ટૅક વ્યૂહ : લો, બદલી ગયું વૉટ્સઍપ નાઉ, ચેટ વીથ ચેન્જ!

-વિરલ રાઠોડ
‘કરાગ્રે વસતે લક્ષ્મી…’ આ શ્લોકનું પાલન કરનારા હવે ગણી શકાય એટલા હશે. હકીકત એ સ્વીકારવી પડે કે, હવે નેટ બંધ થાય ત્યારે નીંદર (ઊંઘ) આવે છે અને હવે એલાર્મ કરતાં જવાબદારીના કોલ્સથી મોર્નિંગ થાય છે. એ પછી ગુડ છે કે બેડ એ વ્યક્તિના કામ પરથી નક્કી થાય છે. અગાઉ એવું કહેવાતું કે, જે વ્યક્તિની ચા બગડી એનો આખો દિવસ બગડ્યો. હવે વોટ્સએપમાં એક અણગમતો મેસેજ આવ્યો એટલે ચા બગડી. દૈનિક જીવનમાં એક અભિન્ન ડિજિટલ અંગ સમાન બની રહેલી એપ્લિકેશન વોટ્સએપથી દરેક વ્યક્તિનું જીવન બદલ્યું છે.
મેસેજથી લઈને મસ્તીભરી ક્ષણને લોકો સુધી પહોંચાડવા સુધી. રિએક્શનથી લઈને રિલેશનશીપમાં કોઈને બર્થ – ડે કે એનિવર્સરી વિશ કરવા સુધી. સ્ટીકરથી લઈને મેસેજ સ્ટોર કરવા સુધી. વર્ષ 2009માં આવેલી આ એપ્લિકેશ હવે જડમૂળથી બદલી રહી છે અને હવે વાત ત્યાં સુધી ચાલી રહી છે કે, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ‘મેટા’એ વેચવા પડી શકે છે. જોકે, રેવન્યૂની વાતને બાજુએ મૂકી આ એપ્લિકેશનમાં ટૂંકા સમયમાં આવેલા કેટલાક મહત્ત્વના બદલાવ અંગે વાત કરીએ.
વર્ષ 2025ની શરૂઆતમાં એક અપડેટ એવી આવી કે, જ્યાં સુધી તમે કોઈનો નંબર સેવ ન કરો ત્યાં સુધી એનું પ્રોફાઈલ કે સ્ટેટસ પણ ન દેખાય. સિક્યોરિટી અપડેટમાં પછી એવું આવ્યું કે, જેને સ્ટેટસ કે પ્રોફાઈલ પિક્ચર જોવા જ નથી દેવા એવા લોકોને આ લીસ્ટમાં મૂકી શકાય છે. અગાઉ વોટ્સએપ એપ્લિકેશનની ટીમે એવું નોંધ્યું કે, બીજી કોઈ એપ્લિકેશનમાંથી એડિટ કરેલા વીડિયો અને મ્યુઝિક એડ કરીને લોકો પોતાના સ્ટેટસ પર મૂકે છે.
વાત વીડિયો પૂરતી સીમિત ન હતી. કંપનીએ મ્યુઝિકના પ્લગઈન લઈ લીધા. એમાં પણ એડિટનું ઓપ્શન આપીને વોટ્સએપના સ્ટેટસને ફેસબુકની સ્ટોરીની બરોબર બનાવી દીધું. અગાઉ ફેસબુકની સ્ટોરી મૂકી હોય એ ડાઉનલોડ કરી શકાતી પણ જ્યારે એ જ ફાઈલ વોટ્સએપ પર મૂકીએ એટલે મ્યુઝિક આવતું નહીં. નવી અપડેટમાં વોટ્સએપના સ્ટેટસ મૂકવા સાથે જ ઉપરની બાજુમાં મ્યુઝિકનું ઓપ્શન આપી દીધું.
હવે એંધાણ એવા પણ છે કે, કોઈ ટેક્સ મેસેજ કે સ્ટેટસ ઉપર પણ મ્યુઝિક સેટ કરી શકાશે. બોરિંગ લાગતી ચેટને રસપ્રદ બનાવવા માટે કંઈક નવું તો કરવું જ પડે. આ વાતને આત્મસાત કરીને કંપનીએ ચેટ ઓપ્શનમાં બેગ્રાઉન્ડ કલર અને ફોટા સેટ કરવાનો વિકલ્પ આપી દીધો છે. હવે એમાં પણ ચોક્કસ ગ્રૂપ અને વ્યક્તિને ચેટબોક્સમાં થીમ સેટ કરી શકે છે. આને કહેવાય યુઝર્સને સતત એપ્લિકેશન સાથે જોડી રાખવાના નુસખા. કંપનીએ અખતરા કરવામાં બાકી નથી રાખ્યું. વોટ્સએપના વીડિયોકોલમાં લાઈવ કોલમાં ફિલ્ટરના ફીચર્સ આપી દીધા. એટલે ચાલુ કોલ હોય ત્યારે પાછળનું બેકગ્રાઉન્ડ બદલવું હોય તો થાય. રિએક્શનમાં વધારે ઈમોજી મૂકવાની મોકળાશ આપી દીધી.
ડિજિટલ પ્લેટફોર્મ પર ચેટને લઈને થયેલો સર્વે એવું કહે છે કે, ઈમોજી તમારી વાતચીતને થોડી લાઈટ અને ઈફેક્ટિવ બનાવે છે. સરળતાથી સમજાવે છે અને ક્લોઝનેસ વધારે છે. હવે આ જ ઈમોજીને કોઈના આવેલા મેસેજ પર રિએક્શન તરીકે મોકલી શકાશે.
‘કોલ ઈફેક્ટ’ નામનું ફીચર્સ નવું છે. જેમાં ચાલુ કોલ પર જે તે વ્યક્તિના ફેસ પર માસ્ક કે ઈમોજી સેટ કરી શકો છો. હા, ડેસ્કટોપ કે લેપટોપર પરથી કોલ કરશો અને વેબકેમેરો સારો હશે તો જ આ ઈફેક્ટની મજા માણી શકાશે. જે રીતે સાઉથની કે અંગ્રેજી ફિલ્મમાં નીચે સબટાઈટલ્સ આવે છે. જેથી ડાયલોગ્સ કે પાત્ર શું કહેવા માગે છે એને સમજી શકાય, આ જ ફીચર્સ હવે વોટ્સએપ પણ આપે છે. આના માટે સેટિંગમાં જઈ, ચેટ ઓપ્શનમાં જઈ વોઈસ મેસેજ ટ્રાંસસ્ક્રિપ્ટ ઓપ્શન એક્ટિવ કરવું પડશે. આમ કરતા જ મેસેજમાં આવતા વોઈસનોટની સાથે નીચે સબટાઈટલ્સ પણ આવશે. એટલે મેસેજ સાંભળવા કરતાં પહેલા સરળતાથી વાંચી શકાશે.!
સૌથી સારી અને જોરદાર વાત એ છે કે, એક વધારાનું મેનું એડ થઈ ગયું, જેમાં અનરીડ મેસેજ, ગ્રૂપ, ફેવરિટ એવું બધુ સરળતાથી કસ્ટમાઈઝ કરી શકાય છે. આ ઉપરાંત એને પણ અનુકૂળતા પ્રમાણે સેટ કરી શકાય છે.
આઉટ ઓફ બોક્સ
9 માર્ચ 1998ના દિવસે ‘યાહુ’ મેસેન્જર શરૂ થયેલું. ઈન્ટરનેટ બેઝ સોફ્ટવેર યુગની એ શરૂઆત હતી. વીડિયો કોલિંગનું ફિચર્સ સૌ પ્રથમ ઈન્ટરનેટની દુનિયામાં લાવનાર કંપની ‘યાહુ’ છે.
આપણ વાંચો : ટૅક વ્યૂહ : ચેટબોટ સાથે ચેટિંગ: લાવી દો, આંગળીના વેઢે નીવેડો!