ઉત્સવ

ગ્લોબલ ક્રાઈસિસની કરુણતા, કારણો અને પરિણામો વચ્ચે ભારત કયાં?

વિકસિત દેશો કરજ અને મોંઘવારીના સૌથી વધુ ભાર હેઠળ

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

ગ્લોબલ ક્રાઈસિસ કોમન શબ્દો બનતા જાય છે, જગતના ઘણાં દેશો હાલ આનો ભોગ બની રહયા છે, ખાસ કરીને વિકસિત દેશો પર વધુ અસર છે, જયારે કે વિકસતા-ઉભરતા દેશો તુલનાત્મક ઓછી અસર હેઠળ છે. અલબત્ત, ભારત આ બધાં વિપરિત સંજોગો વચ્ચે અસરગ્રસ્ત ખરું, તેમ છતાં બહેતર સ્થિતિમાં હોવાનું મોટું આશ્ર્વાસન લઈ શકાય.

લડે કોઈ અને ભોગવે કોઈ, ભૂલ કોઈ કરે અને સજા કોને મળે? આવો ઘાટ હાલ ફરી જોવા મળ્યો છે. આતંકવાદીઓ સમાજના, માનવતાના, ધર્મના અને પૃથ્વીના પણ દુશ્મનો છે. તેમના દરેક કૃત્યની અસર દુનિયાભરમાં પડે છે અને સતત સમય સાથે વધતી રહે છે. તમને થશે કે અમે આજે અહીં આર્થિક વાતોને બદલે આતંકવાદી વાતો લઈને કેમ બેસી ગયા? પરંતુ હકીકત એ છે કે આતંકવાદની અસર વહેલી-મોડી અને વધુ-ઓછે અંશે અર્થતંત્ર પર થાય જ છે. હવેના સમયમાં તો માત્ર એકાદ દેશના નહી, બલકે વિશ્ર્વના વિવિધ દેશો પર યા કહો કે ગ્લોબલ અસર થાય છે. હા, હવે તમે સમજી ગયા હશો કે અમે હાલ કોની વાત કરી રહયા છીએ. ઈઝરાયલ પર આતંકવાદી ગ્રુપ હમાસના હુમલાની અને તેને પગલે ફાટી નીકળેલા યુદ્ધની. આ પહેલાં રશિયા અને યુક્રેન યુદ્ધ ચાલતું હતું, હજી એ પણ અધ્ધર છે ત્યાં આ નવા યુદ્ધે મધ્યપુર્વના દેશોમાં તનાવ ઊભો કર્યો છે અને તેની વિશ્ર્વ પર પણ ગંભીર અસર ઊભી કરી છે. જોકે હાલ તો વિશ્ર્વ અન્ય સમસ્યાઓથી પણ ત્રસ્ત અને અસરગ્રસ્ત છે.

કહેવાય છે કે શાંતિ માટે યુદ્ધ જરૂરી હોય છે, કિંતુ યુદ્ધ બાદ શાંતિ મળે છે ખરી? કેટલી અને કેટલા સમય માટે? આનો અર્થ એ નથી કે યુધ્ધ થવા જ ન જોઈએ અને યુધ્ધ વિના જગતને ચાલી જશે? અલબત્ત, આપણે અહી યુદ્ધના રાજકારણની ચર્ચા કરવી નથી, કિંતુ યુદ્ધના અર્થકારણની ચર્ચા કરવી છે. જેને પરિણામે હાલ વિવિધ દેશો અથવા વિશ્ર્વ નાણાંકીય ક્રાઈસિસમાં મુકાઈ રહયું છે. દરેક દેશમાં આ ક્રાઈસિસનું પ્રમાણ વધુ કે ઓછું હોઈ શકે, પણ કોઈ દેશ તેનાથી સાવ મુકત નથી. ગ્લોબલ ક્રાઈસિસ હવે કોમન શબ્દ બનતો જાય છે.

ગ્લોબલ ક્રાઈસિસના કારણો
આ રહયા ગ્લોબલ ક્રાઈસિસના કારણો-પરિબળો. જેમાં ક્રુડની અસર, આયાત-નિકાસની, કરજની, સપ્લાયની અસર, ઊંચા વ્યાજ દરની સાથે મોંઘવારીની અસર, વેપારની અસર, વગેરેનો સમાવેશ થાય છે. વર્લ્ડ બેંકના અભ્યાસ મુજબ વિવિધ સરકારો પર દેવુ (ડેટ-કરજ) વધતું જાય છે. કલાઈમેટ ચેન્જની અસર વધતી જાય છે, પોલિટિકલ અસ્થિરતાની અસર ફાઈનાન્સિયલ સેકટર પર થાય, થાય ને થાય જ. નવાઈની વાત એ છે કે આ વખતની ક્રાઈસિસમાં વિકસિત દેશો વધુ છે, એટલે કે વિકસતા -ઈમરજિંગ દેશો કરતા યુએસ, યુરોપ જેવા વિકસિત રાષ્ટ્રોના કરજ વધુ ઊંચા અને ગંભીર છે. આને કારણે છેલ્લા છ મહિનામાં ગ્લોબલ કરજ (ડેટ) ૮ લાખ કરોડ ડોલર વૃધ્ધિ પામ્યું છે. આમ ૧૦ લાખ કરોડ ડોલરનું કરજ ગ્લોબલ લેવલે વધ્યું છે. આમાં પણ સૌથી વધુ ડેટ (જેના ડિફોલ્ટનો ભય યા ચિંતા છે) યુએસએ, ઈટાલી અને બ્રિટનના છે. આ દેશોને પેન્શનની જવાબદારી પણ ભારે પડી રહી છે.

પ્રજાએ શું વિચારવું જોઈશે?
આ ક્રાઈસિસની નોંધનીય કે ઉલ્લેખનીય બાબત એ છે કે વિકસતા દેશોમાં ક્રાઈસિસ ઓછી છે, અલબત્ત, આ દેશોએ તેમની નાણાંકીય શિસ્ત જાળવવાની રહેશે. ખર્ચ પર નિયમનની સાથે વિકાસ પર ધ્યાન આપવાનું રહેશે. આમાં આપણા ભારતની વાત કરીએ તો ઈમરજિંગ રાષ્ટ્રોમાં ભારત વધુ બહેતર સંજોગોમાં છે, જેના સમર્થન ભારતીય અર્થતંત્રની ગતિવિધીમાંથી મળે છે.

વિકાસદરમાંથી સ્પષ્ટ થાય છે. હાલ વિશ્ર્વના વિવિધ દેશોની નજર ભારત પર રહે છે. એ દેશોને ભારતમાં રોકાણ કરવામાં-ઉત્પાદન એકમો સ્થાપવામાં વધુ રસ છે. ભારતની વિશાળ વસ્તી, ખર્ચ કરવાની શકિત, રોકાણની ક્ષમતા, વપરાશની માત્રા, ડિમાંડ, ઈન્ફ્રાસ્ટકચર વિકાસ, સરકારની નીતિઓમાં સાતત્ય, સતત રિફોર્મ્સના પગલાં, ટેકસ કલેકશન, મોંઘવારી પરનો એકંદર અંકુશ અને વ્યાજદરોની એકંદર સ્થિતી વિશ્વનું ધ્યાન ખેંચે છે. હા, ભારત સામે ૨૦૨૪ ની ચુંટણી મોટો પડકાર બને એવી શકયતા છે. આ પરિબળની સાવ જ ઉપક્ષા કરવા જેવી નહી. આ માટે ભારતની પ્રજાએ જાગ્રત અને સાવચેત રહેવું જોઈશે. દેશનું ખરું હિત શેમાં છે, કોણ દેશને વિકાસની રાહ પર વધુ આગળ અને ઊંચે લઈ જઈ શકે છે એ સમજવું પડશે. કોના હાથમાં ભારતની ધુરા આપવામાં સાર છે એ તો છેલ્લા એક દાયકાના સંજોગો પુરાવા સાથે બોલે છે, આંખે ઊડીને વળગે છે.

ભારત સામેના સંજોગો
છેલ્લાં એક દાયકામાં ભારતે કોવિડનો પડકાર સહન કર્યો, તેમાં પોતાને જ નહીં, બલકે વિશ્ર્વના અન્ય દેશોને પણ સહાય કરી. આ સમયમાં પણ વિકાસની ગતિને જાળવી. રશિયા-યુક્રેન યુધ્ધમાં પણ ભારતની ભુમિકા મહત્વની રહી. જી-૨૦ ની બેઠકમાં પણ ભારતે તેની ક્ષમતા અને નેતૃત્વની શકિત દર્શાવી. છેલ્લા દસ વરસમાં ભારત વિશ્વની પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની શકયું. હવે તેની ગતિ ત્રીજા સ્થાને પહોંચવા તરફ છે. ભારતીય ઈકોનોમી સતત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી બની રહી છે. ઈન શોર્ટ, ભારત હાલ તો ક્રાઈસિસ શબ્દથી દુર છે. પડકારો ચોકકસ છે, જિઓપોલિટિકલ અનિશ્ર્ચિંતતાની સ્થિતીની અસર અવશ્ય થઈ શકે છે. મધ્યપૂર્વના વર્તમાન તનાવભર્યા અને તંગ સંજોગો વચ્ચે ભારત સાવ ચિંતામુકત નથી. વર્તમાન સંજોગો વચ્ચે ભારતે સતત સક્રિય અને સજાગ-જાગ્રત રહેવું જ જોઈશે.

વર્લ્ડ બેંકની ગ્લોબલ ચિંતા
તાજેતરમાં જી-૨૦ ની બેઠકોની શ્રેણીમાં વર્લ્ડ બેંકના ચીફ ઈકોનોમિસ્ટે કહ્યું છે કે ભારત રોકાણ માટે આદર્શ સ્થળ છે, પણ ગ્લોબલ ઈકોનોમીની અસરથી ભારત પણ મુકત રહી શકે એમ નથી. ગ્લોબલ સ્તરે વ્યાજદરો હજી લાંબો સમય ઊંચા રહી શકે, કિંતુ કેટલાં અને કયાં સુધી ઊંચા રહેશે એ વિશે હજી ચિત્ર સ્પષ્ટ થઈ શકતું નહી હોવાથી અનિશ્ર્ચિંતતા ઊભી રહે છે.

વિશ્ર્વનું અર્થતંત્ર મંદ ગતિમાં રહેશે, આમ પણ છેલ્લા ત્રણેક વરસથી તેની સ્થિતી સ્લો રહી છે. જેમાં હાલના સંજોગોએ વધુ અનિશ્રિંતતા ઊભી કરી છે. મોટાભાગના દેશોમાં પબ્લિક ડેટ (દેવૂ) ઊંચું ગયું છે અને ખાનગી રોકાણ નીચું રહયું છે. જેમાં હાલ જે ઈઝરાયલ-હમાસના યુધ્ધના કારણો ભળ્યા છે તેની અસર ક્રુડ અને ઈકોનોમી પર પડવાની શકયતા ઊંચી ગણાય, પરિણામે જોખમ વધ્યા કહી શકાય. આમ હાલ ગ્લોબલ ઈકોનોમીની નબળાઈ બધાં અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે અને રહેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત