‘આજે જ્યાં પુસ્તકો બાળે છે, કાલે ત્યાં લોકોને પણ સળગાવશે !’
ધ ડાર્ક ચેપ્ટર ઓફ નાઝી બુક ‘બર્નિંગ એન્ડ સેન્સરશી’ ઈતિહાસનું એક કલુષિત પ્રકરણ
કેનવાસ -અભિમન્યુ મોદી
૨૦મી સદીના આધુનિક ઈતિહાસમાં સૌથી દુ:ખદ અને ગહન સાંસ્કૃતિક વિધ્વંસ જર્મનીમાં થયો હતો. નાઝી શાસન દ્વારા સાહિત્યનો વ્યવસ્થિત વિનાશ કરવામાં આવ્યો. સાંસ્કૃતિક વિનાશનું આ કૃત્ય ફક્ત લેખિત શબ્દ પર હુમલો નહોતો, પરંતુ તે ભયાનક હિંસાનું
આશ્રયસ્થાન હતું,
જેણે ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ પેદા કરી. જર્મન કવિ હેનરિક હેઈનના શબ્દો છે કે, ‘જ્યાં તેઓ પુસ્તકો બાળશે, ત્યાં તેઓ લોકોને પણ બાળી નાખશે!’ આમ નાઝી અત્યાચારનું પૂર્વદર્શન એક કવિએ કરાવ્યું હતું.
નાઝીઓ સત્તા પર આવ્યા એ પહેલાંનાં વર્ષોમાં, જર્મની વિવિધ અને ગતિશીલ સાંસ્કૃતિક ધારાઓનું ઉત્પત્તિ કેન્દ્ર હતું, પણ એડોલ્ફ હિટલરના ઉદય સાથે એ વૈવિધ્યનો વૈભવ સમાપ્ત થયો. નાઝી શાસને ‘બિન-જર્મન’ ગણાતા લોકોને નાબૂદ કરીને એક સમાન રાષ્ટ્રીય સંસ્કૃતિ સ્થાપિત કરવાનો િંહસક પ્રયાસ કર્યો. આ પ્રયાસને ૨૨ સપ્ટેમ્બર, ૧૯૩૩ ના રોજ એક આદેશ સાથે સંહિતાબદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ સૂચના હતી કે- કોઈ પણ કલા અથવા સાહિત્ય કે જે સંભવિતપણે ‘રાષ્ટ્ર તરીકે નાઝીવાદી જીવનને વિખેરી શકે છે’ તે કાયદાકીય કાર્યવાહીને આધીન થશે!
નાઝી સરકારે સાહિત્યિક વર્તુળોને નિયંત્રિત કરવા માટે વિશાળ વ્યૂહરચના અપનાવી. આમાં સ્વીકાર્ય સાહિત્યને માર્ગદર્શન આપતા વૈચારિક સિદ્ધાંતો વિકસાવવા, પુસ્તકો પર પ્રતિબંધ મુકવો અને તેને બાળી નાખવા માટે પણ પ્રોત્સાહન અપાતું હતું. નાઝી પોલીસ પ્રકાશન ગૃહો પર દેખરેખ રાખતી હતી. સરમુખત્યારનો ધ્યેય એ સુનિશ્ર્ચિત કરવાનો હતો કે નાઝી આદર્શો સાથે સંકળાયેલી સામગ્રી જ લોકો સુધી પહોંચે.
૪ ફેબ્રુઆરી, ૧૯૩૩ ના રોજ, ‘જર્મન લોકોના સંરક્ષણ માટેના હુકમનામા’ એ સેન્સરશીપ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું, જેમાં એક વિભાગ મુદ્રિત પ્રકાશનો પર કેન્દ્રિત હતો. આ હુકમનામું કોઈપણ પ્રકાશનની જપ્તિ અને વિનાશની મંજૂરી આપતું હતું. જે પણ સાહિત્ય જાહેર સલામતી અથવા વ્યવસ્થાને હિટલરના મંત્રીઓના મત મુજબ જોખમમાં મૂકે તે સાહિત્યને પોતાને પાસે રાખવું પણ ગુનો ગણાતો.
ટૂંક સમયમાં, ૧૦ મે, ૧૯૩૩ ના રોજ એક કલંકિત પ્રકરણની શરૂઆત થઇ, જર્મનીમાં પુસ્તકો બાળવાની શરૂઆત થઈ. મોટાં મોટાં જર્મન શહેરોમાં કાર્લ માર્ક્સ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, હેલેન કેલર, ફ્રાન્ઝ કાફકા, થોમસ માન જેવા બૌદ્ધિક દિગ્ગજોનાં પુસ્તકોને જાહેરમાં બાળવામાં આવ્યાં. કોઈ અજાણ્યા ભારતીયે ત્યારે જર્મનીના મોટા શહેરમાં આંટો માર્યો હોત તો જર્મની પણ હોળી ઉજવે છે એવો ભ્રમ એના મનમાં જરૂર ઊભો થયો હોત.
આ પુસ્તક-દહન-ક્રિયા કેવળ સેન્સરશીપ ન હતી, પરંતુ હિટલરના પ્રચારમંત્રી ગોબેલ્સની જર્મન પ્રજામાં ધાક બેસાડી દેવાની વિકૃત સાજીશ હતી. ગોબેલ્સના ભડકાઉ ભાષણોથી કેટલાયે કાચી બુદ્ધિના યુવાનો પુસ્તક દહનમાં સ્વયંસેવક તરીકે શામેલ થયા. બિન-જર્મન સેન્ટિમેન્ટ સામેની કાર્યવાહી તરીકે ઓળખાતા અભિયાનનો ઉદ્દેશ્ય સામ્યવાદ અને શાંતિવાદ સહિત દૂષિત વિચારધારાઓથી જર્મનીને મુક્ત કરવાનો હતો. પુસ્તકો સળગાવવાની ક્રિયા ટૂંક સમયમાં જ લેખકોની સતામણી અને હત્યા સુધી પહોંચી, કારણ કે અમુક હિંમતવાન લેખકોએ દેશ છોડવાનો ઇનકાર કરવાની ચેષ્ટા કરી હતી!
નાઝી શાસન પુસ્તકો બાળીને પણ કંટાળી ગયું. તે બુદ્ધિના બળદોએ જર્મનીમાં સાંસ્કૃતિક જીવનના દરેક પાસાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો. ગોબેલ્સે ‘પર્શિયન એકેડેમી ઓફ આર્ટસ’ અને ‘જર્મન પેન’ જેવી સાંસ્કૃતિક સંસ્થાઓને નાઝી સમર્થકોથી ભરી દીધી. ‘જર્મન પેન’ ગ્રુપ જે એક સમયે આંતરરાષ્ટ્રીયવાદનું સમર્થક હતું તેને નાઝી આદર્શોને પ્રોત્સાહન આપવા માટે હડપી લેવામાં આવ્યું હતું.
આ પગલું હિટલર અને એના ચમચાઓની જર્મની ઉપર સંપૂર્ણ સાંસ્કૃતિક નિયંત્રણ માટેની શેતાની ઈચ્છા દર્શાવતું હતું.
જાહેર પુસ્તકાલયોનો પણ નાઝી પ્રચાર ઉપકરણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. (ટુલ-કીટ એ જમાનામાં પણ હતી, દોસ્તો!) લોકપ્રિય પુસ્તકાલયો માટે નવી પ્રાંતીય કચેરીએ ખાતરી કરી કે તમામ જાહેર પુસ્તકાલય રાષ્ટ્રીય સમાજવાદી સિદ્ધાંતોનું પાલન કરે છે. યહૂદી અને અશુદ્ધ લોહી ધરાવતા કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અને પુસ્તકાલયો નાઝી વિચારધારાના પ્રસાર માટેનાં સાધનો બની ગયાં હતાં.
સાહિત્ય અને સાહિત્યિક વિવેચન પણ નાઝીવાદથી અસ્પૃશ્ય રહ્યા નહિ. સાહિત્યિક સિદ્ધાંતો નાઝી વંશીય વિચારધારાને અનુકૂલિત કરવામાં આવ્યા. ટૂંકમાં જે શુદ્ધ આર્ય ગણાતા કુળના ન હોય એના માટે નફરત ફેલાવી જોઈએ. સાહિત્ય પ્રત્યે વધુ સર્વસમાવેશક અભિગમને પ્રોત્સાહન આપનારા લેખકો અને વિદ્વાનોને બાજુમાં ધકેલી દેવામાં આવ્યા અથવા એમને સતાવવામાં આવ્યા.
ઉદાહરણ તરીકે, આલ્ફ્રેડ રોઝેનબર્ગની ‘ધ મિથ ઓફ ધ ટ્વેન્ટિએથ સેન્ચ્યુરી’ જેવી પ્રભાવશાળી કૃતિઓએ આ વિચારને પ્રોત્સાહન આપ્યું કે જર્મન સાહિત્યમાં જર્મન લોકોની વંશીય અને સાંસ્કૃતિક શુદ્ધતાને પ્રતિબિંબિત કરવી જોઈએ.
નાઝીઓએ ફિલોલોજી અને સાહિત્યિક ઇતિહાસલેખનને પણ નિશાન બનાવ્યું, આ વિદ્યાશાખાઓને વંશીય પ્રચારનાં સાધનોમાં ફેરવી. હર્થા માર્ક્વાર્ડ જેવા વિદ્વાનોએ દલીલ કરી હતી કે જર્મન ભાષા અને સાહિત્યએ આર્યન જાતિની કથિત શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરવી જોઈએ. સાહિત્ય પ્રત્યેનો આ સ્યુડો-વૈજ્ઞાનિક અભિગમ નાઝી વંશીય નીતિઓને ન્યાયી ઠેરવવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ હતો.
નાઝી શાસન દ્વારા સાહિત્યને નિયંત્રિત કરવાના વ્યાપક પ્રયાસો છતાં બધા તેના આદેશોને વશ થયા ન હતા. થોમસ માન અને બર્ટોલ્ટ બ્રેખ્ત જેવા દેશનિકાલ પામેલા લેખકોએ શાસનની વિચારધારાને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો. તેનાથી વિપરિત, એરિક ઓરબાક જેવા વિદ્વાનોએ માનવતાવાદ અને સાહિત્યના સાર્વત્રિક પાસાઓ પર ભાર મૂકતા સાહિત્ય સાથે જર્મનીમાં રહીને જ સંઘર્ષ કર્યો.
ઓરબાક અને અન્ય સર્જકોએ એકવિધ સાંસ્કૃતિક કથા લાદવાના નાઝી શાસનના પ્રયાસો સામે એક મહત્ત્વપૂર્ણ બૌદ્ધિક પ્રતિકાર રજૂ કર્યો.
નાઝી યુગની સેન્સરશીપ અને સાહિત્યનો વિનાશ આપણને સાંસ્કૃતિક અને બૌદ્ધિક જીવન પર સર્વાધિકારી નિયંત્રણનાં જોખમોથી શું નુકસાન થાય તે બતાવે છે. જ્યારે શાસનમાં ‘દ્વેષનું શાબ્દિકકરણ’ થાય ત્યારે આખો દેશ ફડચામાં જાય.
આજે બળી ગયેલાં એ પુસ્તકોની રાખ અને વિરોધ કરનારાઓની યાદો આપણને વિચાર અને અભિવ્યક્તિની વિવિધતા જાળવવાની આપણી જવાબદારીની યાદ અપાવે છે. ફિલસૂફ જેક ડેરિડાએ સૂચવ્યા મુજબ, આ રાખ આપણી અંદર રહેલી એકશનને આહવાન કરે છે,જેથી કરીને આવી વિનાશક આગ ફરી ક્યારેય લાગે નહિ.