પોલેન્ડનાં ૧૦૦૦ બાળકોને હિટલરથી કોણે બચાવ્યા?
આનું શ્રેય આપણે ગુજરાતના મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાને આપવું પડે. અહીં જાણો, એની કડીબદ્ધ કથા…
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન હિટલર દ્વારા યહૂદીઓની અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની જે સામુહિક હત્યાઓ થઈ હતી એના માટે અંગ્રેજીમાં ‘હોલોકસ્ટ’શબ્દ વપરાય છે. કેટલાક આ નરસંહાર માટે ‘એથનિક કિલિંગ’ ‘ઉર્ફે’ વંશીય સફાઈ’ શબ્દ પણ વાપરે છે.
હિટલર જ્યારે યહૂદીઓને નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે ઓસ્કાર શિન્ડલર નામનાં જર્મન ઉદ્યોગપતિએ ખૂબ જ યુક્તિપૂર્વક ૧૨૦૦જેટલા યહૂદીઓના જીવ બચાવ્યા હતા. જર્મન લશ્કરી અધિકારીઓને લાંચ આપી એણે એવુ સમજાવ્યુ હતું કે, એની ફેક્ટરી ચાલુ રાખવા માટે એને નિષ્ણાત યહૂદીઓની જરૂર છે. જર્મન અધિકારીઓએ શિન્ડલરને આવા યહૂદીઓનું લિસ્ટ આપવા કહ્યું હતું , જેથી એમને મરવા માટે કેમ્પમાં મોકલવાને બદલે શિન્ડલરની ફેક્ટરીમાં રહેવા દેવામાં આવે. ઓસ્કાર શિન્ડલરે એની તમામ બચત,મિલકતો અને વગનો ઉપયોગ કરીને૧૨૦૦ યહૂદીઓના નામની યાદી જર્મન અધિકારીઓને આપી હતી, જેમાં પોતે બરબાદ થઈને પણ યહૂદીઓના જીવ બચાવ્યા હતા. આજે પણ ઇઝરાયલમાં ઓસ્કાર શિન્ડલરને ભાવપૂર્વક યાદ કરવામાં આવે છે. ઓસ્કાર શિન્ડલરની મહાનતા પરથી ખ્યાતનામ ફિલ્મ દિગ્દર્શક સ્ટિવન સ્પિલબર્ગે આજથી૨૫વર્ષ પહેલાં ‘શિન્ડલર્સ લિસ્ટ’નામની ઑલ ટાઇમ ગ્રેટ ફિલ્મ બનાવીને એમને અમર કરી દીધા છે. આપણા ગુજરાતના મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજાએ પણ બીજા વિશ્ર્વ યુદ્ધ દરમિયાન ઓસ્કાર શિન્ડલર જેવુંજ માનવતાનું કામ કર્યું હતું એની ખબર જો કે બહુ ઓછાને છે.
મહારાજાએ કઈ રીતે પોલેન્ડનાં ૧૦૦૦ જેટલાં બાળકોને હિટલરની સેનાથી બચાવ્યા હતા એ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર અનુરાધાએ ‘લિટલ પોલેન્ડ ઇન ઇન્ડિયા’બનાવી છે.
થોડા સમય પહેલાં ન્યુયોર્કમાં ભારતીયો અને યહૂદીઓથી ભરચક હોલમાં, આ ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી ત્યારે મહારાજાના ઐતિહાસિક માનવતાવાદી કામ વિશે વિશ્ર્વને જાણ થઈ. હિટલરનું લશ્કર જ્યારે સમગ્ર યુરોપમાં હાહાકાર ફેલાવી રહ્યુ હતુ ત્યારે હજારો પોલીશ (યહૂદી અને કેથલિક) બાળકો અનાથ થઈ ગયા હતા. એમના માટે ભવિષ્ય ખૂબ ધુંધળુ હતું. પ્રથમ પોલીશ વડા પ્રધાન વ્લેડાઇસ્લો સિકોરસ્કીએ પણ ભાગી જવુ પડ્યું હતું. અજ્ઞાતવાસમાંથી એમણે ઇંગ્લેન્ડના વડા પ્રધાન વિન્સ્ટન્ટ ચર્ચિલને પત્ર લખી અનાથ બાળકોને બચાવવા માટે આજીજી કરતો પત્ર લખ્યો. એ વખતે ભારતમાં સ્વતંત્રતાની ચળવળ ચાલી રહી હતી અને દેશ વિકટ દુષ્કાળનો સામનો પણ કરી રહ્યો હતો. ‘જામસાહેબ’ તરીકે ઓળખાતા નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાને પોલીશ બાળકોની સ્થિતિ બાબતે ખબર પડી. અને એમણે બાળકોને બચાવવાનું નક્કી કર્યું. સાઈબીરિયાથી ૧૯૪૨માં લગબગ ૧૦૦૦પોલીશ બાળકો સ્ટિમર મારફતે ભારત આવવા નીકળ્યા. સ્ટિમર મુંબઈ બંદરે લાંગરી ત્યારે નર્કથી પણ બદતર પરિસ્થિતિનો સામનો કરી રહેલા ૨થી૧૭ વર્ષથી ઉંમરના બાળકોને બંદરે ઉતરવાની પરવાનગી આપવાનો નન્નો ભરી દેવામાં આવ્યો. મહારાજાને આ વાતની ખબર પડી ત્યારે એમણે જામનગરથી૨૫કિલો મીટર દૂર આવેલા બાલાછડી ખાતે ખાસ કેમ્પનું આયોજન કરીને પોલીશ બાળકોને ત્યાં સ્થાયી કર્યાં.
૧૯૪૬સુધી જામસાહેબે બાળકોને સાચવ્યા અને પછી કોલ્હાપૂર ખાતેના કેમ્પમાં શિફટ કર્યા. રેડક્રોસ અને પોલીશ લશ્કરે પણ બાળકોની સંભાળ રાખવામાં મદદ કરી હતી, પરંતુ જામસાહેબે બાળકો માટે ખાસ સ્કૂલની વ્યવસ્થા પણ કરી હતી. એ કહેતા કે : તમારાં મા-બાપ નથી, પરંતુ હમણાં મને જ તમારા પિતા ગણજો.’ બાળકો પણ જામસાહેબને ‘બાપુ’ કહીને જ બોલાવતાં. પોલેન્ડ પણ જામસાહેબને ભુલ્યુ નહીં. વોરસો ખાતે એક ચોકનું નામ ‘ગુડ મહારાજા સ્કવેર’ આપવામાં આવ્યું. જામસાહેબના નામ પરથી પોલેન્ડમાં સ્કુલ પણ શરૂ કરવામાં આવી. પોલેન્ડનો સર્વોચ્ચ પુરસ્કાર ‘પ્રેસિડેન્ટ એવોર્ડ’ પણ મહારાજાને એનાયત કરવામાં આવ્યો. ઇઝરાયલનાં યહૂદીઓએ જ્યારે ‘લિટલ પોલેન્ડ ઈન ઇન્ડિયા’ જોઈ ત્યારે એમણે નક્કી કર્યું કે, ઓસ્કાર શિન્ડલરની જેમ જામસાહેબની યાદગીરી માટે ઇઝરાયલે પણ કંઈક કરવું જોઇએ.
બીજા વિશ્ર્વ યુદ્ધની સમાપ્તિ પછી રેડક્રોસની મદદ વડે તમામ પોલીશ બાળકોમાં સંબંધીઓને વિશ્ર્વભરમાંથી શોધીને એમને સ્થાયી કરવામાં આવ્યા. જે બાળકો પોલેન્ડમાં સ્થાયી થયા એમણે ‘પોલ્સ ઇન ઇન્ડિયા’નામનુ સંગઠન પણ બનાવ્યું હતું. આજે જીવનની સમી સાંજે પહોંચેલા એ વખતના યહૂદી અને કેથલીક બાળકો હજી પણ ભારતમાં વિતાવેલા સમયને યાદ કરે છે. આપણે ત્યાં એંશીના દાયકાના અંતમાં પાકિસ્તાની આતંકવાદીઓ અને કેટલાક સ્થાનિકોએ કાશ્મીરમાં પંડિતોને ટારગેટ કરવાનું શરૂ કર્યું હતું. એમનો ઉદ્દેશ પંડિતોને ડરાવી-મારી કાશ્મીરમાંથી હકાલપટ્ટી કરવાનો હતો.૯૦ના દાયકાની શરૂઆતમાં કાશ્મીરના આતંકવાદ વિશે લખવા માટે હું ડોડાનાં જંગલો સહિત ઘણા વિસ્તારોમાં ફર્યો હતો. મોટાભાગના કાશ્મીરી પંડિતો હિજરત કરી જમ્મુ ખાતે કડકડતી ઠંડી સહન કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. કોઈ એકલદોકલ પંડિત કુટુંબ કાશ્મીરમાં રહેતું હોય તો સતત ફફડતું રહેતું અને ડરના માર્યા વાત કરવા પણ તૈયાર થતું નહીં. આતંકવાદનો ભોગ બનેલા કેટલાંય અનાથ બાળકો જમ્મુના રસ્તાઓ પર ફાટેલા કપડે રખડતાં હતાં.
સફરજનના વેપારમાં કરોડો કમાયેલા અને પેઢીઓથી કાશ્મીરમાં રહેલા પંડિતોએ એમના મહેલ જેવા ઘર છોડીને કામ-ધંધા માટે જમ્મુ-દિલ્હીની ગલીઓમાં ભટકવું પડતું હતું. જાડી ચામડીના રાજકારણીઓ તો ઠીક, પરંતુ પોતાની જાતને માનવ અધિકારના ચેમ્પિયન ગણનારા એન.જી.ઓ.ને પણ પંડિત શરણાર્થીઓ માટે કોઈ દયાભાવ નહોતો. એકાદ-બે પત્રકારો સિવાય પંડિતોના કેમ્પમાં એમની દશા જોવા માટે કોઈ આવ્યુ નહોતું. પોતાના જ દેશમાં શરણાર્થી બનેલાં કાશ્મીરી પંડિતોની વેદનાને વર્ષો પછી રાહુલ પંડિતા નામના લેખકે ‘અવર મુન હેઝ બ્લડ ક્લોટ્સ’ પુસ્તકમાં વાચા આપી છે. કાશ્મીરી પંડિતોના કમનસીબે આજના સ્વતંત્ર ભારતમાં પણ એમની વહારે થવા માટે મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજા જેવી વ્યક્તિ નથી એ પણ વિધિની એક કેવી વક્રતા છે ?