પહોંચી. તે વખતે ઇઝરાયલના સંક્ષણ પ્રધાન મોશે દયાન હતા. ૧૯૭૩ના ઓક્ટોબર મહિનામાં ઇઝરાયલ પર હુમલો કરવાનું આયોજન ઇજિપ્તે કર્યું હતું. એપ્રિલ મહિનામાં આક્રમણની સંભાવના વિશે પણ અશરફે ‘મોસાદ’ને જણાવ્યું, પરંતુ એ વખતે ઇજિપ્તે આક્રમણ કર્યું નહોતું. ઇઝરાયલ હુમલા માટે પૂરુ તૈયાર હતું, પરંતુ હુમલો નહી થતા ઇઝરાયલે રાહતનો શ્ર્વાસ લીધો હતો. ત્યાર પછી જ્યારે પણ અશરફે ઇજિપ્તની તૈયારી વિશેની માહિતી ‘મોસાદ’ને આપી ત્યારે ઇઝરાયલ લશ્કરના ઇન્ટેલિજન્સ ઇન કમાન્ડ એની ઝીયરાએ અશરફની માહિતીને ગંભીરતાથી લીધી નહોતી. યુદ્ધ શરૂ થવાના ૪૪ કલાક પહેલા ૪ ઓક્ટોબરે અશરફ મારવાને લંડન ખાતેના ‘મોસાદ’ના જાસૂસને ફોન કરીને કોડ લેંગવેજમાં વાત કરીને તાત્કાલિક મળવા કહ્યુ હતું. અશરફ મારવાને મોડી રાત્રે ‘મોસાદ’ના જાસૂસને રૂબરૂ મળીને કહ્યું હતું કે ઇજીપ્ત બીજા દિવસે સૂર્યાસ્તના સમયે પહેલો હુમલો કરશે.

આ માહિતી મળતા જ ઇઝરાયલે લશ્કરને એલર્ટ કરી તૈયાર રહેવા કહ્યું. જો કે મોડી સાંજને બદલે ચાર કલાક પહેલાં બપોરે ૨ વાગ્યે ઇઝરાયલ પર હુમલો થયો, જે એટલો ભયાનક હતો કે ઇઝરાયલ હલબલી ગયું. યુધ્ધના કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે અશરફની માહિતી ભલે સમય બાબતે ખોટી પડી, પરંતુ જો આટલી માહિતી પણ ઇઝરાયલને નહી મળી હોત તો ઇઝરાયલ ખૂબ જ ખરાબ રીતે યુદ્ધ હારી ગયું હોત.

યુદ્ધ દરમિયાન પણ અશરફ મારવાન ‘મોસાદ’ના જાસૂસને લંડનમાં મળતા રહ્યા હતા.

યુદ્ધ પુરુ થયા પછી પણ ઇજિપ્ત – ઇઝરાયલ વચ્ચેની વાટાઘાટો વિશે સદાતનો અભિપ્રાય જાણવા માટે ‘મોસાદ’ અશરફના સંર્પકમાં હતું. યુદ્ધ પૂરું થયા પછી અશરફ મારવાનનું ધંધાકીય સામ્રાજ્ય વિસ્તરતું જ ગયું. ૧૯૭૪માં એમને વિદેશ બાબતના મંત્રી બનાવવામાં આવ્યા. તે વખતે એમ મનાતું હતું કે કદાચ અશરફને ઇજિપ્તના વિદેશ પ્રધાન પણ બનાવાય. જો કે પ્રગતિની સાથે એમના દુશ્મનો પણ વધતા ગયા અને એમણે બનાવેલા અઢળક પૈસાને લઈને એ વિભિન્ન વિવાદમાં સપડાયા. છેવટે ૧૯૭૬માં સદાતે એમને પ્રમુખની ઓફિસમાંથી દૂર કરવા પડ્યા.

અશરફ મારવાન પછીથી લંડન સેટેલ થઈ ગયા. એ ભાગ્ય જ કોઈ જાહેર સ્થળે દેખાતા.. ઇઝરાયલના એક પત્રકારે લખેલા પુસ્તકમાં એવી નાનકડી વાતનો ઉલ્લેખ થયો, જેને કારણે દટાઇ ગયેલાં મડદા ફરીથી બહાર આવ્યા. શરૂઆતમાં તો ફક્ત ઇજિપ્તના એક જાસૂસનો ઉલ્લેખ થયો. ત્યાર પછી ઇજિપ્તના ભૂતપૂર્વ પ્રમુખના જમાઇ જ મોસાદ વતી જાસૂસી કરતા હતા, એ વાત બહાર આવી.
ઇઝરાયલ તેમ જ આરબ જગતમાં હોહા થઈ ગઈ. ઇજીપ્તે એવું સ્ટેન્ડ લીધુ કે અશરફ મારવાન ખરેખર ડબલ એજન્ટ હતા અને ‘મોસાદ’ને ખોટી માહિતી લીક કરવા માટે ઇજિપ્તના સત્તાધીશોએ જ એમને કહ્યું હતું.

બીજી તરફ ઇઝરાયલે પણ પોતાની આબરૂ બચાવવા મીડિયામાં એવા રિપોર્ટ લીક કરાવ્યા કે અશરફ મારવાન ઇઝરાયલના એક ‘મહાન’ જાસૂસ હતા. અશરફ મારવાનના રહસ્યમય મૃત્યુ પછી પણ ઇજિપ્તે એમને રાષ્ટ્રિય સન્માન આપ્યું હતું અને ઈજિપ્ત હજી પણ કહે છે કે અશરફ મારવાન ઇઝરાયલના જાસૂસ નહી, પરંતુ ડબલ એજન્ટ જ હતા. જે સમયે અશરફ એપાર્ટમેન્ટમાંથી નીચે ફંગોળાયા એ વખતે એમની બાલકનીમાં સૂટ પહેરેલી બે આરબ જેવી દેખાતી વ્યક્તિ જોવામાં આવી હોવાનો દાવો એક સાક્ષીએ કર્યો હતો. એમ મનાય છે કે અશરફ મારવાન કોઈક એવી માહિતી પ્રગટ કરવાના હતા કે જેને કારણે એમનું મો બંધ કરવું જરૂરી હતું. આજે પણ જોકે ઇઝરાયલ અને ઇજિપ્ત બંને એક વાતને વળગી રહ્યા છે કે અશરફ મારવાન ‘અમારા’ જ એજન્ટ હતા !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…