ઉત્સવ

તુલસીદાસના ‘રામ હી કેવલ પ્રેમ પિયારા’ જયારે ફારસીમાં ‘રામ કરદન’ બની ગયા!

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

તમને કેટલાં રામાયણની ખબર છે?
ભારતમાં, ખાસ કરીને હિન્દી ભાષી અને પશ્ર્ચિમના પ્રદેશોમાં, મુખ્યત્વે બે રામાયણ પ્રચલિત છે . એક : તુલસી કૃત અને બે: વાલ્મીકિ કૃત. તુલસી રામાયણનું નામ ‘રામચરિતમાનસ’ છે અને તે સોળમી સદીના અંતમાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા અવધી ભાષામાં રચવામાં આવ્યું હતું. વાલ્મીકિ રામાયણ લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં સંસ્કૃતમાં લખાયું હતું. તેના લેખક વાલ્મીકિને આદિ કવિ પણ કહેવામાં આવે છે.

તે પછી, રામાયણ વિવિધ સમયગાળામાં અને વિવિધ ભાષાઓમાં રચાયું હતું , પરંતુ દરેક રામાયણનું કેન્દ્રબિંદુ વાલ્મીકિ રામાયણ રહ્યું છે. બારમી સદીમાં તમિલમાં કમ્બન રામાયણ, તેરમી સદીમાં થાઈમાં રામાકિયન અને કંબોડિયન રામાયણ, પંદરમી અને સોળમી સદીમાં ઉડિયા રામાયણ અને કૃત્તિબાસનું બંગાળી રામાયણ પ્રસિદ્ધ છે, પરંતુ આમાંથી સૌથી પ્રસિદ્ધ તુલસીદાસનું ‘રામચરિતમાનસ’ છે.

રામાયણ પર લખાયેલું પહેલું પુસ્તક વાલ્મીકિ રામાયણ પણ નથી, પહેલું પુસ્તક દશરથ જાતક છે. વિશ્ર્વના વિવિધ ભાગમાં આવી ૩૦૦થી વધુ રામકથાઓ પ્રચલિત છે. આ ઉપરાંત ૨ થી ૩ હજાર લોકકથાઓ પણ છે, જે રામ કથા સાથે જોડાયેલી છે. ભારત ઉપરાંત અન્ય ૯ દેશ એવા છે, જ્યાં રામકથા કોઈ ને કોઈ સ્વરૂપમાં સાંભળવામાં અને ગાવામાં આવે છે.
બહુ ઓછા લોકો જાણે છે કે બેલ્જિયમના પ્રોફેસર કામિલ બલ્કે, જે પોતાના શબ્દકોશ માટે જાણીતા છે, એમણે રામકથા પર સૌથી વધુ સંશોધન કર્યું છે. એમણે તેના પર એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે-
‘રામકથા: ઓરિજિન એન્ડ ઇવોલ્યુશન’ એમના કહેવા પ્રમાણે, રામકથાનું સૌથી પહેલું બીજ ‘દશરથ જાતકકથા’માં જોવા મળે છે. તે કદાચ ઈશુ ખ્રિસ્તના ૪૦૦ વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું. આ પછી ‘વાલ્મીકિ રામાયણ’ ઈશુના ૩૦૦ વર્ષ પહેલાં આવે છે. એને સૌથી અધિકૃત માનવામાં આવે છે, કારણ કે વાલ્મીકિ ભગવાન રામના સમકાલીન હતા અને સીતાએ એમના આશ્રમમાં લવ-કુશને જન્મ આપ્યો હતો.

ગ્રંથોનું વિવિધ રીતે અર્થઘટન કરી શકાય છે. ગ્રંથોમાં ઘણી વાર્તાઓનું વિશ્ર્લેષણ વિવિધ રીતે કરી શકાય છે, જેથી વાર્તાની અખંડિતતા જળવાઈ રહે અને વિવિધ કાવ્યાત્મક રીતે હેતુઓ પાર પડે. ભગવાન તરીકે રામને નૈતિકતાનો માપદંડ માનવામાં આવે છે. મર્યાદા પુરુષોત્તમ રામનું પાત્ર સંપૂર્ણપણે દોષરહિત, ભલાઈ અને વીરતાથી ભરેલું છે.
આ ગુણો સદીઓથી વિવિધ ભારતીય ભાષાઓના કવિઓ અને સર્જનાત્મક લેખકોની કલ્પનામાં રહ્યા છે. એમની વાર્તાનું વિવિધ ભાષાઓ અને શૈલીઓમાં અનેકવિધ રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે.

ભારતમાં લગભગ દરેક ભાષામાં રામકથા છે, પરંતુ સૌથી વધુ સંભવત: સંસ્કૃત અને ઉડિયા ભાષામાં છે. સંસ્કૃતમાં લગભગ ૧૭ પ્રકારની રામકથા છે, જેમાં વાલ્મીકિ, વશિષ્ઠ, અગસ્ત્ય અને કાલિદાસ જેવા સંતો અને કવિઓની કૃતિઓનો સમાવેશ થાય છે.

ઓડિયા ભાષામાં લગભગ ૧૪ વિવિધ પ્રકારની રામકથાઓ છે. એ તમામ વાર્તા
વાલ્મીકિ રામાયણથી પ્રેરિત છે.

રામાયણ દક્ષિણ એશિયાની અનેક ભાષાઓ અને પ્રદેશોમાં લોકપ્રિય રહ્યું છે. તિબેટમાં કાવ્યદર્શ, ઇન્ડોનેશિયન કાવીમાં રામાયણ કાકવીન, મલેશિયામાં હિકાયત સેરીરામ, બર્મામાં રામવત્થુ, કંબોડિયા ખમેરમાં રામકેર્તિ રિઆમકેર,જાપાનીમાં તૈરાનો અસુયોરીની હોબોત્સુશુ, લાઓસમાં રામન્મતક, નેપાલમાં રામાયણ, થાઇલેન્ડમાં રામકિયેન, તુર્કિસ્તાનમાં ખોતાની રામાયણ, મંગોલિયામાં જીવક જાતક, ફિલિપાઇન્સમાં મહાલાદિયા લાબન અને ચીનમાં દશરથ કથાનમ નામથી રામાયણ ઉપલબ્ધ છે.

ભારતની ગંગા- જમુનાની તહજીબના કારણે જ રામચરિતમાનસનો ઘણા મુસ્લિમ શાસકો દ્વારા ઉર્દૂ-ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના બીકાનેરમાં દિવાળી પર ઉર્દૂમાં રામાયણનો પાઠ કરવામાં આવે છે. છંદોને બદલે રામાયણના મુખ્ય પ્રસંગો શેરો-શાયરીમાં પઠન કરવામાં આવે છે. ૧૯૩૫માં મૌલવી બાદશાહ હુસૈન રાણા લખનવીએ ઉર્દૂ ભાષામાં રામાયણ રજૂ કર્યું હતું. મુઘલ શાસકોમાં માત્ર અકબર જ એક અપવાદ હતો, જેણે હિન્દુ-મુસ્લિમ સૌહાર્દ ઊભું કરવા સેક્યુલર સ્ટેટનો ખયાલ અપનાવ્યો હતો. ભારતીય કળા, સંસ્કૃતિ અને સાહિત્યનો ઇતિહાસ આ કોમી એકતામાંથી આવ્યો છે.

થોડાં વર્ષો પહેલાં, અલાહાબાદ વિશ્વવિદ્યાલયે એના સંગ્રહમાંથી ઉર્દૂ અને ફારસી ભાષામાં લખાયેલી રામાયણની આવૃત્તિઓ જનતાના લાભાર્થે ખુલ્લી મૂકી હતી. અલાહાબાદ સંગ્રહાલયમાં સદાઉલ્લાહ માસીહીનું ‘માસીહી રામાયણ’ છે, જે અકબરના વારસદાર જહાંગીરના શાસન વખતે ફારસી ભાષામાં અનુવાદિત થયું હતું. એ પછી ‘રામાયણ એક કાફિયા’, ‘શ્રીરામનાટક’ અને ‘રામલીલા નાટક’ નામથી ત્રણ અનુવાદ ઉર્દૂમાં થયા હતા.

અકબરના ઇતિહાસકાર અને અકબરનામા તથા આઇને અકબરીના લેખક અબુલ ફઝલના કહેવા પ્રમાણે હિન્દુ-મુસ્લિમો વચ્ચેની અજ્ઞાનતા દૂર થાય તે માટે અકબરે રામાયણનો ફારસી અને ઉર્દૂ અનુવાદ કરાવ્યો હતો. અકબરના દરબારી મુલ્લાઈ અબ્દુલ કાદિર બદાયૂનીને ઈ.સ. ૧૫૮૪માં રામાયણનો અનુવાદ કરવા કહેવામાં આવેલું. શરૂમાં બદાયૂનીએ આનાકાની કરેલી, પરંતુ પછી ચાર વર્ષની મહેનત બાદ ઈ.સ. ૧૫૮૯માં એ પૂરું કર્યું. ફારસી ભાષાનું એ પહેલું રામાયણ.

મૂળ સંસ્કૃત આવૃત્તિ કરતાંય વધુ સુંદર રીતે આ ફારસી રામાયણમાં ૧૭૬ ચિત્રો મૂકવામાં આવેલાં. આની એક નકલ જયપુરના ‘સવાઈ માનસિંહ મ્યુઝિયમ’માં છે. મુસ્લિમ સૂફી સંત કવિ રહીમ, જેમણે અનેક રામ કવિતાઓ લખી છે, એમની પાસે પણ બદાયૂનીની એક નકલ હતી. પચાસેક ચિત્રો સાથેનો આ રામાયણનો એક ખંડ વોશિંગ્ટનની ફેયર આર્ટ ગેલેરીમાં પણ છે.
રામાયણનો બીજો અનુવાદ જહાંગીરના શાસનમાં સદાઉલ્લાહ માસીહી અને ગિરધરદાસ નામના પંડિતે કરેલો.

મુલ્લા સદાઉલ્લાહ માસીહી પાણીપતમાં પેદા થયેલા અને બનારસમાં બાર વર્ષ રહીને સંસ્કૃત ભણેલા. એમણે ૫૪૦૭ દોહામાં રામાયણ અનુવાદિત કરેલું. આ ફારસી રામાયણની શરૂઆત જ આ દોહાથી થાય છે:
ખુઆવંદા ઝા જામ એ ઇશ્ક કુન મસ્ત
કે દેર મસ્તી ફિસાનામ બર જહાન અસ્ત
(હે ખુદા, મને ઇશ્કની શરાબમાં ચૂર કરી દે જેથી હું જ્યાં પણ જાઉં ત્યાં મસ્તીનો ઝગમગાટ કરતો રહું)
એક બીજો દોહો આ પ્રમાણે છે, જે સીતાની પવિત્રતા માટે લખાયો હતો અને જે પૂરી માસીહી રામાયણમાં સર્વ શ્રેષ્ઠ ગણાય છે.

તનીશ રા પૈરહન યુરિયાન ના દીદા
ચુ જાન અંદર એ તન વા તન એ જાન ના દીદા
(એની નગ્નતા તો એનાં વસ્ત્રો સમક્ષ પણ ઉઘાડી પડી ન હતી, કારણ કે એ તો એના જામામાં એવી રીતે હતી જેવી રીતે અણદીઠો આત્મા શરીરમાં હોય)
માસીહીના આ અનુવાદના કારણે જ સંન્યાસી, દર્શન, ઝરોખા, રસ્તા અને પાન જેવા સંસ્કૃત શબ્દો ફારસીમાં ગયા હતા.

તુલસીદાસે કહ્યું હતું: ‘રામ હી કેવલ પ્રેમ પિયારા’ અર્થાત્ રામને માત્ર પ્રેમ જ પ્યારો લાગે છે. આના પરથી જ ફારસીમાં ‘રામ કરદન’ એવો શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો હતો. ‘રામ કરદન’ એટલે કોઈકને વશીભૂત કરી લેવો-વશમાં લઈ લેવો-પોતાનો બનાવી દેવો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ