ઉત્સવ

કેન્દ્ર -રાજ્ય વચ્ચે ગજગ્રાહ ક્યારે અટકશે?

તાજેતરમાં જ પંજાબમાં કેન્દ્રિય યોજનાનના ભાગરૂપે બની રહેલા ઍક્સપ્રેસ હાઇ વે પર કામ કરી રહેલા એન્જિનિયરો પર હુમલા થયા ત્યારે પ્રશ્ર્ન એ થાય કે કેન્દ્ર અને રાજ્યમાં બે અલગ અલગ પક્ષોની સરકાર છે ત્યારે આવી ઘટનાઓ યોગાનુયોગ હશે કે કોઇ પ્રેરિત રાજકરણ?

વિશેષ -પ્રથમેશ મહેતા

ભારતીય લોકશાહીની વ્યવસ્થા ખરેખર અટપટી છે. ક્યાંક કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય તો એ ડબલ એન્જિન જેવી શક્તિશાળી બની જાય છે, તો વળી ક્યાંક બે અલગ અલગ સરકાર આવી ગઇ તો બેઉ વચ્ચે સીધો કે પરોક્ષ ગજગ્રાહ ચાલતો હોય છે. પશ્ર્ચિમ બંગાળની મમતા સરકારે મોદી સરકારની ઘણી યોજનાઓનો અમલ પોતાના રાજ્યમાં થવા દીધો નથી એવા અનેક સમાચારો આપણે વાંચતા રહીએ છીએ. કેન્દ્રીય યોજનાઓ લોકો સુધી પર્હોંચે અને સફળ થાય તો એનો યશ કેન્દ્ર સરકારને મળશે અમને નહીં મળે, તેવો ઇર્ષ્યાભાવ રાજ્યોમાં રહેલી વિપક્ષોની સરકારને સતાવતો રહેતો હોય છે. એટલે બે સરકારો વચ્ચે કોઇને કોઇ બાબતે ટકરાવ થતો રહેતો હોય છે. દક્ષિણની કેટલીક બિનભાજપી અને ક્ેન્દ્રની ભાજપ સરકાર વચ્ચે પણ ઘણીવાર કોઇ ને કોઇ મુદ્દે મતભેદ જોવા મળતા હોય છે. દિલ્હીમાં કેજરીવાલની ‘આપ’ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર વચ્ચે પણ સંબંધો વણસેલા રહે છે. હવે આ જ આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બની છે ત્યારથી આ રાજ્યની સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે ચકમક ઝર્યા કરે છે. જોકે, કેન્દ્રની યોજનાઓ ઘોંચમાં પડે તે હવે ચલાવી નહીં લેવાય એ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના તાજેતરના પગલાંથી લાગી રહ્યું છે. વાત એમ છે કે પંજાબમાં બે જગ્યાએ રાષ્ટ્રીય ધોરી માર્ગ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, પણ અહીં કામ કરી રહેલા એન્જિનિયર અને મજૂરોને રંજાડવામાં આવતા હોવાથી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ વે મિનિસ્ટર નિતિન ગડકરી ખૂબ રોષે ભરાયા છે. તેમણે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને કડક શબ્દોમાં પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે, ‘તેમને બે ઘટનાઓ અંગે માહિતી મળી છે તે પૈકીની એક દિલ્હી-કટરા ઍક્સપ્રેસ હાઇ વે જલંદર જિલ્લામાં બની છે, જયાં કૉન્ટ્રાક્ટરના એક એન્જિનિયર પર બેરહમીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે એફઆઇઆર તો નોંધવામાં આવી છે, પણ વધુ કડક પગલાં લેવાની આવશ્યકતા છે.

બીજી એક ઘટના અંગે ધ્યાન દોરતાં ગડકરીએ લખ્યું છે કે, લુધિયાણામાં પણ દિલ્હી-કટરા હાઇ વે પર કૉન્ટ્રાક્ટર ઊભા કરવામાં આવેલા કૅમ્પ પર તોફાનીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એન્જિનિયરોને એવી ધમકી આપવામાં આવી હતી કે કૅમ્પ અને પૂરા સ્ટાફને જીવતા બાળી નાખવામાં આવશે. તે છતાંય આ અંગે કોઇ એફઆઇઆર નોંધવામાં આવી નથી કેે નેશનલ હાઇ વે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એન.એચ. એ. આઇ)ના અધિકારીઓએ લેખિત વિનંતીઓ કરવા છતાં આ તોફાનીઓની ધરપકડ કરવામાં આવી નથી.

ગડકરીએ ચેતવણી આપતા લખ્યું હતું કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો એન.એચ.એ.આઇ પાસે અહીના ૨૯૩ કિમી. રસ્તાની કુલ ૧૪,૨૮૮ કરોડના બજેટવાળી આઠ યોજનાને બંધ કરવા સિવાય કોઇ વિકલ્પ રહેશે નહીં. આ બધા ગ્રીનફીલ્ડ કોરિડોર છે અને તેમને બંધ કરવાની સાથે જ તે નકામાં બની જશે.

આ ઘટના અંગેની તસ્વીરો પણ પત્રમાં બીડવામાં આવી હતી.

આ પત્ર લખાયા પછી પંજાબ સરકાર ઍક્શનમાં આવી ગઇ . પંજાબના ચીફ સેક્રેટરી અનુરાગ વર્માએ રાજ્યની પોલીસને કડક સૂચના આપી તોફાની તત્ત્વો સામે પગલાં ભરવાનો નિર્દેશ કર્યો છે. કેન્દ્રીય યોજનાઓમાં બાધા નાખવી કે તેને સ્થાનિક પ્રજા સુધી ન પહોંચવા દેવી એ વિપક્ષી રાજ્ય સરકારની કોઇ મન્શા હોઇ શકે કે ન પણ હોય. પણ એક વાત ધ્યાનમાં રહે કે બે પાડા લડે એમાં ઝાડનો ખો નીકળી જાય. બસ આ જ રીતે બે પક્ષો લડે તેમાં અંતે નુકસાન તો પ્રજાનું જ થવાનું છે. કેન્દ્રીય યોજનાઓ રાજ્યોમાં અમલમાં મુકાતી હોય ત્યારે સરકાર ગમે તે હોય પણ વિકાસના આડે રોડાં મૂકતું રાજકરણ ખેલાવું ન જોઇએ એટલી પરિપકવતા ભારતીય રાજકારણમાં ક્યારે આવશે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ