અસ્વીકારની આફત જ્યારે ઉજ્જવળ ભવિષ્યનો અવસર બની જાય…
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
આપણો અસ્વીકાર થાય તે નિષ્ફળતાનો સંકેત નથી- એ કોશિશનો પુરાવો છે. જયારે જયારે અસ્વીકારનો સામનો થાય છે, ત્યારે ત્યારે તે એક અવસરની સ્થિતિ પેદા કરે છે.
આફતમાં અવસર શોધવો એટલે શું?
એ જ કે આફત આવી જ પડી છે તો પછી હવે તેનો સ્વીકાર કરીને તેમાંથી આપણું હિત કેવી રીતે સાધી શકાય તેનો વિચાર કરવો તે.
અભિનેતા મનોજ બાજપાઇના જીવન પર હમણાં એક રસપ્રદ પુસ્તક હમણાં થયું છે. પુસ્તકમાં આ વાતનું સરસ રીતે સમર્થન મળે છે. એમાં પુસ્તકના લેખક પિયુષ પાંડેને, મનોજે પોતાના જીવન અને કામની ઘણી રોચક વાતો કરી છે.
મનોજની અભિનય યાત્રા- કારકિર્દીની શરૂઆત, દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)માંથી થઇ હતી. મનોજ ૧૯૮૬માં પ્રથમ વખત એનએસડી પ્રવેશ પરીક્ષામાં બેઠો હતો. એ આશાવાદી હતો, કારણ કે એની પાસે લગભગ ત્રણ વર્ષનો થિયેટરનો અનુભવ હતો. એક અભિનેતા તરીકે એનામાં ઘણો આત્મવિશ્વાસ આવી ગયો હતો અને સંવાદ બોલવાની એની છટા પણ સશક્ત થઇ હતી.
ત્યાં એનો પરિચય બીજા એક ઉત્સાહી યુવાન વિજય રાજ અને (હવે બોલિવૂડમાં નિર્દેશક) તિગ્માંશુ ધૂલિયા સાથે થયો-
દોસ્તી થઇ. ત્રણે સાથે જ પરીક્ષાની તૈયારી કરતા હતા. વિજય બનારસ હિંદુ યુનિવર્સિટીનો સ્નાતક હતો અને
એનએસડીમાં જવા માંગતો હતો. તિગ્માંશુમાં તો એટલો આત્મવિશ્વાસ હતો – ગળા સુધી ખાતરી હતી કે
એનએસડીમાં એને એડમિશન મળી જશે.
એવું જ થયું. તિગ્માંશુને પહેલા જ પ્રયાસમાં એડમિશન મળી ગયું; મનોજ અને વિજય પરીક્ષા પણ પાસ કરી શક્યા નહીં. એ વર્ષ બગડ્યું.
હવે? મનોજ આઘાતમાં સરી પડ્યો.એણે ક્યારેય આવા પરિણામની અપેક્ષા નહોતી રાખી.
પુસ્તકમાં એ કહે છે : હું નિષ્ફળ ગયો હતો અને તે એક હૃદય વિદારક અનુભવ હતો, કારણ કે મારી પાસે પ્લાન બી નહોતો. હું એક રૂમમાં ભરાઈ ગયો હતો. મને વિચિત્ર વિચારો આવતા રહ્યા હતા અને એમાંથી એક વિચાર આત્મહત્યાનો હતો. મિત્રો મારા સમર્થનમાં આવ્યા અને મને ગઈગુજરી ભૂલી જવા માટે પ્રેરણા આપી હતી.
એનએસડીમાં એડમિશન મળી ગયું હોત તો મનોજના બે પ્રશ્ર્ન ઉકલી ગયા હોત- ત્યાં એ અભિનય કળામાં પારંગત
થઇ ગયો હોત. એનએસડીમાં ધૂરંધર શિક્ષકો હતા , જે ખુદ ખુબ સારા અભિનેતા હતા. મનોજને એમના જેવું બનવું હતું. એનએસડીના ઘણા વિધાર્થીઓ ભણતર પૂરું કરતાં પહેલાં જ ઉમદા અભિનેતા તરીકે સ્થાપિત થઇ ગયા હતા. મનોજને એટલે જ ત્યાં ભણવું હતું.
બીજું, મનોજને એનએસડીની થિયેટરની દુનિયામાં સમર્પિત થવું હતું. કેમ્પસ બહારની દુનિયામાં મનોજને ફાવતું નહોતું. મનોજે એક વખત એનએસડી કાર્યક્રમમાં કહ્યું હતું કે, બહાર બહુ મગજમારી થાય છે… જેમ કે તમે રિહર્સલ કરીને પાછા આવો ત્યારે મકાનમાલિક તમારી રાહ જોતો હોય, ખાવાનું બનાવાની ચિંતા હોય, બસની ભીડમાં કચડાવાનું હોય. એનએસડીમાં બહુ સુખ છે. ત્યાં તમે તમારી કળાને ધાર કાઢવા પર ધ્યાન આપી શકો. મારે એ રીતે ભણવું હતું…
એકવાર એનએસડીનું સ્વપ્ન ચકનાચૂર થઇ ગયું પછી મનોજને જીવનની કઠોર વાસ્તવિકતાનું ભાન થયું. વિજય અને અન્ય અમુક દોસ્તો સાથે એ સંભવ નામના એક નવા થિયેટર વર્કશોપમાં જોડાયો. ત્યાં ૨૫૦૦ રૂપિયાનો એક વર્ષનો તાલીમ અભ્યાસક્રમ શરૂ થવાનો હતો. એનએસડીના સ્નાતકો ત્યાં ભણાવવા માટે આવવાના હતા. મનોજ કહે છે : હું તેના વિશે એટલો ઉત્સાહિત હતો કે મેં વર્કશોપમાંથી એક દિવસ પણ રજા લીધી નહોતી.
વિજય કહે છે : અમે એક સરકારી ઉત્સવમાં સાત દિવસ સુધી એક નાટકમાં બેકસ્ટેજ પર સેવા આપીને ૨૫૦૦ રૂપિયા ભેગા કર્યા હતાં. એ અમારા માટે લોટરી હતી. જે દિવસે પૈસા હાથમાં આવ્યાં તે દિવસે અમે ધાબા પર પાર્ટી કરી હતી. એ પૈસાથી અમુક દિવસો સુધી કડકાઈ ભાંગી હતી.
એવી રાજાશાહી દુર્લભ હતી. ઘણીવાર મનોજ પાસે બસની ટિકિટ ખરીદવા માટે પૂરતા પૈસા ન હતા. મનોજના ભાડાના ઘરે જવા માટે બસનો ખર્ચ ૧ રૂપિયા થતો હતો. ક્યારેક ૮-૧૦ રૂપિયા ભેગા થાય ત્યારે સિનેમા જોવા જતો. પૈસા બચાવવા માટે મનોજે દિલ્હી યુનિવર્સિટીમાં પાલી ભાષાના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો, કારણ કે તેનાથી એક મહિના માટે ૧૨.૫૦ રૂપિયાનો ડીટીસીનો બસ પાસ મળતો હતો.
મનોજ કહે છે : મારું મન પાલી ભાષામાં નહોતું. હું માત્ર અભિનય શીખવા માંગતો હતો. જ્યારે સંભવ વર્કશોપ શરૂ થયો ત્યારે મેં પાલી ભાષાનો અભ્યાસક્રમ બંધ કરી દીધો.
વર્કશોપ એક વર્ષનું હતું. વર્ષ પછી મનોજ ઠેરનો ઠેર આવી ગયો. આ વખતે તે એનએસડીમાં એડમિશન માટે કૃતનિશ્ર્ચયી હતો. એણે પૂરી નિષ્ઠા સાથે પરીક્ષાની તૈયારી શરુ કરી.
કમનસીબે તે બીજી વખત પણ નિષ્ફળ ગયો. ફરી પાછી હતાશા ઘેરી વળી, પણ એણે આશા છોડી નહોતી. થોડા દિવસ પછી એણે વિવિધ નાટ્ય જૂથો સાથે કામ કરવાનું શરુ કર્યું. એ વર્ષે તે નાટકોમાં ઘણું શીખ્યો.
એ જ કારણ હતું કે એનએસડીમાં એડમિશન મળ્યું નહોતું છતાં, મનોજ કેમ્પસમાં અને તે વખતના પ્રખ્યાત નાટ્ય નિર્દેશકોમાં જાણીતો થઇ ગયો હતો. એ પછી પણ તે ત્રીજી વખત નિષ્ફળ રહ્યો હતો. વિજય રાજ પણ નિષ્ફળ ગયો હતો. એ બન્ને એનએસડીના લોનમાં બેઠા અને તેમના ભવિષ્ય વિશે લાંબી વાત કરી . એ વખતે એનએસડીમાં રાજકારણના આટાપાટા રમાતા હતા અને મનોજ એનો ભોગ બન્યો , કારણ કે એ બિહારનો હતો અને એનએસડી વાળા ગામડિયા લોકોને એડમિશન આપવાની પરંપરા શરુ કરવા માંગતાં નહોતા.
મનોજ કહે છે : ત્રીજી વાર નાપાસ થવાથી મને મારા અસ્વીકારની આદત થઇ ગઈ હતી. ત્યાંના પ્રોફેસર ત્રિપુરારી શર્મા તો મને નિષ્ફળ જવા છતાં પ્રયાસ કરતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કેમ્પસ બહારનો સંઘર્ષો શીખવાની પ્રક્રિયાને મુશ્કેલ બનાવે છે. હું અવિરત તાલીમ માટે એનએસડીમાં જવા માંગતો હતો. એ બન્યું નહીં, પરંતુ તેણે મારામાં સખત મહેનતનો ગુણ સ્થાપિત કરી દીધો. ઉપરાંત, મેં એનએસડી પુસ્તકાલયનો વ્યાપક ઉપયોગ કર્યો.’
આજે મનોજ બાજપેયી હિન્દી સિનેમા અને થિયેટરમાં જે કંઈ છે તે એની આ નિષ્ફળતાના કારણે છે. અસ્વીકાર આકારો હોય છે. એ આત્મવિશ્વાસને તોડી નાખે છે. એ તમને તમારી ક્ષમતા અને લાયકાત પર શંકા કરતા કરી દે છે. એટલા માટે અસ્વીકારનો સામનો કરતાં આવડે તો તે આફતને અવસરમાં પલટી નાઅખે છે.