ઉત્સવ

સામ્યવાદીઓ હવે શું કરશે?

રામમંદિર જઈ દર્શન કરશે કે પોતાનો દંભ ચાલુ રાખશે?

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

આજકાલ સામ્યવાદીઓ ભારે દ્વિધામાં છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરના દર્શને જવું કે નહીં?!

આમ તો સામ્યવાદીઓ પોતાની જાતને નાસ્તિક ગણાવે છે, પરંતુ રાજકીય લાભ મળે તો કદાચ રામમંદિરના દર્શને જાય પણ ખરા!
અગાઉ બનેલી એક ઘટના પણ આ ક્ષણે યાદ કરી લઈએ. કોઇએ કદાચ કલ્પના નહીં કરી હોય કે કહેવાતા નાસ્તિક સામ્યવાદીઓ પણ ભગવાનમાં માનતા થઈ, મંદિરમાં જવા માટે પડાપડી કરશે!
થોડાં વર્ષો પહેલાં કેરળના સબરીમાલા અય્યપા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને વિવાદ થયો હતો. સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ કરીને દાદ માંગવામાં આવી હતી કે સબરીમાલા મંદિરમાં રજસ્વલા સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવતો નથી એ ભેદભાવ છે અને કોર્ટ યોગ્ય ચુકાદો આપે. સુપ્રીમ કોર્ટે રજસ્વલા મહિલાઓને પણ સબરીમાલા મંદિરમાં દર્શનાર્થે જવાની પરવાનગી આપી.

બબાલ અહીંથી શરૂ થઈ. બહુમતી હિન્દુઓની દલીલ છે કે, હિન્દુ પરંપરા પ્રમાણે જે રીતે સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓ જઈ શકતી નથી એજ રીતે દેશમાં (આસામ) કેટલાંક એવાં મંદિરો પણ છે કે જ્યાં પુરુષોને પ્રવેશનો અધિકાર નથી. કેરળમાં સામ્યવાદી સરકાર છે. કેરળની હિન્દુ મહિલાઓએ જ ભારે માત્રામાં ભેગા થઈ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો.

સામાન્ય રીતે કટ્ટર ડાબેરીઓ કે સામ્યવાદીઓ કોઇ પણ ધર્મની ધાર્મિક પરંપરામાં નહીં માનતા હોવાનો ઢંઢેરો પીટતા રહે છે. મજાની વાત એ છે કે આજ સામ્યવાદી સરકારે રાતના અંધારામાં પોલીસની મદદથી બે સામ્યવાદી મહિલાને મંદિરમાં ધકેલી જાણે વિશ્ર્વયુદ્ધ જીતી લીધું હોય એમ વિજયોત્સવ મનાવ્યો! ગણત્રીના દિવસોમાં જ સામ્યવાદીઓ દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે કેરળમાં ૩૫ લાખ મહિલાઓએ સાંકળ રચીને મંદિરના મહિલા પ્રવેશની તરફેણમાં દેખાવ કર્યો હતો. બુરખા પહેરેલી આ કહેવાતી ચળવળકાર મહિલાઓની તસવીરો અને વીડિયો ક્લિપ્સ આખા દેશના છાપાં-ટી.વી. પર ચમકી. હિન્દુ શ્રદ્ધાળુઓને ઠેંગો બતાવી આડકતરી રીતે કહેવામાં આવ્યું કે, લો જોઈ લો!

જો કે એક બુદ્ધિશાળી વ્યક્તિએ ગણિત મુકીને ગણતરી કરી કે જો ૩૫ લાખ મહિલાઓ લાઇનસર ઊભી રહી સાંકળ બનાવે તો એ લાઇન લગભગ ૯૦૦ કિલો મીટર જેટલી એટલે કે કેરળથી વલસાડ જેટલી લાંબી થાય! જો કે પ્રોપેગેનડા કે કૂપ્રચારમાં કટ્ટર ડાબેરીઓ અને માર્ક્સવાદીઓને કોઈ ન પહોંચી શકે એનો સાક્ષી ઇતિહાસ છે.

અંગ્રેજોના સમયમાં અને ત્યાર પછી પણ લખવામાં આવેલા ઇતિહાસના મોટાભાગના લેખકો સામ્યવાદી વિચારધારાવાળા હતા (અને આજે પણ છે…). અત્યાર સુધી આપણે સ્કૂલ – કોલેજના ઇતિહાસમાં જે ભણ્યા એમાં મોટેભાગે હિન્દુઓને નબળા- હંમેશાં યુદ્ધ હારનારા કે કટ્ટર રૂઢિચૂસ્ત તરીકે ચીતરવામાં આવ્યા છે. સામ્યવાદીઓએ જે ગપ્પા લખ્યા છે એ શબ્દોની જો સાંકળ બનાવવામાં આવે તો આખી પૃથ્વીની લાખ્ખો પ્રદક્ષિણા પણ
ઓછી પડે!

સમગ્ર વિશ્ર્વ અને ભારતનાં એકાદ-બે રાજ્યને બાદ કરતાં સમગ્ર વિશ્ર્વમાંથી સામ્યવાદી શાસનનો એક્ડો નીકળી ગયો છે, છતાં એ પ્રજાતિ સુધરવાનું નામ નથી લેતી. માર્ક્સવાદી વિચારધારા તમામ ક્ષેત્રે નિષ્ફળ રહી છે. કેટલાક કહેવાતા બૌદ્ધિક ડાબેરીઓ એવી ડંફાસ મારતા રહે છે કે એમની કોઈ વિચારધારા નથી, પરંતુ એ તો સત્યને પડખે છે. કદાચ એમની હાલત કોઈ અતિ ગંભીર જીવલેણ બીમારીના પેલા દર્દી જેવી છે કે, જેમના શરીરમાં પેલા વાયરસ ઘૂસેલાં છે, પરંતુ એની જાણ એમને ખુદને નથી.

૬૦ લાખ યહૂદીઓની હત્યા કરનાર હિટલરને આ લોકો નરભક્ષી-નાઝી, ફાસિસ્ટ કહે છે, પરંતુ ૨ કરોડથી વધુ નિર્દોષ નાગરિકોને ક્રૂરતાથી મારી નાખનાર સ્ટાલિન અને માઓને ક્રાંતિકારી ગણાવે છે! અલ કાયદા- આઇસીસ કે કાશ્મીરના આતંકવાદીઓ માટે એમને કૂણી લાગણી છે, પરંતુ વિશ્ર્વના ૭૦ થી વધુ ઇસ્લામિક દેશો સામ્યવાદી – માર્ક્સવાદીઓને શા માટે ગટરના કીડા જેવા ગણે છે એનો જવાબ એમની પાસે નથી. દુનિયાની તમામ લકઝુરિયસ- વૈભવી વસ્તુઓનો ઉપયોગ એ કરે છે. ફાઇવસ્ટાર હોટલમાં ઊતરે છે. શ્રેષ્ઠ વાઇન પીએ છે.
બિઝનેસ કલાસમાં એર- ટ્રાવેલ કરે છે. ને બચાવ કરે છે આપણા સુરક્ષાદળના કર્મચારીઓની નિર્મમ હત્યા કરનારા માઓવાદી-નક્સલવાદીઓનો… આજકાલ જો કે એમને ‘અર્બન નક્સલ’નાં નામે પણ ઓળખવામાં આવે છે.

૩૪ વર્ષ સુધી બંગાળમાં શાસન કરીને એમણે બંગાળને કંગાળ રાજ્ય બનાવી દીધું. એ પછી મમતા બેનર્જીએ એકલે હાથે એમની પાસેથી શાસન છીનવી લઈ એટલા જોરથી લાત મારી છે કે હવે દાયકાઓ સુધી એ લોકો બંગાળમાં સત્તા નજીક પણ ફરકી શકે એમ નથી. આવનારાં થોડાં વર્ષોમાં એમની હાલત કેરળમાં પણ બંગાળ જેવી જ થવાની છે.

વિશ્ર્વફલક પર પણ નજર કરીએ તો ખ્યાલ આવે છે કે આ કટ્ટર ડાબેરીઓએ જે જે દેશમાં શાસન કર્યું એના બેહાલ કરી નાખ્યા છે. ઉત્તર કોરિયાથી લઇને ક્યુબા જેવા દેશમાં માનવઅધિકાર- ન્યાયતંત્ર- વાણીસ્વાતંત્ર્ય વત્તા લોકશાહીની હત્યા તો એમણે કરી જ છે એની સાથે પ્રજાને પણ એટલી મોટી આર્થિક બેહાલીમાં ધકેલી દીધી કે એ બધા દેશ સામ્યવાદીઓની ચુંગાલમાંથી છૂટે તો પણ એમની ગાડી પાટા પર આવતાં પાંચ દાયકાથી વધુ સમય નીકળી જાય એમ છે. લેટિન અમેરિકન દેશ વેનેઝૂએલામાં થોડાં વર્ષોથી એકઝેટલી સામ્યવાદીઓનું નહીં, પરંતુ એમના પિતરાઇ ભાઈ એવા સમાજવાદીઓનું શાસન છે. એક સમયે વિશ્ર્વના એક અતિ સમૃદ્ધ અને સુ:ખી દેશ તરીકે વેનેઝૂએલાની ગણતરી થતી હતી. થોડા દિવસો પહેલાં જ વેનેઝૂએલાની આજની પરિસ્થિત વિશે બયાન કરતી ડોક્યુમેન્ટરી જોઈ..ત્યાંના પેટાળમાં કુદરતે તેલનો અઢળક પુરવઠો આપ્યો છે. પેટ્રોલ ત્યાં મફતના ભાવે વેચાય છે, પરંતુ પેટ્રોલ-ડિઝલ સિવયા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ દુર્લભ છે. પેટ્રોલ પંપવાળાને થોડી પાંઉ

આપો તો તમારી આખી ટાંકી મફતમાં પેટ્રોલ ભરી આપે! બ્રેડથી માંડીને દવા સુધી તમામ વસ્તુનું રેશનિંગ છે. વૃદ્ધ સ્ત્રી-પુરુષો સહિત પ્રેગનન્ટ મહિલાઓએ બ્રેડનો એક ટુકડો કે થોડા ફળ લેવા સવારે ત્રણ વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવું પડે છે. ટ્રેનની ટિકિટ માટે પણ કોથળા ભરીને પૈસા લઈ જવા પડે એટલો બધો ત્યાં ફુગાવો છે. સામ્યવાદીઓનાં આ પિતરાઈ ભાઇઓએ એ દેશને લૂંટી બરબાદ કરી નાખ્યો છે.

સબરીમાલાના અય્યપા મંદિરની વાત પર પાછા આવીએ તો શ્રદ્ધાળુઓ માને છે કે, મંદિરમાં દર્શન પહેલાં ૪૧ દિવસના કઠોર તપ-સાધના કરવા પડે. તૃપ્તી દેસાઈ નામની મહારાષ્ટ્રની એક મહિલા જબરદસ્તીથી મંદિરમાં પ્રવેશવા કેરળ ગઈ અને વીલે મોઢે પાછા ફરવુ પડ્યું ત્યારે ડંફાસ મારતા કહ્યું કે : હવે હું ગેરીલા યોદ્ધાની જેમ મંદિરમાં પ્રવેશ કરીશ!

આ બધું જોઈને-સાંભળીને ઘણાને નવાઈ લાગી રહી છે કે, મંદિરની મૂર્તિની ઘણી ખરાબ રીતે પવિત્રતા અભડાવીને એની મર્યાદા તોડનારા અને મૂર્તિને ફક્ત પથ્થર સમજનારાઓ સામ્યવાદીઓ શા માટે એકાએક બદલાઈ ગયા છે? શા માટે હવે એમને ભગવાનના દર્શન કર્યા વગર ચાલે એમ નથી અને શા માટે કટ્ટર ડાબેરીઓ રાતોરાત ભક્ત બની ગયા?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…