ઉત્સવ

આંસુઓના પડે એવાં પ્રતિબિંબ હવે ક્યાં છે?કહ્યા વિના સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે?

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

સ્વભાવ એટલે મનુષ્ય કે પ્રાણીના અંતરનું કુદરતી વલણ, કુદરત પાસેથી મળેલો ગુણ. સારો માઠો સ્વભાવ, સારા માઠા સંસ્કારો પ્રમાણે ઘડાય છે. ઉંમર, વાતાવરણ જેવાં પરિબળો સ્વભાવને ઘડવામાં નિમિત્ત બને છે. સૌથી નિર્દોષ સ્વભાવ બાળકનો હોય છે. બાળક મોટું થઈ સમજણું બને એટલે સ્વભાવમાં કપટ પ્રવેશે. ગુજરાતી અને સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત કે. કા. શાસ્ત્રીની પંક્તિઓ બાળકના નિર્મળ સ્વભાવનું જાણે કે પ્રતિબિંબ છે. હસે રમે ભમે જમે લડે વઢે પડે ખડે, તથાપિ રોષ ચિત્તમાં કદી ના બાળકો ધરે. બાળકો ભેગા થાય અને સાથે રમે, સાથે ભમે અને લડાઈ પણ થાય, પડે – આખડે પણ ખરા પણ તરત બધું ભૂલી જાય. રોષ સંઘરીને ન રાખે. ‘તને જોઈ લઈશ’ એ ભાવના એમનામાં ન હોય. ૧૯મી સદીમાં શ્રી કેશવલાલ હરિરામ ભટ્ટનાં ભજનો અને કાવ્યો ઘણા લોકપ્રિય થયાં હતાં. તેમણે સરળ ભાષામાં લખેલી પંક્તિઓ મનુષ્ય સ્વભાવનું આબેહૂબ ચિત્ર રજૂ કરે છે. સ્વભાવનું ઓસડ નથી કરો ઉપાય અપાર, બળી જાય સીંદરી, વળ ન મેલે લગાર. કોઈ દવા નથી શોધાઈ જે મનુષ્ય સ્વભાવને ઠેકાણે લાવી શકે એમ જણાવી કવિ સીંદરી બળી જાય પણ વળ ન છોડે એનું ઉદાહરણ આપે છે. આગળ કવિ પાણીનું ઉદાહરણ આપી કહે છે કે બંધ હજારો બાંધીએ, કરીએ યુક્તિ અપાર, પ્રવાહવાળું પાણી નીચું નિત્ય જનાર. પાણીને રોકવા યુક્તિ – પ્રયુક્તિ અજમાવી બંધ બાંધવા જેવી લાખ કોશિશ કરવા છતાં પાણી નીચેની દિશામાં વહેવાનો સ્વભાવ ક્યારેય નથી છોડતું. ત્યારબાદ કવિ પથ્થર અને પાણીના સંબંધથી વાતનો વિસ્તાર કરે છે. મુશળધાર મેઘથી રાત દિવસ ભીંજાય, કાળો પાણો કોઈ દિ તો પણ નરમ ન થાય. મેઘરાજા મન મૂકીને અનરાધાર વરસે ત્યારે બધું જળબંબાકાર થઈ જાય, કોઈ પદાર્થ ઓગળી જાય તો કોઈ ઢીલો પડી જાય, પણ.. પણ પાષાણ એટલે કે પથ્થર ગમે એટલું પાણી પડવા છતાં રતીભાર નરમ ન થાય. પથ્થર એનો સ્વભાવ ન છોડે. અંતમાં કવિ કહે છે કે ભલે શાસ્ત્ર મોટાં ભણે, બહુ સાંભળે બોધ, સ્વભાવ ટાળવો કઠણ છે કરી રાખવી નોંધ. ગમે એટલા ભણતરથી કે વિદ્વાનોના પ્રવચન સાંભળ્યા પછી સ્વભાવ બદલાતો નથી. ઘણા લોકો દેખાય એ હોતા નથી અને હોય છે એ દેખાતા નથી. માનવ સ્વભાવની આ લાક્ષણિકતા કેવી સરસ અને પ્રભાવી રીતે કહેવાય છે કે મન મેલાં તન ઊજળાં, બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ. બગલાનું તન એટલે કે શરીર કેવું સફેદ દૂધ જેવું ઉજળું હોય છે પણ એ જ બગલો સ્વભાવે ઢોંગી, કપટી ગણાયો છે. પંક્તિમાં આગળ કહેવામાં આવ્યું છે કે આના કરતાં તો કાગડા સારા કે એનું તન કાળું અને કામ પણ કાળું. કાગડાથી છેતરાઈ જવાનો સવાલ જ ઊભો ન થાય. કુમુદ પટવાની કાવ્ય કણિકા માનવ સંબંધ પર કેવી અદભુત વાત કરે છે કે આંસુઓના પડે એવાં પ્રતિબિંબ ક્યાં છે? કહ્યા વિના સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે? વધુ લખ્યા વિના બધું સમજે એવા વાચક તો છે ’મુંબઈ સમાચાર’ના.

SEMORDNILAP

પ્રત્યેક ભાષાનું પોતાનું આગવું સૌંદર્ય છે એમ વિશિષ્ટતા અને વિચિત્રતાઓ પણ છે. અલબત્ત આ બધા રસાયણો જ ભાષાને માધુર્ય બક્ષે છે. ‘ગુજરાતીમાં લીમડી ગામે ગાડી મલી’ વાક્ય ડાબેથી જમણે વાંચો કે જમણેથી ડાબે, સરખું જ વંચાય. એવું જ શબ્દનું ઉદાહરણ છે મલયાલમ. અંગ્રેજીમાં આ પ્રકાર PALINDROMES તરીકે ઓળખાય છે. Live not on evil એનું પ્રચલિત ઉદાહરણ છે. NOON, KAYAK, DEEDપણ એના જ ઉદાહરણ છે. અંગ્રેજીમાં એક એવો પણ પ્રકાર છે જેમાં કોઈ શબ્દ કે રૂઢિપ્રયોગ અથવા વાક્ય ઊંધેથી વાંચીએ તો એકદમ નવું સ્વરૂપ જોવા મળે જેનો અર્થ પણ સાવ અલગ જ હોય. અંગ્રેજીમાં આ પ્રયોગ SEMORDNILAP તરીકે ઓળખાય છે. ચીવટ રાખીને વાંચશો તો ખ્યાલ આવશે કે PALINDROMES – SEMORDNILAP એકબીજાના અરીસાના પ્રતિબિંબ જેવા છે જેમાં ચત્તું હોય એ ઊંધું દેખાય. ભાષાનું જ્ઞાન વધારી ગમ્મત વધારતા આ પ્રકાર વિશે વિગતે જાણીએ. શબ્દ સારથિ અને ભાષાપ્રેમી બંનેને જલસો પડશે. શબ્દના ઉદાહરણથી શરૂઆત કરીએ. Consider the word DIAPER, for instance. When spelled backward, it forms the word REPAID. DIAPER and REPAID are SEMORDNILAP. જોકે, ડાયપર એટલે બાળોતિયું જ્યારે રીપેઈડ એટલે ચૂકવી દીધું. અક્ષરો સરખા પણ અર્થમાં રતિભાર સમાનતા નહીં. Or take the word STRESSED, which becomes DESSERTS when reversed. સ્ટ્રેસ્ડ એટલે માનસિક તણાવ અથવા કોઈ વાત કે બાબતો પર ભાર મૂકવો. ડિઝર્ટસ એટલે જમ્યા પછી પીરસવામાં આવતી સ્વીટ ડીશ – મીઠાઈ. અનેક લોકો આનો ભૂલમાં ખોટો ઉચ્ચાર ડેઝર્ટ તરીકે કરે છે. લગ્ન સમારંભમાં ડિનર લેતા સામે ભટકાઈ જાય તો અચૂક પૂછે ‘ડેઝર્ટમાં શું છે?’ DESERTડેઝર્ટ એટલે રણ. હવે પછી જો તમને આવો સવાલ કરવામાં આવે તો કહેજો કે ‘ડિઝર્ટમાં અખરોટનો હલવો છે, બહુ મસ્ત બન્યો છે.’ આટલું કહી હસતા હસતા ડેઝર્ટ અને ડિઝર્ટનો ફરક પણ સમજાવજો. આ પ્રયોગ માત્ર શબ્દોમાં કે રૂઢિપ્રયોગમાં જ જોવા મળે છે એવું નથી. વાક્યમાં પણ ખૂબીઓ સાથે જોવા મળે છે. એને કારણે ભાષા વધુ સૌંદર્યવતી, વધુ મધુર લાગે છે. For instance, in the sentence No one knew what to call the GATEMAN, as he wore no NAMETAG. You can see that GATEMAN and NAMETAG are semordnilaps of each other. (To be continued)

मानवी स्वभावाच्या म्हणी

ભાષા ગુજરાતી હોય કે મરાઠી, એમાં માનવ સમાજનું તેમજ માનવ સ્વભાવનું પ્રતિબિંબ ઝીલાતું હોય છે. સ્વભાવની લાક્ષણિકતા રૂઢિપ્રયોગ અને કહેવતોમાં ધારદાર રીતે પ્રગટ થાય છે. 128 વર્ષ પહેલાં પ્રગટ થયેલા એક પુસ્તકમાં સ્વભાવની ખાસિયતો સામે આંગળી ચીંધી કહેવતો રજૂ કરવામાં આવી છે. લોભ વૃત્તિ એ માનવ સ્વભાવનું કાયમી લક્ષણ ગણાય છે. लोभीपणावर भाष्य करणारी म्हण – फणस आहे फांदीवर, तेल आधीच ओठांवर. મહારાષ્ટ્રીયન લોકોમાં ફણસ હોંશે હોંશે ખવાય છે અને એનું શાક મનગમતી વાનગી છે. ફણસ ઝાડ પરથી તોડવા પહેલા જ એનો સ્વાદ માણી લીધો એવી વાત થઈ. મનુષ્ય જીવનમાં અતિશયોક્તિ પણ અનેક ઠેકાણે જોવા મળે છે. ગુજરાતીમાં અતિશયોક્તિ અલંકાર છે જ. ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ અને મેં રોઈને ભર્યા છે એ રણ મને ગમે છે એના ઉત્તમ ઉદાહરણ છે. अतिशयोक्ती – पाण्याला गेल्या बायका बारा, नाक कापून आल्या तेरा. બાર સ્ત્રી ગઈ અને નાક કપાવી તેર સ્ત્રી પાછી ફરી. કેવી ગજબની અતિશયોક્તિ. હવે બીજું ઉદાહરણ જોઈએ:  एका तीरात सिंह मारले सात, संकोचाने ठेवले मनात. એક તીરથી સાત સિંહનો વધ કર્યો, પણ એ પરાક્રમ જણાવતા સંકોચ થયો એટલે કોઈને જણાવ્યું નહીં. હસવાની છૂટ છે. કોઈ બાબત માટે ખોટું કારણ આપવું એ પણ મનુષ્ય સ્વભાવનું લક્ષણ છે. પોતાની નબળાઈ અથવા અવગુણ ઢાંકવા માટે આવી કોશિશ થતી હોય છે. खोटी सबब – जरुरीपेक्षा जास्त बोलणारा माणूस म्हणतो, ‘काय करणार, जिभेला नाही हाड, ती बोलते फार‘ (तुर्की भाषेत – जीभेला हाड नसते, पण ती हाडांचा चुरा करते. ग्रीक भाषेत – जिभेला हाड नसते पण ती हाडे फोडते. मराठीत – काय बोलतोस? तुझ्या जिभेला काही हाड?). દંભ સુધ્ધાં મનુષ્ય વ્યવહારમાં નજરે પડે છે. दांभिकपणा – हत्ती गेला चोरीला, वांगी चोरणारा पकडला. ચોરાયો હાથી અને પકડ્યો રીંગણચોર. અણઆવડત ઢાંકવાનો પ્રયાસ.

भरमानेवाले शब्द 

જ્ઞાન સાથે ગમ્મત પીરસી ભાષા વૈભવની તિજોરી છલકાવી દેવામાં યથાશક્તિ યોગદાન આપનારા ભ્રમ પેદા કરતા યુગ્મ શબ્દોના અંતિમ ચરણમાં આજે આપણે પહોંચ્યા છીએ. આશા છે કે મનોરંજનની સાથે સાથે હિન્દી ભાષાની બારીકીઓ જાણવા – સમજવાનો મોકો મળ્યો હશે. આજનું પહેલું યુગ્મ છે शरारत और शराफ़त. શરારત એટલે મસ્તી, તોફાન કે ટીખળ. શરાફત એટલે સજ્જનતા,ભદ્રતા,  કુલીનતા. मेरे बेहनोई के सामने शराफ़त से पेश आना. कोई शरारत मत करना. બીજું યુગ્મ છે शाम और श्याम. શામ એટલે સાંજ, સંધ્યા ટાણું. શ્યામ એટલે કાળું. શ્રી કૃષ્ણ શ્યામ તરીકે પણ ઓળખાય છે. शाही और स्याही ફરક છે શ અને સ જેટલો, પણ અર્થમાં આસમાન – જમીન જેટલું અંતર છે. અસ્સલ એવો જ ફરક ધરાવતું યુગ્મ છે सांत और शांत. સાંત એટલે જેનો અંત છે. संसार का प्रत्येक पदार्थ सांत है । શાંત એટલે શાંત, ઘોંઘાટ ન કરે એવું અથવા નિરુપદ્રવી. હવેના યુગ્મમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊ જેટલો ફરક છે, પણ અર્થમાં કોઈ મનમેળ નથી. सुत और सूत. સુત એટલે પુત્ર. पवनसुत महाबली थे. સૂત એટલે સૂતર અથવા દોરો. गांधीजी चरखे पर सूत कातते थे। હવેના યુગ્મમાં સમયની વાત છે. એક સમય છે પ્રકૃતિનો જ્યારે બીજો છે આર્થિક અવસ્થાનો. सुद और सूद. સુદ એટલે અજવાળિયું, સુદ એકમથી પૂનમ સુધીનો સમય જ્યારે ચંદ્રનું અજવાળું પૃથ્વી પર પથરાયેલું હોય. સૂદ એટલે મૂડી પર મળતું કે લેવાતું વ્યાજ. આજનું અને આ ભ્રમમાં નાખતા શબ્દ સફરનું અંતિમ યુગ્મ છે सुबह और शुबह. સુબહ એટલે સવાર અને શુબહ એટલે શંકા. सुबह में मुझे आते हुए देखकर मामाजी के मन में शुबह निर्माण हुआ की कुछ गड़बड़ तो नहीं है ना.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો