ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે ઃ બ્રાન્ડિંગમાં ફેરફાર ક્યારે લાવવા?

-સમીર જોશી

થોડા દિવસો પહેલાં 2024માં કઈ ગાડી વધુ વેચાણી તેનો રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ પ્રમાણે પહેલું સ્થાન ‘ટાટા પંચે’ લીધું અને બીજુ સ્થાન ‘મારુતિ વેગન આર’. બંનેની વચ્ચે તફાવત અમુક હજારોનો છે પણમુદ્દાની વાત તે છે કે ચાર દાયકા પછી અર્થાત આશરે 40 વર્ષ રાજ કરનાર ‘મારુતિ’ને અંતે કોઈએ પાછળ મૂકી અને આ શરૂઆત છે. આનો અર્થ તે નથી કે ‘મારુતિ’ લીડર બ્રાન્ડ નથી, પણ લોકોની પસંદ બદલાઈ રહી છે અને તે મુજબ ગાડીઓ બનવી જોઈએ, ‘મારુતિ’ પાસે તે પ્રમાણેની ગાડીઓ છે અને તે પણ સારી એવી વેચાઈ. મુદ્દો તે છે કે બ્રાન્ડ માટેની લોકોની ધારણા બદલાઈ રહી છે. ‘મારુતિ’ એટલે વેગન આર કે પછી સ્વિફટ તે બદલાવ માગશે. લોકો જઞટ તરફ વળી રહ્યા છે ત્યારે આ બદલાવ જોવામાં આવ્યો.

આજનો વિષય આ જ છે. થોડા સમય પહેલાંઽ વૈશ્વિક સ્તરની ઓટો કંપની ‘જેગવારે’ પોતાનો લોગો બદલ્યો પછી અનેક લોકોએ પોતાનાં મંતવ્યો આપ્યા. વધુ પડતા મંતવ્યો નકારાત્મક હતા, કારણ કેકંપનીએ પોતાના લોગોમાંથી ફેમસ જેગ્વાર પ્રાણીનું પિક્ચર કાઢી નાખ્યું અને ફક્ત ફોન્ટ સાથેનો લોગો બનાવ્યો. આટલાં વર્ષો પછી આ બદલાવનું કારણ શું હતું? આ કંપની થોડા સમયથી નુકસાન કરતી હતી અને ધીરે ધીરે એ નફામાં આવી . નક્કી કર્યું કે સમય સાથે બદલાવ જરૂરી છે અને હવે બધી ગાડીઓ ઇલેક્ટ્રિક બનાવીશું. જયારે લોકોને કંપનીની આ વાત સમજાણી ત્યારેલાગ્યું કે આ પગલું યોગ્ય હતું. આ વાત આપણા વિષયને સમજવા માટે હતી કે મોટી મોટી બ્રાન્ડ પણ સમય આવતા પોતાનાં બ્રાન્ડિંગમાં ફેરફાર લાવે છે.

હવે પ્રશ્ન થશે કે બ્રાન્ડિંગમાં ફેરફાર લાવવા ક્યારે ?

આજના ઝડપથી વિકસતા બિઝનેસ વાતાવરણમાં મજબૂત બ્રાન્ડ આવશ્યક છે. તમારી બ્રાન્ડ એ તમારી કંપનીનો ચહેરો છે, જે તેનાં મૂલ્યો, ઓળખ અને અનન્ય તકોનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે, માર્કેટ અને ક્ધઝ્યુમર અર્થાત ઉપભોક્તાઓની પસંદગીઓ બદલાતી હોવાથી, સમયાંતરે તમારી બ્રાન્ડિંગ વ્યૂહરચનાઓનું પુન:મૂલ્યાંકન કરવું જરૂરી છે. બ્રાન્ડિંગ બદલવાનો સમય આવ્યો છે તેના સંકેતોમાંનોએક એટલે જ્યારે તમારો લોગો, વેબસાઇટ અથવા માર્કેટિંગ સામગ્રી જૂની લાગવા-દેખાવા લાગે છે. બ્રાન્ડ્સ ઝડપથી બદલાય છે અને જે થોડાં વર્ષો પહેલાં અત્યાધુનિક હતું તે ઝડપથી જૂનું અને રસહીન બની શકે છે. વર્તમાનમાં રહેવા માટે, તમારે એવી બ્રાન્ડની જરૂર છે જે ટ્રેન્ડી હોય અને સારી દેખાય. બ્રાન્ડ જૂની થઇ રહી છે તે જાણવાનો સરળ રસ્તો એટલે પ્રતિસ્પર્ધીની આધુનિક બ્રાન્ડિંગની તુલનામાં જો તે ઓછી આકર્ષક લાગે તો પોતાની કંપનીનું બ્રાન્ડિંગ જૂનું છે કે નહીં તે નક્કી કરી શકાય.

બીજી વાત, જેમ જેમ તમારો વ્યવસાય વધે છે તેમ તમારા ગ્રાહકો પણ વધે છે. જો તમને લાગે કે તમારી બ્રાન્ડિંગ હવે તમારા આદર્શ ગ્રાહકો સાથે બંધબેસતી નથી અથવા નવા લોકોને આકર્ષવામાં નિષ્ફળ જાય છેતો આ એક મજબૂત સંકેત છે કે બ્રાન્ડને અપડેટની જરૂર છે. ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને પસંદગીઓને વધુ સારી રીતે સમજવા માટે માર્કેટ રિસર્ચ કરો અને તમારા ગ્રાહકો પાસેથી માહિતી એકત્રિત કરો. જો તમારો વ્યવસાય અન્ય વ્યવસાય અથવા કંપની સાથે મર્જ થઈ રહ્યો છે અથવા હસ્તગત કરવામાં આવી રહ્યો છે અથવા તો નવી માર્કેટમાં તમે પ્રવેશો છો અથવા નવાં ઉત્પાદનો / સેવાઓ લાવી રહ્યા છો, જેનો હેતુ અથવા ઉદેશ્ય જૂની બ્રાન્ડ સાથે મેળ ના ખાતા હોય ત્યારે રિ-બ્રાન્ડિંગ જરૂરી છે.

આનો અર્થ એ નથી કે તમારે તમારી મૂળ બ્રાન્ડની ઓળખને સંપૂર્ણપણે છોડી દેવી પડશે, પરંતુ તમારે તમારી બ્રાન્ડ વ્યૂહરચનાના આધારે ફેરફારો કરવા પડશે. જો તમારી ઇન્ડસ્ટ્રીમાં ધરમૂળથી બદલાવ આવી રહ્યા હોય, જો તમારા પ્રતિસ્પર્ધી તમારાથી વધુ સારું કરી રહ્યા હોય, જો તમારી બ્રાન્ડિંગ તમારી કંપનીની જોઈએ તેવી સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી અથવા તમારા સ્પર્ધાત્મક લાભને વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય છેતો તમારી બ્રાન્ડ વ્યૂહરચનાને બદલવાનો સમય આવ્યો છે તેમ જાણવું-સમજવું.

આપણે જાણીએ છીએ કે વેપાર, પ્રતિષ્ઠા મહત્વની છે. જો તમારા માટે મીડિયામાં ખરાબ વાતો લખાય અથવા અમુક ઘટનાઓએ તમારી બ્રાન્ડની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હોય તો રિ-બ્રાન્ડિંગ વિશ્વાસ પુન:નિર્માણ કરવામાં મદદ કરી શકે છે. જો તમારી બ્રાન્ડિંગમાં સુસંગતતા નથી તો તમારે તેના માટે વિચારવું પડશે. તમારો લોગો અલગ કલરનો છે અને તમારું માર્કેટિંગ મટેરીઅલ અલગ છે તો આવા સમયે તમે તમારા ગ્રાહકોને મૂંઝવણમાં મૂકો છો. આવા સમયે બ્રાન્ડિંગની સુસંગતતા બ્રાન્ડની અલગ છબી ઊભી કરી વધુ વિશ્વાસ નિર્માણ કરશે.

રિ-બ્રાન્ડિંગ માત્ર પરિવર્તન વિશે નથી, પણ આગળ વધવા વિશે પણ છે. રિ-બ્રાન્ડિંગ તમને નવા ગ્રાહકો, નવા સેગ્મેન્ટ સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. તમારી બ્રાન્ડ કંટાળાજનક નહિ, પણ એક વિચારશીલ અને સમય સાથે ચાલતી બ્રાન્ડ છે તે સમજાવશે. તમારા સ્પર્ધકો સાથે અથવા એમનાથી તમે બેહતર છોએવી છાપ ઊભી કરવામાં મદદ કરશે. આમ સમય સાથે બ્રાન્ડમાં બદલાવ તમારા વ્યવસાયના સફળ ભવિષ્ય માટેનો માર્ગ મોકળો કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button