નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે?
મિજાજ મસ્તી -સંજય છેલ
નજર નજર પર નજર રાખે એ દુનિયા. (છેલવાણી)
તમે દુનિયાને કઇ રીતે જુઓ છો એટલું જ મહત્ત્વનું એ છે કે દુનિયા તમને કઇ રીતે જુએ છે. ખેલ, નજર અને નજરિયાનો છે. એક માણસ માનસિક ઇલાજ માટે સાઈકિયાટ્રિસ્ટ પાસે ગયો. ડોક્ટરે કહ્યું, ‘પહેલા મારે જાણવું છે કે તમારાં મનમાં શું ચાલે છે? માટે હું થોડાં ચિત્રો બતાવીને એક ટેસ્ટ કરીશ.’
એ પછી ડોક્ટરે કાગળ પર ચોરસ આકાર દેખાડીને પૂછ્યું, ‘આ ચિત્ર જોઈને મનમાં પહેલો વિચાર શું આવે છે?’ દર્દીએ ગંદું હસીને કહ્યું, ‘આ એક બંધ બારી છે ને તમે કલ્પના પણ નહીં કરી શકો કે અંદર શું-શું ચાલી રહ્યું છે!’ પછી ડોક્ટરે, વર્તુળનું ચિત્ર દેખાડીને પૂછ્યું, ‘આમાં શું લાગે છે?’ દર્દીએ ઉશ્કેરાઈને કહ્યું, ‘આ તો નાનું બાકોરું છે…ને હાય હાય, ત્યાં પણ શુંનું શું ચાલી રહ્યું છે!’ ડોક્ટરે ત્રિકોણનું ચિત્ર દેખાડીને પૂછ્યું, ‘અને આમાં?’ પેલાએ શરમાઇને કહ્યું, ‘આ દરવાજાનું કી-હોલ છે…ને બાપ રે, અંદર રૂમમાં કેવું-કેવું ચાલી રહ્યું છે!’ ડોક્ટરે બોલ્યા, ‘ઓકે, મતલબ કે તમને સેક્સનું સખત વળગણ છે.’ -તો દર્દીએ ભડકીને કહ્યું, ‘શું? મને સેક્સનું વળગણ છે? અરે, તમે જ ક્યારનાં આવાં ગંદાં ગંદાં ચિત્રો બતાવી રહ્યા છો. મારામાં નહીં તમારામાં સેક્સની ઘેલછા સતત ચાલે છે! ’
અહીં વાત ‘પોઇંટ ઓફ વ્યુ’ની છે. સંસ્કૃતમાં સુભાષિત છે કે ‘શૌંડિકી’ અર્થાત્ દારૂ વેંચનારી સ્ત્રીનાં હાથમાં દૂધનો શીશો હોય તો યે લોકો તો એને દારૂ જ સમજે! શું સારું? કે શું ખરાબ? એ જોનારની નજર પર નિર્ભર કરે છે. સદીઓથી પ્રશ્ર્ન છે કે-સારા-ખરાબની પરખ કરશે કોણ? જે આજે ‘શૃંગારિક’ લાગે છે એ એક સમયે ‘બીભત્સ’ લાગતું ને આજે જે બહુ ‘વિચિત્ર’ લાગે છે એ આવનારા સમયમાં ‘ન્યૂ-નોર્મલ’ થઇને સ્વીકારાઇ જશે.
મોડર્ન આર્ટના મહાન ચિત્રકાર પાબ્લો પિકાસો, જેમનાં એબસ્ટ્રેક્ટ કે અમૂર્ત ચિત્રો ૫૦ વરસ અગાઉ પણ કરોડોમાં વેંચાતા ને આજે તો અણમોલ ગણાય છે, પણ સામાન્ય લોકોને ત્યારે ને અત્યારે, હંમેશાં એ ચિત્રો માત્ર રંગોના લપેડાં કે આડીઅવળી આકૃતિઓ જ લાગે.
એકવાર પિકાસોને કોઇએ કહ્યું : ‘સર, તમે ભલે મહાન ચિત્રકાર ગણાતા હો, પણ સોરી, મને તો તમારાં ચિત્રો બિલકુલ સમજાતા નથી…’ ત્યારે પિકાસોએ શાંતિથી પૂછ્યું: ‘તમને ચાઇનીઝ ભાષા સમજાય છે? નહીં ને? પણ ચાઇનામાં કરોડો લોકોને સમજાય છે!’
ઇન શોર્ટ, માણસ હોય કે આર્ટ, સમજ કે ના સમજવાની વાત નજર પર નિર્ભર છે. કોઇ એક માટે જે પથ્થર છે એ બીજા માટે દેવતા છે.
ઇંટરવલ:
રોજ ઉઠા કે યે નયનવા,
છુઆ કરુંગી તોરા મનવા! (મજરૂહ)
આખી પ્રેમગેમ પણ નજરનો જ ખેલ છે. ઝેલમ નદીને કિનારે ૭૦ વર્ષનો નબી, કપડાંને રફુ કરવાનું કામ કરતો. એની બૂઢ્ઢી પણ ખૂબસૂરત બીવી ખોતન, રોજ નબીનાં શરીરને માલિશ કરતી, વારેવારે ચિલમ ભરી આપતી ને એને ખૂબ ચાહીને સાચવતી. ખોતનને ૧૦ દીકરાઓ જન્મેલા પણ એમાંથી એકે ય જીવ્યા નહીં અને બેઉ દીકરીઓ હવે સાસરે હતી.
એક દિવસ નબીએ રફૂ કરતા કરતા ખોતનને કાતર શોધવા કહ્યું. ઘૂંટણના દર્દથી પીડાતી ખોતને આમતેમ ફંફોસીને જોયું પણ કાતર જડતી જ નહોતી. આજે નબીને ઝટ કામ પૂરું કરીને આરામ કરવો હતો. એણે ખોતનને કહ્યું, ‘જલ્દી શોધને? કેટલી વાર?’
‘શોધું છું. સબર કરો.’ એમ બોલતા બોલતા ખોતનનાં હાથમાં એક પોટલી જડી આવી. એમાં એનાં મરેલાં બાળકોનાં ઝભલાં હતાં. ખોતને, એક એક કરીને બધાં બાળકોને યાદ કર્યાં. એવામાં ખોતનની નજર, પોટલીમાંનાં લાલ ડ્રેસ પર પડી, જેને ખોતને લગ્નના દિવસે પહેર્યો હતો. આ જોઇને નબીએ રોમેંટિકલી કહ્યું, ‘ચલ બીબીજાન, આજે આ ડ્રેસ પહેર!’ ખોતન શરમાઈને બોલી, ‘જાવ જાવ, આ તે કંઈ મારી ઉંમર છે, આવું પહેરવાની?’
‘અરે! મિયાં-બીબી વચ્ચે વળી લાજ કેવી?’ નબીએ બાળકની જેમ જીદ પકડી. પછી થોડીવારે, ખોતન થોડી શરમાતાં, થોડી ગભરાતાં ડ્રેસ પહેરી સીડી પરથી નીચે ઊતરવા લાગી અને સીડીમાં પગ અટવાતા એ ધડામ કરીને નીચે પડવા લાગી. નબીએ તરત દોડીને ખોતનને બચાવી. હવે નબીની બાહોંમાં પડેલી ખોતન, મારકણાં સ્મિત અને મસ્ત અદાએ નબી તરફ જોતી રહી. નબી, ખોતનનું બાવડું પકડીને એને ઊભી કરવા માંડ્યો. પણ કોઇ નવાં પરણેલાં મિયાં-બીવીની જેમ બેઉ વચ્ચે મીઠી ખેંચતાણ શરૂ થઇ.
બેઉ શ્ર્વાસોનાં પૂરમાં તણાઇને ખોવાઇ ગયાં. પળભર માટે બેઉની ઉમ્મર જાણે ઓગળી ગઇ ને એકમેકના આગોશમાં સમાઇ ગયાં. એટલામાં દરવાજો ખખડ્યો. કોઈએ ગળું ખોંખાર્યું. જાણે કંઈ જ બન્યું ન હોય એમ નબી, ખોતનને છોડીને ફટાફટ અળગો થઇ ગયો. ખોતનને તો થયું કે પોતે ધરતીમાં સમાઇ જાય. ખંધા જમાઈએ આ બધું જોઇ લીધેલું.
નબીએ કહ્યું, ‘આવો આવો દામાદજી.’ પણ જમાઈ તો કાંઈ બોલ્યા વિનાં જ મોં બગાડીને ચૂપચાપ ચાલ્યો ગયો. ખોતન, શરમાઇને પરસેવાથી રેબઝેબ થઈ ગઈ. ત્યારે નબી બોલ્યો ‘શું થયું? આપણે કાંઈ ચોરી કરી છે કે આમ ગભરાવાનું? અરે, દરેક માણસ પોતાના ઘરમાં ઇશ્કનો શહેનશાહ જ હોય છે!’
અખ્તર મુહીઉદ્દીનની આ કાશ્મીરી વાર્તામાં, આખી વાત ‘નજર’ ને ‘નજરિયાની’ છે. બૂઢા નબીને હિસાબે ઈશ્કને ઉંમર નથી નડતી, પણ જુવાન જમાઇ માટે બુઢાપામાં આવી રકત શર્મનાક હતી…તો આજે આયનામાં નજર નાખીને તમે ય જોઇ લેજો કે તમે કેટલા રોમેંટિક છો?
એંડ-ટાઇટલ્સ:
આદમ: તું સપનાં જુએ?
ઈવ: ના. હું સપનાંમાં આવું.