દિવાળી પર મળો બેકિંગ ક્વીનને
જેણે બનાવ્યો છે અનોખો બેક્ડ ગુલાબ જામુન ચીઝ કેક…
૧૭ વર્ષની ઉંમરે તમે કે હું શું કરતા હતા? આ સવાલનો જવાબ કદાચ એવો હશે કે મિત્રો સાથે કોલેજ જઈને લાઈફને એન્જોય કરતા હતા, કે કોઈ વળી મહેનતુ અને ભણેશ્રી હશે તો તે આ ઉંમરે ભણવાની સાથે સાથે પરિવારને ટેકો આપવા, દુનિયાદારીના પાઠ ભણવા માટે નાની મોટી પાર્ટ ટાઈમ નોકરી કરતા હતા…
પણ આજે આપણે અહીં વાત કરવાના છીએ એક એવી બેકિંગ ક્વીન વિશે કે જેણે ટીનેજમાં પોતાના પરિવાર માટે રસોડામાં મલબરી પાઈ બેક કરી હતી અને ૧૭ વર્ષની ઉંમરે તો તે બટર કૂકીઝ, અલ્મન્ડ રોક, નોગટ બાસ્કેટ જેવી બેક્ડ વાનગીઓ બનાવતી થઈ ગઈ હતી, એટલું જ નહીં તે પોતાની આ વાનગીઓ અકબર અલી અને રશ્મી ઉદય સિંહની દુકાનમાં સપ્લાય કરતી હતી.
જી હા, ચાલો સમય વેડફ્યા વિના મળીએ કૂકી કેક ક્રમ્બલના ફાઉન્ડર શ્ર્વેતા મુત્રેજા-અગ્રવાલને. શ્ર્વેતા એક બેકિંગ ક્વીન તો છે જ પણ તે વ્યવસાયે પેસ્ટ્રી શેફ છે. પોતાના પેશનને જ પ્રોફેશન કઈ રીતે બન્યું એ વિશે વાત કરતાં શ્ર્વેતાએ જણાવ્યું હતું કે બેકિંગ પ્રત્યેના મારા પ્રેમ વિશે વાત કરું તો તેના મૂળિયા મારા બાળપણ સાથે જોડાયેલા છે. હું મારા આન્ટીને બેક કરતાં જોતી હતી. મારા પપ્પાની પાકકળાની નિપુણતા અને આન્ટીની બેકિંગ સ્કીલને કારણે જ હું આ કરી શકી છું. મારા પપ્પાને કૂક કરવાનો ખૂબ શોખ હતો, પરંતુ તેમના હેલ્થ ઈશ્યુઝને કારણે તેમણે પોતાના શોખને છોડવો પડ્યો.
અહીંયા તમારી જાણ માટે કે શ્ર્વેતા કુકિંગ પહેલાં પીઆર પ્રોફેશનમાં હતી, પરંતુ પિતાની મોંમાં પાણી લાવતી વાનગીઓ બનાવીને પેટથી લોકોનાં દિલો પર રાજ કરવાનું સપનું પૂરું કરવા તેણે પોતાની નોકરી છોડી દીધી. શ્ર્વેતાનું એવું માનવું છે કે કોઈ પણ ડિશ બનાવવા માટે સૌથી મહત્ત્વનું કોઈ ઈન્ગ્રિડિયન્ટ હોય તો તે છે પ્રેમ… અને આ વસ્તુ તેને તેના પિતાએ શિખવાડી હતી.
શ્ર્વેતાએ સોફિયા કોલેજ ઓફ પોલિટેક્નિક કોલેજમાંથી બેકિંગમાં ડિપ્લોમા કર્યું છે અને એગલેસ બેકિંગનો કોર્સ કરવા માટે તેણે સ્કૂલ ઓફ યુરોપિયનમાં એડમિશન લીધું. એટલું જ નહીં શ્ર્વેતાએ ફૂકેતના ધ કૂકિંગ ક્લાસ પણ કર્યા છે. પોતાની વાતનો દોર આગળ વધારતા જણાવે છે કે મારા પપ્પાનું એવું માનવું છે કે હંમેશા કોઈ પણ ડિશ બનાવતી વખતે તાજા ઈન્ગ્રિડિયેન્ટ્સ વાપરવા જોઈએ અને એમનું સપનું હતું કે તેમણે બનાવેલી ડિશનો લોકો આનંદ ઉઠાવે. મને આશા છે કે એક દિવસ હું એમનું આ સપનું ચોક્કસ પૂરું કરી શકું.
અંધકારને દૂર કરીને પ્રકાશ લઈને આવતા પર્વ દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દિવાળી પર શ્ર્વેતાએ કેટલીક સ્પેશિયલ વાનગીઓ તૈયાર કરી છે. જેમાં બુંદી કેસર પિસ્તા કલાકંદ, બેક્ડ ગુલાબ જામુન ચીઝ કેક, મોતીચૂર કેક, રોઝ-પિસ્તા કેક, વોલનટ બકલાવા કેક્સ, સ્પિનીચ એન્ડ ચીઝ સમોસા, રોસ્ટેડ અલ્મન્ડ્સ એન્ડ પિંક પેપરકોર્ન ચીઝનો સમાવેશ થાય છે.
શ્ર્વેતાની સ્પેશિયાલિટી વિશે વાત કરીએ તો કોઈ પણ વાનગી બનાવતી વખતે રાખવામાં આવેલી શુદ્ધતા અને સૂક્ષ્મતા જ શ્ર્વેતાની વાનગીનો ટેસ્ટ એન્હાન્સ કરે છે અને આજે પાકકળામાં તેણે જે મુકામ હાંસિલ કર્યો છે ત્યાં એ પહોંચી શકી છે. થાઈ ડિશેઝ વિથ ક્રીમ ચીઝ એ શ્ર્વેતાની સ્પેશિયાલિટી છે. સતત કંઈક નવું જાણવાની તેની ઉત્કંઠાએ જ શ્ર્વેતાને જીવનમાં સફળતા અપાવી છે. શ્ર્વેતાએ કેટો, વિગન અને સુગર ફ્રી, ગ્લુટન ફ્રી અને જૈન બેકિંગ આઈટમ્સ પણ બનાવે છે.
શ્ર્વેતાએ બોલીવૂડનું પાવર કપલ ગણાતાં અભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય-બચ્ચન સહિત ઈશા દેઓલ, વિદ્યા બાલન, કોંકણા સેન-શર્મા જેવા સેલેબ્સ માટે ગિફ્ટ હેમ્પર બનાવ્યા છે. શ્ર્વેતા હેલ્થ અને હાઈજિનને જાળવી રાખવામાં વિશ્ર્વાસ રાખે છે.
પોતાના ફ્યુચર પ્લાન વિશે જણાવતાં શ્ર્વેતા કહે છે કે તેને એક નાનકડું કેફે શરૂ કરવું છે અને જ્યાં લોકો આવીને આરામથી સિંધી સ્પેશિયલ ડિશેઝનો આનંદ ઉઠાવી શકે.