ઉત્સવ

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા બેમાંથી કયું માળખું પસંદ કરવું?

રિટર્ન ફાઈલ કરવા સરકારે રાખેલી બે વ્યવસ્થામાં કયા કરદાતાએ કઈ વ્યવસ્થા પસંદ કરવી તેનું મહત્ત્વ સમજી લેવું જરૂરી છે.

ઈકો સ્પેશિયલ – જયેશ ચિતલિયા

આઈટી રિટર્ન ફાઈલિંગની માટે છેલ્લા બે વરસથી બે કરમાળખાં કે કર વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેમની વાર્ષિક આવક ઓછી છે અને એમને કરમુકિત કે કર રાહતના લાભ લેવાની જરૂર નથી તો એ વર્ગ નવું માળખું પસંદ કરી શકે છે, જયારે કે જેમની આવક વધુ છે એ કરમુકિત કે રાહતના લાભ મેળવવા જૂનું માળખું પસંદ કરી શકે છે.

જો કે આમ કરવા વિશે તમારે પહેલેથી ખુલાસો કરી દેવો પડે છે અન્યથા સરકારની વ્યવસ્થા એવી છે કે તમને આપોઆપ નવું માળખું લાગુ થઈ જાય. સરકાર વિવિધ કરારાહતો અને કરમુકિતની જોગવાઈઓમાંથી લોકોને બહાર કાઢવા માગે છે, પરંતુ આ બંનેના દરેક માટે અલગ-અલગ લાભ-ગેરલાભ છે. જેથી વ્યકિતએ પોતાના ટેકસ ક્ધસલટન્ટની સલાહ લઈ આગળ વધવું બહેતર રહે છે. આમ છતાં કેટલીક પાયાની વાત સમજાવવાનો અહીં પ્રયાસ કર્યો છે.

વ્યકિતગત આવકવેરા રિટર્ન ફાઈલ કરનાર વર્ગે આ વિષયને સમજી લેવો જોઈએ. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને (ણે) ૨૦૨૩માં બજેટ રજૂ કર્યું ત્યારે એમાં નવી કર વ્યવસ્થા (ટેક્સ રેજિમ)માં ઘણા બધા ફેરફારોની જાહેરાત કરી હતી. એમાંની એક જાહેરાતમાં નવા, ઓછી કર-મુક્તિઓવાળા વર્ગ માટે વધારે આકર્ષક એવા ટેક્સ રેજિમની જાહેરાત કરી હતી (ખાસ કરીને ઓછી આવકવાળા લોકો માટે રીબેટની મર્યાદામાં રૂ. ૭ લાખ સુધીનો વધારો કરાયો હતો). તે ઉપરાંત એમણે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ (અતિ સંપત્તિવાન લોકો)ને સરચાર્જ ઘટાડીને મોટો ફાયદો કરાવ્યો હતો. આ ફેરફાર બાદ સેલેરીડ કલાસ (પગારદાર વ્યક્તિઓ)ને દર વર્ષે જૂના અને નવા ટેક્સ રેજિમને પસંદ કરવાની છૂટ હોય છે. ધારો કે તમે તમારા નોકરીદાતા-માલિક સમક્ષ નવા ટેક્સ રેજિમ અંતર્ગત તમારા ઈન્વેસ્ટમેન્ટની વિગતો ઘોષિત કરી હોય તે છતાં જો તમને એમ લાગે કે તમે વિવિધ કપાતોનો લાભ મેળવીને ચૂકવવાપાત્ર ટેક્સ ઘટાડી શકવા માટે પાત્ર છો તો તમે આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે જૂનું ટેક્સ રેજિમ પસંદ કરી શકો છો.

અહીં એક એવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેમાં તમે તમારી ટેક્સ રિટર્ન ફાઈલિંગ પ્રક્રિયા પૂરી કરી લીધા પછી પણ તમને યોગ્ય હોય એવી ટેક્સ વ્યવસ્થાને પસંદ કરી શકો છો.

કોણે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરવી?

ઓછો ટેક્સ ભરવાનો લાભ અપાવે એવા ટેક્સ રેજિમને ઓળખવું કઈ રીતે? તો એનો જવાબ છે. એનો આધાર તમારા આવકના સ્તર અને તમે ક્લેમ કરવા માગતા હો તે કરકપાત અથવા મુક્તિની રકમ પર રહેલો છે. જો કોઈ પગારદાર વ્યક્તિ ઓછી કપાતનો ક્લેમ કરે અને એની વાર્ષિક આવક રૂ. ૭ લાખથી ઓછી હોય તો એને માટે નવું ટેક્સ રેજિમ પસંદ કરવું વધારે સારું રહેશે. ટેક્સ સલાહકારોના મતે આવકવેરાના મોટા ભાગના સ્લેબ્સ માટે, હોમ લોન વ્યાજ ચૂકવણી, વગેરે પરની ૮૦ સી, ૮૦ ડી, ૨૪ બી કલમો હેઠળ અનેક પ્રકારની કપાતો માટે ક્લેમ કરાયો હોય તો એમને માટે નવું રેજિમ ઓછું ફાયદાકારક રહેશે. આનું કારણ એ છે કે, ટેક્સ બ્રેકેટસ જૂના રેજિમ હેઠળ કરપાત્ર આવક અને ચૂકવવા પાત્ર કરની રકમ ઘટાડે છે.

દાખલા તરીકે, ધારો કે તમે પગારદાર વ્યક્તિ છો અને તમારી વાર્ષિક આવક રૂ. ૧૧ લાખ છે અને તમારી કરકપાતોની કુલ રકમ રૂ. ૩.૨૫ લાખ કરતાં ઓછી છે તો તમારે માટે નવી કર વ્યવસ્થા ફાયદાકારક રહેશે, કારણ કે એમાં ઓછો ટેક્સ ભરવાનો થશે. જો તમારી કુલ કપાતો આ રકમ કરતાં વધારે હોય તમારે માટે જૂની કર વ્યવસ્થા વધારે ફાયદાકારક રહેશે.

સાદી રીતે સમજીએ

અહીં બ્રેક-ઈવન પોઈન્ટ એટલે કે ૩૯;ઈક્વલાઈઝર૩૯; તરીકે ગણીએ. ટેક્સ સ્લેબ અનુસાર તે બદલાશે. દાખલા તરીકે, રૂ. ૧૫ લાખથી લઈને રૂ. ૫.૫ કરોડની વચ્ચેની આવક માટે બ્રેક-ઈવન પોઈન્ટ રૂ. ૪.૨૫ લાખ રહેશે. આ એ પોઈન્ટ છે જ્યાં બંને રેજિમ અંતર્ગત ચૂકવવાપાત્ર ટેક્સ સમાન હોય છે.

ધારો કે તમે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ), હાઉસિંગ લોન મુખ્ય રકમની ચૂકવણી અથવા અન્ય કર બચાવતા ઈન્વેસ્ટમેન્ટ્સ દ્વારા ૮૦-સી કલમ હેઠળ રૂ. દોઢ લાખની કરમુક્તિની મર્યાદાનો ઉપયોગ કરી લો છો તો તમારા ડીડક્શન્સ રૂ. ૪.૨૫ લાખના આંકને આસાનીથી પાર કરી શકે છે. વધુમાં, તમે ૮૦-ડી કલમ (જેમાં બિન-વરિષ્ઠ નાગરિકો માટે મહત્તમ મર્યાદા રૂ. ૨૫,૦૦૦ છે) અને ૨૪-બી કલમ (રૂ. ૨ લાખ) હેઠળ હાઉસિંગ લોનનું વ્યાજ ચૂકવ્યું હોય તો તમે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ઉપર ડીડક્શન ક્લેમ કરી શકો છો. તે ઉપરાંત, રૂ. ૫૦,૦૦૦નું ફ્લેટ સ્ટાન્ડર્ડ ડીડક્શન પણ છે.

ઊંચી આવકવાળાઓ માટે નવી વ્યવસ્થા વધુ લાભદાયક

જે લોકો સૌથી ઊંચા ટેક્સ સ્લેબમાં અને સરચાર્જ હેઠળ આવે છે એમને નવા ટેક્સ રેજિમથી ફાયદો છે, કારણ કે એમાં એમની બચત વધશે, પણ શરત એ કે તમે ઘણા ઊંચા હાઉસ રેન્ટ અલાવન્સ (એચઆરએ)નો લાભ લીધો હોવો ન જોઈએ. એવી પરિસ્થિતિમાં તમને જૂના રેજિમમાં ફાયદો થાય. દાખલા તરીકે, જો કોઈ પગારદાર વ્યક્તિ, જેની વાર્ષિક આવક રૂ. ૬ કરોડ હોય અને તે કોઈ મહાનગરમાં કોઈ વૈભવશાળી ફ્લેટમાં રહેતો હોય અને તે રૂ. પાંચ લાખનું માસિક ભાડું ચૂકવતો હોય તો એના હાઉસ રેન્ટ અલાવન્સને લીધે એને જૂના ટેક્સ રેજિમ હેઠળ મોટી રકમની કરબચત થાય. આ પછી પણ મૂંઝવણ હોય કે ન હોય તમારા કર સલાહકાર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે વાત કરીને પણ સમજી લેવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?