ઉત્સવ

વિચારોના વંટોળમાં ક્યા સોચતે હો?

મિજાજ મસ્તી – સંજય છેલ

ટાઇટલ્સ:
વિચાર ને વર્તન, સિક્કાની બે બાજુ. (છેલવાણી)

એક ચિત્રકાર અને કવિ બંને ગાઢ મિત્રો. એમાં ય કવિ તો એની કવિતાઓ કરતાં યે ખૂબ જ સુંદર. કવિનો ચિત્રકાર મિત્ર, હંમેશાં કવિને કહેતો:

‘આહા! તેં તો ચંદ્રનું રૂપ નીચોવી લીધું છે, યાર!’

વરસોથી એ ચિત્રકારને, કવિમિત્રનું યાદગાર ચિત્ર રચવાની ઇચ્છા હતી પણ કવિ હંમેશાં વાત ટાળીને કહેતો:

‘કેમ? તારા વિચારોમાં બીજું કોઇ ચિત્ર, નથી આવતું?’

પછી તો એ ચિત્રકારનું જગતભરમાં નામ ગુંજ્યું અને રાજાએ એને રાજદરબારમાં ચિત્રો કરવા બોલાવી લીધો. ચિત્રકાર, રાજમહેલમાં રહેવા તો ગયો પણ ત્યારે કવિને ‘વિચાર’ આવ્યો કે એણે સૌંદર્યના સાચા ઉપાસક, જેવા ચિત્રકાર મિત્રને એણે ખોઈ નાખ્યો અને કવિનું દિલ ડંખ્યું કે: ‘મેં એને મારું ચિત્ર કેમ કરવા ન દીધું?’

પછી ચિત્રકારની કલા, રાજમહેલના વૈભવમાં ગૂંગળાવા લાગી. ચિત્રકારને એક જ વાત ખટકતી કે એણે ઐયાશ રાજાની અનેક ઉપ-પત્નીઓ કે તવાયફોનાં શરીરોનાં ઝળહળતાં સૌંદર્યોની ચિત્રમાળા તૈયાર કરી નાખેલી, પણ મહારાજની પટરાણીનું ચિત્ર બનાવવાનું સૌભાગ્ય એને મળ્યું નહોતું. પછી વરસો બાદ મહારાજે ચિત્રકારને સૌંદર્યથી છલકાતી માદક મહારાણીનું ચિત્ર બનાવવાનો એકાંતમાં મોકો આપ્યો. પરંતુ આખરે જ્યારે મહારાજ પટરાણીનું ચિત્ર જોવા આવ્યા તો ચોંકી ઉઠ્યા.

કેન્વાસ પર રાણીને બદલે કોઈ બીજાનું જ ચિત્ર હતું!

મહારાજે ચિત્રકારને ધમકાવ્યો ત્યારે એની તંદ્રા તૂટી અને કેન્વાસ પરનું ચિત્ર જોઇને એ ખુદ ચોંકી ઉઠ્યો! આખરે મહારાજાએ ચિત્રકારને રાજદરબારમાંથી બરતરફ કરીને દંડ આપ્યો.

ચિત્રકાર તો ખુશ થઇ ગયો કે- ‘હાશ, એને રાજમહેલની રૂપાળી જેલમાંથી મુક્તિ તો મળી.’
આખરે ચિત્રકાર પોતાનાં ગામ પાછા ફરીને તરત કવિમિત્રને મળવા ગયો.

વરસો બાદની પહેલી મુલાકાતમાં જ કવિએ ચિત્રકારને પૂછયું, ‘બોલ, હવે તો મારું ચિત્ર દોરીશને?’

‘તારું ચિત્ર તો તૈયાર છે.’ ચિત્રકારે પેટી ખોલીને પેલું ચિત્ર કવિને આપ્યું. કવિ, ચિત્ર જોઇને સ્તબ્ધ થઇ ગયો કે એણે અસંખ્યવાર ખુદને આયનામાં જોયો હશે છતાં યે પોતાનાં આવાં રૂપનો સાક્ષાત્કાર એને કદી યે નહોતો થયો. કવિએ ગદગદ થઇ ચિત્રને છાતીએ લગાડ્યું.

ત્યારે ચિત્રકારે કહ્યું, અરે..પણ આ તસ્વીર હજી અધૂરી છે!’

‘ના ના. આને પૂરી કરવા જઇશ તો બગડી જશે.’કવિએ કહ્યું.

‘અરે, પીંછીનાં ૪-૫ લસરકાઓ જ કામ બાકી છે. લાવ, પૂરું કરી આપું.’

‘ના, તો આમાં મારા વિશે, તારા વિચારોની સુંદરતાનું જે અધૂરું રહસ્ય છે ને એ જ મરી જશે!’ કવિએ સામી જિદ કરી. પછી આજન્મ સતત કવિ ને ચિત્રકાર પોતપોતાનો ‘વિચાર’ સમજાવવા મથામણ કરતા રહ્યા પણ એકમેકને કદી યે ના સમજી શક્યા કે ના સમજાવી શક્યા, કારણ કે એક કવિ હતો ને બીજો ચિત્રકાર. એક રંગ-આકારનો કલાકાર, બીજો શબ્દોનો. એકના વિચારમાં અક્ષર’ હતા ને બીજાનામાં ‘આકાર’;. ફરક ‘વિચાર’ ની રજૂઆતની રમ્યતાનો છે.

બાય ધ વે, હમણાં ‘ઇંટરનેશનલ થિંકિંગ ડે’ ગયો. વિચાર’;ને ઉજવવાનો પણ કોઇ એક દિવસ હોય- એ પણ વિચારવા જેવી વાત છેને?

ઇંટરવલ:
ખયાલોં મેં કિસી કે ઇસ તરહ આયા નહીં કરતે,
કિસી કો બેવફા, તડપાયા નહીં કરતે! (કેદારનાથ શર્મા)

મહદ્ અંશે, ચિત્રને ઘરમાં કે સ્ટુડિયોનાં એકાંતમાં કેન્વાસ પર ઉતારી શકાય છે, પણ કવિતા, શિસ્તની ગુલામ નથી. રસ્તો ક્રોસ કરતી છોકરીનાં સ્માઇલમાં કે બાળકની ડગમગતી ચાલમાં ક્યાંય પણ કવિતાનો વિચાર સ્ફૂરી શકે. ઓશોએ મીરાબાઇ વિશે કહેલું: ‘મીરાંને કભી અપની રચનાએં ટેબલ-કુર્સી પર બૈઠ કે નહીં લિખી. મીરાં, તો ચલતી ગઈ, ઔર ગીત ઉસ કે પદચિહ્ન બનતે ગયે. મીરાં રોતી રહી, ગીત ઉસકે આંસુમેં ઝલકતે રહે…’ અહીં બંધિયાર ‘જગતનાં ’ ‘વિચાર’ સામે રખડતા રઝળતા વિહારની જીત છે. એક ‘વિચાર’ ને કાગળ કે લેપટોપ કે કંપ્યુટર પર લખી શકાય છે, પણ ખરેખર જે ક્ષણે મન, હૃદય ને આંખનો ત્રિવેણી સંગમ થઈને કશુંક લખાય ત્યારે જ એમાં લેખકનું ‘વિચાર-વિશ્ર્વ ’ આપોઆપ પ્રગટે છે. એ ક્ષણે કોઇ વિચાર વૈભવમાં કોઇ ગરીબ લેખક પણ ઘડી-બેઘડી, રાજપાઠમાં હોય છે. ક્યારેક ‘વિચારો’નાં આવેગમાં લેખક, એકીશ્ર્વાસે અમર રચના લખી નાખે છે તો ક્યારેક વરસો સુધી ગયાં જનમનાં ડૂમાંઓ જેવી લાગણીઓમાંથી ધીમે ધીમે, એની રચના સર્જાતી રહે છે.

‘મરીઝ’ જેવા ગુજરાતીનાં મહાન શાયર, સિગરેટનાં ઠૂંઠા પર ગઝલ સૂઝે તો લખી નાખતા તો વળી કવિ વેણીભાઈ પુરોહિતને મુંબઇની લોકલ ટ્રેનમાં કવિતાનો વિચાર આવતો તો કહેતા, ‘મારે હવે તરત લખવું પડશે, હું ગાભણો (પ્રેગ્નંટ) થયો છું!’ રહસ્યકથાઓની જગવિખ્યાત લેખિકા અગાથા ક્રિસ્ટીએ કહેલું: ‘ખરેખર તો લખવા કરતાં વિચારોને મઠારવું કે ફરી ફરીથી લખવું વધુ અઘરું છે. તમે કપડાંને જેટલું વધારે ધૂઓ એટલાં જ એ વધુ ચમકે, એમ વિચાર પરથી જન્મેલા લાંબા લખાણને પણ ફરી ફરીને લખવું જોઈએ. કોઇપણ વિચારને એક યાદગાર રચના બનાવવા, રંધો મારવો પડે! ’

એક બાળક, તળાવમાં સતત કાંકરાઓ ફેંક્યા જ કરતો હતો. આ જોઇને ત્યાં હાજર વૈજ્ઞાનિકે બાળકને આમ કરવાનું કારણ પૂછ્યું તો બાળકે કહ્યું: ‘હું પથ્થર ફેંકું છું
તો પાણીમાં હંમેશ વર્તુળ જ થાય છે. ચોરસ કેમ નહી?’

ત્યારે વૈજ્ઞાનિકે કહ્યું, ‘બેટા…પાણીમાં વર્તુળ તો ગોળ જ થશે પણ તારો વિચાર ખૂબ મૌલિક છે. બસ, આવા વિચારોને જીવનમાં કદી છોડતો નહીં’

આજના સમયમાં સમાજ, સત્તા કે સિસ્ટમ સામે ‘વિચારવું’ ને રજૂ કરવું એ પણ પાણીમાં પથ્થર ફેંકીને ચોરસ બનાવવા જેવી જ અઘરી વાત છેને?

એંડ-ટાઇટલ્સ:

આદમ: મને એક વિચાર આવ્યો છે.

ઈવ: તારું દિમાગ ખાલી જોઇને જતો રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…